29 January, 2026 07:37 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
હાઉ?
સગપણના દિવસે માએ આપેલા પડકારને અઠવાડિયું થયા પછી પણ અક્ષતને દિશાસૂઝ નથી સાંપડી રહી.
પિતાજી સાથે જે થયું એ માએ સ્મૃતિ તાણી-તાણીને વિગતવાર કહ્યું પણ આમાં આગળ કેમ વધવું? કર્નલ પપ્પા માટે પૂર્વગ્રહ ગ્રહીને બેઠા છે. પિતાના મિત્ર અને ઘટનાના આઇ-વિટનેસ મેજર કલ્યાણસિંહ યાદવ સદનસીબે હજી જીવે છે એટલું તો કર્નલસાહેબની વાતોમાં પરખાયું...
સગાઈના દિવસે મા-દીકરાના નીકળ્યા પછી કુટુંબીઓએ તો સ્તુતિને અક્ષતને ભૂલવાની જ સલાહ આપેલી, પણ સ્તુતિના પિતા અડગ રહ્યા: અક્ષતના પિતાનું સત્ય પુરવાર થાય નહીં ત્યાં સુધી મારે ઉતાવળે દીકરીનું મન મારવું નથી.
મહિન્દરસિંહનું વલણ દીકરી માટે રાહતરૂપ હતું અને એટલે જ તે બેરોકટોક અક્ષતના ઑફિસ-ઘરે આવી શકતી.
સગાઈમાં અણધાર્યો ફણગો ફૂટ્યાનું જાણી મોહિત પણ આઘાત પામેલો : અમારે ત્યાં કોઈ પણ ખુફિયા મિશનનો પાર્ટ બનનારની આખી કુંડળી તપાસવાની પ્રથા છે, પણ માતાજીએ ગામ-ઘર છોડી એ તંતુ જ કાપી નાખેલો એટલે પણ અક્ષતના પિતાના કહેવાતા દેશદ્રોહની ગાથાને તેની સાથે સાંકળી નહીં શકાઈ હોય... અને એ ગમે તે હોય, અક્ષતની વફાદારીનો હું સાક્ષી છું અને એટલે મારા જ પિતા વિરુદ્ધ જઈ હું તારી સાથે છું, સ્તુતિ!
કર્નલ એ દહાડે રેકૉર્ડ ફાઇલ મગાવી આપવાનું બોલી ગયેલા, પણ પછી સાઢુભાઈના વલણે રિસાયા હોય એમ ફરી બેઠા: એમ કંઈ કૉન્ફિડેન્શિયલ ફાઇલ આર્મી આપતું હશે! અને તમને તો આમેય તેના પર વિશ્વાસ નથી, પછી એની જરૂર પણ શું છે! એટલે હવે આર્મીની કેસ ફાઇલ માટે મોહિત પર જ મદાર હતો.
અને અત્યારે સ્તુતિનો ફોન રણક્યો. સામે મોહિત હતો: આઇ ગૉટ ધ કૉપી!
હા...શ! ફાઇનલી!
lll
નહીં!
મધરાતના સુમારે ઘરના અન્ડરગ્રાઉન્ડ રૂમમાં બેઠેલા અક્ષતે નિરાશા અનુભવી.
મોહિતે મોકલાવેલી ફાઇલ વાંચી પિતાને નિર્દોષ પુરવાર કરતી કોઈક કડી ચપટીકમાં શોધી કાઢવાની આશા આ ચાર દિવસોમાં ધૂંધળી થતી ગઈ છે. ફાઇલનું પાનેપાનું ગોખાઈ ગયા પછી મનોમન કેટલીયે વાર ઘટનાને રિવાઇન્ડ–ફૉર્વર્ડ કરતો રહ્યો છું પણ તપાસટીમે અહીં ભૂલ કરી એવો કોઇ પૉઝ મળતો જ નથી. કલ્યાણસિંહનું બયાન, કર્નલની કથની અને માની દાસ્તાનમાં પણ થોડું આમતેમ નથી.
આટઆટલા પુરાવા છતાં માનું મન કેમ નહીં માન્યું હોય? ક્યાંક એ પોતાના પુરુષને વાંકહીન જ જોવાની જડતા તો નહીં હોય?
નહીં-નહીં અક્ષત, તારે તો
માના વિશ્વાસના સહારે પડકાર પાર કરવાનો છે...
જાતને ચાબુક મારી અક્ષતે અત્યારે ફરી ફાઇલ ખોલી પણ પાનાં ફેરવતો ગયો એમ નિરાશા ઘર કરતી ગઈ : બધું તો બ્લૅક ઍન્ડ વાઇટમાં છે. અરે, હસીનામાંથી મળેલા સિમેન સૅમ્પલ પપ્પાના DNA સાથે મેળ ખાતા હોવાનો મેડિકલ રિપોર્ટ સુધ્ધાં છે, પછી ખોટું હોવાની ગુંજાઈશ જ ક્યાં રહે છે?
ના, એક ગુંજાઈશ છે...
અક્ષતને ઝબકારો થયો. તેણે સ્તુતિને કૉલ જોડ્યો.
lll
બીજી સાંજે પૅથોલૉજી લૅબમાંથી નીકળેલાં અક્ષત-સ્તુતિ ઝગમગતાં હતાં.
lll
ત્રીજી સવારે અક્ષતે હરિયાણાની ફ્લાઇટ પકડી. પિતાને ગદ્દાર ઠેરવનાર તેમના યારને મળવાનો વખત આવી ગયો હતો!
lll
‘નમસ્કાર, કર્નલસાહેબ!’
પતિના સાદે સવારે આંગણામાં મસાલા સૂકવતાં સાવિત્રીબહેન સચેત બન્યાં. ઓહ, કર્નલસાહેબ એટલે તો તેમના પેલા ઉપરી...
કલ્યાણ દિલ્હીથી મોટા ભાગે મહિને બેચાર દિવસ માટે ઘરે આવે અને એવા ભૂખ્યા ડાંસ હોય કે... સાવિત્રીબહેને હોઠ કરડ્યો: તેમનું જોમ જોઈ ક્યારેક થાય કે આ પુરુષે જુવાની ઘરથી દૂર કેમ કાઢી હશે! લવલફરાં કર્યાં પણ હોય તો કોણ જોવા ગયું? તેમનો જ પેલો
આર્મી-ફ્રેન્ડ નિરંજન કોઈ પાકિસ્તાની જાસૂસની જાળમાં લપેટાયેલો જને!
હશે. મારે તો તે દીકરાનો ભેદ જાણ્યા વિના રવાના થાય એ જ ઘણું.
દીકરાનો ભેદ. હળદરના ગાંઠિયામાં ફરતો સાવિત્રીબહેનનો હાથ ઘડીક અટકી ગયો. તે સંભારી રહ્યાં:
નાનપણમાં અનિ માંદો રહેતો એમાં શરીર ભરાયું નહીં. સાથે ભણતા છોકરાઓને મૂછો ફૂટી ત્યારે તે સાવ ક્લીન શેવ્ડ! રિસેસમાં રીતસર રૅગિંગ થતું, ડૂબી મરવાનું મન થાય એવી ગંદી કમેન્ટ્સનો મારો ચાલતો ને ઘરે આવી તે માના ખોળામાં માથું મૂકી રડી પડતો...
સાસુ-સસરા રહ્યાં નહોતાં પણ આર્મીની ડ્યુટીએથી રજા મેળવી ઘરે આવતો કલ્યાણ દીકરાને વઢતો : નથી તારી ભણવામાં બુદ્ધિ ચાલતી, નથી શરીર બનતું. બાયલો!
‘તેને દાઢી-મૂછ નથી ઊગતી એમાં તેનો શું વાંક?’ સાવિત્રી રડતા દીકરાની ઢાલ બનતી, ‘બાપ થઈ એનો ઇલાજ શોધવાને બદલે તમે જ તેને હડધૂત કરો એમાં તેનો આત્મવિશ્વાસ પણ કેમ બંધાય?’
પછી દીકરાને અંદર લઈ જઈ આંસુ લૂછતાં : પપ્પાનું બોલવું મન પર ન લઈએ બેટા, મરદો તો હોય જ આવા!
અને એ ક્ષણે અનિરુદ્ધના ચિત્તમાં પડઘો પડ્યો: મરદો આવા હોય તો મારે નથી બનવું મરદ! એના કરતાં મા જેવી સ્ત્રી શું ખોટી? છોકરાઓ તો આમેય મને છોકરી કહી ચીડવતા જ હોય છે. કુદરત પણ મને છોકરી તરીકે જ જોવા માગતી હોય તો જ મને મૂછ ન ફૂટી!
પોતાની જાતિ માટેનું મનોમંથન દરવખતે સ્વયંભૂ નથી હોતું, ઘણી વાર એ બહારનાં પરિબળોથી પણ ઘડાતું હોય છે. અનિરુદ્ધ સાથે એવું જ બન્યું...
અનિરુદ્ધ ચોરીછૂપે માની સાડી પહેરતો. લાલી-લિપસ્ટિક કરતો. કૉલેજ આવતાં સુધીમાં તેણે સ્વીકારી લીધેલું કે હું છોકરી તરીકે વધુ સુખી છું!
પિતા ઘર બહાર રહેતા એ અનિરુદ્ધને રાહતરૂપ હતું. પૉકેટમનીમાંથી તે લેડીઝ ગાર્મેન્ટ્સ ખરીદતો. રાતે છોકરી બનીને આયના સામે ઊભો રહેતો ને પોતાના એ રૂપ પર ઓવારી જતો!
‘અ..નિ..રુદ્ધ...’
એક રાતે તેના રૂમના ખખડાટે જાગી ગયેલી સાવિત્રીમા દરવાજાની ફાંટમાંથી દીકરાનું રૂપ જોઈ ચિત્કારી ઊઠે છે... અને ડરવા કે લજાવાને બદલે અનિરુદ્ધ સાડીની પાટલી સંભાળતો દોડીને વળગી પડે છે : હું સ્ત્રી છું મા, મારે ઑપરેશન કરાવી નૉર્મલ છોકરી બનવું છે મા!
સાવિત્રીમા માટે પણ આ સત્ય પચાવવું કઠિન હતું. ઊણપો છતાં દીકરો તેમને વહાલો હતો, પણ તે છોકરી બનવા માગે ત્યારે પહેલો વિચાર સમાજનો જ આવે : લોકો શું કહેશે?
અરે, લોકોનું છોડો, કલ્યાણ શું કહેશે?
ધ્રૂજી ગયેલાં સાવિત્રીમા. દીકરાને ભડાકે દેતા કલ્યાણનું કલ્પનાચિત્ર તેમને સહેમાવી ગયું. સમજાઈ ગયું કે હું જો દીકરાના પડખે ન રહી તો તેને ગુમાવી બેસીશ. એના કરતાંય જેવો છે એવો, મારા જીવનનો આધાર તો અકબંધ રહે.
પછીથી દીકરાને છોકરીના વેશમાં જોતાં ને આઘાતને બદલે કરુણા જ નિતરતી.
મને ધ્યાન છે કે અનિ માટે એક યુદ્ધ હજી મારે લડવાનું છે - પહેલાં પતિ સામે અને પછી સમાજ સામે અને હું લડીશ.
અત્યારે જાતને મક્કમ કરતાં સાવિત્રીબહેન પતિના ઊંચા સાદે ચમક્યા :
‘શું? નિરંજનનો દીકરો!’
સાવિત્રીબહેનના કાન આપોઆપ સરવા થયા.
‘હા, હા, ગયા વીકમાં તમારા મિસ્ડ કૉલ હતા, પણ મારાથી કૉલબૅક ન થયો... ઓહ, તમારી ભત્રીજી સાથે નિરંજનના દીકરાના વિવાહ નક્કી કરવાના હતા એમાં દીકરા સમક્ષ બાપની ગદ્દારી ખૂલી? ઓહ, માના પડકાર પર તેણે પિતાને નિર્દોષ સાબિત કરવાની હોડ બકી છે?’
સાવિત્રીબહેન જોઈ રહ્યાં. પતિ સ્વરમાં બેફિકરાઈ દાખવે છે, પણ કપાળે પ્રસરતી ચિંતા મને તો સાફ દેખાય છે. નિરંજનનો દીકરો બાપને નિર્દોષ પુરવાર કરવા માગે એમાં કલ્યાણે શું કામ પરેશાન થવું જોઈએ!
‘એમ આટલાં વર્ષે કોઈ કંઈ જ પુરવાર ન કરી શકે. શું? તે અહીં આવી રહ્યો છે? સવારની ફ્લાઇટમાં? તો ભલેને આવતો. હા, હા, હું આપને જાણ કરીશ.’
કૉલ કટ થયો.
‘સાવિત્રી...’ કલ્યાણે ઘાંટો નાખ્યો.
‘ધીરે. હું તમારી સામે જ ઊભી છું.’
‘હેં! હા, હા, વાયડી ન થા. ગરમ પાણી કાઢ, નાહીને હું નીકળું છું.’
‘એકાએક! તમે તો કાલે સાંજે નીકળવાના હતાને.’
‘ઑફિસમાંથી કૉલ હતો. અર્જન્ટ જવું પડે એમ છે.’
‘પણ ફોન તો કર્નલસાહેબનો હતો. નિરંજનનો દીકરો મળવા આવી રહ્યો છે... ત્યારે જ તમારે નીકળી જવું છે?’
કલ્યાણની ગાળ સરી ગઈ : તું CID શું કામ બને છે? નિરંજન સાથે મારે યારી હતી, પણ તે ગદ્દાર નીકળ્યો પછી તેના દીકરાને શું કામ મળવું? આવે તો દરવાજેથી રવાના કરી દેજે, સમજી!
સાવિત્રીબહેને ઊંડો શ્વાસ લીધો, ‘સમજી ગઈ.’
lll
‘કલ્યાણસિંહ દિલ્હી જવા નીકળી ગયા!’
અક્ષતે નિરાશા અનુભવી. કલ્યાણસિંહ હોત તો તેમનીયે જાણ બહાર નાનકડું કામ પતાવી નીકળી જવાનું હતું, પણ અહીં આવ્યા પછી જાણ થાય છે કે તે દિલ્હી જૉબ કરે છે ને બે કલાક પહેલાં જ નીકળી ગયા!
‘તમારા પિતાના કિસ્સા વિશે હું જાણું છું...’
આંગણાની બેઠકે ચા-નાસ્તાની ટ્રે લઈ આવતાં સાવિત્રીબહેન અક્ષતને ઉષ્માભર્યાં લાગ્યાં. પરસાળના હીંચકે ઝૂલતો તેમનો દીકરો મારી જ વયનો હશે, પણ મને જોઈ કેવું શરમાઈ રહ્યો છે!
અક્ષતે ધ્યાન સાવિત્રીબહેન પર રાખ્યું.
‘તારી માતાની શ્રદ્ધાએ મને વિચારતી કરી મૂકી. તેની જગ્યાએ હું હોત તો પતિ પર આટલી શ્રદ્ધા રાખી શકી હોત ખરી!’
અક્ષત ટટ્ટાર થયો. સાવિત્રીઆન્ટીના સાદા વાક્યમાં તેમના દામ્પત્યનું પોલાણ ખુલ્લું થઈ જાય છે.
‘જોને, તારા આગમનના ખબર જાણી તે અચાનક દિલ્હી જવા રવાના થયા એમાં જ તેના મનનો ચોર છતો નથી થતો!’
હેં! અક્ષતે ત્યારે જાણ્યું કે કર્નલે કેવળ જાણકારી હેતુ કરેલા ફોનથી ચેતીને કે ભડકીને કલ્યાણસિંહ સરકી ગયા!
‘મને કહેતા ગયા કે નિરંજનના દીકરાને દરવાજેથી જ રવાના કરી દેજે...’
‘અને તોય તમે મને આવકાર્યો, મારી આગતાસ્વાગતા કરો છો!’
‘કારણ કે હું સમજવા માગું છું કે તારા પિતાના કેસમાં કલ્યાણે છુપાવું પડે એવું શું છે? મારા માટે જાણવું બહુ જરૂરી છે, બેટા...’ તેમણે હીંચકે ઝૂલતા અનિરુદ્ધ તરફ નજર ફેંકી ઉમેર્યું, ‘સમજી લે મારે એક યુદ્ધ લડવાનું છે ને અંદરખાને મને થાય છે કે તારા થકી એ માટેનું બ્રહ્માસ્ત્ર મને મળી શકે એમ છે.’
અક્ષત વિચારમાં પડ્યો. સાવિત્રીઆન્ટીને કેટલું કહેવું? આમ તો એ મમતાળુ, મૂલ્યનિષ્ઠ જણાય છે પણ સચ્ચાઈ પચાવી શકશે ખરાં? તીરછી નજરે અનિરુદ્ધને નિહાળતાં તેના ચિત્તમાં ઝબકારો થયો: એના કરતાં થોડું કહી તેમની મદદ કેમ ન લેવી?
‘સત્ય કહેતાં પહેલાં એને સાબિત કરવું પડે એમ છે અને એ માટે મને તમારી મદદ જોઈશે. તમે મને અનિરુદ્ધની એક ચીજ આપી શકશો?’
સાવિત્રીબહેન ઘડીભર તેને તાકી રહ્યા, પછી સાદ પાડ્યો: અનિરુદ્ધ...
lll
અક્ષતના ગયા પછી પણ અનિરુદ્ધ તેની દિશામાં મુગ્ધ ભાવે તાકી રહ્યો. તેના અંતરમનના ઓરતા પરખાતા હોય એમ હળવો નિશ્વાસ નાખી સાવિત્રીબહેને કહેવું પડ્યું, ‘એ ગયો, અનિ.’
‘કેટલો સુંદર જુવાન હતો મા! તે મારી સાથે પરણે?’ તેણે લજ્જાભેર ઉમેર્યું, ‘મતલબ, હું છોકરી બની જાઉં પછી..’
‘તેનાં તો લગ્ન નક્કી છે.’ દીકરાને ઝંખવાતો ભાળી તેમણે અવાજમાં જોમ ભેળવ્યું, ‘પણ હું તારા માટે આવો જ રૂપાળો વર શોધીશ.’
‘સાચે જ મા!’ અનિરુદ્ધ કેવો ઝળહળી ઊઠ્યો.
‘હા, બેટા, બહુ જલદી.’
કોણ જાણે કેમ, પણ આ વેળા સાવિત્રીબહેનના સ્વરમાં દ્વિધા નહોતી.
lll
આના બીજા દિવસે વળી મુંબઈની પૅથોલૉજી લૅબોરેટરીમાંથી નીકળતાં અક્ષત-સ્તુતિના ચહેરા પર જગ જીત્યાની ખુશી હતી!
lll
અને આના પખવાડિયા પછીની મધરાતે...
રાષ્ટ્રપતિ ભવનનાં સઘળાં કમ્પ્યુટર્સ એકાએક ઠપ થઈ ગયાં, સિક્યૉરિટી સિસ્ટમ કોલૅપ્સ થઈ ગઈ અને કદાચ ઇતિહાસમાં પહેલી વાર પ્રેસિડન્ટ હાઉસની ઇમર્જન્સી સાયરન રણકી ઊઠી.
(વધુ આવતી કાલે)