28 November, 2025 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન
એ જ બપોરે મજાર ગયેલી શ્રાવણીએ અબ્દુલને સંદેશો આપ્યો. તેની સૂચના મુજબ વળતા બુકશૉપમાં કુરાનના પુસ્તકનો ઑર્ડર આપતી આવી.
- અને ત્રીજી બપોરે બાઇડિંગ કરેલું કુરાન કુરિયરમાં આવ્યું. એનાં આગળ-પાછળનાં કોરાં પાનાં જોઈને શ્રાવણીની કીકીમાં ચમક ઊપસી.
એમાં આગળની સૂચના અને આમિરનું ભાવિ બેઉ કેદ હતાં!
lll
રાવલપિંડી મિલિટરી હૉસ્પિટલ.
બીજી સવારે અગિયારેક વાગ્યે માર્કેટ ઊતરીને ફાતિમાએ રાબેતા મુજબ રસૂલને રવાના કર્યો : મને વાર લાગશે, તમે કલાકેક પછી આવો..
...અને અડધો કલાકે બે હાથમાં ખરીદીના થેલા ઊંચકી બજારમાંથી નીકળી તે દૂર હૉસ્પિટલના બોર્ડ તરફ અછડતી નજર ફેંકીને આમતેમ જુએ છે અને અચાનક તમ્મર ખાઈને ઢળી પડે છે...
એવો જ સામી રેંકડી પર બેઠેલો માણસ (નીલ) દોડી આવ્યો : અરે, યે ઔરત બેહોશ હો ગઈ હે... તારિક, ઇસકો મેરી ટૅક્સી મેં ડાલ...
ટોળુ જોતું રહ્યું અને બીજી મિનિટે તેની ટૅક્સી બેહોશ બાઈને લઈને મિલિટરી હૉસ્પિટલના રસ્તે ભાગી.
lll
‘આઇ ઍમ સો હૅપી આમિર!’
મહિને બે વાર ઉસ્માન આમિરને એક્ઝામિન કરતા. આમિરે પોતાને પાકિસ્તાની સ્વીકાર્યા પછી તેમને પણ હવે આ રૂટીન ચેકઅપની જરૂર નહોતી લાગતી. હૉસ્પિટલમાંથી નીકળીને પાર્કિંગ તરફ વળતી આયેશા આની ખુશી જતાવે છે કે એક ટૅક્સી તેમની આગળ ઊભી રહી. પાછળ ગેટનો ચોકિયાત રાડ નાખતો આવ્યો : યે મિલિટરી હૉસ્પિટલ... હૈ, બિના ચેકિંગ કહાં ભાગે જાતે હો.
ડ્રાઇવરે ઊતરીને આમિરને સાદ પાડ્યો, ‘ભાઈજાન, મદદ કરો. કોઈ બાઈ બજારમાં બેહોશ થઈ ગઈ છે. તેને નજીકની ઇસ્પિતાલમાં જ લઈ જવાની હોયને...’
ડોક ધુણાવીને આમિરે પાછલી સીટ પર આડી પડેલી બાઈને બે હાથમાં ઊંચકી એવો જ ચિત્તમાં સળવળાટ સર્જાયો. બાઈ બુરખામાં હતી, પણ ચહેરાની જાળી ખુલ્લી હતી.
આ ચહેરો!
‘આમિર, હું સ્ટ્રેચર મગાવું છું...’ આયેશા અંદર તરફ વળી. ડ્રાઇવરે ટૅક્સી ગેટ તરફ વાળી અને ઇમર્જન્સી વૉર્ડ તરફ કદમ ઉપાડતા આમિરની આંખો તેના ચહેરા પરથી હટતી નથી.
ક્યાં જોયો છે આ ચહેરો?
lll
તે હાંફી રહ્યો.
બસ, હવે બરફનો આ પહાડ ચડવા જેટલી જ દૂર છે મારા વતનની ધરતી... હવે હામ હારવી નથી, યુ કૅન ડૂ ઇટ મેજર આમિર! વતનમાં તારી મેહબૂબા કાગડોળે રાહ જોઈ રહી છે.
મેહબૂબા.
આજ સુધી ધૂંધળો રહેતો ચહેરો આજે એકદમ સ્પષ્ટ છે. કેવો રૂપાળો એ ચહેરો! રિસાઈ હોય એમ તે કહે છે : આટલા વખતે તમારી શ્રાવણી તમને સાંભરી આમિર!
-અને આંચકાભેર બેઠો થઈ ગયો આમિર!
‘શું થયું આમિર?’
પડખે સૂતેલી માનુની કાળજીભેર પૂછે છે. આમિર અજાણ્યાં નેત્રે તેને તાકી રહ્યો.
‘વળી પાક પહેરામાંથી છટકવાનું સમણું આવ્યું? પ્રિયતમાનો ધૂંધળો ચહેરો દેખાયો? ઓહ, કમબખ્ત હિન્દુસ્તાનીઓનું ટૉર્ચર!’
હેરતભર્યાં નેત્રે આમિર તે સ્ત્રીને અને તેણે ધરેલા અખબારના કટિંગને નિહાળી રહ્યો.
‘હવે આ સપનાનો કોઈ મતલબ નથી આમિર. તમે જનરલ બેગને ભારતની તબાહીનો પ્લાન આપી ચૂક્યા છો...’
જનરલ બે...ગ. ભા...રતની તબાહી!
‘તમને યાદ છે આમિર?’ પૂછીને દર વખતની જેમ આયેશા કિસ્સા દોહરાવતી રહી.
ઇસ્લામાબાદની કૉલેજના કૅમ્પસમાં પાંગરેલી પ્રણયગાથા... કરાચીનું હનીમૂન...
આયેશા નામની આ સ્ત્રી ગોખાઈ ગયું હોય એમ વાર્તા કહેતી હતી!
છેવટે થાકીને પોઢી ગયેલી ‘પત્ની’ પર નજર નાખતા આમિરના દિમાગમાં કડાકા-ભડાકા થતા હતા.
આજે સવારે હૉસ્પિટલમાં શ્રાવણીને જોઈ ત્યારથી સળવળતા સ્મૃતિના તાર સપનાના રસ્તે જોડાઈ ચૂક્યા છે એની આ ઔરતને ક્યાં જાણ છે!
આમિરની નજર સામી દીવાલે હૅન્ગરમાં લટકતા કોટ પર ગઈ. સવારે ‘બેહોશ’ શ્રાવણીને વૉર્ડમાં લઈ જતો હતો ત્યારે તેણે કોટના ગજવામાં કશુંક સરકાવ્યાનો વહેમ થયેલો...
આયેશાની ગાઢ નિદ્રાની ખાતરી કરીને તે ચુપકેથી કોટના ગજવામાંથી લિફાફો લઈને બાથરૂમમાં સરકી ગયો.
કવરની અંદર કોરો કાગળ જોઈને તેના હોઠ પર સ્મિત પ્રસરી ગયું.
lll
‘મારા મેહબૂબ,
કોરા કાગળને તમે વાંચી રહ્યા હો આમિર તો એનો અર્થ એ કે તમારી મેમરી આવી ચૂકી છે.
યાદદાસ્તના ગોટાળામાં તમે ઇસ્લામાબાદથી ઉપડનારી ન્યુક્લિયર વેસ્ટ ધરાવતી પૅસેન્જર ફ્લાઇટને આપણા સંસદભવન પર ક્રૅશ કરવાનો પ્લૉટ બેગને આપીને તેનો વિશ્વાસ જીતી ચૂક્યા છો. બેગ, કર્નલ મુસ્તફા અને બિલાવલ ખાન સાથે રાવલપિંડીના ગુપ્ત ભોંયરામાં તમારી મંત્રણાઓ થતી હોય છે. તમારી ‘વાઇફ’ આયેશા ખરેખર તો ISIની જાસૂસ છે.
આ બધું એટલા માટે લખ્યું કે જૂની સ્મૃતિ તાજી થતાં હાલનું ભુલાયું હોય તો તમે ગફલતમાં ન રહો.
તમને તમારા જ દેશ વિરુદ્ધ યુઝ કરવા માગતા બેગને પાઠ ભણાવવાનો વખત આવી ગયો છે.
આગળની સૂચના માટે પીરબાબાની મજારમાં ફૂલવાળા અબ્દુલને મળજો. તમે પૂછશો ઇધર સે લાહોર કૌન સી બસ જાએગી? તે કહેશે : તીન સૌ તેઇસ.
દરમ્યાન તમે બેગના વિશ્વાસુ તરીકેનો અભિનય ચાલુ રાખજો.
- તમારી શ્રાવણી
આમિરના હોઠ સ્મિતમાં વંકાયા. આ મૅજિક પેપરની ખૂબી એ હતી કે એમાં લખાણ એક બાજુ જ લખી શકાતું અને એને ગૅસની પીળી જ્યોતમાં જ વાંચી શકાતું. પેપર નીચે જ્યોત ધરો એટલે સવળી બાજુ પરના અદૃશ્ય અક્ષરો પ્રગટ થતા જાય...
પત્ર વંચાઈ ગયા પછી આમિરે લાઇટરની જ્યોત કાગળને ચાંપી.
lll
‘અરે ફાતિમા! કાલે તો તું બજારમાં બેભાન બની’તી. આજે જુમ્માના દિને મજારનો ખાડો પડે તો ચાલે. તબિયત પહેલાં!’
નગમાની ટકોર સામે તે મલકી : ‘સાંજ સુધીમાં હું સાજી થઈને ઘરે પણ આવી ગઈને. પીરબાબાને એનો શુક્રગુજાર કરવા જવું જોઈએ’ કહી આજુબાજુ જોઈને મલાવો કરી લીધો, ‘તમારો રુત્બો વધે એની બંદગી પણ કરતી આવુંને!’
lll
ફાતિમા (શ્રાવણી) દરગાહનાં પગથિયાં ચડતી હતી, આમિર ઊતરી રહ્યો હતો.
મિલનનો તલસાટ તેમની ચાલમાં, તેમની આંખોમાં, બલ્કે રોમરોમમાં ફૂટતો હતો અને તોય એવો નિઃશબ્દ કે ત્રીજા કોઈને પરખાય નહીં, વર્તાય નહીં.
બેઉ ફૂલવાળાની હાટડીએ ભેગાં થઈ ગયાં. એકે ચાદર લેવી હતી, બીજાએ છુટ્ટા.
‘ઑલ સેટ. નીલે બધું ગોઠવી રાખ્યું છે. હવે લાહોરમાં મળીએ.’
આમિન!
આના અઠવાડિયા પછી...
જનરલ બેગ, મુસ્તફા અને બિલાવલ ગુપ્ત બન્કરમાં ભેગા થયા છે. આજે મેજર આમિર હુમલાની ફાઇનલ પ્રિન્ટ આપવાનો છે. ગયા વીકમાં આમિરે ન્યુક્લિયર પ્લાન્ટની વિઝિટ સહિત અનેક એક્સપર્ટ્સ સાથે મુલાકાતો કરીને ટેક્નિકલ વિગતો એકઠી કરી છે. હી ઇઝ રિયલી જિનીયસ. ફ્લાઇટમાં જનારા નિર્દોષ નાગરિકો મોતને ભેટશે, પણ એ તો દેશ માટે કુરબાની જ ગણાયને!
‘અને આમિરની કુરબાની?’ બિલાવલે બકરા દાઢી ખંજવાળી, ‘વિધ્વંસ સાથે તેને પણ ખતમ કરી દેવાનો છે કે...’
‘તે તો હુકમનો એક્કો છે... તેની પાસે બીજાં ઘણાં કામ લેવાય એમ છે.’ બેગે ખંધાઈ દાખવી, ‘બિલાવલ, આમિરની મેહબૂબા વિશે મુસ્તફાને કહોને.’
મુસ્તફાના કપાળે કરચલી ઊપસી. આમિરને જેની સૂરત ધૂંધળી યાદ છે તે મેહબૂબા વિશે ભાળ કઢાવી રાખવા જનરલે બિલાવલને કહ્યું હતું. આટલા મહિને આ દિશામાં કંઈ કામ થયું ખરું!
‘આમિરની મેહબૂબા જીવરાજસિંહની દીકરી છે.’
હેં! જીવરાજસિંહ તો પાકિસ્તાન માટે ભારતના વડા પ્રધાનથીયે ખતરનાક છે. તેનાં પાકિસ્તાનમાં મૂળિયાં ઊંડાં છે એનો પરચો અગાઉ વારંવાર મળી ચૂક્યો છે. જીવરાજે જમાઈની ભાળ ન કઢાવી હોય એ બને ખરું? અને ભાળ કાઢીને પણ કોઈ ઍક્શન ન લીધી એનો અર્થ તો...
‘ક્યા હુઆ!’ બેગ હસ્યા, ‘ભારતની તબાહીમાં આપણા દાના દુશ્મનનો થનારો જમાઈ જ મદદરૂપ થવાનો એ તમાચો જીવરાજ માટે કેવો રહે!’
- એ જ વખતે કર્નલના ફોન પર આમિરનો ટેક્સ્ટ-મેસેજ આવ્યો : મને અડધો કલાક લાગશે. પ્લીઝ, ત્યાં સુધી ટીવી પર મેસેજ જોઈ લો.
‘લો, આ વળી ટીવી પર શું મૂકી ગયો!’ મેસેજ જાણીને બેગ બબડ્યા. બિલાવલે રિમોટની સ્વિચ દબાવતાં સામે ટીવી-સ્ક્રીન પર દૃશ્ય ઝબૂક્યું.
‘હાય બેગ!’ મૂછમાં મલકતા જીવરાજસિંહે હાથ હલાવ્યો.
૪૪૦ વૉલ્ટનો ઝાટકો લાગ્યો હોય એવા ખળભળી ગયા જનરલ : આ બદમાશ અહીં શું કરે છે!
કર્નલનો જીવ ડૂબવા લાગ્યો. બિલાવલ ફિક્કા પડ્યા.
‘તમે આમિરને પ્યાદું બનાવ્યો, પણ તમારું એ પ્યાદું મારા પ્યાદા તરીકે કામ કરતું હતું.’
સન્ન થઈ ગયા બેગ.
‘તમારા ન્યુક્લિયર પ્લાન્ટના જીઓ કોર્ડિનેટ્સ, એની બ્લુપ્રિન્ટ હવે અમારી પાસે છે.’
બેગના કાળજે કરવત ફરી વળી : આ તો વાઘને મારણ મળી ગયું!
‘સો મિશન સક્સેસફુલ. હા, અમારી ટીમે નીકળતાં પહેલાં થોડી સફાઈ કરવી પડી. બિલાવલ, તમારી આયેશા ઇઝ નો મોર.’
બિલાવલે દાંત પીસ્યા.
‘બેગસાહેબ, તમારી ફેવરિટ નગમા... તે બિચારીનો કોઈ વાંક નહોતો, પણ ન્યુક્લિયર પ્લાન વિશે જાણનારાએ મરવું રહ્યું.’
ખળભળી ઊઠ્યા જનરલ. નગમાની હત્યા! જેની મરજી વિના પાકિસ્તાનમાં પત્તું ન હલે એમ કહેવાતું હોય તેની હવેલીમાં, તેની રખાતને કતલ કરીને કોઈ ઉડનછૂ થઈ જાય!
‘યુ...’ ગંદી ગાળ બોલતા જનરલે મંત્રણા-ટેબલ પરનું વાઝ ઊંચકીને ટીવી પર મુસ્કરાતા જીવરાજસિંહ પર ફેંક્યું ને ટીવીની સ્ક્રીન તૂટવાની સાથે જ સર્કિટ ઍક્ટિવેટ થવાથી ડાયનેમાઇટના ધડાકામાં બન્કરના ફુરચેફુરચા ઊડી ગયા!
-ત્યારે લાહોરથી દુબઈની ફ્લાઇટ ટેક-ઑફ કરી ચૂકી હતી. એમાં બનાવટી વીઝા-પાસપોર્ટ પર બે પૅસેન્જર અલગ-અલગ ગોઠવાયા હતા.
એક હતી શ્રાવણી.
આમિર-નીલ યોજના મુજબ આગળ વધી રહ્યા છે એની અપડેટ મળતી રહેલી. હવે એક્ઝિટ પ્લાન અમલમાં મૂકવાનો હતો. પોતે દૂરના રિશ્તેદારને ત્યાં ઇસ્લામાબાદ જવાનું બે દિવસથી તેણે નગમાને અને સ્ટાફને કહી રાખેલું. નીકળવાની આજની સવારે મસાજ કરતાં-કરતાં નગમાની ડોક મરોડી દેતાં તેનો હાથ કે જિગર કાંપ્યાં નહોતાં. આખરે ન્યુક્લિયર પ્લાન વિશે જાણનારાને હટાવવામાં જ શાણપણ હતું. પાકિસ્તાનની મલિકા બનવાનાં ખ્વાબ જોનારીએ એની કિંમત ચૂકવી દીધી, બીજું શું!
અને બીજો આમિર.
પ્લાનને કારણે પોતે પાકિસ્તાનના ન્યુક્લિયર પ્લાન્ટ સુધી જઈ શક્યો, નીલે આપેલા વિસ્ફોટક બન્કરમાં બિછાવી શક્યો... જીવરાજસરની ધીરજ, હામ અને પ્લાનિંગને સલામ. શ્રાવણીને જોઈને મારી સ્મૃતિ સજીવન ન થઈ હોત અને હું તેમની આડે આવત તો બેગની ટીમ ભેગો મારો પણ અંજામ આવી ગયો હોત એ કન્ટ્રી ફર્સ્ટની નીતિને પોંખવાની જ હોય. સદ્ભાગ્યે એવું થયું નહીં, યાદદાસ્તના પલટા બાબત બેગ ઍન્ડ ટીમને ભ્રમમાં રાખવી મુશ્કેલ નહોતી.
ફાઇનલી, રાવલપિંડીથી નીકળતાં પહેલાં આયેશાને કામનો તરફડાટ દાખવી બાથટબ સુધી દોરી જઈને પાણીમાં ડુબાડી ત્યારે સચના આઘાતથી તેની આંખો કેવી ફાટી ગઈ હતી!
લાહોર ઍરપોર્ટ પર તેમને વળાવવા સુધી સાથે રહેલો નીલ હજી અન્ડરકવર તરીકે અહીં જ રોકાવાનો હતો. તેની જાંબાઝીને સલામ!
અને વિમાન પાકિસ્તાનની ઍર-સ્પેસમાંથી બહાર નીકળતાં બેઉએ પાર પાડવાનો આનંદ અનુભવ્યો!
lll
દુબઈથી તેમણે દિલ્હીની ફ્લાઇટ પકડી ત્યારે ટીવી પર પાકિસ્તાનમાં થયેલા ‘આતંકી હુમલા’ના હેવાલ ગાજી રહ્યા હતા. બેગ નથી રહ્યા એના ખબરે પાકિસ્તાનમાં આંતરિક રાજકારણમાં ચલપહલ છે અને લોકશાહીને તાત્પૂરતો ઑક્સિજન મળી ગયાનું સાર્વજનિક અનુમાન છે!
lll
જીવરાજસિંહના ઘરે દિવાળીનું વાતાવરણ છે.
બાકી પાકિસ્તાનમાં વિધ્વંસના મૂળમાં રહેલી ત્રિપુટીનાં યશોગાન ક્યાંય ગવાવાનાં નથી. પાકિસ્તાનની આંતરિક ભાંગફોડને ભારત સાથે શું લાગેવળગે!
મેજર આમિર સવા વરસે જીવતા પાછા ફર્યા એ સમાચાર પણ ક્યાંય ઝળક્યા નથી. દેશના મરજીવાઓને આની તમા પણ નથી.
હા, આમિર શ્રાવણીને પજવે છે : હવે તો યાર હું સુહાગરાતમાં પણ એક્સપર્ટ થઈ ગયો છું. તારે ખાતરી કરવી હોય તો...
અને શરમથી લાલચોળ થતી
શ્રાવણી પિયુને વળગી રહી એ સુખ કદી નંદાવાનું નહીં!
(સમાપ્ત)