જાસૂસ જોડી - નેટવર્કનું રહસ્યચક્ર (પ્રકરણ 4)

30 July, 2026 09:07 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

વાર્તાનું ચોથું પ્રકરણ વાંચો અહીં

ઇલસ્ટ્રેશન

‘સ્વીટ નંબર થ્રી થાઉઝન્ડ.’
રિસેપ્શન પર નોંધણીની વિધિ પતાવી રૂમનું કાર્ડ લઈને મુર્તઝા અલી બેગમ સાથે લિફ્ટમાં પ્રવેશ્યા કે છેલ્લી ઘડીએ લાઉન્જમાં બેઠેલો માણસ લિફ્ટમાં સરકી આવ્યો : આદાબ જનાબ.
ખાલિદાબાનુએ ત્યારે તેને ઓળખ્યો : આ તો અકબર, મિયાંનો માનીતો જાસૂસ.
બાનુ મિયાં તરફ જરા કતરાયાં : દીકરાના મુબારક પ્રસંગે આવ્યા ત્યાંય તમારું જાસૂસીનું ચક્કર મુકાતું નથી?
‘અગત્યનું કામ છે બેગમ.’
મુર્તઝાના રણકા પછી બાનુએ કંઈ જ બોલવાનું રહેતું નથી. તે ચૂપચાપ સ્વીટના અંદરના રૂમમાં ગયાં, બહારની બેઠકમાં મંત્રણા શરૂ થઈ :
‘મિસિસ ઝાલા ધીરજ ગુમાવી રહ્યાં છે... વધુ તાણવામાં જોખમ છે.’
‘શનિવાર...’ મુર્તઝાએ સિગાર સળગાવી, ‘અમારા માટે બહુ મુબારક દિન છે. એમાં ઇજાફો કરીએને.’
ઊંડો કસ લઈને તેમણે ધુમાડો છોડ્યો, ‘શૂટ ધેમ. એટલે ભારતના નાથનું ‘ભારત’નું સપનું ચૂર-ચૂર થઈ જાય!’
‘શૂટ?’ અકબરના હોઠ વંકાયા : અમાત્ય-કાવેરી વિના ‘ભારત’ને લૉન્ચ કરવું શક્ય જ નથી એવું કાવેરી ભારપૂર્વક જણાવી ચૂકી છે અને એના જ તો તે દામ વસૂલવાની હતી. એટલે તો કાવેરીને અમે ભ્રમમાં રાખી કે અમે તેની ટેક્નિક ખરીદવાના છીએ. હકીકતમાં તો તે વર-બૈરીને મારીને ‘ભારત’નું બાળમરણ કરવાનું આયોજન જ શરૂથી હતું. હવે એની ડેટ પણ બુક થઈ ગઈ. ઇન્શા અલ્લાહ!
lll
‘તમે આવ્યાં એ મને બહુ ગમ્યું રાજમાતા...’ ડાઇનિંગ ટેબલ પર પોતાની બાજુમાં બેઠેલાં રાજમાતાનો પહોંચો પસવારતાં અમાત્યએ કહ્યું, પછી પત્ની પર ધ્યાન જતાં ઉમેર્યું, ‘આઇ મીન અમને બન્નેને.’
રાજમાતા મલક્યાં.
ભરતગઢનો રાજપરિવાર હંમેશાં હિંમતગઢનો હિતેચ્છુ રહ્યો છે અને હિઝ હાઇનેસ દિવાકરસિંહ તો રાજપૂતાનામાં વિઝનરી તરીકે પંકાયેલા. તેમના એકના એક દીકરા તરીકે અમાત્યના સંસ્કાર-ઉછેરમાં કહેવાપણું હોય જ નહીં. ક્યારેક સોશ્યલ ફંક્શનમાં મળવાનું થાય ત્યારે હાઇનેસ કહેતા કે અમાત્ય અમેરિકામાં દેશ માટે બહુ મોટું કામ કરી રહ્યો છે.
રાજમાતાએ વાગોળ્યું : મારા પ્રત્યે તો તેણે હંમેશાં પ્રેમ-આદર જ દાખવ્યાં છે... એટલે તો સિલિકૉન વૅલી આવવાનું થયું ત્યારે અમાત્ય જ સાંભર્યો : ડીલમાં બ્રેક દરમ્યાન પોતે રિલેટિવને મળવા જાય છે એ બહાનું વાજબી લાગે અને ગુજરાતી હોવાના નાતે ઓમ-વૈદેહી (કેતુ-તર્જની) જોડે આવે એ પણ સ્વાભાવિક લાગે.
પોતાના ફોનનો અમાત્યે ઉમળકાભર્યો પ્રતિસાદ પાઠવ્યો, અમને લેવા ઍરપોર્ટ પણ આવેલો. મને જ નહીં, કેતુ-તર્જનીને પણ તેણે કેટલા ભાવથી આવકારેલાં. 
કેતુ-તર્જની ફરવાના બહાને તેમના કામે નીકળે ત્યારે અમાત્ય મને હસે પણ ખરો : બેઉ ચશ્મિશ એકમેકને પરણી જશે જોજો!
જાસૂસ જોડીના મિશનની અમાત્યને કેમ ખબર પડે, પણ તે ખુદ વડા પ્રધાન સાથે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હોવાનું તેની વાતો પરથી લાગ્યું. તેના રિસર્ચ સેન્ટરની મુલાકાતે ગયા ત્યારે કેતુ-તર્જની પણ જોડે હતાં. ત્યાં કેવો ધમધમાટ લાગેલો. મે બી, કેતુએ પછીથી કહેલું એમ, PM સર ૧૫ ઑગસ્ટે કંઈક મહત્ત્વનું કરવાના છે એ આ તો નહીં હોય.
– એ જે હશે એ, અમાત્યનો ભાવ સ્પર્શી જાય એવો છે; પણ તેની ભાર્યાનો ભાવ...
ઝીણી નજરે કાવેરીને જોતાં રાજમાતાના કપાળે હળવી કરચલી ઊપસી:
કાવેરી મને થોડી અકળ લાગી. ના, તેણે અમને ઇલ-ટ્રીટ કર્યાં છે એવું નહીં, પણ તેનામાં ઉમળકાનો અભાવ તો અનુભવાયો. કદાચ વર્કિંગ પ્રેશરને કારણે તે થોડી ચિડાયેલી કે અતડી બની ગઈ હોય. અમાત્યના પણ એ ધ્યાનમાં હશે એટલે તો પત્નીને છાવરી રહ્યો છે॥
હશે. અમાત્ય અમને સાચવે છે એ ઓછું છે.
‘રાજમાતા, આવતી કાલે શનિવાર છે. અમારે ત્યાં વીક-એન્ડમાં કોઈ કામ નથી કરતું. સો લેટ્સ પ્લાન. ક્યાં જવું છે?’
‘ડોન્ટ કાઉન્ટ મી પ્લીઝ!’ કાવેરી થોડા ભારે સ્વરે બોલી. પછી વાળી લેતી હોય એમ ઉમેર્યું, ‘આઇ મીન, આઇ હૅવ ટુ વર્ક ધીસ વીક-એન્ડ, હું મોટા ભાગે સેન્ટર પર હોઈશ, યુ પીપલ મે ગો આઉટ.’
‘થૅન્ક્સ કાવેરી, પણ અમારે પણ દૂર નથી જવું. અમાત્ય, વી વિલ બી ઇન સિટી ઓન્લી.’
તર્જનીના કથનમાં રાજમાતાએ પણ સાથ પુરાવ્યો. એટલે શનિ-રવિનો પ્રોગ્રામ બન્યો નહીં, પણ ખરેખર કેતુ-તર્જનીનો શું પ્રોગ્રામ હતો એની અમાત્યને ક્યાં ખબર હતી?
lll
‘વાત શું છે કાવેરી?’
રાતે રૂમના એકાંતમાં અમાત્ય રોમૅન્ટિક થવા ગયો કે કાવેરી અનિચ્છા દર્શાવીને દૂર સરકી એટલે પ્રશ્ન થવો સ્વાભાવિક હતો.
કાવેરી બદલાયેલી કેમ લાગે છે? કામનું પ્રેશર તો મનેય એટલું જ છે. એથી હું તો આમ અતડો કે આઘેરો નથી જતો. ઘરે રાજમાતા સરખાં મહેમાન છે, પણ તેમના સત્કારનો ગૃહિણીભાવ કેમ કાવેરીમાં નથી પડઘાતો. અહં, હવે થોડી ચર્ચા અને વધુ સ્પષ્ટતા અનિવાર્ય બની ગઈ છે.
અમાત્યના પ્રશ્ને કાવેરીએ હોઠ કરડ્યો. ૧૫ ઑગસ્ટની ડેડલાઇન નિકટ આવી રહી છે એમ મારી ભીતર તાણ વિસ્તરી રહી છે. ગઈ કાલે ફરી ખાન સાથે વાત થઈ, પણ પહેલી કિસ્ત હજી આવી નથી. પાકિસ્તાનને ડીલમાં રસ તો હશેને? ધારો કે ત્યાંથી કંઈ નહીં આવે તો શું કરવું એ પણ સૂઝતું નથી. ક્યારેક થાય કે ક્રાઇમના રસ્તે જાતને બરબાદ કરવા કરતાં અમાત્યની રાજરાણી બની રહેવામાં સમજદારી નથી! વિરુદ્ધ દિશાના વિચારોમાં ખયાલી ત્રાજવું હાલકડોલક થયા કરે છે ને મારું અસંતુલન આમ સૌની આંખે ચડી જાય છે.
‘વર્કિંગ સ્ટ્રેસ હની!’ તે અમાત્યની નજીક સરકી, ‘૧૫ ઑગસ્ટ સુધી હું આવી જ રહેવાની. આટલું બેર નહીં કરો?’
‘આઇ અન્ડરસ્ટૅન્ડ...’ અમાત્યે તેની પેશાની ચૂમી, ‘શાંતિથી ઊંઘી જા.’
કાવેરી પતિને વળગીને પોઢી ગઈ. એમાં ખરેખર હેત હતું કે અમાત્યને ભ્રમમાં રાખવાની ચેષ્ટા એ તો તેને પણ નહીં સમજાયું હોય.
lll
અને શનિવારની સવાર ઊગી.
કેતુ-તર્જની માટે આજનો દિવસ કેટલો અગત્યનો છે એની રાજમાતાને જાણ હતી.
વીતેલા બે દિવસમાં મુર્તઝા પર વૉચ રાખીને કેતુ-તર્જનીએ તેની ગતિવિધિ નોંધી હતી. પર્સનલ કામે આવેલા મુર્તઝાએ અમેરિકાની વિઝિટ અંગત રાખી છે, સિક્યૉરિટીના પ્રોટોકૉલ વગર અમેરિકામાં પત્ની-પુત્ર સાથે મુક્તપણે વિહરી રહ્યો છે એ અમારા ફાયદામાં રહેવાનું... મુર્તઝાને ક્યાં-કેમ પતાવવો એનું માઇક્રો-પ્લાનિંગ ‘રૉ’એ કરી રાખ્યું છે, અમારે એ અનુસાર પ્લાન એક્ઝિક્યુટ કરવાનો છે.
‘તમને યશ મળે.’
કાવેરી સેન્ટર પર જવા નીકળી એના કલાકેક બાદ રાજમાતાના આશીર્વાદ લઈ કેતુ-તર્જની બીજી કારમાં નીકળ્યાં.
lll
‘દીકરો પણ તમારા જેવો સીધો છે... ૪ વર્ષથી અહીં ભણે છે, પણ કોઈ છોકરી સાથે પ્રેમનું ચક્કર ચલાવતાં ન શીખ્યો.’
હોટેલના સ્વીટરૂમના બાથરૂમમાં મુર્તઝા શાવર લઈ રહ્યા હતા અને તેમના નીકળવાની રાહ જોતાં ખાલિદાબેગમ પોતાની ધૂનમાં તેમને કહેતાં રહ્યાં : આજે ગ્રૅજ્યુએશનના ફંક્શનમાં મારી નજર તો સલીમને લાયક કન્યા ગોતવામાં જ રહેવાની. સાંભળ્યું છે અહીં પાકિસ્તાનની ઘણી છોકરીઓ ઍડ્મિશન લે છે... હાસ્તો, અમેરિકા ભણે છે એટલે આપણા ખાનદાનને મોભારૂપ ફૅમિલી જ હશે... ઓહો, જલદી કરો, યુનિવર્સિટી જતાં પહેલાં આપણે મૉલમાંથી ગિફ્ટનો બુક કરેલો ઑર્ડર લેવા જવાનું છે.’
– અને સ્વીટના દરવાજે નૉક થયું : રૂમ-સર્વિસ.
સામાન્યપણે ડોરબેલના જવાબમાં ઘરની મહિલા જ દરવાજો ખોલવા આવે એવી તર્જનીની ધારણા સાચી ઠરી. સ્વીટનો દરવાજો ખોલતાં મિસિસ મુર્તઝાને કશું સમજાય એ પહેલાં તો નૉઝ-માસ્ક પહેરેલી તર્જનીએ સ્પ્રે છાંટતાં તેણે હોશ ગુમાવ્યા. ઢળી પડતાં બાનુને સંભાળીને કેતુ સામા રૂમમાં સરકી ગયો. ઘડીના છઠ્ઠા ભાગમાં એટલી સફાઈથી આ બન્યું કે મુર્તઝાએ જોયું હોત તો ભારતીય જાસૂસ જોડીની ચીલઝડપે મોંમાં આંગળાં નાખી ગયા હોત!
lll
‘હુ ધ હેલ આર યુ!’
શાવર લઈને બહાર આવેલા મુર્તઝા અજાણ્યા માણસને જોઈને ભડકી ગયા : આણે હોટેલનો યુનિફૉર્મ પહેર્યો નથી એટલે સ્ટાફ તો નથી જ... અને ખાલિદા ક્યાં?
‘હિઅર...’ જુવાને મોબાઇલ દેખાડ્યો.
ખુરસીમાં બંધાયેલી ખાલિદા બેહોશ હતી, પણ તેના બદન પર ટિક-ટિક થતો ટાઇમબૉમ્બ બંધાયેલો જોઈ મુર્તઝાને ઘડીભર તમ્મર આવી ગયાં. બીજી પળે જુવાનનો કૉલર પકડીને ઝંઝોડ્યો,
‘ઇન્ડિયા? રૉ?’
પેલાનાં જડબાં તંગ થયાં, મક્કમપણે હાથ ઝાટક્યો...
‘તમારે સવાલ નથી પૂછવાના... બલ્કે હું કહું એમ કરતા રહેવાનું છે – જો તમારાં બેગમને જીવતાં રાખવાં હોય!’
જુવાનના પાછલા વાક્યે મુર્તઝાનું જોમ નિચોવાઈ ગયું. પોતે ઊંઘતા ઝડપાયા. આ હિન્દુસ્તાનનું જ કાવતરું હોય એમાં શંકા નથી. ખાલિદાને બાન રાખીને બદમાશ મારી પાસે જાણે શું કરાવશે?
ભારતના દુશ્મનોનું વિદેશી ધરતી 
પર ઢીમ ઢળી રહ્યું હોવાના બે-ચાર દાખલા સાંભરી જતાં કપાળેથી પસીનો દડડવા લાગ્યો.
યા ખુદા! આજે મારા દીકરાનો મુબારક દિન... આજે ‘ભારત’નું સપનું હણવાનો મેં પ્લાન બનાવ્યો ને એ જ દિવસ મારો કયામતનો દિન બની રહેવાનો કે શું?
નહીં... એમ અધીરો ન થા મુર્તઝા. હજી થોડી મિનિટ પહેલાં તો ખાલિદા અહીં હતી. બેહોશ બાઈને હોટેલની બહાર કાઢવી મુશ્કેલ છે. કોઈની નજરે ચડવાનું જોખમ પણ છે. હજી પણ ખાલિદા અહીં જ ક્યાંક હોવી જોઈએ. એક વાર તે સેફ થઈ જાય પછી તો આને જીવતો છોડે તે બીજા! ધેર મસ્ટ બી સમ વે... કૉન્સન્ટ્રેટ મુર્તઝા, કૉન્સન્ટ્રેટ. 
અને તેમના ચિત્તમાં પોતાનો ફેવરિટ જાસૂસ ઝબક્યો : અકબર! અહીંની બીજી હોટેલમાં ઊતરેલા અકબરને કોઈક રીતે જોખમનો અંદાજ અપાય, કોઈક રીતે તે ખાલિદાને સેફ કરી શકે...
‘ડોન્ટ થિન્ક ટુ મચ.’ જાણે મુર્તઝાના મનના વિચાર વાંચી શકતો હોય એટલી સહજતાથી જુવાન બોલ્યો, ‘હાલ તો આપણે મૉલમાં જવાનું છે... તમારી ગિફ્ટ લેવા.’
મૉલમાં! મુર્તઝાને સમજાયું નહીં : આખરે આ આદમીએ કરવા શું ધાર્યું છે!
પણ તેની સૂચનાને અનુસર્યા વિના છૂટકો પણ ક્યાં હતો?
તે જુવાન ઓમકાર ઉર્ફે અનિકેત હતો.
lll
અમેરિકામાં ટ્રાવેલ માટે પોતાની કાર હોવી અનિવાર્ય છે એટલે તો મોટા ભાગના ટ્રાવેલર્સ કરતા હોય એમ મુર્તઝાએ પણ ઍરપોર્ટથી કાર હાયર કરી રાખેલી. ખરેખર તો સલીમે જ આ વ્યવસ્થા ગોઠવી આપેલી.
અત્યારે હોટેલના પાર્કિંગ-લૉટમાં મૂકેલી કારમાં મુર્તઝા ગોઠવાયો કે કેતુ બાજુમાં સરકી આવ્યો : નાઓ સ્ટાર્ટ!
lll
કાર મૉલ તરફ આગળ વધતી હતી, મુર્તઝાના વિચારો એનાથી બમણી ઝડપે ભાગતા હતા : જુવાને પાકી તૈયારી કરી લાગે છે. મૉલના ચોથા માળે આવેલી શૉપમાં મેં ગિફ્ટ ઑર્ડર કર્યાનું પણ તે જાણે છે... પણ મારા ઉપરાંત અકબર-વહીદા પણ આ જ શહેરમાં છે એ તો તે ચોક્કસ જાણી શક્યો નહીં હોય! કોઈક રીતે એનો ઍડ્વાન્ટેજ લઈ શકાય...
તેની નજર રિસ્ટવૉચ પર ગઈ : બપોરના ૩... અત્યારે તો અકબર-વહીદા તેમના કામે જવા નીકળી ચૂક્યાં હશે. કોઈક રીતે તેમને ખાલિદાની મદદમાં મોકલી શકાય.
યા ખુદા, તું જ રસ્તો ચીંધજે!
lll
– આના થોડા સમય પછી...
કેતુએ ફોન જોડ્યો. રિંગ ગઈ.
‘રાજમાતા? તમે ઘરે જ છોને? અને અમાત્ય?’
‘અમે તો ઘરે જ છીએ. હું ઉપરના રૂમમાં છું. કાવેરી ઑફિસે છે. શું થયું – તમારું કામ પત્યું?’
એ જ વખતે ડોરબેલ રણકી. કેતુના ફોનમાં પણ એનો પડઘો પડ્યો.
‘જોને કોઈ ઉપરાઉપરી બેલ મારે છે. હેલો... હેલો... બેલના અવાજમાં તું શું બોલે છે એ પણ સંભળાતું નથી... હેલો... લાગે છે અમાત્ય નીચે નથી. મારે જ નીચે જઈને દરવાજો ખોલવો પડશે.’
‘નહીં રાજમાતા... દરવાજો ખોલવાની ભૂલ ન કરશો.’
કેતુ ચીખે છે, પણ દરવાજો ખૂલતાં જ ગોળીબારનો અવાજ અને રાજમાતાની ચીસ સાથે સંભળાયાં!

(ક્રમશઃ)

columnists gujarati mid day Sameet Purvesh Shroff exclusive