15 September, 2025 11:57 AM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
માનસ સ્તબ્ધ હતો. તેનું મગજ બહેર મારી ગયું હતું. તેને સમજાતું નહોતું કે આ શું થઈ ગયું? માનસના હાથમાં બાનીનો પત્ર હતો. બાનીએ મરોડદાર સુંદર અક્ષરોમાં લખ્યું હતું :
‘માનસ, તેં તો તારા પત્રમાં કિલોના ભાવે પ્રેમ ઠાલવી નાખ્યો છે. સાત પાનાંના લેટરમાં એકસો ને સત્તાવીસ વાર ‘આઇ લવ યુ બાની’ લખ્યું છે. પણ માનસ, સિરિયસલી હું તારી જેમ આવું બધું લખવાની નથી. ઇન ફૅક્ટ, હું તારાથી દૂર થવા માગું છું. છ મહિના સુધી હું તને મળવાની નથી. તું પણ મને મળવાની કોશિશ કરતો નહીં. પત્ર, ફોન, મેસેજ કે બીજી કોઈ પણ રીતે તું મને આંતરવાની કોશિશ કરીશ તો તું મને હંમેશને માટે ગુમાવી બેસીશ. પણ હા, યુ આર અ ડીસન્ટ બૉય. એટલે છ મહિના પછી હું તને આ જ જગ્યાએ આ જ સમયે મળીશ. કદાચ છેલ્લી વાર... અલવિદા!’
lll
સાંજ ઢળી રહી હતી.
દૂર શાંત સ્વરે વહી જતી નદી, કાંઠે આવેલાં લીલાંછમ ખેતરો, દૂર હાઇવે પરથી પસાર થતાં વાહનોના અસ્પષ્ટ અવાજો અને અહીં નાનકડી કેડીથી થોડે દૂર ઊભેલો આ ઘેઘૂર વિશાળ વડલો...
બાની તેને છેલ્લી વાર અહીં જ મળી હતી. એ વખતે તેણે માનસને કહ્યું હતું:
‘માનસ, હું પંદર દિવસ માટે બહારગામ જાઉં છું.’
‘બાની, આઇ વિલ મિસ યુ...’
‘તું તો મને મિસ કરવાનો જ છે પણ આઇ ઍમ નૉટ શ્યૉર.’
‘નૉટ શ્યૉર એટલે?’
‘એટલે, હું તને એટલો મિસ ન પણ કરું.’
‘ચલ ચલ હવે, મજાક ના કર.’
‘ના માનસ, સિરિયસલી.. અચ્છા ચાલ, મને એક પ્રૉમિસ આપ.’
‘શું?’
‘બરાબર પંદર દિવસ પછી આ વડલાના ગોખલામાં તું એક ચિઠ્ઠી મૂકી જશે... અને હું પણ એક ચિઠ્ઠી મૂકીશ.’
‘ઓકે, પણ એમાં લખવાનું શું?’
‘મારા વિશેની તારી ટ્રૂ ફીલિંગ્સ પછી જોઈશું...’
એ પછી બાની રહસ્યમય રીતે ચૂપ થઈ ગઈ હતી. બસ, એ હતી બાની સાથેની છેલ્લી મુલાકાત. અને આજે આ પત્ર...
lll
શું હતી આ બાની? એક છોકરી કે એક કોયડો? અ બ્યુટિફુલ પઝલ?
માનસની જિંદગીમાં બાની પહેલી વાર આવી એ દિવસથી તેને સતત આ સવાલ થતો રહ્યો હતો. એ દિવસે પણ આવી જ એક ઢળતી સાંજ હતી.
દૂર-દૂર સુધી જતા રેલવેના સમાંતર પાટા જાણે ઢળતા સૂરજના અગનગોળામાં ઓગળી જતા હતા. રેલવે-ટ્રૅકની આસપાસ ખાસ્સી બંજર જમીન હતી... પથરાળ અને સૂકી. દૂર-દૂર સુધી ક્યાંય ખેતરો પણ દેખાતાં નહોતાં. શહેરથી ખાસ્સી દૂર આવેલી આ જગ્યા માનસને બહુ પ્રિય હતી. તે અવારનવાર અહીં સાંજના સમયે આવીને કલાકો સુધી ચૂપચાપ બેસી રહેતો.
આમ જોવા જાઓ તો માનસને ભણવામાં પણ ખાસ રસ નહોતો. બાળપણથી તે શરમાળ તો હતો જ, પરંતુ બારમાની એક્ઝામ દરમ્યાન તેના ફાધરનો અચાનક ઍક્સિડન્ટ થઈ ગયા પછી તે વધારે પડતો ગુમસુમ બની ગયો હતો. પપ્પાની મોટી ફૅક્ટરી હતી, પૈસાની જરાય ખોટ નહોતી. માનસનાં મમ્મી પણ ધીમે-ધીમે ફૅક્ટરીમાં ધ્યાન આપીને પોતાની જાતને આ આઘાત સામે ઝઝૂમવાની કોશિશમાં રહેતાં હતાં, પરંતુ માનસ સતત ગુમસુમ જ રહેતો. તેના ખૂબસૂરત ગોરા અને માસૂમ ચહેરા પર ઉદાસીની એક પાતળી પરત છવાયેલી રહેતી.
તે સાંજે પણ તે અહીં આમ જ ગુમસુમ બેઠો હતો. ક્યાંય લગી બેસી રહ્યા પછી તેને કવિતાની અધૂરી પંક્તિઓ સૂઝી હતી...
ઝિંદગી તૂ સફર હૈ, યા મંઝિલ
તેરે સાથ હૂં... મગર
મૈં ન કહીં ગયા હૂં
ના હી ઠહરા કહીં...
હજી આટલા શબ્દો મોબાઇલના નોટપૅડમાં ઉતાર્યા ત્યાં તો દૂરથી ટ્રેનની વ્હિસલ સંભળાઈ. રોજ લગભગ આ સમયે એક ગાડી અહીંથી પસાર થતી હતી.
એ પસાર થતી ગાડી પહેલાંની શાંતિ, પસાર થઈ રહેલી ગાડીનો કોલાહલ અને પસાર થઈ ગયા પછીની એ વિચિત્ર શાંતિ... આ ત્રણે વાતાવ૨ણે જાણે કોઈ મહાન સંગીતકારનો માસ્ટર મ્યુઝિક ટ્રૅક હોય એ રીતે સાંભળ્યા કરવાની માનસને આદત હતી.
પણ આજે એ ટ્રૅકમાં કંઈ મોટી ખલેલ હતી. ટ્રેનની વ્હિસલ વારંવાર વાગતી રહી હતી.
અચાનક માનસનું રેલવેના પાટા પર ધ્યાન પડ્યું! અહીં એક છોકરી બરોબર બે પાટાની વચ્ચોવચ્ચ ઊભી રહીને બે હાથ પહોળા કરી જાણે ટ્રેનને પોતાની તરફ આવવા આહ્વાન આપી રહી હતી!
‘ઓ હલો!’’ માનસ ઝડપથી ઊભો થયો ‘હેએએએય... હલો! સાંભળો... ટ્રેન આવી રહી છે!’
માનસે બૂમો પાડી. પણ પેલી છોકરી પર એની કોઈ અસર થતી લાગી નહીં. માનસ દોડ્યો. દોડતાં-દોડતાં તે બૂમો પાડી રહ્યો હતોઃ
‘હલોઓઓ! સાંભળો!
ટ્રેઇન! ટ્રેઇન!’
પેલી તરફ ટ્રેનનું હૉર્ન વારંવાર કર્કશ અવાજે વાગી રહ્યું હતું. માનસ હજી ખાસ્સો દૂર હતો. દોડતાં-દોડતાં તેણે અંદાજો લગાવી દીધો કે જો ટ્રેન એની સ્પીડ ઓછી કરે તોય પાટા પર બે હાથ પહોળા કરીને ટ્રેન તરફ બિન્દાસ ચાલી રહેલી એ છોકરીને ટક્કર માર્યા વિના રહેશે નહીં.
બને એટલું જોર લગાવીને માનસ દોડ્યો. ‘હટી જાઆઆવ! ખસી જાવ! હલોઓઓઓ...’
માનસની બૂમોની પેલી છોકરી પર કોઈ અસર થતી લાગી નહીં. બલકે એક વાર સહેજ ગરદન ફેરવીને માનસ તરફ જોઈ લીધા પછી તે તો વધારે બિન્દાસ બનીને સામી છાતીએ ટ્રેન તરફ જઈ રહી હતી!
‘પાગલ છે કે શું?’ માનસ હાંફી રહ્યો હતો. ‘પાગલ જ લાગે છે...’
પાટા પર ચાલી રહેલી છોકરીના ચહેરા પર ગજબનું સ્માઇલ હતું, માત્ર સ્માઇલ જ નહીં, ‘આત્મવિશ્વાસ’ હતો! કે પછી માનસને એવું લાગ્યું?
જે હોય તે, માનસે હિન્દી ફિલ્મોમાં હિરોઇનને ટ્રેનના પાટા પરથી બચાવવાના જેટલા સીન જોયા હતા એ તમામ એકસાથે યાદ કરીને જોરથી જમ્પ માર્યો...
બીજી જ ક્ષણે બને જણ પાટા પરથી ફંગોળાઈને સાઇડમાં આવેલી પથરાળ ભોંય પર પછડાયાં. ધડધડ ધડધડ અવાજ કરતી ટ્રેન પસાર થઈ ગઈ ત્યાં સુધી તો માનસ એ કાળમુખી ટ્રેન સામે જ આંખો ફાડીને જોતો રહ્યો. એક અડધી ક્ષણનો વિલંબ થયો હોત તો અહીં પૈડાં નીચે તેની લાશના પણ ફોદેફોદા નીકળી રહ્યા હોત.
ટ્રેન પસાર થયા પછી માનસે પેલી છોકરી તરફ જોયું. કોણ હતી એ? અને માનસ આમેય ક્યાં કોઈ છોકરીને ઓળખતો હતો કે આને ઓળખે? માનસ તેને પહેલી વાર જોઈ રહ્યો હતો. છોકરીની કમર ફરતે તેના હાથ વિંટળાયેલા હતા. તેનું અડધું શરીર છોકરીના શરીર પર હતું. આ વાતનું ભાન થતાં જ માનસે પોતાના હાથ ખેંચી લીધા. શરીરનું પડખું ફેરવી નાખ્યું. છતાં તે હજી આઘાતને કારણે ઊભો જ થઈ શક્યો નહીં.
તેણે પેલી છોકરીનો ચહેરો જોયો. તેની આંખો હજી બંધ હતી. કેટલી વાર પછી માનસને ભાન થયું કે એ છોકરી બેહોશ થઈ ગઈ હતી.
હવે?
શહેરથી આટલે દૂર, આવી સૂમસામ જગ્યા પરથી આ અજાણી છોકરીને લઈ ક્યાં જવી? તેને ક્યાંક ઈજા તો નહીં થઈ હોયને? ક્યાંક મરી-બરી ગઈ તો? મારે માથે પડશે!
ગભરાટમાં આવીને માનસે છોકરીનું થોડે દૂર જઈ પડેલું પર્સ ખોળી કાઢ્યું. જો અંદરથી મોબાઇલ મળી આવે તો જે નંબર પહેલો દેખાય એના પર ફોન કરી દેવાનો માનસનો વિચાર હતો, પણ પર્સમાં ક્યાંય મોબાઇલ મળ્યો નહીં. માનસ આમતેમ શોધી વળ્યો. પર્સમાંથી ફેંકાઈ ગયેલી લિપસ્ટિક, આઇબ્રો પેન્સિલ, ફેસ-વૉશની ટ્યુબ તથા પરચૂરણ કરન્સી નોટો અને સિક્કાઓ જેવી ચીજો તો ભેગી કરી પણ મોબાઇલ ક્યાંય ન મળ્યો.
માનસે પર્સમાં કોઈ વિઝિટિંગ કાર્ડ્સ, કોઈ આઇકાર્ડ, ક્રેડિટ કાર્ડ, લાઇસન્સ જેવું કંઈ હોય તો એ શોધવા માટે આખું પર્સ ફેંદી નાખ્યું પરંતુ એવું કંઈ મળ્યું નહીં.
હવે એક જ રસ્તો હતો. એ અજાણી છોકરીને ગમે તેમ કરીને અહીંથી ઊંચકી બાઇક પર બેસાડીને ક્યાંક સારવાર માટે લઈ જવી પડે.
પર્સને ખભે લટકાવીને માનસે છોકરીને બે હાથે ઉપાડી...
ના, ફિલ્મોમાં કે સિરિયલોમાં જે રીતે સ્લો મોશનમાં ઉપાડે છે એ રીતે નહીં, પણ બહુ સાવચેતીપૂર્વક ઉપાડી. ફિલ્મોમાં બૅકગ્રાઉન્ડમાં વાગે છે એવું રોમૅન્ટિક મ્યુઝિક વાગવાને બદલે માનસના કાનમાં ગભરાટને કારણે સતત સુસવાટા ફૂંકાઈ રહ્યા હતા. જેમ-તેમ કરીને માનસ એ છોકરીને પોતાની બાઇક પાસે તો લઈ આવ્યો. હવે તેને પોતાની પાછલી સીટ પર બેસાડવાની હતી.
એ માટે તેણે છોકરીના બે પગ પહોળા કરવાની જરૂર હતી!
‘ઓહ ગૉડ!’ માનસે આજુબાજુ જોયું, તેને કોઇ જોતું તો નહોતુંને? પછી છોકરી સામે જોયું, ક્યાંક તે તો ઝીણી આંખો કરીને નહોતી જોતીને?
માનસે પહેલી વાર એ છોકરીનો ચહેરો ધ્યાનથી જોયો. કેવી ગજબની શાંતિ હતી તેના ચહેરા પર!
પાંચ મિનિટ પહેલાં જે છોકરી રેલવેના પાટા પર આપઘાત કરવા આવી હોય તેનો ચહેરો આવો હોય? આટલો શાંત? અને આટલી હદે ખૂબસૂરત?
માનસે ધીમે રહીને એ છોકરીનાં કપાળે વિખરાયેલા વાળ સરખા કર્યા. ચહેરો વધુ ખુલ્લો થયો. માનસે બહુ સાચવીને તેને કોઈ બાળકની જેમ પોતાના એક હાથમાં ઉપાડીને બાઇકની સીટ પર ગોઠવી. પછી ધીમેથી તેના બન્ને પગ સીટની આજુબાજુ ગોઠવી દીધા. સ્ટૅન્ડ પર ઉતારીને જેવી બાઇકને સ્ટાર્ટ કરવા માટે માનસ બૅલૅન્સ મેળવવા ગયો ત્યાં પેલી છોકરીના બન્ને હાથ તેની કમર ફરતે આપોઆપ વીંટળાઈ ગયા!
છોકરીનું માથું તેની પીઠ પર ઢળી પડ્યું. માનસના આખા શરીરમાં ઝણઝણાટી ફરી વળી. એ જ ક્ષણે માનસને આભાસ થયો? કે પછી પેલી છોકરી બબડી?
‘વાઓ...!’
હા, પોતાની બેહોશ અવસ્થામાં પણ જીવસટોસટના આવા અનુભવમાંથી પસાર થયા પછી ‘વાઓ..’ બોલનારી એ છોકરી
બાની હતી!
માનસને બિચારાને તે વખતે સહેજ પણ અંદાજ નહોતો કે કેવી મોટી મુસીબતને પોતે સામે ચાલીને ‘લિફ્ટ’ આપી છે...
(ક્રમશઃ)