બાની નામની છોકરી...એ કેમ આવી? એ ક્યાં ગઈ? (પ્રકરણ ૩)

17 September, 2025 10:42 AM IST  |  Mumbai | Lalit Lad

માનસ બાઘાની જેમ ત્યાં ઊભો હતો. ગેટ પરથી અવરજવર કરતી ઊડતાં પતંગિયાં જેવી છોકરીઓ માનસને હાથમાં ગુલાબનું ફૂલ લઈને ઊભેલો જોઈને ખિલખિલ હસતી, એકબીજાના કાનમાં કંઈ મજાકના શબ્દો કહેતી જઈ રહી હતી.

ઇલસ્ટ્રેશન

માનસને કંઈ જ સમજાતું નહોતું. સોફામાં બેઠાં-બેઠાં તેની આંખો ઘેરાવા લાગી હતી. આખરે કઈ ઘડીએ તેને ઊંઘ આવી ગઈ એની તેને પોતાને ખબર પડી નહીં. આવી દશામાં ત્રણ-ચાર કલાક વીતી ગયા પછી અચાનક તેને કોઈ ઢંઢોળીને ઉઠાડતું હોય એમ લાગ્યું.

‘માનસ... અલ્યા માનિયા!’

આંખો ચોળીને જુએ છે તો જગિયો અને પકિયો તેને ખભો ઝાલીને હલાવી રહ્યા હતા.

‘શું થયું?’ માનસે પૂછ્યું.

‘શું શું થયું! પેલી છોકરી ક્યાં છે?’

‘હેં? ક્યાં છે?’

માનસે ચારે બાજુ જોયું. છોકરી સોફામાંથી ગાયબ હતી! માત્ર સોફામાંથી જ નહીં, આખા અપાર્ટમેન્ટમાંથી ગાયબ હતી! માનસ છક્કડ ખાઈ ગયો.

‘અરે, ગઈ ક્યાં? અહીં મારી સામે સોફામાં તો હતી.’

‘ટોપા, તેની સામે સોફામાં તું હતો, પણ તારી સામે સોફામાં તે નહોતી!’

‘માનસિયા, તે છોકરી ચૂનો લગાડીને ભાગી ગઈ... જરા ચેક કરી લે, તારા રૂપિયા–પૈસા તો સલામત છેને?’

માનસને પોતાના પર્સની નહીં, પેલી છોકરીના પર્સની ચિંતા હતી. આખો ફ્લૅટ ફેંદી વળ્યો પણ છોકરીનું પર્સ, તેની ઝોલા જેવી હૅન્ડબૅગ, તેનાં સૅન્ડલ... કશું જ મળ્યું નહીં. જગિયા અને પકિયાએ પોતપોતાની માલમતા ચેક કરી લીધી. કશું ગયું નહોતું.

‘માનસ, તે છોકરી કોણ હતી?’

‘મને શી ખબર?’

‘તેનું નામ શું હતું?’

‘અરે, મને ક્યાંથી ખબર હોય?’

‘સાલા હૅન્ડસમ! તું કઈ જાતનો છોકરો છે? તેં તારા પોતાના હાથે તેના માટે ખીચડી રાંધીને ખવડાવી, તે તારી જ સામે સોફામાં પડી-પડી ફાફડા જેવાં બગાસાં ખાતી હતી ત્યારે તારાથી તેનું નામ ન પુછાયું?’

‘યાર, નથી પૂછ્યું!’ માનસ અકળાઈ ગયો. ‘સૉરી યાર! હું તમારા જેટલો સ્માર્ટ નથી, બસ?’

‘બકા...’ જગિયો પકિયાને કહેવા લાગ્યો, ‘આ બાઘા હૅન્ડસમને લીધે એક આખેઆખી છોકરી હાથથી ગઈ!’

‘અચ્છા? જો માનસની જગાએ તું હોત તો શું છોકરીના બે ચાર
સ્પેર-પાર્ટ્સ અહીં સોફા નીચે રહી
ગયા હોત?’

‘શી... શ...!’ જગિયાએ અચાનક પકિયાના મોં પર હથેળી દાબી.

‘માનસ, તારા ફોનમાં રિંગ વાગે છે...’

માનસના ફોનમાં ‘લક્ષ્ય’ ફિલ્મના સૉન્ગની તેની ફેવરિટ રિંગટોન વાગી રહી હતી. ‘મૈં ઐસા ક્યૂં હૂં... મૈં ઐસા ક્યૂં હૂં...’

‘અલ્યા, તું જેવો છે એવો છો રહ્યો, બસ! ફોન ઉપાડને?’ પકિયાએ ફોન ઉઠાવીને માનસના હાથમાં પકડાવ્યો.

નંબર અજાણ્યો હતો. માનસે ફોન ઉપાડતાં કહ્યું, ‘હલો!’

‘હાય માનસ! ઓળખી મને?’ સામેથી છોકરીનો નટખટ અવાજ સંભળાયો.

‘વેલ... કોણ તમે?’

‘હું બાની!’

‘બાની? બાની કોણ?’

‘અરે સ્ટુપિડ! હમણાં થોડી વાર પહેલાં તો હું તારી રૂમના સોફામાં સૂતી હતી! ભૂલી ગયો?’

‘ઓ બાની!’ માનસ ચિંતાના સૂરમાં બોલી ઊઠ્યો, ‘વેર આર યુ? ક્યાં છે તું?’

‘ડોન્ટ વરી, આઇ ઍમ સેફ. અને સાંભળ, આજે સાંજે તારે બરાબર પાંચ વાગ્યે એસ. વી. કૉલેજની લેડીઝ હૉસ્ટેલમાં આવવાનું છે. અને હા, તારા હાથમાં એક સફેદ ગુલાબનું ફૂલ જોઈએ! ઓકે?’

‘બટ લિસન...’

‘બાય!’

lll

આ એસ. વી. કૉલેજની લેડીઝ હૉસ્ટેલ આખા શહેરમાં ‘તિતલીસ્તાન’ના નામે ઓળખાતી હતી.

માનસ બાઘાની જેમ ત્યાં ઊભો હતો. ગેટ પરથી અવરજવર કરતી ઊડતાં પતંગિયાં જેવી છોકરીઓ માનસને હાથમાં ગુલાબનું ફૂલ લઈને ઊભેલો જોઈને ખિલખિલ હસતી, એકબીજાના કાનમાં કંઈ મજાકના શબ્દો કહેતી જઈ રહી હતી.

‘ક્યા હૈ? ઇધર ક્યૂં ખડા હૈ?’

મુછ્છડ ચોકીદારના અવાજથી માનસ જાણે ઝબકીને જાગ્યો હોય એમ આમતેમ જોવા લાગ્યો. પછી માંડ-માંડ પોતાની જાત પર કાબૂ રાખતાં તે બોલ્યો:

‘બુલાયા હૈ... બુલાયા હૈ.’

‘કિસને?’

‘વો... બાનીને... બાની મૅડમને.’

બાનીનું નામ સાંભળતાં જ મુછ્છડના કરડા ચહેરા પર એક છૂપું સ્મિત ચમક્યું. મૂછો નીચે સ્માઇલ સંતાડતાં તેણે કહ્યું, ‘ઠીક હૈ, અંદર કૉમન હૉલ મેં જાઓ... વહાં ટેબલ ટેનિસ કા મૅચ ખેલ રહી હોગી.’

માનસ અંદર જતાં-જતાં ગભરાટનો માર્યો કમસે કમ ૧૫ છોકરીઓ સાથે અથડાયો હશે. જ્યારે તે કૉમન હૉલમાં પહોંચ્યો ત્યારે આખું દૃશ્ય જોઈને દંગ થઈ ગયો.

બાની જાણે આ રમતની ચૅમ્પિયન હોય એ રીતે રમી રહી હતી. હવામાં ૪ ફુટ ઊંચે ઊછળીને સણસણતો સ્કોરિંગ શૉટ મારતી બાની જાણે આ હૉસ્ટેલની સુપરસ્ટાર હોય એમ લાગતું હતું. માનસ તો તેને જોઈ જ રહ્યો! શું આ જ છોકરી ગઈ કાલે સુસાઇડ કરવા માગતી હતી? માન્યામાં નહોતું આવતું...

‘ઍન્ડ ધ વિનર ઇઝ બાની!’

બાનીનો વિનિંગ શૉટ લાગતાં જ આખો હૉલ ‘બાની! બાની! બાની! બાની!’ની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો. તાળીઓના ગડગડાટ થઈ રહ્યા હતા. માનસ બે ઘડી માટે તો ભૂલી જ ગયો કે તે અહીં શા માટે આવ્યો હતો. તે તો બાનીનો ‘ફૅન’ અને ‘પ્રેક્ષક’ બની ગયો હતો!

‘હાય! સફેદ ગુલાબ લાવ્યો છેને?’

‘હેં?’

બાની તેની સામે આવીને ઊભી હતી. માનસ જાણે કોઈ સપનામાંથી જાગ્યો હોય એમ પૅન્ટનું ખિસ્સું ફંફોળવા લાગ્યો.

‘ફૂલ તારા શર્ટના ખિસ્સામાં છે.’ બાની હસી રહી હતી.

‘હેં? હા...’ માનસે ફૂલ હાથમાં લીધું. તે બાનીને આપવા જતો હતો ત્યાં બાનીએ તેનો હાથ ખેંચ્યો.

‘કમ ઑન માનસ, આઇ નીડ અ બાથ! જોને, મને કેટલો બધો પરસેવો થઈ ગયો છે? ચાલ, અહીં ઉપરના ફ્લોર પ૨ બાથરૂમો છે...’

બાની તેનો હાથ ઝાલીને દાદરા ચડવા લાગી. માનસ તેની પાછળ-પાછળ ખેંચાઈ રહ્યો હતો. બિચારો માનસ જેણે જિંદગીમાં કોઈ છોકરીનો સ્પર્શ સુધ્ધાં નહોતો કર્યો તેને એક પાગલ જેવી છતાં વરસાદના વાવાઝોડા જેવી ભીની છોકરી હાથ પકડીને ખેંચી રહી હતી!

‘લે બાની, તારો ટુવાલ અને તારાં કપડાં...’

ઉપરના માળે પહોંચતાં જ એક છોકરીએ બાનીના હાથમાં બધું પકડાવી દીધું. બાનીએ માનસને કૉરિડોરમાં આગળ ખેંચતાં કહ્યું, ‘આ લેડીઝ હૉસ્ટેલ બહુ જૂની છે. અહીં નહાવા માટે એકસામટા છ-છ બાથરૂમો છે. એમાંનો એક બાથરૂમ મારો ફેવરિટ છે, ખબર છે શા માટે?’

‘શા માટે?’

‘કારણ કે એનો શાવ૨ સૌથી બેસ્ટ છે અને એના દરવાજાની કડી હંમેશાં તૂટેલી હોય છે.’

‘હેં?’

‘હવે તારે એક કામ કરવાનું છે. મારા ફેવરિટ બાથરૂમની બહાર ઊભા રહીને તારે એક ડ્યુટી બજાવવાની છે.’

‘ડ્યુટી?’

‘હા!` બાની બાથરૂમનો દરવાજો ખોલીને અંદર જતાં બોલી, ‘અહીં ઊભા રહીને તારે આ સ્ટૉપર વિનાના દરવાજાની રક્ષા કરવાની છે! કોઈ પણ આવે તો કહેવાનું કે અંદર બાની છે અને દરવાજાની સ્ટૉપર તૂટેલી છે!’

‘પણ...’

માનસ હજી કંઈ કહે એ પહેલાં બાનીએ અંદર જઈને દરવાજો બંધ કરી દીધો. બીજી જ મિનિટે અંદરથી શાવરનો અવાજ આવવા લાગ્યો! હવે બિચારા માનસ પાસે બીજી કોઈ ચૉઇસ જ નહોતી!

અંદર બાની નહાતાં-નહાતાં મોટા અવાજે જુદાં-જુદાં ફિલ્મી ગાયનોના રાગડા તાણી રહી હતી. બહાર માનસ કોઈ કહ્યાગરા બૉડીગાર્ડની જેમ ઊભો હતો. બાથરૂમના એરિયામાં દાખલ થતી દરેક છોકરી પહેલાં તો માનસને જોઈને ચોંકી જતી હતી! પછી બાનીનો
‘મહા-મ્યુઝિકલ’ અવાજ સાંભળીને પોતાનું હાસ્ય છુપાવતી જતી રહેતી હતી.

થોડી વારે બાનીની ‘બાથરૂમ-કૉન્સર્ટ’ પૂરી થઈ. શાવરનો અવાજ પણ બંધ થયો. માનસ તેના શર્ટના કૉલરને સરખો કરતો બે ડગલાં પાછળ ખસીને ઊભો રહ્યો. બાની કડી વિનાનો દરવાજો ખોલીને અંદરથી બહાર આવી... માનસ તેને જોતો જ રહી ગયો!

બાનીના ભીના વાળમાંથી ટપકતાં પાણીનાં ટીપાં તેના શરીર પર વીંટાળેલા ટુવાલને ભીંજવી રહ્યાં હતાં. બાનીનો ભીનો ચહેરો, ભીનાશથી ભરેલા હોઠ, ચમકતી આંખો અને ઉઘાડા ખભા સાથેનું આ રૂપ જાણે હમણાં જ કોઈ એક સપનાના તળાવમાંથી બીજા સપનાનું કમળ બહાર આવી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું.

‘કમ ઑન માનસ! પેલું ગુલાબનું ફૂલ ક્યાં છે?’

‘હેં?’

માનસ તેના હાથ ફંફોળે એ પહેલાં બાનીએ માનસના શર્ટમાંથી ગુલાબનું ફૂલ કાઢી લીધું, પવનની કોઈ લહેરખીની જેમ બહાર જતાં તે બોલી:

‘માનસ, અહીં જ ઊભો રહેજે હોં? હું બે મિનિટમાં આવી...’

...અને બાની ગઈ!

lll

બસ, બાની આ જ રીતે અચાનક ગાયબ થઈ જતી હતી! અને એ જ રીતે અચાનક તેનો ગમે ત્યારે ફોન આવી જતો, ‘માનસ! મેં તને લોકેશન મોકલ્યું છે ત્યાં ૪ ડઝન ચૉકલેટ કુલ્ફી લઈને ૧૫ મિનિટમાં પહોંચી જા... બાય!’

માનસ ત્યાં પહોચે ત્યારે ખબર પડે કે આ એક અનાથાશ્રમ છે અને બાની અહીં અચાનક આ રીતે આવીને બાળકોને જાતજાતની ગિફ્ટ આપી જાય છે! ચૉકલેટ કુલ્ફી તો એમાં છેલ્લી આઇટમ હતી!

ક્યારેક બાની તેને રીતસર કિડનૅપ કરીને ઢસડી જતી હતી, ‘આજે એક ડાન્સ-પાર્ટીમાં જવાનું છે!’

ત્યાં પહોંચ્યા પછી ખબર પડે કે અહીં એક વૃદ્ધાશ્રમ છે! બાની અહીં એ સિનિયર સિટિઝનની આખી ટોળકીને ડાન્સ શીખવવા આવતી હતી!

વળી એવું પણ નહોતું કે બાની માત્ર આવી ‘સેવા’ ટાઇપની ઍક્ટિવિટી કરતી હતી. તે માનસને અચાનક કોઈ નાઇટ-ક્લબમાં પણ ઢસડી જતી.

અહીં બાનીનું આખુ સ્વરૂપ જ અલગ દેખાતું હતું! ક્યાં પેલી રેલવેના પાટા પર આત્મહત્યા કરવા ઊભેલી બાની? અને ક્યાં આ પાર્ટીમાં આખી રાત સુધી ઝૂમતી બાની?

એક સાંજે બાનીએ તેને પૂછ્યું
હતું, ‘માનસ, તને ખબર છે પેઇન એટલે શું?’

માનસને આવા સવાલોના જવાબ ક્યાં આવડતા હોય? તે ચૂપ હતો.

ત્યારે બાનીએ કહ્યું હતું, ‘માનસ, પેઇન એ કોઈ કાંટો નથી જે પીડા આપે છે. પેઇન તો એ કાંટો નીકળી ગયા છતાં જે દર્દ અંદર રહી ગયું હોયને... એ છે!’

બસ, આ જ પેઇન હવે માનસને સતાવી રહ્યું હતું. બાની જતી રહી હતી. છ મહિના સુધી કોઈ જ ખબર નહોતા બાનીના...

અને એ વખતે માનસે ફરી જૂની ભૂલ કરી. તેને ફરી ડ્રગ્સ લેવાની તીવ્ર ઇચ્છા થઈ આવી!

 

(ક્રમશઃ)

columnists exclusive