31 July, 2026 03:42 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
થોડા સમય અગાઉ...
વહીદા-અકબર તેમની હોટેલથી પોતપોતાની કારમાં નીકળ્યાં ત્યારે કેતુ મુર્તઝા સાથે મૉલના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પહોંચ્યો હતો.
‘તમારો ફોન અનલૉક કરીને કારના ડૅશબોર્ડ પર મૂકી દો... ગુડ. અહીંથી લિફ્ટમાં સીધા ચોથા માળે જજો. ત્યાં મૅક્ડોનલ્ડ્સની શૉપ આગળ આ છોકરી ઊભી હશે.’
કેતુએ તેના ફોનમાં તસવીર દેખાડીને પૅન્ટના ગજવામાંથી નાનકડી રિવૉલ્વર કાઢી, ‘હવે આ ગન રાખો. ઑફકોર્સ, એમાં ગોળી નથી, પણ એની બીજાને જાણ થવાની નથી.’
જુવાન છોકરી. ગન. આખરે આ આદમી મારી પાસે કરાવવા શું માગે છે?
‘કિડનૅપિંગ!’ કેતુના હોઠ વંકાયા, ‘અભિમાની છોકરી મને ભાવ નથી આપતી એટલે બધાની વચ્ચે તેને ગન દેખાડી જાહેરમાં કિડનૅપ કરીને તમે ફટાફટ આવી પહોંચો... ક્વિક.’
લિફ્ટ તરફ જતા મુર્તઝા હજીયે અવઢવમાં હતા : અમેરિકામાં ગનકલ્ચર સામાન્ય છે, પણ પોતાની ગર્લફ્રેન્ડ સાથે રિવેન્જ લેવા કોઈ મારી વાઇફને બાનમાં રાખે એ બહુ ગળે નથી ઊતરતું. વાય ખાલિદા! વાય મી!
પોતે કોઈ ઍમેટર ચસકેલના સ્ટુપિડ પ્લાનનો ભોગ બન્યા છે કે આમાં ભારતની કોઈ રમત છે?
ત્યાં ચોથા માળે લિફ્ટ અટકી. અવઢવને ખંખેરી આત્મવિશ્વાસના વાઘા પહેરીને મુર્તઝા દૂરથી દેખાતી મૅક્ડોનલ્ડ્સની શૉપ તરફ વળ્યા.
lll
‘હી ઇઝ કમિંગ!’
બ્લુટૂથથી તર્જની સતત કેતુના સંપર્કમાં હતી.
‘હાય હની...’ નજીક આવીને મુર્તઝાએ સ્મિત વેર્યું, ‘સો વૉટ ઇઝ ધ પ્લાન – લુક, તું ગર્લફ્રેન્ડ તરીકે પેલાને ભાવ નથી આપતી એ રીતની બુલશીટ સ્ટોરી મને નહીં જોઈએ – ટેલ મી.’
‘શ્યૉર. ગયા વર્ષે ફિલાડેલ્ફિયાના મૉલમાં એક ઘટના ઘટી હતી. અસંતુલિત દિમાગવાળા જુવાને મૉલમાં હવામાં ફાયરિંગ કરતાં ત્યાંના સિક્યૉરિટી ઑફિસરે તેને શૂટ કરી દીધેલો અને એ બદલ તેને બહાદુરીનું ઇનામ પણ મળ્યું હતું.’
‘એટલે...’ મુર્તઝાના દિમાગમાં કડાકો બોલ્યો : આવું જ કંઈક આ લોકોએ મારા માટે પ્લાન કર્યું... ખાલિદાને બાનમાં રાખી મને મૉલ સુધી લાવીને (ખાલી) રિવૉલ્વરની અણીથી છોકરીના કિડનૅપિંગની કોશિશ કરતો હોઉં એ જોઈને સિક્યૉરિટી ઑફિસર દોડી આવે...
– પણ તે મને સીધો જ શૂટ કરી દે એવું કેમ ધારી લેવાય? શક્ય છે કે તે મને ગન દેખાડીને વૉર્નિંગ જ આપે અથવા તો ગોળી હાથ-પગમાં મારીને મને રોકે...
‘નહીં... અમે કહીએ એ તારીખે, એ સમયે મૉલમાં છોકરીને કિડનૅપ કરનારને શૂટ જ કરવાનો છે એવી ગોઠવણ સ્પૅનિશ ગાર્ડ જોડે થઈ ગઈ છે અને એના આધારે જ ‘રૉ’નો આખો પ્લાન ઘડાયો છે...’ તર્જની મલકી, ‘આ માહિતી પણ તમને શ્યામલસરની સૂચનાથી જ આપી રહી છું. દેશના દુશ્મનને મારતાં અગાઉ ખબર હોવી ઘટે કે તેને દુશ્મને જ માર્યો છે.’
મુર્તઝા સમસમી ગયા.
‘આટલું બધું કરવાની શી જરૂર હતી? ખાલિદાના બદલામાં મને સુસાઇડ કરવા કહ્યું હોત તો પણ મેં ખુદને ગોળી મારી દીધી હોત...’
તર્જનીએ દેખાવ એવો રાખ્યો જાણે અજાણ્યો કોઈ રસ્તો પૂછતો હોય ને પોતે જવાબ વાળતી હોય, ‘હોટેલની બંધ રૂમમાં થયેલું સુસાઇડ હંમેશાં હત્યાના ઘેરામાં જ રહેવાનું. એને બદલે બધાની વચ્ચે સરેઆમ કોઈ ત્રીજી જ વ્યક્તિ તને મારે, ઇઝ મોર સેફ ફૉર અસ.’
‘અન્ડરસ્ટૂડ. પણ પછી? ISIનો વડો આમ કોઈ છોકરીને કિડનૅપ કરે એ કોણ માનશે?’
‘વેલ, તે છોકરી ભારતના ડેલિગેશન સાથે આવી હોય તો પ્રાઇવેટ વિઝિટમાં આવેલા મુર્તઝાની છોકરીને કબજે કરી ભારત પર ટ્રેડ-ડીલ સાઇન કરવાનું પ્રેશર સર્જીને અમેરિકાને કાલા થવાની રમત હોય પણ ખરી.’
મુર્તઝાએ હોઠ પીસ્યા. ભારતની ટીમ પૂરી તૈયારી સાથે આવી છે. મોત આટલું ઢૂંકડું હશે? અને મારા માર્યા પછી આ લોકો ખાલિદાને બક્ષશે જ એની શું ગૅરન્ટી? નહીં, નહીં મુર્તઝા... એક તક... છેલ્લો એક ચાન્સ.
‘આઇ હૅવ અ ડીલ ફૉર યુ. તમારો PM ૧૫ ઑગસ્ટે ગૂગલ જેવું દેશનું પોતીકું સર્ચ-એન્જિન લૉન્ચ કરવાનો છે એ તું જાણતી હોઈશ.’
તર્જની અને તેના બ્લુટૂથ દ્વારા અહીંનો વાર્તાલાપ સાંભળતા કેતુ માટે આ ખબર નવા હતા, પણ મુર્તઝાને એવું દાખવવાનું ન હોય.
‘એના પર પડદો પાડવા મારો ખાસ આદમી નીકળી ગયો છે. ઓન્લી આઇ કૅન સ્ટૉપ હિમ... પ્રોવાઇડેડ તમે ખાલિદાને છોડો અને મને બક્ષો.’
કોઈ પણ સમજુ આદમી PMના ડ્રીમ પ્રોજેક્ટને તબાહ થવા દઈને તેમની ખફગી વહોરવાનું પસંદ ન જ કરે. મુર્તઝાને હતું કે આ ગિવ ઍન્ડ ટેકની ઑફર કામ કરી જવાની, પણ...
‘નો નીડ તર્જની. મુર્તઝાનો ફોન મારી પાસે છે અને એમાં છેલ્લો કૉલ અકબરને થયો છે – મુર્તઝાનો ફેવરિટ જાસૂસ. હું તેને રોકું છું, યુ ફિનિશ હિમ.’
lll
બૉસનો ફોન!
અકબરે હોઠ કરડ્યા : કામ પત્યું કે નહીં એ જાણવા જ તેમણે કૉલ કર્યો હોય. નક્કી સમય કરતાં પોતે અડધો કલાક મોડો છે. વાસનાના ખેલે મોડું કરાવ્યું એવું બૉસને કહેવાય પણ કેમ! એના કરતાં ફોન લેવો જ નથી! આમેય ધૅટ અમાત્યના ઘરનો આખરી વળાંક આવી ગયો. તે ઘરે છે અને કાવેરી સેન્ટરમાં એટલું તો કાવેરીને ફોન કરીને જાણી રાખેલું. સેન્ટરના CCTV કૅમેરામાં ઝડપાવું નહોતું એટલે કાવેરીને બીજા ઠેકાણે બોલાવીને વહીદાને ત્યાં મોકલી છે અને મારે અમાત્યને ગોળી મારીને નીકળી જવાનું છે.
lll
કેતુ મુર્તઝાના ફોન પરથી અકબરને કૉલ કરવા મથતો હતો ત્યારે ચોથા માળે...
‘નો મોર ડીલ મુર્તઝા, ઍક્ટ નાઓ... ફૉર યૉર બિલવ્ડ વાઇફ!’
તર્જનીના છેલ્લા શબ્દોએ મુર્તઝા આંખો મીંચી ગયો, ખૂલી ત્યારે દ્વિધા નહોતી.
તેણે એક હાથે તર્જની પર (ખાલી) ગન તાકી, બીજા હાથે તેને બાવડામાંથી પકડીને ત્રાડ નાખી : કમ વિથ મી!
એવી જ તર્જની ચીસ પાડી ઊઠી : હે...લ્પ!
આ દૃશ્ય જોઈને ઘણાની ચીસ ફૂટી, ઘડીભર તો અફરાતફરી મચી ગઈ. સિક્યૉરિટી ઑફિસર દોડી આવ્યો, જાણે બળજબરીથી લિફ્ટ તરફ ઘસાતી તર્જનીએ ઑફિસરને ઇશારો કર્યો અને લડત આપતી હોય એમ ‘શૂ...ટ હિમ...’ની ચીસ નાખીને મુર્તઝાના ગનવાળા હાથને આંચકો મારતાં પિસ્તોલ તેની કાનપટ્ટી પરથી હટી અને ઑફિસરની રિવોલ્વર ગરજી ઊઠી : ધડામ.
સીધો ખોપરીમાં ઘા અને ખેલ ખતમ!
lll
ડેમ ઇટ! અકબર ફોન નથી લેતો... હવે?
– મુર્તઝાએ IT રિલેટેડ લૉન્ચિંગનું કહ્યું, સિલિકૉન વૅલીમાં આ કામ બીજું કોણ કરે!
અમાત્ય-કાવેરીની વ્યસ્તતાનો જવાબ મળી ગયો હોય એમ અનિકેતે ચપટી વગાડી અને બીજી પળે ધ્રૂજી જવાયું : રાજમાતા!
‘ભારત’ પર પડદો પાડવા અકબર જેવાને મોકલવાનો અર્થ એક જ થાય... મર્ડર! અમાત્ય-કાવેરીને હટાવવાથી જ ‘ભારત’ પર પડદો પડી શકે એમ હોય એ શક્ય છે... અને અકબરનો જે પ્લાન હોય, મારે પહેલાં તો રાજમાતાને ચેતવી દેવાં રહ્યાં.
અને અનિકેતે રાજમાતાને કૉલ જોડ્યો.
lll
‘હેલો... લાગે છે કે અમાત્ય નીચે નથી. મારે જ નીચે જઈને દરવાજો ખોલવો પડશે.’
કેતુ સાથે વાત કરતાં રાજમાતા સીડી ઊતરી રહ્યાં કે અમાત્ય અંદરથી દોડી આવ્યો, ‘હું ખોલું છું દરવાજો રાજમાતા...’
એ જ વખતે કેતુ ચીખ્યો હોય એવું લાગ્યું, પણ રાજમાતાનું ધ્યાન દરવાજા પર હતું. અમાત્યએ દરવાજો ખોલ્યો એ સાથે જ સામે ઊભેલા બુકાનીધારી આગંતુકના હાથમાં ગન જોઈને તે બારણું બંધ કરવા ગયો કે પેલાએ ઘોડો દાબી દીધો. એ જોઈને રાજમાતા ચીસ પાડી ઊઠ્યાં. ઘરમાં ત્રીજી વ્યક્તિની અણધારી હાજરીથી અકબર ખચકાયો. શક્ય છે કે બીજા પણ માણસો અંદર હોય... નહીં, મારું કામ અમાત્યને મારવાનું છે, એ કરીને છૂ થઈ જવામાં જ સમજદારી છે.
અને પહેલી ગોળીથી ફસડાઈ પડેલા અમાત્ય પર નિશાન તાકીને તે બીજો વાર કરવા જાય છે કે ચેતેલાં રાજમાતાએ નજીક પડેલું ફ્લાવરવાઝ ઊંચકીને સીધો ઘા કર્યો. કાચનું વાઝ કપાળ પર વાગતાં અકબરને અણધાર્યા આક્રમણથી તમ્મર આવી ગયાં!
સમય ગુમાવ્યા વિના રાજમાતાએ તેના હાથમાંથી ગન ઝૂંટવી લીધી : ખબરદાર!
lll
‘આઇ વન્ડર, મિસ્ટર ખાને સોદા માટે આવી જગ્યા પસંદ કરી! ડાઉનટાઉનની સસ્તી હોટેલની લૅવટરી?’
સેન્ટરથી સીધી આવેલી કાવેરીના સવાલ સામે વહીદાએ હોઠ મલકાવ્યા. પુઅર ગર્લ. તેને શું ખબર કે આ ડીલ ક્યારેય થવાની જ નહોતી!
‘વેર ઇઝ ધ મની?’
વહીદાએ આજુબાજુ જોયું. ના, ત્રીજું કોઈ નથી... અને પર્સમાંથી ટચૂકડી ગન કાઢીએ તેણે સીધો કપાળની વચ્ચે વાર કર્યો : હિયર હની!
અને અણધાર્યા અંજામનો આઘાત કાવેરીના ચહેરા પર થીજી ગયો.
lll
કાવેરી.
અમાત્યની ઉદાસી ઘૂંટાઈ.
રાજમાતાની સમયસૂચકતાને કારણે ધૅટ અકબર મને બીજી ગોળી મારી ન શક્યો અને મારો જીવ બચ્યો. બલ્કે વીરાંગના જેવાં રાજમાતાએ બંદૂકની અણીએ અકબરને તાબામાં રાખ્યો, દરમ્યાન કેતુ આવી પહોંચેલો... તે મુર્તઝાનો ખાતમો કરીને આવ્યો હોવાનું જાણીને અકબર કેવો હેબતાઈ ગયેલો! રાજમાતાને હેમખેમ જોઈને કેતુ એટલો જ ઇમોશનલ બનેલો.
આ બાજુ અહીં આવતાં પહેલાં તર્જની બેહોશ ખાલિદાને તેમની રૂમમાં (બનાવટી) બૉમ્બનું જૅકેટ કાઢી પલંગ પર પોઢાડીને સરકી આવેલી. કેતુ-તર્જનીની ઊલટતપાસમાં અકબરે કાવેરીની ગદ્દારી કબૂલી લીધી (પાછળથી તર્જનીએ કાવેરીના કૉલ-રેકૉર્ડ્સ ચકાસતાં એ સાચું પુરવાર થયું). હૈયું ભાંગનારી એ ક્ષણ હતી. મારી હત્યાના પ્રયાસ બદલ અકબર અહીંની પોલીસની હિરાસતમાં છે, ઍરપોર્ટ પરથી ઝડપાયેલી વહીદા પણ જેલમાં છે.
દરમ્યાન મૉલનો કિસ્સો બ્રેકિંગ ન્યુઝમાં ગાજતાં હોશમાં આવેલાં ખાલિદા છાતી કૂટવા લાગ્યાં. હોટેલ દોડી આવેલા સલીમને માનો લવારો સમજાયો જ નહીં : તને કોઈ છોકરીએ બેહોશ કરી હોય તો પપ્પા તને છોડીને મૉલમાં થોડા જાય! માને આઘાત લાગ્યો છે એટલે આવી અસંબદ્ધ વાતો કરે છે.
બિચારાને એ પણ સમજાયું નહીં કે ડેલિગેશનમાં આવેલી છોકરીને પપ્પા જાહેરમાં કિડનૅપ શું કામ કરવાના થાય! ભારત એલિગેશન મૂકે છે એમ ડીલ સાઇન કરાવીને અમેરિકાને કાલા થવાની રમત હશે? પણ એ માટે અકબર કે વહીદાને જ મોકલાયને! પણ હાય રે, તે બન્ને પણ પોલીસમાં ઝડપાયાં છે. પાકિસ્તાનના આકાઓને પણ સમજાતું નથી કે આનું ભીનું કેમ સંકેલવું! પણ મુર્તઝાની વિદાય અને ટોચના જાસૂસોની ધરપકડ પછી ભારત વિરુદ્ધના એજન્ડાની કેડ જ ભાંગી ગઈ છે. જેવી જેની દાનત.
– પણ કાવેરી, તું? મારી જીવનસંગિની થઈને મારો જીવ કાપતાં તારો જીવ કેમ ચાલ્યો? રૂપિયાના મોલ મોહબ્બતથીયે અદકા હોતા હશે? ‘રૉ’એ ઑપરેશન મુર્તઝા પ્લાન ન કર્યું હોત, રાજમાતા-કેતુ-તર્જની એમાં ઇન્વૉલ્વ ન હોત તો કાવેરી સાથે હું પણ જીવિત ન હોત. ‘ભારત’ની ગુપ્તતા માટે સરકારના પ્રયાસોથી હજી અમારાં માવતરથી પણ કાવેરીની કરણી છૂપી છે, પણ ક્યાં સુધી...
‘કાવેરીએ ખોટું કર્યું તો તેની સાથે ખોટું થયું...’ અત્યારે રાજમાતાએ તેનું કપાળ પસવાર્યું, ‘તારે એનો ગમ વેંઢારવાની જરૂર જ નથી અમાત્ય... જો, ૧૫ ઑગસ્ટે તારું જીવનસ્વપ્ન સિદ્ધ થઈ રહ્યું છે, એમાં હાજરી પુરાવવા આપણે ભારત જવાનું છે, હવે હંમેશ માટે...’
અમાત્યે છાતીમાં શ્વાસ ભર્યો. એમાં આવતી કાલને ફરી સજાવવાની સમજદારી પણ હતી.
lll
‘મેરે પ્યારે દેશવાસીઓં...’
લાલ કિલ્લા પરથી દેશને સંબોધતાં વિશ્વનાથે છેવટે અમાત્યના સપનાની વાત માંડીને ‘ભારત’ને લૉન્ચ કર્યું ત્યારે બાજુમાં ઊભેલા અમાત્યની આંખો વરસી પડી. સમારંભમાં તેનાં માતા-પિતા, કાવેરીનાં માવતર ઉપરાંત રાજમાતા-તર્જની-કેતુ પણ હાજર હતાં. તેમના અમેરિકાના મિશનથી વડા પ્રધાન કેટલા ખુશ હતા એ કહેવાની જરૂર ખરી! જોકે કાવેરીનો દગો કે ‘રૉ’નું ઑપરેશન ક્યારેય પ્રગટ થવાનાં નથી. હવે તો ટ્રેડ-ડીલ પણ ભારતની શરતોએ થવાની.
‘મેરા ભારત મહાન’ રાજમાતાએ કહ્યું અને તેમની સાથે કેતુ-તર્જની પણ તિરંગાને સલામી અર્પી રહ્યાં.
(સમાપ્ત)