16 September, 2025 02:16 PM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
છોકરીનું માથું માનસની પીઠ પર ઢળી પડ્યું હતું. માનસના આખા શરીરમાં ઝણઝણાટી ફરી વળી! યુવાનીમાં કદમ મૂક્યા પછી સાવ શરમાળ અને ગુપચુપ રહેતા માનસ માટે કોઈ છોકરી સાથે પરિચયમાં આવવાનું તો ઠીક, બે વાક્યોની વાતચીત કરવાનું પણ બન્યું નહોતું. એમાં આ બેહોશ છોકરી તેની પીઠ પર ઢળી પડતાં બોલી:
‘વાઉ...!’
માનસને લાગ્યું કે નક્કી આ તેના મનનો ભ્રમ હશે. તેણે બાઇક સ્ટાર્ટ તો કરી, પણ દિમાગમાં સૌથી પહેલો સવાલ એ ઝબક્યો કે આને લઈ ક્યાં જવી?
કોઈ હૉસ્પિટલમાં લઈ જવી? અને ત્યાં જઈને શું કહેવાનું? કોણ છે આ છોકરી? તેનું નામ શું છે? તે રેલવેના પાટા પર શું કરતી હતી? એ વખતે હું ત્યાં શું કરતો હતો? ત્યાં આજુબાજુ તમારા બે સિવાય બીજું કોઈ નહોતું? તો તમે બન્ને ત્યાં શું કરી રહ્યાં હતાં?
ઓફફો... માનસના કપાળે પરસેવો ફૂટી નીકળ્યો.
બાળપણથી માનસની આ કમજોરી હતી. એક તો પોતે બોલવામાં શરમાળ, એમાં જો કોઈ ત્રણથી વધારે સવાલ કરે કે તરત માનસની જીભ તેના મોંમાં તાળવે ચોંટી જતી હતી!
આ અજાણી છોકરી વિશેના સવાલો તો તેને પુછાય એ પહેલાં જ માનસ ગભરાઈ ગયો. તેણે હૉસ્પિટલવાળો વિચાર પડતો મૂક્યો. પણ તો પછી આને લઈ ક્યાં જવી? પોતે જ્યાં ભાડે રહેતો હતો એ અપાર્ટમેન્ટમાં?
અને તેના રૂમ-પાર્ટનરો પકિયો અને જગિયો આવા બધા સવાલો કરશે ત્યારે? માનસે માથું ધુણાવ્યું, ‘ત્યારે જોયું જશે...’
lll
થોડા સમય પછી જગિયા અને પકિયાની આશાઓ જાણે સુંદર મૂર્તિમંત સ્વરૂપ ધારણ કરીને સ્વયં સામે ચાલીને (એટલે કે માનસના ટેકે ચાલીને) તેમની રૂમમાં પધારી હતી!
‘માનસિયા! કોણ છે?’ જગિયાએ માનસના કાનમાં પૂછતો હોય એવા ધીમા અવાજે પૂછ્યું.
‘મને ખબર નથી.’ માનસે કહ્યું.
‘બોલ, છૂપો રુસ્તમ નીકળ્યોને માનસ?’ જગિયો પકિયાને કહેવા લાગ્યો, ‘આપણી નજર સામે તો બેટો કોઈ છોકરીની સામું પણ નથી જોતો! અને હવે? જેનું નામ પણ નથી જાણતો એવી છોકરીને બેટમજી પટાવીને રૂમ સુધી લઈ આવ્યો છે.’
‘યાર, તમે સમજો છો એવું નથી!’ બિચારો ઓછાબોલો માનસ ઊંચા અવાજે પણ બોલી શકતો નહોતો.
‘આ છોકરી...’ માનસે જેમતેમ કરીને શબ્દો ગોઠવ્યા. ‘હું જ્યાં રેલવેના પાટા પાસે જઈને બેસું છુંને, ત્યાં ટ્રેન નીચે આપઘાત કરવા આવી હતી!’
‘ના હોય!’
‘અને તેં તેને બચાવી?’
‘માનસ...’ પકિયાએ વધુ એક ખોંખારો ખાઈને સવાલ કર્યો, ‘હવે આ નવા મહેમાનનું આપણે શું કરવાનું છે?’
‘સૌથી પહેલાં તો આપણે કોઈ ડૉક્ટરને બતાવવું જોઈએ.’
‘અરે, ડૉક્ટર છેને!’ જગિયાએ કહ્યું, ‘આપણા અપાર્ટમેન્ટના ત્રીજા માળે ડૉક્ટર અંતાણી છે જને?’
‘પણ તે તો સાઇકિયાટ્રિસ્ટ છે, માનસશાસ્ત્રના ડૉક્ટર.’ માનસે કહ્યું.
‘બકા, સાઇકિયાટ્રિસ્ટ થતાં પહેલાં તે MBBS તો થયો જ હોયને? તું યાર, એન્જિનિયરિંગ સિવાયના સિલેબસ પણ જરા જોતો રહે! અને યાર, ડૉક્ટર અંતાણી તો તને પર્સનલી ઓળખે છે. તારા ફાધરને લીધે...’
માનસના ભેજામાં આ વાત બરાબર બેસી ગઈ. ડૉ. અંતાણી જાણીતા અને કાબેલ ડૉક્ટર છે. માનસને સારી રીતે ઓળખે છે એટલે આડાતેડા સવાલો નહીં કરે. છોકરીને હૉસ્પિટલમાં ભરતી કરવા માટે એક ફોન કરશે તો બધું કામ આસાનીથી પતી જશે.
lll
ડૉક્ટર અંતાણી આવ્યા. તેમણે તે છોકરીને તપાસી, પછી કહ્યું, ‘ખાસ ચિંતા જેવું નથી. એકાદ કલાકમાં તે ભાનમાં આવી જશે.
ડૉક્ટર ગયા પછી પકિયાએ જગિયાને કોણી મારીને કહ્યું, ‘ટોપા, તારી પાસે પૂરો એક કલાક છે. ધારી-ધારીને આ બ્યુટીને જોવી હોય એટલી જોઈ લે!’
‘એ પકિયા, હું કંઈ તારા જેવો ભુખાળવો નથી સાલા! ખરેખર તો તું જ રણમાં લટકતા ચાડિયા જેવો લુખ્ખો છે. જા, ક્યાંકથી બિલોરી કાચ લઈ આવ અને જોયા કર આ બ્યુટિફુલ બલાને!’
હકીકતમાં પોતાના ફ્લૅટમાં ડ્રૉઇંગરૂમની વચ્ચોવચ સૂતેલી બ્યુટીને જોઈને તે બે જણની ડાગળી લગભગ ચસકી જવાની તૈયારીમાં હતી. એક જણ ટીવી ચાલુ કરતો હતો તો બીજો બંધ કરી દેતો હતો, એક પંખો ફાસ્ટ કરે તો બીજો ધીમો કરતો હતો, એક માથા નીચે ખોસવા માટે ઓશીકું લાવે તો બીજો છોકરીને ઓઢાડવા માટે આવા ભરઉનાળાની સાંજે શાલ લઈને આવી પહોંચતો હતો.
એક માનસ જ એવો હતો જે ચૂપચાપ સામેના સોફા પર બેસી રહ્યો હતો. માનસને હજી સમજાતું નહોતું કે આટલી ખૂબસૂરત છોકરીએ ટ્રેન સામે ધસી જઈને આત્મહત્યા શા માટે ક૨વી પડે? એવું તે શું બન્યું હશે તેની જિંદગીમાં? અને હા, બીજી એક વાત... ટ્રેન સામે તે બે હાથ પહોળા કરીને બિન્દાસ સામાં પગલાં ભરી રહી હતી ત્યારે તેના ચહેર પર ‘સ્માઇલ’ શા માટે હતું?
શું હતું એ સ્માઇલનું રહસ્ય?
મિનિટો પસાર થઈ રહી હતી. જગિયો અને પકિયો તેમના ઉધામાઓ કરીને થાકી ગયા હતા. ઘડિયાળના કાંટા ધીમે-ધીમે સરકી રહ્યા હતા. કલાક પૂરો થવામાં માત્ર પાંચેક મિનિટ બાકી હતી ત્યાં પેલી છોકરીએ આંખો ખોલી!
તેની નજર સામેના સોફા પર બેઠેલા માનસ પર પડી અને તે જાણે હમણાં જ ઊંઘમાંથી કોઈ સરસ મજાનું સપનું જોઈને ઊઠી હોય તેમ માનસ સામે આંખો પટપટાવીને જોતી જ રહી ગઈ!
માનસનું હૃદય બે ધબકારા ચૂકી ગયું!
પેલી છોકરી તેની સામે એ રીતે જોઈ રહી હતી જાણે તેણે જોયેલા સુંદર સપનાનું માનસ કોઈ પ્રિય પાત્ર હોય! માય ગૉડ... શું હતું એ નજરોમાં? માનસ સ્તબ્ધ હતો...
ત્યાં અચાનક પેલી છોકરી સોફામાંથી ઊછળીને બેઠી થઈ ગઈ. ‘એય મિસ્ટર! હું ક્યાં છું? તમે કોણ છો? મને અહીં શા માટે લાવીને સુવડાવી રાખી છે? ઍન્ડ હેય બૉય...’ તેણે માનસ સામે ચપટી વગાડી. ‘વાય આર યુ લુકિંગ ઍટ મી લાઇક ધૅટ?’
માનસની જીભ તેના મોંમાં તાળવે ચોંટી ગઈ હતી!
‘હલોઓઓ? કેમ કંઈ બોલતા નથી? મોંમાં મગ ભર્યા છે કે શું?’
છોકરી બેઠી થઈને સોફાની ધાર પર ગોઠવાઈ ગઈ. માનસ હજી સ્તબ્ધ હતો.
‘એમાં શું છે...’ પ્રકાશે ખુલાસો કર્યો, ‘જો સળંગ ૩ કરતાં વધારે સવાલ પુછાયને તો બિચારો સાઇલન્ટ મોડમાં આવી જાય છે.’
‘સાઇલન્ટ નહીં ટોપા! મ્યુટ કહેવાય! સાઇલન્ટમાં તો ખાલી રિંગ જ ન વાગે! બાકી વાત તો થાયને?’ જગિયા ઉર્ફે જગદીશે ‘ફર્ધર’ ખુલાસો કરતાં કહ્યું, ‘અને રિંગો તો તેના દિમાગમાં સૉલિડ વાગી રહી છે. બોલ માનસ! વાગી રહી છેને? ટ્રિન... ટ્રિન... ટ્રિન... ટ્રિન...’
‘ઓફફો, સાઇલન્સ!!’ છોકરીની બૂમ પડતાં જ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તે ઊભી થઈ. આખા ડ્રૉઇંગરૂમમાં આંટો માર્યો. પછી બે બેડરૂમનાં બારણાં ખોલીને જોઈ લીધું. કિચન જોયું, કિચનનું ફ્રિજ ખોલીને જોયું, બાથરૂમ જોયું, ટૉઇલેટ જોયું... અને અંદર જઈને દરવાજો બંધ કરી દીધો!
‘શિટ!’ પ્રકાશ બબડ્યો.
‘ના હોં બકા? તે ફક્ત એક નંબર માટે પણ ગઈ હોય!’ જગદીશે ધારણા બાંધી.
‘એમ નહીં ગધેડા! આખા ફ્લૅટમાં આપણા જાંઘિયા રખડે છે, ગંધાતાં મોજાં જ્યાં ને ત્યાં પડ્યાં છે, મેલાં કપડાં બેડ પર, અને સાલા, આમલેટ બનાવવાની ફ્રાઇંગ પૅન પણ બેડ પ૨ છે! એ તો ઠીક, જ્યાં ને ત્યાં દીવાલો પર સાલા તેં આ જે ફૉરેનની બિકિનીવાળીઓના ફોટો લગાડી રાખ્યા છે એ તો ઉતારી લેવા હતા?’
‘પણ યાર, મને શું ખબર કે...’ જગદીશે બગલ ખંજવાળતાં કબૂલાત કરી, ‘હું તો યાર, આ બ્યુટીને જોવામાં જ એટલો...’
‘શટ અપ સાલા.’ પકિયો બગડ્યો. ‘હવે બગલ ખંજવાળવાને બદલે તારા ગંધાતા બનિયાન ૫૨ શર્ટ પહેર, નાલાયક!’
જગદીશ રૂમમાં જઈને શર્ટ પહેરીને પાછો આવે ત્યાં સુધીમાં પેલી છોકરી ટૉઇલેટમાંથી બહાર આવી ગઈ. પહોળા સોફામાં પલાંઠી વાળીને બેસતાં તેણે છૂટા વિખરાયેલા વાળ બે હાથ વડે પાછળ લઈને રબરબૅન્ડથી બાંધતાં મોટું બગાસું ખાધું:
‘અં...ઉંઉં... આહ! મને તો ભૂખ લાગી છે!’
‘પીત્ઝા ઑર્ડર કરું?’ પકિયો બોલી ઊઠ્યો.
‘ના! નીચે મસ્ત વડાપાંઉ મળે છે. બે જ મિનિટમાં આવી જશે!’ જગિયાએ ઑફર આપી.
‘શટ-અપ!’ છોકરી બોલી, ‘મારે એવો બધો કચરો નથી ખાવો! તમારામાંથી કોઈને રસોઈ બનાવતાં નથી આવડતું?’
‘આવડે છેને?’’ જગિયો અને પકિયો એકસાથે માનસ તરફ આંગળી ચીંધતાં બોલી પડ્યા, ‘આને ખીચડી બનાવતાં આવડે છે! મસ્ત!’
‘ઓકે.’ છોકરીએ હુકમ કર્યો, ‘મારા માટે ખીચડી બનાવો!’
માનસ ખીચડી બનાવવા કિચનમાં ગયો ત્યારે ‘માસ્ટર શેફ’ના કોઈ જજની જેમ તે છોકરી કિચનમાં ફોલ્ડિંગ ખુરસી નાખીને અદબ વાળીને બધું જોતી રહી. ખીચડી રંધાઈ ગઈ એટલે ફ્રિજમાંથી દહીં કઢાવીને એની જાડી છાશ બનાવડાવી. ખીચડીમાં એ છાશ નાખીને, ઉપર ટમૅટો સૉસ ચોપડી-ચોપડીને, બરણીમાંથી શોધી કાઢેલું અથાણું ખાતાં-ખાતાં તેણે તમામ ખીચડી સફાચટ કરી નાખી!
પછી તે મોટો ઓડકાર ખાઈને સોફા પર ઘસઘસાટ ઊંઘી ગઈ!
માનસ તો તેને જોતો જ રહી ગયો! રાતના બાર-સાડાબાર થયા છતાં તેનાં નસકોરાં ચાલુ હતાં! પકિયો અને જગિયો કંટાળીને રૂમમાં સૂવા જતા રહ્યા. માનસ પેલી છોકરી સામે જોતો સોફામાં બેસી રહ્યો હતો.
શું કમાલની છોકરી હતી? તેનાં રેશમ જેવાં જુલ્ફાં, તેની લાંબી-લાંબી ઘટ્ટ પાંપણોવાળી આંખો, તેના હમણાં જ સ્માઇલ આપશે એવા હોઠ અને...
માનસની નજર તેની ગરદન પર પડી. તેના ગળામાં હાર્ટ શેપનું એક ગોલ્ડન લૉકેટ હતું. એના પર સુંદર કોતરણી વડે ‘પી’લખેલું હતું!
કોણ હશે એ ‘પી’?
માનસને હવે ઊંઘ આવે એ વાતમાં માલ નહોતો...
(ક્રમશઃ)