16 July, 2026 11:02 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘ચલો અરેન, દર્શન ખૂલી ગયાં
લાગે છે...’
માનવનો ફોન મૂકીને જુહીએ ઉતાવળ દાખવી. ખરેખર તો કોનો ફોન હતો એ બધી પૃચ્છા ટાળવાની એ ચેષ્ટા હતી.
‘અરે! ગુલાબબાની કથા તો...’
‘તેમની કથામાં સાંજનાં દર્શન પણ મિસ કરવાં છે તમારે?’ છણકો કરીને તેણે અરેનનો હાથ પકડીને ઊભો કર્યો. ગુલાબબા ઝીણવટથી આખો તાલ જોઈ રહ્યાં છે. તેમની નજરમાં સપડાઈ જવાની બીક લાગતી હોય એમ જુહી તેમની સામે જોવાનું પણ ટાળે છે, ‘તેમણે કહ્યુંને તેમની કથા છૂપી નથી - તો ઘરે કાકાને પૂછી લઈશું... ચાલોને!’
‘માડી, રજા લઈએ.’ અરેન સંકોચાતો હતો. પોતે જવું નહોતું ને જુહી પરાણે ખેંચી રહી હતી. તેના આરોહ-અવરોહ સમજાય એવા તો નથી જ. ગુલાબબાને કેવું લાગતું હશે!
ખરેખર તો થોડા કલાકના સહવાસમાં ગુલાબબા પ્રત્યે દાદીમા જેવી આત્મીયતા અનુભવાતી હતી. અરેનથી બોલાઈ જવાયું, ‘માડી, લગ્નની કંકોતરી મોકલીશ, આવશોને?’
ગુલાબબાએ ડોક ધુણાવી, ‘હું તો મારા એભલને છોડીને ક્યાંય જતી નથી.’ તેમના સ્વરમાં અરેન માટેનું વહાલ છલકાયું, ‘પણ તમે આવતાં-જતાં રહેજો, મને ગમશે... અને મારા એભલને પણ! બાકી તો હરો-ફરો... પણ સાવચેત રહીને, સમજ્યોને!’
એ મોઘમ અરેનને જ સમજાય એમ હતું!
lll
માનવ!
રાતે રૂમમાં એકલા પડતાં જ જુહીએ સ્મરણપટારો ખોલી નાખ્યો :
આમ તો પોતાની કોઈ અંગત સખી નહીં, પણ કૉલેજમેટ ઋતુજા સાથે જરા વધારે ભળતું. જો તે કાર શીખવાની થઈ ન હોત તો કદાચ માનવનું મારી જિંદગીમાં આવવાનું પણ બન્યું ન હોત... આમ તો ઘરે પપ્પાની કાર હતી, મોહિત ડ્રાઇવ કરતો; પણ પોતેય કાર ચલાવી શકે એવું જુહીએ ન કદી પપ્પાને પૂછેલું ને નવનીતનાથને તો એવું સૂઝે પણ કેમ!
પણ કૉલેજના બીજા વર્ષમાં ઋતુજાએ ડ્રાઇવિંગ સ્કૂલ જૉઇન કરી ને કૉલેજ પતતાં તે પરાણે જુહીને ઘસડી જતી : બપોરના સમયે ખાસ રશ હોતો નથી, મોટા ભાગે હું એકલી હોઉં છું, તું કારમાં પાછળ બેસી રહેજે...
બે-ચાર દહાડા તો જુહીને લૉન્ગ ડ્રાઇવની મજા આવી. જોકે પછી ચાલકોની સંખ્યા વધતાં ઋતુજા રાઉન્ડ પતાવીને આવે ત્યાં સુધી તેણે ઑફિસમાં બેસવું પડતું. એ સમયે ડ્રાઇવિંગ સ્કૂલનો ઓનર કૅબિનમાં એકલો જ હોય. જુહીને બહાર બેઠેલી જોઈને બાજુની લારી પરથી ચા મગાવીને તે સામે ગોઠવાય:
‘તમે કેમ ડ્રાઇવિંગ નથી શીખતાં?’
તે માનવ હતો. ત્રણેક વર્ષ ડ્રાઇવિંગ ક્લાસનો અનુભવ લઈને બે-એક વર્ષથી માનવે પોતાની સ્કૂલ શરૂ કરી હતી. ભાડાની જગ્યા, ૪ જેટલી કાર. રીઝનેબલ ચાર્જિસને કારણે ઇન-ફ્લો સારોએવો રહેતો.
સત્તાવીસ વર્ષનો, ભારોભાર દેખાવડો જુવાન આમ નજીક બેસીને વાતો કરે એ જુહી માટે પહેલો અવસર હતો. શરૂમાં તે બહુ બોલતી નહીં, પણ ધીરે-ધીરે બંધ કળી ખૂલવા લાગી.
‘એક છોકરી કેટલું શીખે?’ ડ્રાઇવિંગ શીખવાની સલાહ સામે જુહીથી બોલી જવાયું, ‘રસોઈનાં કામ, ઘરની સાફસફાઈનાં કામ - બધું શીખીને કાર પણ તેણે જ શીખવાની?’
‘યા, એ પણ પૉઇન્ટ છે...’ એક–બે પળ જુહીને નિહાળીને તેણે સ્મિતમાં હોઠ વંકાવ્યા, ‘જોકે તમારે તો મૉડલિંગ શીખવા જેવું છે... આટલું સુડોળ, પર્ફેક્ટ ફિગર આજે કઈ હિરોઇન પાસે છે?’
‘ઓ મા!’ જુહી લજાઈ. નજરથી જમીન ખોતરતાં બોલી જવાયું : ‘ભારે પારખુ લાગો છો. દૂરથી જ પર્ફેક્શન માપી લીધું?’
‘નજીક આવવાની મંજૂરી આપો તો પૂરી ચોકસાઈથી માપી લઉં.’
તેનું મારકણું સ્મિત પ્રેમમાં ખાબકવા માટે કાફી હતું.
માનવ સિંગલ હતો. માબાપનો એકનો એક. અંધેરીમાં પોતાનો બે બેડરૂમનો ફ્લૅટ હતો.
‘ધંધો આમેય સારો ચાલે છે, બે-પાંચ વર્ષમાં બીજી બે-ચાર ગાડી આવી જાય પછી જલસો જ જલસો...’ માનવ ભાવિનું ગુલાબી ચિત્ર સજાવતો ને જુહી તેની સોડમાં ભરાતી. માનવનો સ્પર્શ, તેનો સહવાસ જુહીને મદહોશ કરી જતો. માનવ ઑફિસનું શટર પાડી દે એનો ઇનકાર ન થાય, તેનાં ચુંબનોની ગરમી જુહીને પીગળાવી મૂકે; પણ પછી કંચુકીબંધ ખોલવા જતાં તેના હાથને જુહી થાપટ મારીને રોકતી : આ બધું લગ્ન પછી શોભે!
‘લગ્ન...’ તે દૂર જઈને ગંભીર બનતો : ‘તારા પેરન્ટ્સ આપણાં લગ્ન માટે માનશે?’
જુહીનો પ્રણય-પરપોટો ત્યાં જ ફૂટી જતો. નવનીતભાઈ-મોહિતનું બંધારણ જ એવું હતું કે પોતાની મરજી વિરુદ્ધ પરણનારી દીકરી સાથે જમાઈનો પણ જીવ લીધા વિના ન રહે. મા બિચારી તેમની આગળ સદાની લાચાર.
‘પણ એથી તને ભૂલું એ પણ શક્ય નથી... તું કોઈ બીજો રસ્તો વિચારને!’ તેણે માનવને વિનવતાં એક દિવસ તેને સૂઝ્યું : ‘તું પપ્પાને ગમે ત્યાં સગાઈ કરી લે... શ્શશ... સાંભળ તો ખરી. તારી સગાઈ થશે, બધાને બધું બરાબર લાગશે... પછી અચાનક તારા મંગેતરનું અવસાન થાય તો તું અનલકી વહુ તરીકે સમાજમાં વગોવાઈ જાય ને એવી દીકરીને છેવટે પરજ્ઞાતિમાં પધરાવી દેવા બાપ રાજી થઈ જ જાય!’
મંગેતરના મરવાથી આવું બનશે જ એવી કોઈ ખાતરી નહોતી, પણ માનવની યોજનામાં શંકા રાખવાનું જુહી શીખી નહોતી.
તેને એક જ સવાલ થયો : ‘મંગેતરનું અચાનક અવસાન કેમ થાય?’
‘જુહી, તું હજી ન સમજી,’નો
ભાવ દાખવીને માનવે ફોડ પાડવો પડ્યો, ‘જુવાન માણસ એમ ઓછો મરવાનો! તેને આપણે મારવો પડે - તારે મારવો પડે.’
હેં! પોતે કોઈનું ખૂન કરવાનું થશે એ વિચારે જુહી થથરી ગઈ, ફફડી ગઈ.
‘એ સિવાય બીજો કોઈ માર્ગ નથી... કાં તો તું તારા મંગેતરને માર, કાં તો આપણે તારા પિતાશ્રીના હાથે શહીદ થઈ જઈએ...’
પોતાના મોતના વિકલ્પ સામે માણસ બીજાને મારવાનો વિકલ્પ જ પસંદ કરેને!
જુહીએ પણ મન મનાવી લીધું, આત્માને સમજાવી દીધો... અરેન ઘરમાં સૌને પસંદ હતો. તેના પર કળશ ઢોળ્યો, વેવિશાળમાં સૌ કેટલા ખુશ હતા!
પણ મારી જોડી તો માનવ સાથે જ જામવાની...
અને હવે માનવે અરેનની હત્યાનો પ્લાન પણ ઘડી રાખ્યો છે એટલે કાઉન્ટ ડાઉન શરૂ!
જુહીએ હોઠ કરડ્યો. અરેન સાથે હોઉં ત્યારે માનવની વિશેષ યાદ
આવે. આજે સવારથી તેની સાથે વાત નહોતી થઈ, મંદિર આગળ સિગ્નલ નહોતાં મળતાં એટલે મન જ નહોતું લાગતું. તેનો કૉલ આવતાં હું સાચે જ ઊછળી પડી એથી અરેન વહેમાયો તો નહીં હોયને!
ના... ના, ગુલાબબા પાસેથી હું તેને તાણી ગઈ એ તેને ગમ્યું નહોતું એટલું જ, બાકી તેણે કોઈ અન્ય પ્રતિક્રિયા દાખવી નથી. પણ તે ડોશી કેવી ઝીણવટથી મને તાકી રહી હતી. તેનાથી દૂર જવામાં જ સલામતી લાગી. ડિનર સમયે અરેને કાકા આગળ ગુલાબબાની કથા ઉખેળીને અનુસંધાન મેળવી લીધેલું… દેવગઢમાં એભલની ખાંભી છે એટલે તે જીવિત નથી એ તો નક્કી હતું. શરૂમાં ગુલાબબાની ગાથામાં પોતાને નિહાળતી જુહીને પ્રેમીના મરવાનો અંજામ ગમે એમ નહોતો એટલે કહાનીમાંથી તેનું મન ઊઠી ગયું હતું, પરંતુ ડિનર ટેબલ પરથી ઉઠાય એમ નહોતું એટલે પોતે પણ સાંભળતી રહેલી.
- ગુલાબબાની કહાણીનો અંત ભલે જે રહ્યો હોય, મારી પ્રેમકહાનીમાં તો રાજા-રાણી એક થવાનાં ને એ માટે અરેન નામના પ્યાદાએ મરવું રહ્યું!
જુહીની ભીતર હળવી ઉદાસી ઘૂંટાઈ : અરેન મારા માટે એક પ્યાદું જ છે? ના, તેની ચાહત મને પરખાય છે, તેના સાથને હું મારું સદ્ભાગ્ય ગણત... જો માનવની ન થઈ હોત!
બટ સૉરી, પ્રણયના માર્ગેથી પાછું વળાય એમ નથી ને પ્રેમીને પામવા તમને રસ્તામાંથી હટાવ્યા સિવાય છૂટકો નથી!
lll
માનવ સિસકારી ઊઠ્યો. મનમાં ગુરૂર છવાયું : લુક, હાઉ ગર્લ્સ આર ક્રેઝી ફૉર મી!
પોતાના મર્દાનગીભર્યા મારકણા દેહની મૂડીથી માનવ અઢાર-વીસની વયથી સચેત થઈ ગયેલો અને એના આધારે છોકરીઓને પટાવવામાં માહેર પણ! ભણવામાં બહુ સ્કૉલર નહીં, પણ ડ્રાઇવિંગમાં માસ્ટરી હતી અને ધંધો બનાવવાની સૂઝ પણ. ડ્રાઇવિંગ સ્કૂલ જામ્યા પછી નજરમાં બેઠું કે અહીં તો ઘણી રૂપાળી કન્યાઓ, ભાભીઓ ડ્રાઇવિંગ શીખવા આવતી હોય છે. તો તેમના રૂપની જ્યાફત કેમ ન માણવી! ખાસ કરીને બપોરના સ્લૉટમાં આવો અવકાશ મળી રહે.
બસ, પછી તો ઈઝી કૅચ લાગે એવા ફળને તે ઝોળીમાં ખેરવતો રહ્યો. કમિટમેન્ટ વિનાની મોજ બન્ને પક્ષને ફાવતી, ગમતી.
- આમાં જુહી એક અપવાદ નીકળી. ભારોભાર ખૂબસૂરત, પણ વસ્ત્રોનું આવરણ હટવા ન દે એવી ચુસ્ત. આમ તો પોતે ‘નો કમિટમેન્ટ’ની શરતે જ આગળ વધતો, પણ જુહીને ચાહતો હોવાનો દેખાવ કરવો પડ્યો. પોતાની મકસદ તો તેને ભોગવવાની જ હતી. એમાં તેના ઘરનાં લગ્ન માટે માનવાનાં નથી એ જાણ્યા પછી દિમાગમાં તુક્કો ઊગ્યો : ઘરની મરજી વિરુદ્ધ મને પોતાનો કરવા માગતી જુહી કઈ હદ સુધી જઈ શકે એની ઍસિડ-ટેસ્ટ લીધી હોય તો!
જેમ કે જુહી મારા પ્રેમમાં કંઈક એવું કરી દેખાડે જે સાચે જ હટકે હોય!
- જેમ કે સગાઈ. મારી સલાહથી જુહી તેનાં માવતરને ગમતા કોઈ છોકરા જોડે સગપણ કરે ને લગ્નની મુદત પહેલાં મંગેતરનું મર્ડર કરી નાખે!
પોતાના જ વિચારે ઉત્તેજના વ્યાપી ગયેલી : ધીસ ઇઝ સમથિંગ! કોઈ છોકરી પ્રેમમાં એટલી અંધ બને ખરી કે પ્રેમીના કહેવાથી મંગેતરને મારી નાખે? જુહી આવું કરવા તૈયાર થાય તો મારો ચાર્મ સાચો!
ઍન્ડ ઇટ વર્ક્ડ! મંગેતરના અવસાનથી કમનસીબ ઠરેલી દીકરીનો હાથ પિતાજી તેના પ્રેમીના હાથમાં સોંપી દે એવો બેવકૂફીભરેલો તર્ક પણ જુહીએ સ્વીકારી લીધો ત્યારે પોતે કોઈ હ્યુમન માઇન્ડને કન્ટ્રોલ કરવાનો સુપરપાવર ધરાવતો હોવાની ખુમારી છવાયેલી.
હવે જુહી અરેનને વાસ્તવમાં મારી દેખાડે ત્યારે જ મારો કરિશ્મા ખરેખર ઇરરેઝિસ્ટેબલ હોવાનું મનાય!
અને એ થશે... યોજના એવી ઘડી છે કે અરેનનું મોત અકસ્માત લાગે. એટલે જુહી કાનૂનના હાથમાં સપડાશે નહીં. પછી જોકે તેની સાથે પરણવાનો તો વિચાર જ નથી. બલકે તેણે કરેલા મર્ડરની યાદ અપાવીને હું બ્લૅકમેઇલથી તેના જોબનને ભોગવતો થઈ જવાનો! જુહી માટે એ ક્ષણ ધરતીકંપ જેવી હશે, પણ એની દરકાર મને કેમ હોય!
અને માનવના ચહેરા પર ખંધું સ્મિત ફરકી ગયું.
lll
‘એભલ, છોકરો મને ભોળો લાગ્યો ને છોકરી ઊંડી...’ રાત્રિ વેળાએ એભલની ખાંભી સામે ખાટલો ઢાળીને આડાં પડેલાં ગુલાબબા સ્વગત બબડી રહ્યાં. અરેન ગયો ત્યારનું તેમને થતું કે છોકરો ચેતી જાય તો સારું! પ્રેમયાત્રામાં છળકપટનો અંજામ કેવો ઘાતક હોય એ આપણાથી વધુ કોણ જાણે - હેંને એભલ!’
ગુલાબબા તેમની ગાથા
વાગોળી રહ્યાં:
ત્રણ વર્ષમાં અમીરી રળવાનો પડકાર ઝીલીને એભલ દેશાટન જવા નીકળ્યો. ૪ મહિના મુંબઈ રહ્યો. ત્યાંથી ગલ્ફની દિશા સાંપડી. ત્યાંની ઑઇલ રિફાઇનરીમાં ડબલ શિફ્ટની મજૂરી કરતો, સાથે ટૂંકા ગાળાના કોર્સિસ કરીને પ્રમોશન પણ મેળવતો ગયો... તેના પત્રો નિયમિત આવતા. ગુલાબના હૈયે ધરપત હતી. બે-અઢી વર્ષ જોતજોતામાં વહી ગયાં. દેવગઢની બૅન્કમાં એભલના નામે હવે એ જમાનામાં ૩ લાખની મૂડી હતી, વેજલગઢમાં જમીન-હવેલી હતાં. બાપુએ એભલ બાબત મામાશ્રીને વિશ્વાસમાં લીધા હતા. હવે બિરાદરીમાં પણ વાત મૂકી : ‘ગુલાબનું સગપણ સાઉદીથી પરત થનારા એભલસિંહ સાથે કરવાનું ઠેરવ્યું છે...’
ગુલાબની સગાઈ તૂટી હતી. એમ છતાં તેના માટે આવતા રિશ્તાને વીરસિંહજી વિનયપૂર્વક પાછા વાળતા, જેથી સમાજમાં ઘણું કંઈ ચર્ચાતું અટકે એ માટે તેમણે કદાચ વહેલી જાહેરાત કરી દીધી...
એ ખબર કદમનગર પણ પહોંચ્યા...
પરાકાષ્ઠા વાગોળતાં ગુલાબબા સહેજ હાંફી ગયાં.
(આવતી કાલે સમાપ્ત)