29 July, 2026 02:59 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘અનિકેત.’
‘યસ તર્જની.’
ઓમ ડિટેક્ટિવ એજન્સીમાં કામનું ભારણ ઘટતું નથી. સવારે અનિકેત કૅબિનમાં ગોઠવાય એટલે તર્જની કેસને લગતાં અપડેટ્સ ચર્ચવા આવી જ સમજો. શાર્પ મેમરી ધરાવતી તર્જનીને દરેક કેસની વિગતો કંઠસ્થ રહેતી. કેસનાં અપડેટ્સ આપતી તર્જનીનું ધ્યાન ગયું. કેતુનું ધ્યાન મારી વાતોમાં નથી, મારા ગાલે રમતી વાળની લટને નીરખીને કેવું મંદ મલકી રહ્યો છે.
તર્જની સહેજ રતુંબડી થઈ.
મુંબઈનો સૌથી બાહોશ, જુવાન ખાનગી ગુનાશોધક અનિકેત દવે અને તેની મુખ્ય મદદનીશ તર્જની દવે એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણનારા જાણતા, પછી તે બન્ને ભલેને જાહેરમાં એની અજાણવટ રાખીને બેઠાં હોય.
લંડનમાં જાસૂસીની ટ્રેઇનિંગ લઈ પાછા આવેલા કેતુએ મુંબઈમાં ઓમ ડિટેક્ટિવ એજન્સીનો પાયો નાખ્યો અને તર્જની તેની મદદનીશ તરીકે જોડાઈ. એજન્સી ખોલ્યાના થોડા વખતમાં જ તેમનું નામ એવું જામ્યું કે ઇન્ટરપોલ સુધ્ધાંએ તેમની મદદ માગ્યાના કિસ્સા બન્યા છે. ઝીરો ફેલ્યરની તેમની સિદ્ધિને સ્વયં લતાજીએ જાહેરમાં બિરદાવી હતી. પોતાની સફળતાની સઘળી ક્રેડિટ કેતુ-તર્જની તેમના નવલોહિયા સ્ટાફને આપે. ચિતરંજન-ચેતાલી તેમનાં મુખ્ય સહાયક. જોકે સ્ટાફમાં પણ કેતુ-તર્જનીમાં કોણ કોનો બૉસ એની રસપ્રદ ચર્ચા થતી રહેતી ખરી.
પચીસનો થયેલો કેતુ પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો હતો તો તર્જની સાક્ષાત્ સૌંદર્યમૂર્તિ. કેતુ રણમેદાનમાં ગજકેસરી જેવો શોભી ઊઠે તો નમણી એવી તર્જનીના વીફરેલી વાઘણ જેવા તેવર અપરાધીને ઘૂંટણિયાં ટેકવવા મજબૂર કરી દેતા.
‘તને શું લાગે છે તર્જની...’
કેતુના સાદે તે ઝબકી.
‘આજકાલ હું જરા એક્સ્ટ્રા-હૅન્ડસમ નથી દેખાતો?’
તર્જનીએ હોઠ કરડ્યો. આવું કંઈક કહીને કેતુ તોફાની બની જતો ત્યારે સંયમ રાખવો કઠિન થઈ પડતો. એમ તો ક્યારેક તર્જની પણ કેતુને હંફાવી દેતી ખરી.
અત્યારે જોકે કેતુ હરકતમાં આવે એ પહેલાં તર્જનીએ બીજો મુદ્દો પકડી લીધો, ‘કેતુ, રાજમાતાનો ફોન હતો.’
હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીના ઉલ્લેખે કેતુ હરખાઈ ઊઠ્યો.
જમીનના એક સોદા અંતર્ગત સામી પાર્ટીની ચકાસણી માટે રાજનગરનાં ઠકરાણાની ભલામણે રાજમાતાએ કેતુ-તર્જનીને તપાસનું કામ સોંપ્યું ત્યારથી બંધાયેલો સંબંધ આજે તો આત્મીય બની ચૂક્યો છે. કેતુ-તર્જની રાજમાતાને નિજ સંતાન જેવાં જ વહાલાં છે તો જાસૂસજોડી માટે મીનળદેવી ઘરનાં વડીલતુલ્ય છે.
મીનળદેવી હિંમતગઢનું સૌથી આદરપાત્ર નામ છે. અકાળે આવેલું વૈધવ્ય, બે કુંવરોનો ઉછેર, ઉપરાંત સ્ટેટની જવાબદારી - રાજમાતા દરેક મોરચે યશસ્વી રહ્યાં. સિદ્ધાંતપ્રિય માતાનો સંસ્કારવારસો બન્ને પુત્રો સમીરસિંહ અને અર્જુનસિંહે સુપેરે જાળવ્યો. રાજમાતાને વહુઓ પણ એવી જ ગુણિયલ મળી. રાજપરિવારનાં સામાજિક સૂત્રો વહુઓને સોંપીને રાજમાતા પૌત્ર-પૌત્રીઓને રમાડવાની નિવૃત્તિ માણે છે. લોકકલ્યાણનાં કાર્યોમાં વધુ વ્યસ્ત રહેતાં રાજમાતા પંચાવનની વયે પણ એવાં જ મૂર્તિમંત લાગે છે. કેતુ-તર્જનીને હિંમતગઢ આવવાનું તેમનું કાયમનું નિમંત્રણ હોય છે. ખરેખર તો પૅલેસ કૉમ્પ્લેક્સમાં હરકોઈ કેતુ-તર્જનીનું હેવાયું છે.
‘કેતુ, રાજમાતાનો ફોન હતો... અમેરિકાનું મુહૂર્ત આવી ગયું.’
અમેરિકા!
વડા પ્રધાન તરીકે વિશ્વનાથસરના આગમન પછી રશિયા સાથે મિત્રતા ગાઢ બની એમ અમેરિકા સાથે પણ મૈત્રીના ઉષ્માભર્યા સંબંધો વિસ્તર્યા. જોકે બે વર્ષ અગાઉ ચૂંટાયેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉન ડેવિડની નીતિરીતિ થોડી અલગ છે. પાક્કા બિઝનેસમૅનની જેમ ટ્રેડ-ડીલમાં પોતાનું ધાર્યું કરવાની હોડ માંડી છે, મિડલ ઈસ્ટમાં વૉરનું વાતાવરણ સર્જી દીધું છે. સામે ભારત પણ તેમની અમુક-તમુક શરતોને ગાંઠતું નથી અને યુરોપ, બ્રિટન સાથે ફ્રી ટ્રેડની ડીલ કરીને પોતાનો રસ્તો ખોળી રહ્યું છે એટલે અમેરિકા સાથેની ડીલ હજી પાર નથી પડી.
પણ અમેરિકાની શરતો ન માનવાનું તો એક પોકળ બહાનું છે ડીલને તાણવાનું. કહો કે સમય ખેંચવાની વડા પ્રધાનની વ્યૂહરચના છે.
અને અમારે અમેરિકાનું મિશન આ ડીલના ડેલિગેશનની આડમાં જ પતાવવાનું છે.
કેતુએ સંભાર્યું :
ઇન્ટરપોલ જેની મદદ લેતું હોય તે જાસૂસજોડીનાં સાહસો વડા પ્રધાનથી ઓછાં અજાણ રહ્યાં હોય! બલૂચિસ્તાનનું એક સીક્રેટ મિશન પાર પાડીને કેતુ-તર્જની તેમના ફેવરિટ લિસ્ટમાં આવી ગયાં હતાં. તેમના પર વિશેષ ભાવનું બીજું કારણ હતું રાજમાતા!
સંઘના સમયથી વિશ્વનાથને હિંમતગઢના રાજપરિવાર સાથે સંબંધ. પરિણામે જ્યાં જરૂર વર્તાઈ ત્યાં તેમણે રાજમાતાની પણ મદદ લીધી છે અને રાષ્ટ્રના હિત માટે મથતા રાષ્ટ્રપુરુષને ઇનકાર હોય જ કેમ. કેતુ-તર્જની રાજમાતાને પંડનાં સંતાનો જેવાં વહાલાં છે એ જાણીને પણ વિશ્વનાથને ભરોસો ઘૂંટાઈ ગયો હતો.
વિશ્વનાથ ત્રિવેદીની કામ કરવાની રીત પણ નોખી હતી. બધો ભાર પ્રધાનમંડળ કે બ્યુરોક્રેટ્સ પર નાખવાને બદલે સ્પેશ્યલ ટાસ્ક માટે અલગ ટીમ બનાવતા, એનું એક્ઝિક્યુશન પણ અત્યંત ગુપ્તપણે થતું જેમાં મોટા ભાગે તે ક્યાંય પ્રગટ થતા નહીં. છતાં ગયા વર્ષે બૉક્સ-ઑફિસ પર ધુરંધર પુરવાર થયેલી ફિલ્મ સાવ કપોળકલ્પિત નહોતી એવું ત્રિવેદીસરના અંગત વર્તુળની વ્યક્તિ ખાતરીથી કહી શકે. સત્તાવાર રીતે કોઈ સરકાર કબૂલે પણ નહીં, પરંતુ વિદેશની ધરતી પર દેશના કેટલાય દુશ્મનોનાં ઢીમ ઢળી જવાં જોગાનુજોગ ન હોય એ ઓપન સીક્રેટ જેવું છે. દુશ્મન દેશોને ચારે બાજુથી ભીંસમાં લેવાની મુત્સદ્દીગીરી પણ તેમને સુલભ છે. એટલે તો ભારતને સળગતું રાખવાના કાવાદાવા હવે ફાવતા નથી...
એટલે પણ બે મહિના અગાઉની મુલાકાતના તેડાની નવાઈ નહોતી લાગી. જોકે એ મુલાકાતમાં PM સર પોતે હાજર નહોતા, તેમના પડછાયા જેવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્યામલ શાહ જોડેની એ ગુપ્ત મંત્રણા હતી.
‘આપણી જાસૂસી સંસ્થા ‘રૉ’નું ઇનપુટ છે કે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ISI કેમિકલ અટૅકનો પ્લાન કરી રહી છે. ત્યાંના લશ્કરના ચીફ મુશર્રફ અલીએ અમેરિકાના પ્રમુખને કાલાવાલા કર્યા પછી ISIને ફન્ડિંગની કમી નથી અને એનો ચીફ મુર્તઝા કેટલો ભારતદ્વેષી છે એ તો આપણે જાણીએ જ છીએ.’
શ્યામલનાં જડબાં તંગ થયેલાં, ‘લેટ્સ ફિનિશ હિમ ધિસ ટાઇમ.’
ના, કેતુ-તર્જની ચોંક્યાં નહોતાં. બીજા કોઈએ કહ્યું હોત તો શેખચલ્લીની કલ્પના ગણીને હસી નાખ્યું હોત. પાડોશી દેશની મુખ્ય જાસૂસી સંસ્થાના વડાની હત્યાનું ભારત જેવો અહિંસામાં માનનારો શાંતિપ્રિય દેશ વિચારી પણ કેમ શકે? વિપક્ષોએ જાણ્યું હોત તો સરકાર પર તૂટી પડ્યા હોત... પણ આ નવું ભારત છે, એમાં આવા દાવ ખેલાતા રહેવાના.
‘તકલીફ એ છે કે મુર્તઝા પાકિસ્તાનની બહાર બહુ નીકળતો નથી... કોઈ જ મેળ ન પડે તો એ તો છેલ્લો ઑપ્શન છે જ - યુ બી પ્રિપેર્ડ ફૉર ધિસ.’
‘શ્યૉર સર.’
કેતુના રણકાથી પ્રભાવિત થયેલા શાહે હડપચી પસવારી હતી, ‘આ ૧૫ ઑગસ્ટે PM સર મોટો પ્રોજેક્ટ લૉન્ચ કરવાના છે. ત્યાં સુધી USની ડીલને તાણવાની છે. છોગામાં મુર્તઝાનો ઘાટ ઘડાઈ જાય તો સોને પે સુહાગા થઈ જાય!’
PM સર કયો પ્રોજેક્ટ લૉન્ચ કરવાના એ વિશે શાહસરે ફોડ ન પાડ્યો એટલે એ કૉન્ફિડેન્શિયલ હશે અને અમારા ટાસ્કને લગતો નહીં જ હોય એટલે એની પૃચ્છા નિરર્થક હતી.
આગળ વધવા માટે અમે દિલ્હીથી કૉલની રાહ જોતા હતા. બે વીક પહેલાં જ શાહસરે કન્ફર્મ કર્યું હતું : ‘ધેર ઇઝ અ ચાન્સ... મુર્તઝાનો સન અમેરિકામાં ભણે છે. જુલાઈના મન્થ-એન્ડમાં તેનું ગ્રૅજ્યુએશન છે અને મુર્તઝા તેની પત્ની ખાલિદા સાથે સિલિકૉન વૅલીની યુનિવર્સિટીની સેરેમનીમાં હાજરી આપવાનો હોવાના પાકા ખબર છે.’
ઑપરેશન મુર્તઝાની હિન્ટ આપીને તેમણે ઉમેર્યું હતું : ‘જોગાનુજોગ એ જ અરસામાં ટ્રેડ-ડીલ માટે આપણું ડેલિગેશન અમેરિકા
જવાનું છે. તમે એમાં જોડાઈ જજો.
એની વાટાઘાટો વૉશિંગ્ટનમાં થશે, પણ ત્યાંના આપણા વિવિધ સમાજ દ્વારા બે-ચાર સ્થળોએ પ્રોગ્રામ ગોઠવીને એ રીતે સિલિકૉન વૅલી જવાનું બહાનું ઊપજાવી શકાશે.’
ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે રાજમાતા. સ્વયં વિશ્વનાથે રાજમાતાને વેપારની ટ્રેડ-ડીલના ડેલિગેશનની આગેવાની સોંપી હતી : તમારે તમામ મુત્સદ્દીગીરી વાપરીને ડીલને લટકતી રાખવાની છે. એમાં આપણે સમય ખેંચી રહ્યા છીએ એની સામેવાળાને ગંધ ન આવે એ રીતે...
જમાનાનાં ખાધેલ રાજમાતા માટે એ સહેજે મુશ્કેલ નહોતું. પૂરતી તૈયારી સાથે મીટિંગમાં આવતી USની ટીમ સામે છેલ્લી ઘડીએ રાજમાતા એવો તર્ક કે નવી રજૂઆત મૂકી દેતાં કે સામેવાળા મૂંઝાઈ મરતા, ગૂંચવાઈ જતા. આની પાછળ રાજમાતાનું પાક્કું હોમવર્ક રહેતું, સામાની ચાલને પારખવાની કોઠાસૂઝ હતી. તેમની સાથે કામ કરવાની PMO ટીમને પણ મજા આવતી.
અમેરિકાના મિશનમાં તેમનો સંગાથ રહેશે એનો અમને પણ આનંદ જ હોયને.
lll
ઉફ્ફ!
હોટેલરૂમના મિરરને શરમ જેવું હોત તો પાણી-પાણી થઈને તૂટી ચૂક્યો હોત એવી એક સોહામણા જુવાન અને રૂપવતી યુવતીની બેશરમ હરકતો એમાં ઝિલાઈ રહી હતી.
ત્યાં ફોનની રિંગે વિક્ષેપ નાખ્યો. હાથ લંબાવીને જુવાને ફોન નજીક સરકાવ્યો, સ્ક્રીન પર ઝબૂકતું નામ વાંચ્યું, સહેજ અળગા થઈ, હાંફ ખાળીને કૉલ રિસીવ કર્યો : હાય!
‘હું નથી માનતી મિસ્ટર ખાન કે તમે આપણી ડીલ માટે સિરિયસ છો. ડેમો વર્ઝન જોયા પછી તમે હાફ પેમેન્ટ કરવાના હતા એ હજી થયું નથી. આપણી ડીલમાં તમારી પાકિસ્તાનની સરકારને રસ નથી લાગતો.’
સામેના સ્ત્રીસ્વરમાં અધીરાઈ સાથે અકળામણ હતી.
‘આપણી ડીલ પણ ફિક્સ છે અને તમારું પેમેન્ટ પણ... ‘ભારત’નું નામ ‘પાકિસ્તાન’ કરીને સર્ચ-એન્જિનને લૉન્ચ કરવામાં અમારા દેશને રસ હોય જને. આપણી પાસે હજી સમય છે, ખુદાતાલા બધું ઠીક જ કરશે, આમીન!’
તેણે કૉલ કટ કર્યો.
lll
સામા છેડે કાવેરી મૂંગા થઈ ગયેલા ફોનને તાકી રહી.
અમાત્યને તે ચાહતી. અમાત્ય કોઈ સ્ટેટનો રાજકુમાર છે, બહુ શ્રીમંત છે એવી કોઈ વાતે મન નહોતું મોહ્યું, બલ્કે ‘ભારત’ માટેની તેની પૅશન એન્જિનિયર તરીકે બહુ અપીલિંગ લાગતી. તેના સોહામણા દેખાવથી વધુ તેનો IQ આકર્ષતો.
પણ ગાંઠના ગોપીચંદન કરીને ટેક્નૉલૉજી વિકસાવનારો સાવ મફતમાં આપી દેવાની વાત કરે એ બેવકૂફી લાગી હતી.
‘અમારા વડવાઓએ દેશના એક ટુકડા પર પેઢીઓ સુધી રાજ કર્યું. ઇટ્સ ટાઇમ ટુ પે બૅક!’
અમાત્યની ફિલસૂફી સામે દલીલ ઊઠી હતી : તમે રાજ કર્યું તો પ્રજાને સારો વહીવટ પણ આપ્યો. તમારી પ્રોડક્ટની રૉયલ્ટી તમને વર્લ્ડના રિચેસ્ટ પર્સન બનાવી શકે - તમારે એ અવસર ઝડપવો જ નથી?
પણ એને મનમાં જ દબાવી રાખવી પડી. અમાત્ય સાથે હજી નવાં-નવાં લગ્ન થયેલાં. એમાં મનભેદ ઊભો થાય એવું કરવું જ શું કામ! અને અમાત્યની ઇચ્છા જે કંઈ હોય, તેની પ્રોડક્ટ માટે ભારત સરકાર પણ તૈયાર થવી જોઈએને.
આ આશ્વાસને પોતે પણ રિસર્ચમાં પુરજોશથી જોતરાઈ, પણ પછી વિશ્વનાથ પિક્ચરમાં આવ્યા અને જે રીતે પ્રોગ્રેસ થતો રહ્યો એ જોઈને નિસાસો સરી જતો : અમારી આટલી મહેનત સાવ મફતના ભાવે વટલાઈ જશે? અમાત્ય પાસે રજવાડું છે એટલે તેને પૈસાના મોલ નથી, પણ મેં મા-બાપને તનતોડ મજૂરી કરીને માંડ બે છેડા ભેગા કરતાં જોયાં છે, મારાથી અમાત્ય જેવા દાનેશ્વરી નહીં બનાય! કંપનીમાં અડધી હિસ્સેદાર હું છું એ કેવળ અમાત્યની પત્નીની હેસિયતથી નહીં, ‘ભારત’ના સર્જનમાં મારું પ્રદાન એ કક્ષાનું રહ્યું છે એટલે. તો પછી ‘ભારત’ના વેચાણમાં મારી સંમતિ જરૂરી કેમ નહીં?
અમાત્ય સાથે ઝઘડવું નિરર્થક હતું, પણ તે જો મારી મરજી વિરુદ્ધ ‘ભારત’નો સોદો કરી શકતો હોય તો હું તેની મરજી વિરુદ્ધ જાઉં એ કોઈ હિસાબે ખોટું ન ગણાય, પછી ભલે એ માટે મારે મારું લગ્નજીવન હોડમાં મૂકવું પડે.
પોતાના ડ્રીમ પ્રોજેક્ટની બાતમી પત્નીએ જ પૈસાની લાલચમાં પાકિસ્તાનના જાસૂસને લીક કર્યાની અમાત્યને જાણ હોત તો!
(ક્રમશઃ)