16 March, 2026 12:26 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
કાંદિવલી વેસ્ટની ‘આકાશગંગા’ સોસાયટીના સાતમા માળના ૭૦૪ નંબરના ફ્લૅટની સવારમાં એક અલગ પ્રકારની શાંતિ હતી. આ સુખ આપનારી શાંતિ નહોતી, પણ એ શાંતિ હતી જે થાક અને ઉજાગરા પછી આવતી હોય છે. મહેતા પરિવારમાં છેલ્લા એક વીકથી લગ્નનો જે ઉત્સાહ હતો, શરણાઈઓના જે સૂર હતા અને મહેમાનોની જે અવરજવર હતી એ બધું જ ગઈ કાલે રાત્રે રિસેપ્શન પૂરું થતાની સાથે જ સમેટાઈ ગયું હતું.
હર્ષદભાઈ મહેતા અને સુનીતાબહેનના એકના એક દીકરા કાર્તિકનાં મૅરેજ સુરતની પ્રીતિ સાથે ધામધૂમથી થયાં. કાંદિવલીના પૉશ વિસ્તારમાં મહેતા પરિવારની શાખ ખાસ્સી મોટી હતી. સુનીતાબહેન વર્ષોથી કાંદિવલીની વિઠ્ઠલ હાઈ સ્કૂલનાં પ્રિન્સિપાલ હતાં, જ્યારે હર્ષદભાઈનો સ્ટેશનરીનો હોલસેલનો બિઝનેસ હતો. પોતાની લાઇનમાં ખાસ્સું નામ ધરાવતાં હર્ષદભાઈ મુંબઈની અનેક સ્કૂલના સપ્લાયર હતા, જેની માટે તે મૅનેજમેન્ટને સાચવી લેવાનું કામ પણ સુપેરે કરી લેતા. દીકરો કાર્તિક સૉફ્ટવેર એન્જિનિયર હતો અને મુંબઈની એક મલ્ટિનૅશનલ કંપનીમાં સિનિયર પોઝિશન પર હતો.
સવારના સાડાનવ વાગ્યા હતા. રસોડામાં સુનીતાબહેન ચા બનાવી રહ્યાં હતાં. હર્ષદભાઈ પેપર વાંચતા તો કાર્તિક અને પ્રીતિ હજી રૂમમાં જ હતાં. કાર્તિક-પ્રીતિ બે દિવસ પછી હનીિમૂન પર જવાનાં હતાં અને એની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ ગઈ હતી. કાર્તિકનાં ૮૦ વર્ષનાં દાદી જમનાબા ડાઇનિંગ ટેબલ પર બેઠાં માળા કરતાં હતાં.
ડિન્ગ ડૉન્ગ...
દરવાજાની બેલ વાગી કે તરત હર્ષદભાઈએ વાંચવાનાં ચશ્માં ટેબલ પર મૂકી નંબરવાળાં ચશ્માં ફરી આંખો પર ચડાવ્યાં અને ઊભા થઈને દરવાજો ખોલ્યો.
‘જી બોલો.’
હર્ષદભાઈ સામે બ્લુ કલરના યુનિફૉર્મમાં કુરિયર બૉય ઊભો હતો. તેના હાથમાં એક પાર્સલ હતું.
‘કાર્તિક મહેતા?’
હર્ષદભાઈએ હકારમાં મસ્તક નમાવ્યું કે તરત કુરિયર બૉયે હાથમાં રહેલું પાર્સલ લંબાવ્યું, ‘તેમનું પાર્સલ છે. સુરતથી આવ્યું છે.’
હર્ષદભાઈએ પાર્સલ હાથમાં લીધું.
પાર્સલ પર લખ્યું હતું : ‘કાર્તિક મહેતા, વેડિંગ ગિફ્ટ - વિથ વૉર્મ રિગાર્ડ્સ.’
હર્ષદભાઈએ પાર્સલના લેફ્ટ કૉર્નર પર લખેલા પાર્સલ મોકલનારના નામ પર નજર કરી : વિજય શાહ, સુરત.
lll
‘સુનીતા, જો તો...’ મેઇન ડોર ફરી બંધ કરી હર્ષદભાઈ હૉલમાં આવ્યા, ‘સુરતથી વિજયભાઈની ગિફ્ટ આવી છે. લાગે છે રિસેપ્શનમાં નથી આવી શક્યા એટલે પાર્સલ મોકલ્યું છે.’
‘ટેબલ પર રાખો.’
હર્ષદભાઈએ પાર્સલ ડાઇનિંગ ટેબલ પર મૂક્યું અને ત્યાં જ કિચનમાંથી ચા લઈને સુનીતાબહેન બહાર આવ્યાં.
‘વિજયભાઈ, કયા વિજયભાઈ?’ સુનીતાબહેને પાર્સલ તરફ નજર કરી, ‘સુરતમાં આપણું તો કોઈ આવું સગું નથી. આપણા વેવાઈના કોઈ સંબંધી હશે?’
‘બને. પ્રીતિનું પાર્સલ હોય...’ હર્ષદભાઈના ચહેરા પર સહેજ નવાઈ પથરાઈ, ‘એવું હોત તો-તો પ્રીતિના નામનું પાર્સલ આવે, એને બદલે કાર્તિકના નામે કુરિયર...’
‘હવે અમારું બધું એક જ કહેવાય પપ્પા’
હર્ષદભાઈએ અવાજની દિશામાં જોયું. કાર્તિક રૂમમાંથી બહાર આવ્યો, તેની આંખોમાં ઉજાગરો દેખાતો હતો.
‘હા બેટા, એમાં કોઈ ના ન પાડી શકે.’ હર્ષદભાઈના ચહેરા પર સ્માઇલ હતું, ‘જો, શું મોકલાવ્યું છે.’
‘ચાલો જોઈએ.’
કાર્તિક પાર્સલ પાસે આવ્યો, ‘પ્રીતિના જ કોઈ રિલેટિવ હશે.’
‘હા પણ અહીં આવ્યું છે એટલે આપણે એની નોટ કરી લઈશું.’ સુનીતાબહેને વ્યવહારુ વાત કરી, ‘શું છે, ભવિષ્યમાં આપણે કંઈ કરવાનું આવે તો ખબર પડે.’
કાર્તિકે પાર્સલ હાથમાં લીધું. પાર્સલ પર આછા બ્લુ કલરનું કુરિયર પૅકિંગ હતું. કાર્તિકે એ પ્લાસ્ટિકનું રૅપર કાઢ્યું કે તરત અંદરથી સફેદ કાર્ડબોર્ડનું બૉક્સ નીકળ્યું. કાર્ડબોર્ડની સેલોટેપ તોડવા માટે કાર્તિકે ડાઇનિંગ ટેબલ પર પડેલી છરી હાથમાં લીધી અને પાર્સલ ખોલવાનું શરૂ કર્યું.
માળા કરતાં દાદીમાની માળા અટકી ગઈ હતી.
‘બેટા, મોંઘી વસ્તુ હશે. પ્રીતિને બોલાવી લે. તેની હાજરીમાં જ ખોલ.’
‘અહીં જ છું દાદી.’ દાદીની પીઠ પાછળથી પ્રીતિનો અવાજ આવ્યો, ‘કાર્તિક, એક મિનિટ ઊભો રહે. હું આવું...’
અલબત્ત, એ એક મિનિટ રાહ જોવાનું વાક્ય પૂરું થાય એ પહેલાં કાર્તિકે પાર્સલની ઉપરની સેલો ટેપ ઉખેડી નાખી હતી. હવે બૉક્સમાંથી લાલ રંગનું ગિફ્ટ રૅપિંગ પેપર નીકળ્યું, જેની સાથે એક દોરી બાંધેલી હતી.
કાર્તિકને નવાઈ લાગી અને તેણે દોરી ખેંચી કે તરત બૉક્સનું ઢાંકણું સહેજ વધારે ઊંચું થયું અને કાર્તિક કંઈ સમજે એ પહેલાં તેની આંખો સામે અંધકાર પ્રસરી ગયો.
ધડામ!
એક એવો ભયાનક ધડાકો થયો કે આખી આકાશગંગા સોસાયટી ધણધણી ઉઠી. ફ્લૅટની ફ્રેન્ચ વિન્ડોના કાચના ટુકડા નીચે પાર્કિંગમાં વરસાદની જેમ વરસ્યા અને આખો ફ્લૅટ કાળાભમ્મર ધુમાડાથી ભરાઈ ગયો.
ધુમાડો ઓસર્યા પછીનું જે દૃશ્ય હતું એ અત્યંત બિહામણું હતું.
કાર્તિક ટેબલની બાજુમાં લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. વિસ્ફોટના કારણે કાર્તિકના બન્ને હાથ ખભાથી ઊખડી ગયા હતા અને એ હાથની હાલત ચીંથરેહાલ હતી. ડાઇનિંગ ટેબલની ચૅર પર બેસીને માળા કરતાં જમનાબાનું શરીર છેક દીવાલ સુધી ઊછળ્યું હતું, જેને લીધે દીવાલ આખી લોહીથી ખરડાઈ ગઈ હતી. જમનાબા હવે જમીન પર નિશ્ચેતન પડ્યા હતા. હર્ષદભાઈ અને સુનીતાબહેન દૂર હોવા છતાં વિસ્ફોટની ધારદાર ક્ષમતાને કારણે પાછળ તરફ ફેંકાયાં અને દીવાલ સાથે અથડાઈને બેભાન થઈ ગયાં હતાં.
એક મિનિટ રાહ જોવાનું કહીને વૉશરૂમમાં દાખલ થવા જતી પ્રીતિ દૂર હતી એટલે તે બચી તો ગઈ પણ તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. પ્રીતિના કાનમાં અજીબ પ્રકારની સીટીનો અવાજ ગુંજતો હતો. પ્રીતિએ ચીસ પાડવાની કોશિશ કરી, પણ ગળામાંથી અવાજ બહાર આવ્યો નહીં.
ગણતરીની મિનિટોમાં સોસાયટીના લોકો હર્ષદ મહેતાના ફ્લૅટ પાસે આવી ગયા. એકે ઍમ્બ્યુલન્સને ફોન કરી દીધો તો બીજા એક પાડોશીએ પોલીસને જાણ કરી દીધી. દસ મિનિટમાં ઍમ્બ્યુલન્સ પહોંચી ગઈ અને ઍમ્બ્યુલન્સ સાથે આવેલા ડૉક્ટર બૉડી તપાસતા હતા ત્યાં પોતાની ટીમ સાથે ઇન્સ્પેક્ટર સાવંત પણ આવી ગયા.
‘આ બેનાં ડેથ થયાં છે.’
ઇન્સ્પેક્ટર સાવંત પાસે આવીને ડૉક્ટરે કાર્તિક અને જમનાબાના મોતના સમાચાર આપ્યા અને ચોવીસ કલાક પહેલાં જે ઘરમાં શરણાઈ વાગતી હતી ત્યાં મરસિયાંઓએ સન્નાટો પ્રસરાવી દીધો.
lll
‘સર, આ ટેરરિસ્ટ અટૅક જેવું લાગે છે.’
આખો ફ્લૅટ અત્યારે પોલીસના પઝેશનમાં હતો. ઇન્સ્પેક્ટર સાવંતે તરત જ એને સીલ કરી દીધો હતો અને ફૉરેન્સિક ટીમ તથા બૉમ્બ સ્ક્વૉડ કામે લાગી ગઈ હતી. પ્રાથમિક તારણ એવું કાઢવામાં આવ્યું હતું કે ગૅસના સિલિન્ડરને કારણે બ્લાસ્ટ થયો હશે પણ સોસાયટીમાં પાઇપ્ડ ગૅસની સુવિધા જોઈને એ તારણ ડિસ્કાઉન્ટ થઈ જતું હતું.
નરી આંખે એ પણ દેખાતું હતું કે બ્લાસ્ટનું કેન્દ્રબિંદુ ડાઇનિંગ ટેબલ હતું. ડાઇનિંગ ટેબલના ફુરચા ઊડી ગયા હતા. બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે ડાઇનિંગ ટેબલ નીચે આવેલી ટાઇલ્સ પણ ઊખડી ગઈ હતી.
અસિસ્ટન્ટે ટેરરિસ્ટ અટૅકનું અનુમાન બાંધ્યું કે ફરીથી ઇન્સ્પેક્ટર સાવંતે નવેસરથી ચારે બાજુ નજર દોડાવી.
‘એવું લાગતું નથી.’ ઇન્સ્પેક્ટર સાવંતની આંખો હજી પણ ઘરમાં ફરતી હતી, ‘ફૅમિલી અને સોસાયટી પૉશ છે પણ આટલા કૉમન લોકોને ટેરરિસ્ટ ટાર્ગેટ બનાવે એવું લાગતું નથી. પૉસિબલ છે કે કાં તો ઘરમાં જ કંઈક એવું ચાલતું હતું જેને લીધે આ બ્લાસ્ટ થયો છે અને કાં તો...’
‘કાં તો શું સર?’
‘અંગત દુશ્મની.’ ફર્શ પરથી ઊખડી ગયેલી ટાઇલ્સનો ટૂકડો હાથમાં લેતાં ઇન્સ્પેક્ટર સાવંતે તારણ કહ્યું, ‘કોઈએ ઘરમાં બૉમ્બ પ્લાન્ટ કર્યો હોઈ શકે છે.’
lll
સોસાયટીની સિક્યૉરિટી ચેમ્બર પર કુરિયર બૉયની એન્ટ્રી બોલતી હતી, જેમાં કુરિયર કંપનીનું નામ પણ હતું એટલે તાત્કાલિક કાંદિવલી પોલીસ સુરતના એ કુરિયર સેન્ટરે પહોંચી જ્યાંથી પાર્સલ બુક થયું હતું. કુરિયર સેન્ટરની ઑફિસનાં CCTV ફુટેજ ચેક કરવામાં આવ્યાં, પણ ટેક્નિકલ ખામીને લીધે સેન્ટરના કૅમેરા એ દિવસે બંધ હતા.
‘પાર્સલ બુક કરાવનારાનું ઍડ્રેસ.’
કુરિયર સર્વિસવાળી છોકરીએ તરત જ ઍડ્રેસ કાઢી આપ્યું.
વિજય શાહ, ૧૦૨, શાંતિવિહાર અપાર્ટમેન્ટ, ઍરપોર્ટ રોડ, વેસુ.
lll
‘સર, આ તો સિમ્પ્લી ખબર
પડી ગઈ.’
‘ક્રાઇમ કેસની એક ખાસિયત છે.’ ગાડીમાં બેસતાં ઇન્સ્પેક્ટર સાવંતે કહ્યું, ‘જે દેખાય એ હોય નહીં.’
સાવંતના શબ્દોને સાર્થક પુરવાર કરતી ઘટના જ બની.
મળેલા ઍડ્રેસ પર વિજય શાહ નામનો કોઈ માણસ રહેતો જ નહોતો. ઇન ફૅક્ટ, એ ફ્લૅટ હજી પણ બિલ્ડરના પઝેશનમાં હતો અને બિલ્ડર એવા કોઈ માણસને ઓળખતો સુધ્ધાં નહોતો. બિલ્ડરની વાત પર અવિશ્વાસ કરે એવું કશું લાગતું નહોતું.
lll
‘હવે શું સર?’
‘દરેકના ઇન્ડિવિજ્યુઅલ ટ્રેક રેકૉર્ડ્સ.’
ઇન્સ્પેક્ટર સાવંતે સૌથી પહેલાં કાર્તિક અને પ્રીતિના ભૂતકાળની તપાસ શરૂ કરી, જેમાં ખબર પડી કે અગાઉ પ્રીતિની એન્ગેજમેન્ટ થઈ હતી પણ એ તોડવામાં આવી હતી.
‘હા સર... અમને એ ખબર છે. પ્રીતિની ફૅમિલીએ અમારી પાસે કોઈ વાત છુપાવી નથી, અમને બધું સાચું કહ્યું છે.’
‘એ છોકરા પર તમને શક...’
‘સહેજ પણ નહીં.’ હર્ષદભાઈએ તરત કહી પણ દીધું, ‘તમને યોગ્ય લાગે તો તમારી રીતે તપાસ કરો પણ અમને નથી લાગતું કે એ છોકરો આવું કંઈ કરે.’
‘કોણે મારા દીકરાનો જીવ લીધો?’ બાજુમાંથી સુનીતાબહેનનો રડતો અવાજ સંભળાયો, ‘સાહેબ, અમે કોઈનું કંઈ બગાડ્યું નથી. ક્યારેય કોઈનું અહિત ઇચ્છ્યું નથી ત્યારે આવું કામ. અમારી સાથે આવું શું કામ?’
એ છોકરાને મુંબઈ આવવા માટે કહેવામાં આવ્યું અને સોમવારની સાંજે જ છોકરો સામેથી મળવા પણ આવી ગયો. તેના પર શક કરવાનું કોઈ કારણ મળ્યું નહીં એટલે નાછૂટકે ઇન્સ્પેક્ટર સાવંતે મોબાઇલ હાથમાં લીધો.
‘સોમચંદ તમારી હેલ્પની જરૂર છે.’
‘કાંદિવલીના કેસમાં?’
‘હા.’ સાવંતે તરત કહ્યું, ‘અમે બધું જ કરી લીધું. CCTV, કૉલ રેકૉર્ડ્સ, જૂની દુશ્મની... ક્યાંય કંઈ જ મળતું નથી. આ ખૂનીએ કોઈ પુરાવો જ નથી છોડ્યો. એ હવામાંથી આવ્યો અને હવામાં ઓગળી ગયો.’
‘પુરાવો હંમેશાં હોય સાવંત, બસ જોવાની નજર અલગ જોઈએ.’ ડિટેક્ટિવ સોમચંદે કહી દીધું, ‘કાલે સવારે નવ વાગ્યે હું કાંદિવલીના એ ફ્લૅટ પર પહોંચીશ. મને કોઈ પોલીસવાળો ત્યાં ન જોઈએ. હું મારી રીતે તપાસ કરીશ.’
lll
૭૦૪ નંબરના ફ્લૅટમાં સોમચંદ દાખલ થયા. ઘરના ખૂણેખૂણામાં હજી પણ વિસ્ફોટની અને બળેલા માંસની વાસ આવતી હતી. ડાઇનિંગ ટેબલ પાસે જઈને સોમચંદ ઘૂંટણિયે બેસી ગયા અને મૅગ્નિફાઇંગ ગ્લાસ કાઢી જમીન પરની એક-એક તિરાડ તપાસવાનું શરૂ કર્યું. અચાનક તેમની નજર ટેબલના પાયા પાસે પડેલા એક નાનકડા, પીળા રંગના કાગળના ટુકડા પર પડી. એ કોઈ સ્ટિકરનો ભાગ હતો. સોમચંદે ચીપિયાથી એ ટુકડો ઉપાડ્યો અને પ્લાસ્ટિકની થેલીમાં મૂક્યો.
એ નાનકડો ટુકડો હવે કેસની દિશા નક્કી કરવાનો હતો.
(ક્રમશઃ)