યાર-ગદ્દાર: ભેદ, ભરમ કે કરમ? (પ્રકરણ ૫)

30 January, 2026 11:43 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

દીવા જેવુ હતુ. હસીના સાથે કલ્યાણનુ અફેર નિરંજને પકડ્યુ, બેઉને ઝડપવા એ પહોંચ્યો પણ હસીનાની ગોળીનો શિકાર થયો ને મરતા મરતા એણે હસીનાને મારી નાખી... ડઘાયેલા કલ્યાણે આમાં સ્વબચાવની તક જોઇ

ઇલસ્ટ્રેશન

‘સૉરી ટુ ડિસ્ટર્બ યુ મૅડમ પ્રેસિડન્ટ ઍટ ધિસ અવર.’  

મહાશ્વેતાદેવીએ ઘડિયાળમાં નજર નાખી : રાતના દોઢ થયો હતો. અડધી રાતે ભારતના પ્રથમ નાગરિકની નીંદમાં ખલેલ પાડવા બદલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માફી માગે એ સ્વાભાવિક હતું, પણ ક્રાઇસિસ વિના વિશ્વનાથજી ખલેલ પાડે નહીં એ પણ સાચું.

‘ઇટ્સ ઓકે વિશ્વનાથજી. વૉટ ઇઝ ધ મૅટર?’

લાંબાંટૂંકાં નિવેદનોને બદલે સીધા મુદ્દે આવી જવાની રાષ્ટ્રપ્રમુખની લાક્ષણિકતા વિશ્વનાથને ગમી. પણ જે થયું એ કહેતાં જોર પડે એમ હતું.

‘તમે જાણો છો મૅડમ, આપની સુરક્ષા માટે અદ્યતન સિસ્ટમ આપણે ઇન્સ્ટૉલ કરી છે, ઇઝરાયલના સહયોગથી.’

‘જાણું છું. પ્રેસિડન્ટ હાઉસની કમ્પાઉન્ડ વૉલ ફરતે અદૃશ્ય કિરણોની બીજી દીવાલ છે. ક્યાંકથી કોઈએ છીંડું પાડ્યું તો અલાર્મ બજી ઊઠશે. નો ફ્લાય ઝોનમાં ડ્રોન આવ્યું તો ઑટો સિસ્ટમથી એને તોડી પડાશે ઍન્ડ લાઇક ધૅટ. હું ભૂલતી ન હોઉં તો એવરી મન્થ એની મૉક ડ્રિલ પણ થતી હોય છે.’

ઝીણી-ઝીણી વિગતોને ચોકસાઈપૂર્વક યાદ રાખવી એ રાષ્ટ્રપતિ મહોદયાનું બીજું લક્ષણ છે.

‘કરેક્ટ. તમે એ પણ જાણતાં હશો કે આવી સિસ્ટમ મોટા ભાગે સૉફ્ટવેર બેઝ્ડ હોય છે.’ હવે પછીનું વાક્ય કહેતાં વિશ્વનાથજીનો સ્વર જરા ધ્રૂજી ગયો, ‘અને એટલે જ માલફંક્શન થવાની સંભાવના રહેતી જ હોય છે.’

મહાશ્વેતાદેવીએ ધ્યાનથી વિશ્વનાથને નિહાળ્યા, ‘તમે એમ કહેવા માગો છો કે અહીંની સિક્યૉરિટી સિસ્ટમને કોઈએ હૅક કરી છે?’ તેમના સ્વરમાં આઘાત વર્તાયો, ‘ડૂ આઇ અન્ડરસ્ટૅન્ડ કરેક્ટ્લી?’

વિશ્વનાથથી ઇન્કાર થાય એમ નહોતો, ‘યસ મૅડમ. અનફૉર્ચ્યુનેટલી એવું જ થયું છે.’

‘માય ગૉડ. આના કૉન્સિક્વન્સિસ તમને સમજાય છે? વૉટ વી આર એક્સ્પેક્ટિંગ નાઓ? ભારતના રાષ્ટ્રપતિ ભવન પર પાકિસ્તાનનો મિસાઇલ અટૅક?’

‘આમાં પાકિસ્તાનનો હાથ હોય એવું લાગતું નથી મૅડમ.’ વિશ્વનાથ સમજતા હતા કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પોતાની પ્રતિષ્ઠા આજે દાવ પર લાગી છે, ‘ઇન્ટેલિજન્સને કોઈ થ્રેટ પણ નથી.’ તેમણે અવાજમાં જોમ ઉપજાવ્યું, ‘આપણે મૅન્યુઅલ સિસ્ટમ ઍક્ટિવેટ કરી દીધી છે, મૅડમ.’

‘અફકોર્સ. ઍન્ડ આઇ ડૂ હોપ કે એ સેફ વર્ક કરતી હોય.’

રાષ્ટ્રપતિ મૅડમનો વ્યંગ વિશ્વનાથને સમસમાવી ગયો. બીજા પ્રેસિડન્ટ્સની જેમ મૅડમ રબર સ્ટૅમ્પ્ડ નથી. આજીવન અપરિણીત રહેલાં મૅડમ સિત્તેર વર્ષની વયે પણ કડેધડે છે. દેશહિત તેમના હૈયે છે.

‘વૉટ ઇઝ યૉર નેક્સ્ટ મૂવ? મોસાદ શું કહે છે?’

‘ધે આર શૉક્ડ. તેમની સિસ્ટમને હૅક કરનારો દિમાગનો તેજ હોવો જોઈએ.’ વિશ્વનાથે કહેવાનું ટાળ્યું કે વાઇરસને ઇન્સર્ટ કરવા તેને અહીંની સિસ્ટમનો ઍક્સેસ પણ હોવો જોઈએ. પણ એ બધી ટેક્નિકાલિટીમાં મૅડમને રસ ન હોય, તેમને તો રિઝલ્ટ જોઈએ.

‘સો ન્યુ પર્ચેઝ? આખી સિસ્ટમ ફરીથી ઇન્સ્ટૉલ કરવી પડશે?’ 

‘આપણી પહેલી પ્રાયોરિટી તો દુશ્મનને ખતમ કરવાની છે મૅડમ, કિલ ધ વાઇરસ. એનો ઉપચાર ન મળે ત્યાં સુધી નવેસરથી એ કે બીજી સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવાનો અર્થ નથી.’

‘અને એ કોણ કરશે? કેટલા સમયમાં થશે?’

‘અવર બેસ્ટ પર્સન્સ આર ઑન ધ જૉબ. સો, ઍઝ અર્લી ઍઝ પૉસિબલ.’

lll

ત્યારે અક્ષતના ઘરે ભોંયરાના રૂમમાં અક્ષત-સ્તુતિ ફોનને ટાંપી બેઠાં છે : હવે તો એ રણકવો જોઈએ!

વીત્યા પંદર દિવસ ભારે

ઉતાર-ચડાવભર્યા રહ્યા. હરિયાણાથી આવી પૅથોલૉજીના રિપોર્ટ્સ સાથે અક્ષત-સ્તુતિ અમ્રિતસર પહોંચેલાં... જગજિતમાસાને ત્યાં.

lll

ન હોય!

રિપોર્ટ જોઈ કર્નલનાં નેત્રો ચકળવકળ થયેલાં.

‘મોહિતે મેળવી આપેલી ફાઇલમાં એક જ ચીજમાં બનાવટ સંભવ લાગી: પપ્પાના DNA રિપોર્ટમાં, જે હસીનાની બૉડીમાંથી કલેક્ટ કરાયેલા સીમેન સાથે મૅચ થતો હતો. મેં પહેલાં મારો DNA ટેસ્ટ કરાવ્યો, જે પપ્પાની ફાઇલના રિપોર્ટ સાથે મૅચ ન થયો. આનો સીધો અર્થ એ કે ફાઇલમાં જે DNA રિપોર્ટ હતો એ પપ્પાનો નહોતો. પરિણામે એની સાથે મૅચ થતું સીમેન પણ પપ્પાનું નહોતું!’

જગજિતસિંહે ડોક ધુણાવી. આ એક જ રિપોર્ટથી દીકરા માટે બાપ નિર્દોષ પુરવાર થઈ ગયો.

‘હવે સવાલ એ થાય કે એ સીમેન કોનું હતું? વેલ, ઘટનાનાં ત્રણ જ પાત્રોમાંથી બે મૃત્યુ પામ્યાં હોય ત્યારે શકની સોય હયાત વ્યક્તિ પર જ જવાની, કલ્યાણસિંહ યાદવ!’

આ તર્ક પણ વાજબી હતો. અને અક્ષતના જવા ટાણે દિલ્હી ભાગી જઈ કલ્યાણે એના પર મહોર મારી દીધી!    

‘લકીલી તેમનાં વાઇફ સપોર્ટિવ નીકળ્યાં. પિતાનો અંશ પુત્રમાં બોલતો જ હોય છે એટલે અનિરુદ્ધના માથાના વાળ લઇ અમે ટેસ્ટ કરાવી... અને જુઓ, એ ફાઇલના DNA રિપોર્ટ સાથે કેટલો મળતો આવે છે! ધિસ પ્રૂવ્સ કે એ DNA અને સીમેન મારા પપ્પાના નહીં, કલ્યાણસિંહના હતા! પાકિસ્તાની જાસૂસ સાથે અફેર મારા પપ્પાનું નહીં, કલ્યાણસિહનું હતું. ગદ્દાર મારા પિતા નહીં, તેમના યારની ભૂમિકા ભજવતા કલ્યાણસિંહ હતા!’

દીવા જેવુ હતુ. હસીના સાથે કલ્યાણનુ અફેર નિરંજને પકડ્યુ, બેઉને ઝડપવા એ પહોંચ્યો પણ હસીનાની ગોળીનો શિકાર થયો ને મરતા મરતા એણે હસીનાને મારી નાખી... ડઘાયેલા કલ્યાણે આમાં સ્વબચાવની તક જોઇ. હસીનાના યાર તરીકે, દેશના ગદ્દારની ભૂમિકામાં નિરંજનને ગોઠવી દીધો. પોતાના ટેન્ટ-મેટની નિશાની જેવી સિગાર, ડાયરી, કપડાં હસીનાને ત્યાં પ્લેસ કરવાં તેને માટે સરળ હતું. હૉસ્પિટલના ઍક્સેસને કારણે DNA માટે નિરંજનનુ બ્લડ લેવાયેલું એ સૅમ્પલ પોતાના બ્લડથી બદલવું પણ અશક્ય તો નહોતું જ... નૅચરલી, પછી DNA મૅચ થયા અને નિરંજન ગુનેગાર ઠરી ગયો!

કોઈને એમાં શંકા નહોતી. કેવળ એક પત્નીની શ્રદ્ધા ન ઝૂકી અને મા તરીકે તેણે દીકરાને પડકાર આપતાં વર્ષોનો ભેદ ખૂલ્યો! 

‘ભેદ ખૂલવો પૂરતું નથી અંકલ, આર્મીના રેકૉર્ડ પરથી મારા પિતા પર લાગેલું કલંક દૂર થવું જોઈએ. દેશદ્રોહી કલ્યાણનું કોર્ટ માર્શલ થવું જોઈએ.’

આ વખતે જગજિતસિંહે બનતા પ્રયત્નો કર્યા, પણ અઢી દાયકા જૂની બંધ ફાઇલ ખોલવામાં કોઈને રસ નહોતો: આર્મીમાં દેશદ્રોહ જેવા ગંભીર આરોપના કિસ્સામાં સૈનિક રિટાયર્ડ થયા પછી પણ ત્રણ વર્ષમાં તેના પર કેસ દાખલ કરવાનું પ્રોવિઝન છે. અપવાદરૂપે પાંચ-સાત વર્ષની અવધિ હોઈ શકે, પચીસ વર્ષ જૂનો કેસ ખોલવાનું તો ચોક્કસપણે નથી બન્યું. વળી વાત બહુ ફેલાય તો કલ્યાણ ચેતી જવાનો ભય હતો.

એટલે પછી જે અક્ષતે કર્યું એ અભૂતપૂર્વ હતું. મોહિતની મદદથી તેણે પ્રેસિડન્ટ હાઉસનો ઍક્સેસ મેળવી સિક્યૉરિટી સિસ્ટમ જ કૉલેપ્સ કરી દીધી!

ના, આમાં રાષ્ટ્રપતિને જોખમમાં મૂકવાનો ઇરાદો નહોતો, કેમ કે રાષ્ટ્રના વડાની સુરક્ષા માટેની એક સિસ્ટમ કૉલેપ્સ થાય તો પ્લાન B એક્ઝિક્યુટ કરી જ દેવાતો હોય છે. વળી આમાં પોતાનું પગેરું મળે નહીં એની તકેદારી તો અક્ષતે રાખી જ હોય. ખરેખર તો પોતાના અનુભવનો નિચોડ અક્ષતે ઠાલવી દીધો હતો. હવે બસ, પોતે ઇન્સર્ટ કરેલા વાઇરસને મારવાનું ઇજન મળે એટલે...

અને અત્યારે તેનો ફોન રણક્યો. સ્તુતિએ ફિંગર્સ ક્રૉસ કરી.

યસ, મોહિતના ડિપાર્ટમેન્ટમાંથી હેડ માથુર હતા : અક્ષત, વી નીડ યૉર હેલ્પ.

અક્ષતે ઊંડો શ્વાસ લીધો.

lll

‘ધેર ઇઝ ઍન અપડેટ, મૅડમ.’

મળસ્કે ચાર વાગ્યે વિશ્વનાથજી વળી મહાશ્વેતાદેવી પાસે પહોંચ્યા.

‘આપણો એક એથિકલ હૅકર છે, અ બ્રિલિયન્ટ વન.’ તાજેતરની ડેન્માર્કની ઘટના કહી તે મુદ્દા પર આવ્યા, ‘તેનો કૉન્ટૅક્ટ કરતાં તેણે મદદની તૈયારી બતાવી, પણ તેની એક શરત છે.’

‘મની?’

‘નો. તે મિલિટરીનો પચીસ વર્ષ ચૂનો કેસ રીઓપન કરાવવા માગે છે, ટુ પ્રૂવ હિઝ ફાધર ઇનોસન્ટ ઑન આર્મી રેકૉર્ડ.’

ચાર-પાંચ વાક્યોમાં કેસનું બૅકગ્રાઉન્ડ સમજાવી એમણે ઉમેર્યું, ‘તેણે પોતાના સોર્સિસથી ટ્રાય કરી હશે, પણ અઢી દાયકા જૂનો કેસ ખોલવાની કોઈએ તૈયારી ન બતાવી. સૈન્યની ત્રણે પાંખના વડા તમે છો એટલે...’

વિશ્વનાથે જાણી જોઈને અધ્યાહાર રાખ્યો. મૅડમ સમજી ગયાં : પોતાની અરજી મૂકવા અક્ષતે જ સિસ્ટમ હૅક કરી હોય એ સાવ શક્ય છે! ભલે કદાચ પુરવાર ન થઈ શકે. 

‘એટલે કોઈ આપણું નાક દબાવવા માગે અને આપણે કબૂલ થઈએ?’

વિશ્વનાથે જુદી રીતે જવાબ વાળ્યો, ‘મેં ખુદ અક્ષત સાથે વાત કરી છે. આ બ્લૅકમેલિંગ નથી મૅડમ, પિતાને ન્યાય અપાવવાની પુત્રની જીદ છે.’

મૅડમ ઘડીક વિશ્વનાથને તાકી રહ્યાં. ના, આમાં બનાવટ નથી.

‘ગો અહેડ.’ ઝડપી નિર્ણયક્ષમતા ધરાવતાં મહાશ્વેતાદેવીએ ગ્રીન સિગ્નલ આપી દીધું, ‘પણ તેને એટલું કહેજો કે તપાસ નિષ્પક્ષ રહેશે.’

‘વેલ, ધૅટ્સ ઑલ હી વૉન્ટ્સ.’

lll

‘ઇટ્સ ડન.’

છેવટે સવારે નવ વાગ્યે વિશ્વનાથે મૅડમને ખબર આપ્યા.

મહાશ્વેતાદેવીએ ઘડિયાળ જોઈ, ‘હી ટુક ટુ મચ ટાઇમ.’

નૅચરલી, જો વાઇરસ અક્ષતે પ્લેસ કર્યો હોય તો એની પાસ એન્ટી ડૉટ રેડી જ હોય... પણ એણે તો જાણે અનનોન આઇટમ હોય એવો ટાઇમ લીધો.

કદાચ એવું દેખાડવા કે વાઇરસ પ્લેસ કરવામાં મારો હાથ નથી! ઑબ્વિયસલી.

વિશ્વનાથે ખભા ઉલાળ્યા.

‘વેલ પ્લેયડ, મિ. અક્ષત’ મેડમ પ્રેસિડેન્ટ આટલુ જ બોલ્યા.

lll

ઐતિહાસિક ઘટના! દેશદ્રોહી મનાયેલો સૈનિક અઢી દાયકા બાદ નિર્દોષ પુરવાર થયો!

છાપામાં, મીડિયામાં વાઇરલ થયેલા ખબરે વિદ્યાબહેનની આંખો છલકાવી દીધી: અક્ષુ, તેં કરી દેખાડ્યું! સ્તુતિ, તું સહધર્મચારિણીની જેમ તેના પડખે રહી!

શું થયું, કેમ થયું એમાં ન વિદ્યાબહેનને રસ હતો, ન સમજ,

ન જરૂર.

અસલી ગુનેગાર કલ્યાણસિંહ નીકળ્યો. DNA ટેસ્ટના પુરાવાek આધારે flને દિલ્હીથી દબોચી લેવાયો હતો.

ગુનાની કબૂલાત કરતાં તે ભાંગી પડેલો: હા, હસીના સાથે મારું અફેર હતું, દેશ સાથે અજાણતાં જ ગદ્દારી મેં કરી હતી. પણ નિરંજને અમને ઝડપ્યાં એમાં હસીનાની ગોળીથી તે મરાયો અને મરતાં-મરતાં તે હસીનાને મારતો ગયો એમાં મેં મારા બચાવની તક જોઈ. આપણી ઇન્ટેલિજન્સને ઑફિસરના નામની ખબર નહોતી. સો, મારા બદલે મેં નિરંજનને ફિક્સ કરી દીધો. સિગાર, ડાયરી જેવા પુરાવા ગોઠવવા સિવાય મારે ક્રાઇમ સીનમાં કોઈ ચેડાં કરવાં ન પડ્યાં, લૅબમાં એનું બ્લડ સૅમ્પલ મારા સૅમ્પલથી બદલી નાખ્યો જે સીમેન સાથે સ્વાભાવિક મૅચ થતાં તેની ગદ્દારી પર મહોર લાગી ગઈ. જાણે તેના દિદીરાએ વર્ષો પછી કેમનું આ બધું ખોળી નાખ્યું!

‘એમાં તમારા દીકરાએ મદદ કરી.’

જેલમાં મળવા આવેલી સાવિત્રી અક્ષતની મુલાકાતનો હવાલો આપી રણકાભેર બોલી હતી, ‘પાપ કોઈને છોડતું નથી, કલ્યાણ. એટલું જ કહેવા આવી છું કે તમારી સજામાં અમારી મુક્તિ છે. અહીંથી સીધી હું અનિને લઈ ડૉક્ટર પાસે જવાની છું. તેનામાં રહેલી સ્ત્રીને વિધિવત પ્રગટ કરવા.’ 

દીકરાના સત્યએ ખળભળી ગયો કલ્યાણસિંહ.

‘નો! તું આવું નહીં કરે, સમજી!’ બહાર નીકળતી પત્ની પાછળ તે ચિલ્લાયો હતો, ‘હજુ હું તારો પતિ છું...’

એવી જ પીઠ ફેરવી સાવિત્રીએ આંખોથી અગ્નિ ફેંક્યો, ‘એ હક તો હસીનાની સોડમાં ભરાયા ત્યારનો તમે ગુમાવી ચૂક્યા.’

કહી તેણે મોં ફેરવી લીધું ને પડી ભાંગ્યો કલ્યાણસિંહ!

lll

કથાના ઉપસંહારમાં એટલું જ કે કલ્યાણસિંહને ઘટતી સજા થઈ. અનિરુદ્ધ હવે અનન્યા બનીને ખુશ છે અને તેની ખુશીમાં સાવિત્રીમાની ખુશી છે. 

કર્નલસાહેબે જાહેરમાં નિરંજનની, તેમના પરિવારની માફી માગી. અક્ષતને ઊલટભેર અપનાવ્યો, મોહિત વગેરેને એનો આનંદ.

વિદ્યાબહેને અક્ષત-સ્તુતિને રંગેચંગે પરણાવ્યાં. પ્રેસિડન્ટ હાઉસની સિસ્ટમનું હૅકિંગ ક્યારેય જાહેર થવાનું નહીં. બટ યસ, અક્ષતની મદદ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ આજે પણ માગે છે અને સ્તુતિને આનો ગર્વ છે.

 

(સમાપ્ત)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff