બાની નામની છોકરી...એ કેમ આવી? એ ક્યાં ગઈ? (પ્રકરણ ૪)

18 September, 2025 11:56 AM IST  |  Mumbai | Lalit Lad

ડૉક્ટર અંતાણીની કૅબિનમાં થોડી મિનિટો માટે શાંતિ છવાઈ ગઈ. ડૉક્ટર કંઈ જ ન બોલ્યા. પ્રિસ્ક્રિપ્શન પૅડ ઉપાડીને તેમણે બે દવાનાં નામ લખ્યાં. ઊભા થઈને પ્રિસ્ક્રિપ્શનનો કાગળ માનસના હાથમાં આપ્યો.

ઇલસ્ટ્રેશન

બાની જતી રહી હતી... છ મહિના સુધી બાની તેને મળવાની નહોતી. માનસની હાલત ખરાબ હતી.

અને એ વખતે માનસે ફરી જૂની ભૂલ કરી. તેને ફરી ડ્રગ્સ લેવાની ઇચ્છા થઈ આવી!

lll

‘કમ ઇન માનસ! કેમ છે?’

ડૉ. અંતાણી તેને જોતાં જ ઓળખી ગયા. ‘કેમ છે હવે પેલી છોકરીને? ઇઝ શી ઑલ રાઇટ?’

માનસ શું કહે? મનમાં સમસમીને તે થોડી ક્ષણો તો બેસી રહ્યો. પછી દિલની ભડાસ બહાર કાઢતો હોય એમ બોલી ઊઠ્યો:

‘તે છોકરી જ પ્રૉબ્લેમ છે ડૉક્ટર.’

‘ઓ, રિયલી?’ ડૉ. અંતાણીના ચહેરા પર સ્માઇલ આવી ગયું. યુવાનોના પ્રેમકિસ્સાઓ અને એને કારણે થતા માનસિક આરોહ-અવરોહથી ડૉક્ટર પૂરેપૂરા પરિચિત હતા. તેમણે હળવાશથી પૂછી નાખ્યું:

‘સો વૉટ ઇઝ ધ સીન? આર યુ ઇન લવ?’

‘ના... ના... બિલકુલ નહીં!’ માનસ બોલી ઊઠ્યો. ‘ઇન ફૅક્ટ, રાઇટ નાઓ આઇ હેટ હર! બટ..’

‘બટ વૉટ?’

ડૉ. અંતાણીની નજરો માનસની આંખો સામે મંડાયેલી હતી. માનસે પોતાની આંખો ઝુકાવી દીધી. તે ડૉક્ટર સામે આંખો મિલાવીને વાત કરવાની સ્થિતિમાં નહોતો. ડૉક્ટરે લાગ જોઈને અચાનક તીર છોડ્યું:

‘માનસ, તને ઍન્ટિ-ડિપ્રેસન્ટ ડ્રગ્સ લેવાની આદત ક્યારથી છે?’

માનસ હલબલી ગયો. જેની સામે તે છેલ્લાં ૩ વરસથી ઝઝૂમી રહ્યો હતો એ સવાલ તેની સામે ફરી એક વાર ફંગોળાયો હતો.

‘લુક માનસ,’ ડૉક્ટરે માનસના ખભે હાથ મૂકતાં કહ્યું, ‘હું એક ડૉક્ટર છું, કોઈ પોલીસ-ઇન્સ્પેક્ટર નથી. આઇ ઍમ હિયર ટુ હેલ્પ યુ.’

‘મને ખબર છે.’ માનસ પોતાનો ખભો છોડાવતાં નીચું જોઈ ગયો, ‘મને બસ એક પ્રિસ્ક્રિપ્શન જોઈએ છે. વિલ યુ રાઇટ ઇટ પ્લીઝ?’

‘બીમારી જાણ્યા વિના પ્રિસ્ક્રિપ્શન?’ ડૉક્ટર સહેજ હસ્યા, ‘માનસ, મને ખબર છે કે જો હું તને પ્રિસ્ક્રિપ્શન નહીં લખી આપું તો પણ પૈસા આપતાં તને એ ગમે એટલી મોટી ક્વૉન્ટિટીમાં મળી શકે છે, પણ એ પછી શું થશે એ તું જાણે છે?’

માનસ ડૉક્ટર સામે જોઈ રહ્યો. તેની આંખોમાં એક જૂનો ભય તગતગી રહ્યો હતો.

‘માનસ, તું જાણે છે! તું સારી પેઠે જાણે છે કે એક વાર તું બ્લૅક માર્કેટમાંથી આવી દવાઓ લેવાનું શરૂ કરીશ તો ફરીથી એ ડ્રગ્સનો ગુલામ બની જઈશ. એ ગુલામીમાંથી તું

માંડ-માંડ છૂટ્યો છે. હવે તારે ફરી એમાં ફસાવું નથી... ઍમ આઇ રાઇટ?’

માનસે હકારમાં ગરદન હલાવી.

‘વેરી ગુડ. તો હવે તારે મને કહેવું પડશે કે આવી ઍન્ટિ-ડિપ્રેસન્ટ ડ્રગ્સ લેવાની તને કયા સંજોગોમાં જરૂર પડી?’

માનસની નજર સામે બે ક્ષણ માટે અંધારું છવાઈ ગયું. તેની જીભ સુકાઈ ગઈ હતી. ડૉક્ટરે તેને એક ગ્લાસ ભરીને ઠંડું પાણી આપ્યું. માનસે એ ઘૂંટડે-ઘૂંટડે ધીમેથી પીધું. ડૉક્ટર શાંતિથી તેને સાંભળવા આતુર હોય એમ સામેની ખુરસી પર બેસી ગયા. માનસે તેની વાત શરૂ કરી:

‘ત્રણેક વરસ પહેલાં મારા ફાધરનું એક કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું... મારા ફાધરને ખૂબ જ ફાસ્ટ સ્પીડમાં કાર ચલાવવાની આદત હતી. હું બાળપણથી જ શરમાળ, શાંત અને ઓછાબોલો હતો. મારા ડૅડીનો સ્વભાવ મારાથી સાવ ઊલટો હતો. તે સતત મોટે-મોટેથી બોલતા, ખૂલીને હોહો કરીને હસતા. બીજાઓની મજાક ઉડાડીને તેમને ઉતારી પાડવાની તેમને વરસોથી આદત હતી. મને એ આદત સહેજ પણ પસંદ નહોતી. તે મારી પણ મજાક ઉડાવતા રહેતા. કદાચ તેમના આવા સ્વભાવને કારણે જ હું વધારે પડતો ઇન્ટ્રોવર્ટ અને ઓછાબોલો બની ગયો હતો. બટ આઇ નેવર હેટેડ માય ડૅડ. હું મારા પિતાને ક્યારેય ધિક્કારતો નહોતો... નેવર... પરંતુ એક દિવસ...’

‘એક દિવસ શું?’

‘એક દિવસ અચાનક ખબર આવ્યા કે પપ્પાએ ફાસ્ટ ડ્રાઇવિંગ કરતી વખતે બીજી એક કાર જોડે ઍક્સિડન્ટ કરી નાખ્યો. એ અકસ્માતમાં મારા ફાધર ઑન-ધ-સ્પૉટ એક્સ્પાયર થઈ ગયા...’

માનસ ચૂપ થઈ ગયો.

‘બસ, આ જ કારણસર તને ડિપ્રેશન આવવા લાગ્યું?’ ડૉક્ટરે પૂછ્યું.

ના, કારણ બીજું હતું. વાત એમ હતી કે ડૉક્ટર, જે કાર સાથે ડૅડીની કારની ટક્કર થઈ એ કારમાં મારી સ્કૂલની એક છોકરી હતી... ઈશા, તેનું નામ ઈશા હતું...’

ડૉક્ટર ધ્યાનથી સાંભળતા રહ્યા.

‘ઈશા ખૂબ જ સુંદર હતી. સ્વભાવની તોફાની, ચુલબુલી અને નટખટ... સેવન્થ સ્ટાન્ડર્ડથી લઈને છેક બારમા સુધી હું અને ઈશા એક જ ક્લાસમાં હતાં. અમારા ક્લાસના અનેક છોકરા ઈશા પર આફરીન હતા. હું તો પહેલેથી જ ખૂબ શરમાળ અને ઓછાબોલો હતો. મને પણ મનોમન ઈશા ખૂબ જ ગમતી હતી. ક્યારેક સ્કૂલે જવાનું મન ન થતું હોય ત્યારે હું મારી જાતને એ રીતે મનાવતો કે કમ ઑન માનસ, સ્કૂલે જઈશ તો ઈશા જોવા મળશે! ખબર નહીં કેમ પણ ઈશાની હાજરીમાત્રથી મારું મન અંદરથી ખુશ-ખુશ થઈ જતું હતું.’

‘અને તે ઈશાના મૃત્યુથી તને ડિપ્રેશન આવી ગયું?’

‘ના, માત્ર તેના મૃત્યુથી નહીં.’

માનસ ખુરસીમાંથી ઊભો થયો. થોડી વાર સુધી બારીની બહાર જોતો રહ્યો. પછી એક ઊંડો શ્વાસ લીધો અને બારીએથી પાછો આવ્યો. ખુરસીમાં બેઠો.

‘તમને શી રીતે કહું? બારમાની એક્ઝામ પછી અમારા ક્લાસની ફેરવેલ પાર્ટી હતી. એમાં ઈશા સૌ સાથે ખૂબ ઊછળી-કૂદીને ડાન્સ કરતી રહી. તે વારંવાર મને ડાન્સ માટે ઇન્વાઇટ કરતી રહી, દર વખતે હું શરમાઈને ના પાડતો રહ્યો. છેલ્લે છૂટાં પડતાં ઈશા બોલી હતી, માનસ, હું તને એક લેટર લખીશ, ક્યારેક...’

‘ઓહ...’ ડૉક્ટર અંતાણીએ પૂછ્યું.

‘પછી તેણે એ લેટર લખ્યો હતો ખરો?’

‘હા.’ માનસની આંખોમાં આંસુ ધસી આવ્યાં. ‘ઈશાના મૃત્યુ પછીના ત્રીજા દિવસે એ લેટર મને ટપાલમાં મળ્યો... એમાં લખ્યું હતું, ‘માનસ, સ્કૂલના સેવન્થ સ્ટાન્ડર્ડથી ટ્વેલ્થ સુધી તું સતત મારી સાથે રહ્યો છે. સ્કૂલના દિવસો હવે પૂરા થયા... ખબર નહીં, હવે આપણે ક્યારે અને ક્યાં મળીશું, બટ આઇ જસ્ટ વૉન્ટેડ ટુ ટેલ યુ કે માનસ, ડીપ ઇનસાઇડ માય હાર્ટ આઇ લવ્ડ યુ! ઍન્ડ વિલ ઑલવેઝ લવ યુ...’

ડૉક્ટર અંતાણીની કૅબિનમાં થોડી મિનિટો માટે શાંતિ છવાઈ ગઈ. ડૉક્ટર કંઈ જ ન બોલ્યા. પ્રિસ્ક્રિપ્શન પૅડ ઉપાડીને તેમણે બે દવાનાં નામ લખ્યાં. ઊભા થઈને પ્રિસ્ક્રિપ્શનનો કાગળ માનસના હાથમાં આપ્યો.

માનસે પ્રિસ્ક્રિપ્શન લીધું. ગડી વાળીને ખિસ્સામાં મૂક્યું. ઊભો થઈને તે કૅબિનની બહાર જવા જતો હતો ત્યાં ડૉક્ટરે તેને અટકાવ્યો.

‘એક મિનિટ...’ ડૉક્ટરે કહ્યું, ‘તારી આખી વાતનું પેલી છોકરી સાથે શું કનેક્શન છે જેને તું રેલવેના પાટા પરથી ઉપાડીને તારા ફ્લૅટમાં લઈ આવ્યો હતો?’

માનસ નીચું જોઈ ગયો.

‘ડોન્ટ ફર્ગેટ માનસ, થોડી જ વાર પહેલાં તું બોલી ગયો હતો કે તે છોકરી જ પ્રૉબ્લેમ છે, રાઇટ?’

‘હા, હું એવું બોલ્યો હતો, પણ...’

ડૉક્ટર અંતાણીએ માનસના ખિસ્સા તરફ ઇશારો કરતાં કહ્યું, ‘એ પ્રિસ્ક્રિપ્શન મને પાછું આપ.’

ડૉક્ટરે જે નવું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું એમાં માત્ર એક જ શબ્દ હતો:

‘...બાની.’

lll

તો શું એનો અર્થ એમ થયો કે બાની જ ‘ઍન્ટિ-ડિપ્રેસન્ટ’ દવા હતી? માનસને આ વિચાર પર જરા હસવું આવી ગયું, પણ બહાર નીકળીને બાઇક પર બેસતાં તેની નજર અચાનક મિ૨૨માં પડી.

તેણે જોયું કે બાની એક સ્કૂટી પરથી ઊતરીને ડૉ. અંતાણીના ક્લિનિકમાં જઈ રહી હતી!

માનસ ચોંકી ગયો!

તેણે પાછળ ફરીને ધ્યાનથી જોયું. હા, તે બાની જ હતી!

માનસ ગૂંચવાઈ ગયો. શું બાની ડૉ. અંતાણીની પેશન્ટ છે? શું તેની પણ કોઈ ટ્રીટમેન્ટ ચાલી રહી છે?

અચાનક માનસના મગજમાં ગડ બેઠી કે બાની શા માટે રેલવેના પાટા પર બે હાથ પહોળા કરીને ધસમસતી ટ્રેન સામે આપઘાત કરવા જઈ રહી હતી!

...કારણ કે બાની મેન્ટલ પેશન્ટ હતી!!

lll

માનસને હજી કંઈ સમજાતું નહોતું. જો બાની મારી દવા છે તો તે છે ક્યાં?

માનસે ધડાધડ પેલા અજાણ્યા નંબરો, જેના પરથી બાનીના ફોન આવ્યા હતા, એના પર કૉલ કરવા માંડ્યા. તમામ નંબર પર રિંગો જ જતી હતી... માનસ વધુ ને વધુ અધીરો બની રહ્યો હતો. તેણે સતત વારાફરતી કૉલ કરવાનું ચાલુ રાખ્યું.

આખરે એક નંબર પર ત્રણ રિંગ ગયા પછી સામેથી અવાજ આવ્યો, ‘માનસ, પેઇન એટલે શું? અને એ કાંટાની દવા શું?’

માનસે સામો સવાલ ફટકારી દીધો, ‘બાની, સાચું બોલજે. તું ડૉક્ટર અંતાણીની ટ્રીટમેન્ટ શા માટે લઈ રહી છે?’

સામેના છેડે સન્નાટો છવાઈ ગયો. માનસ તેના ફોનને કાને લગાડીને બાનીના અકળ મૌનને સાંભળી રહ્યો. પૂરી ૧૫ સેકન્ડ વીત્યા પછી બાનીનો દૃઢ છતાં શાંત અવાજ સંભળાયો:

‘તારે જાણવું છેને? તો તારે મારી શરત માનવી જ પડશે... છ મહિના સુધી તું મને કોઈ ફોન નહીં કરે, મને શોધવાની કોશિશ નહીં કરે... તો જ તને જાણવા મળશે. બાય!’

ફોન કટ થઈ ગયો.

lll

આજે બરાબર ૬ મહિના પૂરા થઈ રહ્યા હતા...

બાનીની શરત હતી કે તેને ફોન નહીં કરવાનો, તેને શોધવાની કોશિશ પણ નહીં કરવાની.

આ ૬ મહિના દરમ્યાન માનસને વારંવાર ડ્રગ્સ લેવાની ઇચ્છા થઈ આવતી હતી, પણ તે સતત એમ વિચારીને મનને કાબૂમાં રાખી રહ્યો હતો કે ના, મારી દવા તો બાની જ છે... ભલે એ દવા મને ૬ મહિના પછી મળે...

માનસ હજી વિચારમાં હતો. આ છોકરી છે શું? જેને સૉલ્વ ન કરી શકાય અને જેમાંથી છૂટી પણ ન શકાય એવી કોઈ પઝલ?

ત્યાં ફોન રણક્યો!

‘હાય માનસ! તારે મને મળવું છેને? તો સાંભળ, હું તને એક લાઇવ લોકેશન સેન્ડ કરી રહી છું... બસ, તારે એને ફૉલો કરવાનું છે!’

(ક્રમશઃ)

columnists exclusive gujarati mid day