અષાઢી બીજ - એક ગાથાના આરંભથી અંત સુધી (પ્રકરણ ૨)

14 July, 2026 02:14 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

પુરુષ આર્થિક મોરચો સંભાળે અને સ્ત્રી ઘરબાર - આ સમાજવ્યવસ્થામાં ખોટું શું છે. શરત એ કે સ્ત્રીનાં માનપાન અકબંધ રહેતાં હોય અને પતિનો તેને અખૂટ પ્રેમ સાંપડતો હોય!

ઇલસ્ટ્રેશન

‘લો, મારું ભાથું આવી ગયું...’

ટેકરી આગળ બગીનો સાદ સંભળાતાં ગુલાબબા બોલી ઊઠ્યાં, ‘તમે પણ શિરામણ કરી જ લો.’

‘ના... ના.’ જુહી ઊભી થઈ, ‘અરેન, આપણે જે કામ માટે આવ્યાં છીએ એ પતાવીએ. બપોર વેળા મંદિર બંધ થઈ ગયું તો સાંજ સુધી ખોટી થવું પડશે...’

ત્યારે અરેનને પણ ઊભા થવું પડ્યું, ‘માડી, અત્યારે નીકળીએ, પણ તમારી કથા સાંભળવા પાછા આવીએ છીએ... જો તમને વાંધો ન હોય તો.’

‘મારી ગાથા ગામમાં કોઈથી છૂપી નથી... અને હું તો મારા એભલના નામસ્મરણે જીવતી છું. તેનાં સંભારણાં કહેવામાં મને થાક ન લાગે - તમતમારે આવજો ભા!’

બેઉએ હાથ જોડીને પીઠ ફેરવી. થોડે દૂર ગયાં કે જુહીએ છણકો જતાવ્યો : ‘તમારે પાછું આ બાઈને મળવું છે! ના હોં, મંદિરે પગે લાગી સીધાં ઘરે...’

અરેન પળ પૂરતો જુહીને

જોઈ રહ્યો.

હજી સગાઈને અઠવાડિયું થયું હતું અને પહેલા મેળાપને માંડ બે મહિના...

વાગ્દત્તા સાથે દોરાતો અરેન વાગોળી રહ્યો:

ITનું ભણીને મલ્ટિનૅશનલમાં ઊંચી પોસ્ટ શોભાવતા એકના એક દીકરા પર દિવાકરભાઈ-મમતાબહેનને ભારોભાર ગર્વ હતો : ‘અમે સાવ સાધારણ સ્થિતિનાં. મહાલક્ષ્મીની ચાલીના વન-રૂમ-કિચનમાં રહેવાનું. અરેને ક્યારેય આની ફરિયાદ કરી નહીં. દસમા ધોરણથી તે નાના છોકરાઓને ટ્યુશન આપીને પોતાનો ખર્ચો જાતે કાઢતો અને જુઓ, અભ્યાસ પૂરો થાય એ પહેલાં કૅમ્પસ ઇન્ટરવ્યુમાં તેનું સિલેક્શન થયું ને નોકરીનાં આ પાંચ વર્ષમાં તે તરક્કી મેળવીને સિનિયર પોઝિશન પર આવી ગયો! આનું તેને અભિમાન નહીં. આજેય પોતાના પહેલાં તે અમારો વિચાર કરે. વરલી ખાતે નવો ટાવર બંધાઈ રહ્યો છે એના પાંત્રીસમા માળે તેણે પેન્ટહાઉસ બુક કરાવ્યું છે એમાં અમારા માટે ઘરમંદિરનો અલાયદો રૂમ થવાનો છે!’

મા-બાપ દીકરાને વખાણતાં ને દીકરો પોતાના સંસ્કાર-બંધારણનો યશ માવતરને આપતો. લગ્ન માટે આવતાં કહેણમાં તે છોકરીને ચોખ્ખું જ કહેતો : ‘મને ખરા અર્થમાં ગૃહિણી પુરવાર થાય એવી કન્યા જોઈએ છે...’

પરિણામે મોટા ભાગની છોકરીઓને અરેન આઉટડેટેડ લાગતો. અરેનને નવાઈ લાગતી : પત્ની હાઉસવાઇફ રહે એવી અપેક્ષા રાખવી જુનવાણીપણું છે?

પુરુષ આર્થિક મોરચો સંભાળે અને સ્ત્રી ઘરબાર - આ સમાજવ્યવસ્થામાં ખોટું શું છે. શરત એ કે સ્ત્રીનાં માનપાન અકબંધ રહેતાં હોય અને પતિનો તેને અખૂટ પ્રેમ સાંપડતો હોય!

‘આઇ ઍગ્રી વિથ યુ...’ જુહીએ આમાં સંમતિ પુરાવી હતી.

અરેને સંભાર્યું:

બૅન્ક-મૅનેજર પિતાનાં બે સંતાનોમાં મોટી દીકરી તરીકે જુહી પરંપરાગત સંસ્કારરૂઢિમાં ઊછરી હતી.

‘મેં તેને નવા જમાનાની હવા સ્પર્શવા નથી દીધી...’ છોકરી જોવા ગયા ત્યારે પિતા નવનીતભાઈએ બહુ ગર્વથી કહેલું, ‘૧૦ વર્ષની ઉંમરથી મા સાથે રસોડાનાં કામ કરે છે. ભાઈ નાનો છે, પણ પુરુષ છે એટલે તેના જેટલી આઝાદી તેને નહીં જ મળે એ પહેલેથી તેને ખબર છે. વાર-તહેવારે ભાવનગરના વતન જતા હોઈએ એટલે ગામની કન્યાઓ આ જ રીતે ઊછરે છે એનો ખ્યાલ પણ તેને રહે.’

છોકરી ગ્રૅજ્યુએટ થઈ છે, ઘરકામમાં ઘડાઈ છે. વળી અરેન સાથે શોભી ઊઠે તેવી રૂપાળી! વ્યવહારડાહી હોય એમ પગે પણ લાગી, પોશાક પણ સાડીનો પહેર્યો છે. આવા ગુણ તો આજે દુર્લભ થઈ ગયા છે!

મા-બાપની જેમ અરેનને પણ એક નજરમાં જુહી ગમી ગઈ.

‘હું સ્ત્રીસ્વતંત્રતાનો વિરોધી નથી, પણ કેવળ ગૃહિણી બની રહેવાથી તેના મોલ ઘટી જાય છે એવું પણ નથી માનતો....’

અમારી એકાંત મુલાકાતમાં આ સાંભળીને જુહી મને કેવું તાકતી રહેલી - એ યાદે અત્યારે પણ અરેન મલકી ગયો.

પછી તેણે પૂછ્યું હતું : ‘તમે સ્વતંત્રતા વિશે કહ્યું અરેન... તો શું હું એટલી સ્વતંત્ર હોઈશ ખરી કે

દીકરા-દીકરીના ઉછેરમાં ભેદ નહીં રાખવાનો મારો નિર્ણય માન્ય રખાય?’

નૅચરલી, જુહી પોતાના ઉછેરના સંદર્ભમાં જ પૂછતી હોય.

‘બીજા કોઈને આમ મેં

કહ્યું-પૂછ્યું ન હોત અરેન, પણ તમારી નિખાલસતા માન ઊપજાવે એવી છે એટલે કહેવાની હિંમત કરું છું...’ જુહીના સ્વરમાં વ્યથાની છાંટ ભળી, ‘ના, મારે ઘરે કામ કરવાં પડે એનો વાંધો નથી... પણ મોહિત (નાનો ભાઈ) મિત્રો સાથે ગોવા જઈ શકે ને મારાથી સખીઓ જોડે મેટ્રોમાં ફિલ્મ જોવા ન જવાય એ બધું ખટકે છે. મારી ભીતર ક્યાંક વિદ્રોહ દરમાં ભોરિંગની જેમ છુપાઈને બેઠો છે....’

આમ કહેતી જુહીની કીકીમાં તિખારો ઝબકેલો, ‘ના, પપ્પા-મમ્મીના વહાલમાં ભેદ છે એમ નહીં કહું, પણ ઉછેરની અસમાનતાએ હું આ ઘરમાં મારું મન ખોલી પણ નથી શકતી...’ હળવો નિ:શ્વાસ નાખીને તેણે આછા સ્મિત સાથે વાળી લીધેલું, ‘ખેર, છોડો એ વાતો. મારી દીકરી માટે તમે બીજા નવનીતલાલ નહીં બનો એની ખાતરી આપો છો?’

કેવો સીધો સવાલ. જુહી એકાએક વધુ ગમવા માંડી.

‘પત્ની તરીકે મને ગૃહિણી ગમે એનો અર્થ એ નથી કે મારું માનસ બંધિયાર છે... તેં ન કહ્યું હોત જુહી તો પણ પિતા તરીકે દીકરીને તેનું ગમતું આકાશ આપવાની મારી માનસિકતા છે.’

ઘડીભર મને નિહાળીને જુહી જરા જેટલું શરમાઈ હતી એમાં જ તેનો નિર્ણય પડઘાઈ ગયેલો! સગપણ પાકું કર્યા પછી અમે બે-ત્રણ વાર બહાર મળ્યાં. સગાઈ થતાં નવનીતભાઈએ અમારું ગામ જવાનું ગોઠવી કાઢ્યું : ‘અમારામાં વેવિશાળ પછી સતીમાતાના મંદિરે પગે લાગવાનો રિવાજ છે...’

- એટલે અમે બે ગઈ કાલના ભાવનગર આવ્યાં છીએ. આમ જુઓ તો સગાઈ પછી અમારું પહેલું આઉટિંગ... મને એનો કેવો થનગનાટ છે. જુહી મારી સાથે છે ખરી, પણ મોબાઇલમાં વધુ ખૂંપેલી જોવા મળે. ભાવનગરના ઘરે પણ કાકા-કાકીઓ, કઝિન્સ જોડે તેનો વર્તાવ થોડો શુષ્ક, ઉપરછલ્લો લાગ્યો. પણ પછી તેણે કઝિનને પટાવીને અહીં એકલા આવવાનું ગોઠવી કાઢ્યું ત્યારે લાગ્યું કે ના, જુહી પણ મને એટલું જ ઝંખે છે!

- પણ બે કલાકના લૉન્ગ ડ્રાઇવમાં તે અડધો વખત તો મોબાઇલમાં ટાવર ખોજતી રહી... ઊતર્યા પછી દર્શને જવાને બદલે ટાવર પકડવા ટેકરી પર ચડી, મને કેવી મનાઈ પણ ફરમાવી!

- ત્યાં માજી સામે પણ તેનું વર્તન વાંધાજનક હતું. મોબાઇલના સિગ્નલને કારણે આટલું બહાવરું કોણ બને!

ના... ના. ઘરે મા-બાપને અપડેટ આપવા જુહી આટલી કૉન્શિયસ થઈ જાય એ એટલું તો સૂચવે જ છે કે ફૅમિલી મૅટર્સ ફૉર હર! આનો તો મારે આનંદ જ અનુભવવાનો હોય...

- અત્યારે જાતને આમ સમજાવતો અરેન મંદિર તરફ જાય છે ત્યાં જુહી સામી આવી : ‘દર્શન બંધ થઈ ગયાં! હવે સાંજે પાંચ વાગ્યે ખૂલશે... મંજીરા જપો ત્યાં સુધી!’

જુહીના બોલમાં અકળામણ હતી. અરેનથી બોલી પડાયું, ‘કેમ, એ બહાને આપણને એટલું સાથે રહેવા મળ્યું એ તને ન ગમ્યું?’

આંખોમાં આંખ મેળવીને પુછાયેલા સવાલે જુહીને સહેજ સહેમાવી દીધી. હોઠ કરડ્યો, ‘આપણે માતાના સ્થાનકમાં ઊભાં છીએ ને તમને રોમૅન્સ સૂઝે છે!’ કહીને આગળ વધી ગઈ, ‘એક તો અહીં સિગ્નલ નથી મળતું...’

‘જુહી, તું તો અગાઉ અહીં આવી હોઈશને...’ ઝડપથી પગ ઉપાડીને અરેને તેની સાથે થતાં પૂછ્યું, ‘તારા પેરન્ટ્સ, કાકા વગેરે પણ આવ્યા હશે?’

‘હું એકાદ વાર – વર્ષો પહેલાં આવી હોઈશ... બાકી મમ્મી-પપ્પા તો ગામનો પ્રોગ્રામ બને ત્યારે ઘણી વાર આવ્યાં છે. છેલ્લે હજી ચારેક મહિના પહેલાં જ આવી ગયાં...’

‘મતલબ, આ જગ્યાએ ટાવર નથી મળતું એનો તેમને અનુભવ પણ છે...’ અરેને સ્મિત ફરકાવ્યું, ‘એટલે તેમનો કૉન્ટૅક્ટ ન થવાની ચિંતા રહેવા દે.’

જુહીએ પાતળું સ્મિત ફરકાવ્યું : ‘યા...’ બાકીનું મનોમન બોલી : મોબાઇલનાં સિગ્નલ માટે અપરિણીત યુવતી આટલી બહાવરી બને એ મા-બાપ માટે નહીં, પ્રેમીજન માટે હોય એટલી પણ સમજ અરેનને નથી!

પ્રેમી.

જુહીએ રોમેરોમમાં રોમાંચ અનુભવ્યો.

મારી મહોબ્બતનો મુકામ એટલે માનવ. મારા હૈયાનો સરતાજ, મારા અસ્તિત્વનો આધાર માનવ!

ના, મમ્મી-પપ્પાની રૂઢિના બંધનમાં ઊછરેલી હું ભાઈ સાથેના વ્યવહારભેદથી મનોમન શોષાયા કરતી એનો પ્રગટ વિરોધ કરવાની હામ ક્યાં હતી? અંગે યૌવનની ઋતુ જામી, કૉલેજમાં પગ મૂક્યો ત્યારેય લીલાં કોઈ સપનાંને આંખમાં સમાવ્યાં નહોતાં. વિચારેલું કે મારે તો પપ્પા જે મુરતિયો નક્કી કરે તેને જ ગમાડી ચોરીના ચાર ફેરા ફરી લેવાના રહેશે... મારી સખી ઋતુજા કાર શીખવાની થઈ ન હોત તો કદાચ માનવને મારી જિંદગીમાં આવવાનું પણ બન્યું ન હોત...

‘જુહી...’

અરેનનો સાદ પડઘાતાં જુહીએ વિચારમેળો સમેટી લીધો.

‘આપણે હવે વખત જ પસાર કરવાનો હોય તો ચાલ, ગુલાબબાની પ્રેમકહાણી સાંભળી લઈએ.’

ગુલાબબાની પ્રેમકહાણી.

મોસાળથી પાછા ફરતી વેળા વળાવિયાની બહાદુરીએ રંગ રાખ્યો અને એની કદરરૂપે ગુલાબના પિતાએ એભલસિંહને દેવગઢ રોકી રાખ્યો.

ગુલાબના પિતા વીરસિંહ ગામના ઠાકોર હતા. જમીનદારીનો પથારો પણ મોટો હતો. એને લગતાં કામકાજ માટે તેમણે આસપાસનાં ગામોમાં ફરવાનું થતું, ઉઘરાણીનાં કામો રહેતાં. એભલ તેમના પડછાયા જેવો બની ગયો. ગઢના પરિસરમાં કૉટેજ જેવું મકાન મળ્યું. નવરો હોય ત્યારે મોટા ભાગે તે ઘોડારમાં હોય... અને ગુલાબને ઘોડેસવારીનો શોખ. પરિણામે મેળ થતો રહ્યો, પ્રેમના તણખા ઝરતા રહ્યા.

- દરબારની દીકરી ને તેમના વળાવિયાની લવસ્ટોરીમાં પછી તેમના મંગેતરનો પ્રવેશ થયો એવું જ કંઈક મારી સાથે ઘટ્યું... માનવ મારી બિરાદરીનો નથી એટલે ઘરમાં કોઈને મારો પ્રણયભેદ કહેવાની હામ જ નહોતી. ઘરેથી ભાગી જવાની હિંમત તો હતી, પણ પરજ્ઞાતિના છોકરા જોડે ભાગી ગયેલી દીકરીને પાતાળમાંથી ખોળીને તેનું કાસળ કાઢતાં બાપ-ભાઈ ખચકાય નહીં એ અંજામ પણ મંજૂર નહોતો. પપ્પા મારાં મૅરેજ માટે ઉતાવળા થયા હતા. વારે-વારે મારો ઇનકાર કરવો તેમનામાં વહેમ જન્માવે એમ હતું. એમાં અરેન માટે તે બહુ પૉઝિટિવ હતા એટલે હકાર ભણવો પડ્યો...

ટેકરી તરફ કદમ ઉપાડતાં અરેનની પાછળ દોરાતી જુહીએ હળવો નિ:શ્વાસ નાખ્યો : આ પણ કેવું અરેન... તમે પહેલી એવીવ્યક્તિ હતા જેની સમક્ષ હું અનાયાસ મારા ભીતર વસતી વિદ્રોહની જ્વાળા દેખાડી શકી. તમારા ઉમદા વ્યક્તિત્વનો એ પ્રતાપ હતો. હું માનવને ચાહતી ન હોત તો આંખ મીંચીને તમારા પ્રેમમાં ખાબકી હોત...

પણ હવે એ શક્ય નથી... ગુલાબબાની કહાણીમાં તેમના મંગેતરનું જે થયું હોય, મારી સ્ટોરીમાં તમારે મરવું રહ્યું!

અને ચહેરા પર દુપટ્ટો ફેરવીને જુહીએ ઘાતકી વિચાર લૂછી નાખ્યો!

lll

‘આ...હ.’

તેની ચીસ સરી ગઈ.

‘શ્શ... શ્શ...’ જુવાને તેની સ્લીપિંગ પાર્ટનરના મોં પર હાથ દાબ્યો, ‘અવાજ બહાર જશે તો આજુબાજુવાળા વહેમાશે કે ડ્રાઇવિંગ સ્કૂલનાં બંધ શટર પાછળ તેનો માલિક છોકરીઓ સાથે જવાનીના જલસા કરતો હોય છે!’

‘એમ!’ છોકરીએ મોં પરનું દબાણ હટાવીને જુવાનની ચિબુક પકડી, ‘ત્યારે તો તારી દુકાનનું શટર રોજ પડતું હશે - મતલબ તું કેટલી છોકરીઓ સાથે...’

‘એની ગણતરી મેં રાખી નથી... ‘જુવાનના ચહેરા પર કડકાઈ ઊપસી, ‘અને તું પણ મારી માશૂકા બનવાની કોશિશ ન કર.’ કહીને સ્મિત ઊપજાવ્યું, ‘બલકે અહેસાન માન કે મારી મહેબૂબા આઉટ ઑફ સ્ટેશન છે એટલે આપણને આ લાભ મળી ગયો...’

‘ઓહ, એમ છે! તો પછી વાતોમાં વખત કેમ બગાડે છે!’ છોકરીએ જુવાનને ભીંસી દીધો.

તે જુવાન માનવ હતો. પ્રેમીની બેવફાઈ જુહીએ જાણી હોત તો? કે જુહીનો ઘાતકી ઇરાદો અરેન જાણતો હોત તો?

જિંદગીમાં કેટલુંય કંઈ આ ‘જો’ અને ‘તો’ પર નભતું હોય છે.

 

(ક્રમશઃ)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff