26 January, 2026 08:23 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
તે હાંફી રહ્યો. શ્વાસોની તીવ્રતા સાથે તાલ મિલાવતી કામનાની લય તાર સપ્તકમાં એવી રીતે ઝૂમી રહી હતી જાણે ક્યારેય ખરજમાં ખાબકવાની જ ન હોય!
‘ક્યાંથી આવે છે તારામાં આટલું જોશ જાલિમ!’ પીડા દબાવવા હોઠ ભીંસીને તેણે તેના માંસલ ખભા પર નખ ખૂંતાડ્યા, ‘મિલિટરીમૅન છે એટલે મેહબૂબાના બદન પર પણ દુશ્મનની ધરતી પર ત્રાટકતા હો એમ તૂટી પડવાનું? નિર્દય!’
‘મારી નિર્દયતા પાછળ તારું આ બેપનાહ હુસ્ન જવાબદાર છે હસીના!’
હસીનાના હોઠ જરાતરા વંકાયા. ચિત્તમાં પડઘો પડ્યો : મારા જોબનની મૂડી હું ન જાણું! એટલે તો સરહદપારથી મારા આકાઓએ વરસથી મને કાશ્મીરના આ સરહદી ગામમાં સેટલ કરી છે. તમારા જેવા આર્મીમૅનને મારા હુસ્નની જાળમાં ફસાવીને અહીંની મિલિટરી હિલચાલની ખુફિયા ઇન્ફર્મેશન પાકિસ્તાન પહોંચાડવાની જવાબદારી મને સોંપાઈ છે. ૮ મહિનાના આપણા સંબંધમાં તમે એટલી વિગતો શૅર કરી છે કે અહીંના આર્મી બેઝનો પૂરો નકશો ISIના અમારા ચીફસર પાસે ચીતરાઈ ગયો છે! એના આધારે આવતા મહિને શિયાળો જામે એટલે પાકિસ્તાનની આર્મી કાશ્મીરના પ્રવેશદ્વારે આવેલી આ ધોરી નસ જેવી ચોકીનો કબજો કરી લેવાનું...
આના આવેશમાં તેણે પોતાના પર છવાયેલા પુરુષને ભીંસી દીધો!
...અને અડધા કલાક પછી શર્ટનાં બટન ભીડતો તે હજીયે બિસ્તરમાં અધબીડી આંખે લસ્ત થઈને ફેલાયેલી હસીનાનો ગાલ થપથપાવી ‘હું નીકળું છું...’ કહીને તેના અધરોને ચૂમવા ઝૂકે છે કે ધડામ સાથે રૂમનો દરવાજો ખૂલ્યો.
દિવસનું અજવાળું રૂમમાં ધસી આવ્યું. ઉંબરે પોતાની જ ટુકડીના સાથીને જોઈને પુરુષ સહેજ ઝંખવાયો, હસીનાએ ઉઘાડા બદનને ચાદરમાં ઢાંક્યું. ‘સૉરી, પણ ચોરને પકડવા આમ જ ત્રાટકવું પડે.’ દરવાજેથી વ્યંગમાં સંભળાયું.
‘ચોરી!’ હસીનાના પડખે ઊભા પુરુષે શરમ-સંકોચ ફગાવ્યાં, ‘આમાં ચોરી શાની? અમે બન્ને પુખ્ત છીએ. અમારી મરજીથી...’
‘મરજી!’ આગંતુકનો સ્વર ઊંચો ગયો, ‘પરણેલો પુરુષ વેશ્યાવાડે જતો હોય એમ ખાનગીમાં પરસ્ત્રીના ઘરે આવતો-જતો થઈ જાય એ મરજી નહીં, છિનાળું ગણાય!’
કહેતાં તેનાં જડબાં સહેજ સખત બન્યાં, ‘અને તે પુરુષ આર્મી ઑફિસર હોય ત્યારે હુસ્નની જાળમાં ફસાઈ
ચૂકેલો ગણાય!’
હેં!
હસીના હવે પૂરેપૂરી અલર્ટ હતી. કોઈક રીતે આર્મીને મારો ભેદ ગંધાઈ ગયો લાગે છે. એવું હોય તો...
તેનો હાથ પથારી નીચે છુપાવેલી ગન લેવા સરક્યો.
‘તારી આ ગરીબ, બેસહારા હસીનાબાનો તો સચ્ચાઈ બરાબર જાણે છે.’ આવનારો સહેજ હાંફી ગયો, ‘પણ બાનો, જેમ તમે અહીં પધાર્યાં એમ અમારા જાસૂસ પણ દુશ્મનની ધરતી પરથી અમને ખબરદાર કરતા હોય છે...’
હસીનાએ હોઠ પીસ્યા. તેનાં ટેરવાં ગનને સ્પર્શતાં હતાં.
‘પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થાએ હસીના નામની એજન્ટ પ્લેસ કરી છે જેણે કોઈ એક મિલિટરીમૅનને પોતાની રૂપજાળમાં ફસાવીને ચોકીની વિગતો મોકલી છે, જેના આધારે આવતા મહિને પાકિસ્તાની સેના પૂરી તૈયારી સાથે અણધાર્યો હુમલો કરવાની ફિરાકમાં હોવાની બાતમી આજે જ ઇન્ટેલિજન્સ તરફથી આપણા કર્નલ ચૌધરીને મળી હોવાનું મારા કાને પડ્યું...’
તેના શબ્દે-શબ્દે સાંભળનારના કપાળેથી પસીનો દદડવા લાગ્યો, છાતી હાંફવા લાગી : ન હોય! હસીના જાસૂસ? ઇઝ ઇટ હનીટ્રૅપ? એ પુરવાર થયું તો કરીઅર ખતમ... દેશદ્રોહીનું લેબલ મને ક્યાંયનો ન રાખે!
તેની નજર સમક્ષ મા, બાપ, પત્ની, હજી થોડા મહિના અગાઉ જન્મેલો દીકરો તરવરી રહ્યાં. એના ભારે ઝૂકી જતી આંખોમાં તણખો ઝબક્યો : વેઇટ, હસીનાએ કયા ઑફિસરને ફસાવ્યો છે એની હજી ઇન્ટેલિજન્સને કે કર્નલને જાણ નથી થઈ લાગતી... ઇફ સો, ધૅન સ્ટિલ ધેર ઇઝ અ ચાન્સ. તેનું દિમાગ જેટ ગતિએ દોડવા લાગ્યું.
‘ઑફિસરના નામની હજી તો જાણ નથી. હું બાતમી વિશે જાણું છું એની પણ કોઈને ખબર નથી, પણ મારા કૅમ્પ પહોંચતાં જ થઈ જવાની...’ તેનો હાથ કમરપટા પર સરક્યો, ‘થોડા દિવસથી તારું વર્તન મને શંકાસ્પદ લાગતું હતું. કહે કે મારી સિક્સ્થ સેન્સે મને ચેતવ્યો. ઑફ-ડ્યુટીએ તું ગામમાં લટાર મારવાના બહાને ક્યાં જતો હોય છે એ પીછો કરીને જોયું. પહેલાં તો આને એક્સ્ટ્રા-મૅરિટલ અફેર ગણ્યું. ગામની છૂટીછવાઈ પાંખી વસ્તીમાં બીજી કોઈ હસીનાબાનો નથી એટલે આજની ઓળખ પછી આના જ જાસૂસ હોવામાં શકની કોઈ ગુંજાઇશ રહેતી નથી...’
કહીને તે ગન કાઢવા જાય છે કે...
‘ખબરદાર!’ ગાદી નીચેથી ગન સેરવીને હસીના પલંગ પર ઊભી
થઈ ગઈ...
...આની બીજી મિનિટે ઉપરાઉપરી બે ધડાકા થયા, બે મરણચીસ ગુંજી.
-અને સમયના વહેતા વહેણમાં આ ઘટનાને આજે તો પચીસ-પચીસ વરસ થઈ ગયાં.
lll
‘ગુડ મૉર્નિંગ એવરીવન!’
સ્ટાફ તરફ હાથ હલાવીને તે પોતાની કૅબિનમાં દાખલ થયો. શૂઝ કાઢીને ઈશાન ખૂણામાં મૂકેલા નાનકડા મંદિરમાં દીવો પ્રગટાવ્યો, બાપ્પાનાં ચરણોમાં ફૂલ ધરાવ્યાં. લતાના કંઠે મઢ્યા વિવિધ મંત્રો છતના સ્પીકરમાં ગુંજતા થયા.
‘અક્ષતસર કેટલા આસ્થાળુ છે!’
બૉસની કૅબિનની કાચની ટ્રાન્સપરન્ટ દીવાલ થકી નિહાળતી ધ્રુવિકાથી બોલાઈ ગયું એટલે બાજુના ક્યુબિકલમાં ગોઠવાયેલા વિશાલે ટકોર કરી : આમ પાછા ITટીના સ્કૉલર, સાઇબર સિક્યૉરિટી પ્રોવાઇડર તરીકે પંકાયેલા. પોતાની એજન્સી ખોલ્યાનાં આ ત્રણ-ચાર વરસમાં તેમનો ધંધો કેવો જામી ગયો છે!
આજે ટેક્નૉલૉજીનો, ડેટાનો, ગૅજેટ્સનો જમાનો છે અને એની આડપેદાશરૂપે ગુનાનો એક નવો જ અવતાર સાઇબર ક્રાઇમરૂપે કનડતો થયો છે. સામાન્ય માણસ બિચારો લાલચની લિન્કમાં કે ડિજિટલ અરેસ્ટના ગતકડામાં ફસાઈ જાય છે; જ્યારે મોટાં કૉર્પોરેટ્સને પોતાની ડિજિટલ ફૉર્મેટમાં રહેતી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટીની ચોરીની ધાસ્તી હોય છે, કોઈ ક્રિમિનલ માઇન્ડેડ હૅકર અદીઠો વાઇરસ ઘુસાડીને સિસ્ટમ કોલૅપ્સ કરી દે એનો ફડકો રહેતો હોય છે.
-અને આવું ન થવા દેવા માટે સાઇબર સિક્યૉરિટી પ્રોવાઇડર્સની મદદ લગભગ દરેક નાની-મોટી કંપની લેતી જ હોય છે.
અક્ષતનું આમાં નામ છે. તેણે ડેવલપ કરેલી ઍન્ટિ-વાઇરસ સિસ્ટમ ટેક્નૉલૉજી વર્લ્ડમાં માસ્ટરપીસ જેવી ગણાય છે. એમાં સતત ઇમ્પ્રોવાઇઝેશન થતું રહે છે. ક્લાયન્ટની જરૂર મુજબનું સિક્યૉરિટી પ્રોગ્રામિંગ કરી આપવામાં પણ અક્ષતની માસ્ટરી છે. મુંબઈ અને ગુજરાત જ નહીં, દેશભરની મોટી-મોટી કંપનીઓમાં તેનો વાર્ષિક કૉન્ટ્રૅક્ટ ચાલે છે. એ તમામની રેગ્યુલર વિઝિટ ઉપરાંત ટ્રબલ-શૂટિંગ માટે બહોળી ટીમ છે અને ઑફિસનું ટર્નઓવર કરોડોમાં અંકાય છે. વિરારના કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં આખા માળની ખુદની આ ઑફિસ કરી, વસઈનું ભાડાનું ઘર છોડી ચોથી ગલીમાં જૂનો બંગલો ખરીદીને રિનોવેશનથી આલીશાન બનાવ્યો...
‘આને કહેવાય શૂન્યમાંથી સર્જન કરવું!’ મિતાલીએ સૂર પુરાવ્યો, ‘સાંભળ્યું છે કે સર છ-આઠ મહિનાના હતા ત્યારે તેમના ફાધરનું એરુ આભડતાં ડેથ થયું એટલે સરને તો તેમની કોઈ સ્મૃતિ નહીં હોય... પણ તેમનાં મા! ઑફિસના ઓપનિંગ વખતે એક જ વાર તે અહીં આવ્યાં છે, પણ વિદ્યાદેવીની ગરવાઈ આપણે સૌએ નિહાળી છે. તેમનો ઉછેર, તેમણે સીંચેલા સંસ્કાર અક્ષતસરના વ્યક્તિત્વમાં ઊભરાય છે.’
સ્ટાફનાં વખાણે છેવાડાના ક્યુબિકલમાં બેસતી સ્તુતિને મનોમન મલકાવી દીધી.
ITને લગતો કોર્સ કરતી સ્તુતિ કૉલેજના છેલ્લા સેમેસ્ટરમાં કમ્પલ્સરી કરવાની થતી ત્રણ મહિનાની વોકેશનલ ઇન્ટર્નશિપ માટે માસીના દીકરાભાઈના સજેશને અક્ષતની કંપનીમાં જોડાઈ હતી. આમ તો વરલીના ઘરથી વિરારની ઑફિસનું અપડાઉન ભારે પડી જાય, પણ અક્ષતને જોયા-જાણ્યા પછી સ્તુતિને લાગ્યું કે ઇટ્સ વર્થ.
માબાપની એકની એક દીકરી તરીકે સ્તુતિ લાડકોડમાં ઊછરી. આર્થિક રીતે સંપન્ન પરિવારમાં દીકરીને ગમતું આકાશ આપવાની મોકળાશ હતી એમ તે છકી ન જાય એની ખબરદારી પણ માવતરમાં હતી. પરિણામે સ્તુતિના બંધારણમાં સંસ્કાર સાથે આત્મવિશ્વાસનું પોત પણ વણાતું ગયું. રૂપાળી તો તે
હતી જ. અંગે પુરબહાર યૌવનની
અલ્લડ અવસ્થામાં હૈયે પહેલી દસ્તક પાડી અક્ષતે.
સ્ટુડન્ટના પ્રોજેક્ટમાં અક્ષત પોતે રસ લેતો. તેની સ્કિલ્સથી, તેના બુદ્ધિચાતુર્યથી સ્તુતિનું પ્રભાવિત થવું સહજ હતું. કૉફીબ્રેક દરમ્યાન સ્ટડી-પ્રોજેક્ટ સિવાયની પણ વાતો થતી અને એની જાણે આદત પડતી જતી હતી. કામકાજ અંગે અક્ષતે બહારગામ જવાનું થાય. ગયા વીકમાં ડેન્માર્ક જઈ આવ્યા. એ દિવસો બહુ ઉદાસ વીતે. આ સ્પંદન સ્તુતિ માટે નવતર હતાં અને હવે તો અક્ષત સમણામાં આવીને કેટલું સતાવી જાય છે!
આવામાં ક્યારેક અક્ષત તેના ક્યુબિકલ આગળ અટકે : આર યુ ઑલરાઇટ મિસ સિંહા! રાતે ઊંઘ તો બરાબર આવે છેને!
સ્તુતિ છોભીલી પડતી : ય...સ સર!
પણ પછી કૅબિનમાં તેને બગાસાં ખાતો જોઈને સ્તુતિમાં રોમાંચની લહેર પ્રસરી જતી : ઊંઘ તો અક્ષતની પણ પૂરી થતી નથી લાગતી... તેમને પણ સમણાંના જ મીઠા ઉજાગરા હશેને!
અક્ષત કુંવારા છે, પણ તેમનાં સમણાંમાં હું હોઈશ ખરી!
અત્યારે પણ આ વિચારે સ્તુતિ નિસાસો જ નાખી શકી!
lll
‘હા મા, જમી લીધું.’
ઑફિસમાં બપોરે એકથી દોઢનો લંચ-ટાઇમ રહેતો અને લંચ-ટાઇમની છેલ્લી ૧૦ મિનિટ અક્ષત મા
સાથે ગપાટતો.
અક્ષતનું અટપટું કામકાજ વિદ્યાબહેનને જોકે સમજાતું નહીં, પણ દીકરો તેને ગમતા ફીલ્ડનું ભણ્યો અને સારું કમાય છે એટલું માને મન
પૂરતું હતું.
‘જમવાનું બરાબર રાખવાનું. દિવસભર કામમાં રચ્યોપચ્યો હોય છે ને હમણાં તો વળી રાતે પણ ભોંયરાની રૂમમાં કામ કરતો હોય છે...’
ભોંયરાની રૂમ. અક્ષતે ઊંડો શ્વાસ લીધો. ઑફિસનું નામ-કામ જામ્યા પછી નવું ઘર ખોળતો હતો એમાં નજીકનો જૂનો બંગલો એટલા માટે પણ ગમી ગયો કે એમાં અન્ડરગ્રાઉન્ડ રૂમ હતી. રાતવરત કામ કરવું હોય તો માની નીંદર બગડે નહીં એ આશય તો ખરો જ, પણ ગુપ્તતા જળવાઈ રહે એ માટે પણ આ વ્યવસ્થા બહુ અનુકૂળ રહે એમ હતી.
‘મા, તું મારું કેટલું ધ્યાન રાખે છે!’ અક્ષતે વાત વાળવા કહ્યું ને માને મોકો મળી ગયો, ‘શું કરું, તારું ધ્યાન રાખે એવી કોઈ તારાથી લવાતી નથી. કેટલું કહ્યું, મને વહુ આણી દે...’
વહુ! અક્ષતની નજર કૅબિનના કાચમાંથી સ્તુતિના ક્યુબિકલ તરફ ગઈ, પછી સહેજ શરમાતાં માને કહ્યું, ‘મા! ફરી એ જ વાત! ચલ, લંચ-ટાઇમ ઓવર, મને કામ કરવા દે.’
તેણે કૉલ કટ કર્યો. સામા છેડે રિસીવર ક્રૅડલ પર ગોઠવતાં વિદ્યાબહેનની નજર દીવાલે લટકતી પતિની તસવીર પર ગઈ ને સહેમી જવાયું. ધીમા પગલે તે તસવીર તરફ ગયાં : હું અક્ષતને ભલે ચીડવતી હોઉં, પણ ખરું પૂછો તો તેના માટે છોકરી જોવાની મારી જ હામ નથી થતી... જેનાથી મેં ક્યારનો કિનારો કરી રાખ્યો છે એ ભૂતકાળનો ભય પજવે છે મને. છોકરી તરાશવામાં ક્યાંક ગતખંડની કડી જોડાઈ ને અક્ષુ જાણે કે તેના પિતા સામાન્ય ખેડુ નહીં, આર્મીમાં હતા અને તેમનું મૃત્યુ સાપના કરડવાથી નહોતું થયું, દુશ્મન દેશની જાસૂસ સાથે મળીને તેમણે દેશને દગો દેતાં ગોળીએ દેવાયા હતા... તો!
તેમણે તસવીર પર હાથ ફેરવ્યો : ના નિરંજન, ત્યારે કે આજે પણ તમારા પરના આરોપ મને કદી સાચા લાગ્યા નથી, પણ દુનિયા પુરાવાને માનતી હોય છે. ક્યાંક અક્ષુએ પણ માના હૈયા કરતાં કેસનાં કાગળિયાંને જ સચ માન્યાં તો એ મારાથી બરદાસ્ત નહીં થાય એટલે પણ તેને કહેતાં ડરું છું...
વિદ્યાબહેનનો ડર સ્વાભાવિક હોય તો પણ કાલની કોને ખબર હોય છે?
lll
તુઝે નઝર ન લગે!
મધરાતના સુમારે આયનામાં
પોતાનુ પ્રતિબિંબ જોઈને તે ખુદ પર ઓવારી ગયો.
માનું લાલ પટોળું, કપાળે બિંદી, હોઠે લિપસ્ટિક... હાઉ બ્યુટિફુલ આઇ ઍમ!
દીકરો તેની મસ્તીમાં ઝૂમતો હતો અને દરવાજાની ફાટમાંથી તેને નિહાળતી માની આંખોમાં આઘાતથી વધુ કરુણા જ ઘૂંટાઈ!
(ક્રમશ:)