જીવનધારા અજીબ દાસ્તાં હૈ યે (પ્રકરણ ૧)

29 June, 2026 12:42 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

માએ વાણી-વિવેકના સંસ્કાર સીંચ્યા એમ અન્યાય ન સહેવાની પણ શીખ ઘૂંટાવી. આનું પરિણામ એ આવ્યું કે શેરીરમતમાં મોટી ઉંમરના છોકરા દાદાગીરી કરવા જાય તો તેમની સામે પણ થઈ જાઉં

ઇલસ્ટ્રેશન

લતા મંગેશકરના કંઠે મઢેલી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. મલાડની ચાલીના આ ઘરમાં સવાર આમ જ ઊગતી – વરસોથી.

‘ઈશ્વરને ભજવાથી લખ્યા લેખ બદલાય કે નહીં એ તો ખબર નથી, પરંતુ કપરા સંજોગો સામે ટકી રહેવાની હિંમત તો અવશ્ય બંધાય છે...’

સવિતાબાના શબ્દો સાંભરીને અકિનના વદન પર ખુમારી તરવરી.

આ શ્રદ્ધાના સહારે જ માએ જીવનનૈયા પાર કરી હતી. બાકી નાની વયે વિધવા થયેલી સ્ત્રી માટે એકલા હાથે દીકરાને ઉછેરવો એ ખાવાના ખેલ નહોતા. તોય તેણે સંઘર્ષમાં સ્મિત ઓસરવા ન દીધું, મને ક્યારેય બિચારાપણું અનુભવવા ન દીધું. એટલે તો નાનપણથી મારો આત્મવિશ્વાસ ગંઠાતો ગયેલો. માએ વાણી-વિવેકના સંસ્કાર સીંચ્યા એમ અન્યાય ન સહેવાની પણ શીખ ઘૂંટાવી. આનું પરિણામ એ આવ્યું કે શેરીરમતમાં મોટી ઉંમરના છોકરા દાદાગીરી કરવા જાય તો તેમની સામે પણ થઈ જાઉં.

એક વાર તો છૂટા હાથની મારામારી થઈ ગયેલી. ત્યારે હું બારેક વર્ષનો હોઈશ. એ સાંજે ઘરે જતાં હું ડરતો હતો. મારા પહેલાં ચાલીના પંચાતિયા પાડોશીઓમાંથી કોઈકે તો ઘરે ખબર પહોંચાડી જ દીધા હશે અને મારા જતાં જ મા ખિજાશે એની ધાસ્તી ચાલીનાં પગથિયાં ચડીને બીજા માળે પહોંચતાં સુધી જ રહી. લૉબીમાં આઠ-દસ જણનું ટોળું માને ઘેરી વળ્યું હતું ને મા નરવા અવાજે તેમને કહેતી સંભળાઈ : ‘તમે કહો છો એટલે માની લઉં છું કે અકિને તમારા આ છોકરાઓને ધીબેડ્યા, પણ એટલી તો મને ખાતરી છે કે પહેલો ઘા તેણે નહીં જ કર્યો હોય. મેં અકિનને કોઈને મારવાનું નથી શીખવ્યું, પણ કોઈ મારે તો ગાંધીજીની જેમ બીજો ગાલ ધરવાને બદલે ભગત સિંહની જેમ શસ્ત્રો ઉઠાવીને સામે થવાની શીખ જરૂર આપી છે. એટલે જો તેણે લડાઈ શરૂ કરી હશે તો તેને તમારી સામે બે અડબોથ ઠોકીશ, પણ જો તેણે શારીરિક હુમલાનો પ્રત્યાઘાત પાઠવ્યો હશે તો તેનાં ઓવારણાં લઈને તેને પોંખીશ.’

માના સીધા જવાબે સાંભળનારા કેવા ડઘાઈ ગયેલા! અને હું બિન્દાસ દોડી ગયેલો : ‘મા, શરૂઆત મેં નહોતી કરી. આ વીરેને મારા પર બૅટ ઉપાડ્યું, પછી હું ગાંઠું કે!’

વીરેન ઓઝપાયો. મા તેના પિતા તરફ ફરી : ‘કેમ ભાઈ, મારો દીકરો તમારા ઘરનું ખાય છે કે તમારો લાલ તેને મારે એ ખમી લે?’

વીરેનના બાપા જ નહીં, ફરિયાદ લઈને આવેલા બધા સમસમી ગયા.

‘પહેલાં પોતાના દીકરાનો વાંક જાણો, પછી બીજાના દીકરાની રાવ કરવા જાઓ.’

માની ટકોરે ફરિયાદીમાંથી આરોપી બનેલાં માબાપે પોતપોતાના સંતાનને લઈને સરકવામાં સમજદારી જોઈ... માએ મને સોડમાં લીધો : ‘આજે હું નચિંત થઈ દીકરા!’

માના શબ્દો સમજવામાં સરળ હતા, પણ એમાં રહેલો ભાવ સમજાયો નહોતો. માની આંખે આવીને અટકી ગયેલું અશ્રુ સમજની બહાર હતું.

‘મા, શું થયું?’

અને પાંપણ પટપટાવી તે પૂર્વવત્ બની ગઈ : ‘થયું એ જ કે મારા હીરો દીકરાને ભાવતો શીરો બનાવવાનું સાંભરી ગયું! તારા પિતાને પણ શીરો બહુ ભાવતો...’

પિતા.

અત્યારે કૉફીનો મગ લઈને આગળની રૂમના હીંચકે ગોઠવાતા અકિનની નજર સામેની દીવાલે ટીંગાતી પિતાની તસવીર તરફ ગઈ :

દામોદર મહેતા. લંબગોળ મુખ, હોઠે રાજ કપૂર જેવી મૂછો, ચહેરા પર વકીલાતનું તેજ... વિશાળ લલાટને કારણે તે કેવા પ્રભાવશાળી દેખાય છે! મને વર્ષનો મૂકીને તે સત્તાવીસની નાની વયે સ્વર્ગે સિધાવ્યા. તેમને મેં તસવીરોમાં જ જોયા અને માની વાતોથી જ જાણ્યા છે.

‘મા, પપ્પા બહુ પૈસાવાળા હોવા જોઈતા હતા.’

ચૌદની ઉંમરે મારા અનુમાને મા ભડકી જવાની હદે ચમકી ગયેલી : ‘એ તું કઈ રીતે કહી શકે? બોલ, તને કોણ મળ્યું? કોણે તારા કાન ભંભેર્યા?’

‘મા? રિલૅક્સ. મને કોઈએ કશું કહ્યું નથી. અને મારા કાન કોણ ભંભેરવાનું! આ તો ક્યાંક વાંચેલું કે પહોળા કપાળવાળા બહુ શ્રીમંત હોય એટલે...’

‘ઓહ...!’ મા સ્મિત ઉપજાવતી, ‘તું એ અર્થમાં પૂછતો હતો!’ પછી મને નજીક ખેંચીને લાડ જતાવતી : ‘જેને તારા જેવો દીકરો હોય તે દુનિયાનો સૌથી શ્રીમંત બાપ હોવાનો... આવું તે તને રમાડતી વખતે કહેતા.’

મા પંદર-વીસ ફોટોવાળું ફૅમિલી આલબમ ખોલીને બેસતી. મને તેડીને ઊભેલા પિતાની આંખોમાં નીતરતો નેહ તસવીરની આરપાર થઈને મારા હૈયાને ભીંજવતો.

તેમના વિશે વધુ જાણવાની જિજ્ઞાસા થતી : ‘મા, આ તો બધી આ ઘરની, મારા જનમ પછીની જ તસવીરો છે... તમારાં મૅરેજના ફોટો નથી? પપ્પા વકીલ હતા. તેમની કાળો કોટ પહેરેલી તસવીર હોત તો! તેમના ચહેરા પર વિદ્વત્તા ઝળકે છે. આઇ ઍમ શ્યૉર, તે બહુ ઉમદા વકીલ હશે, સારું એવું કમાતા હશે.’

‘તે બહુ હોશિયાર હતા એ તો સાચું, પણ નાના શહેરમાં ઊંચી ફી આપનારા કેટલા!’

‘નાનું શહેર!’ હું હસી પડતો, ‘મા, મુંબઈ તને કયા ઍન્ગલથી નાનું લાગે છે!’

‘હેં!’ ચમકતી, ઝબકતી મા પણ હસી પડતી : ‘મારો મતલબ મુંબઈ જેવા શહેરમાં વકીલો પણ ઓછા છે! વકીલાત જામે એ પહેલાં તો...’

મા પિતાને સંભારીને ગળગળી થઈ જાય એટલે પછી હું પણ તેમની ચર્ચા બહુ ઉખેળતો નહીં.

‘તારા પપ્પાની પણ આ ફેવરિટ જગ્યા...’ અત્યારે, રસોઈઘરમાં પાર્ટિશનથી બનાવેલા ઘરમંદિરમાં પૂજા પતાવીને બહાર આવતી માના સાદે અકિન ઝબક્યો. માએ પણ પિતાને સંભાર્યા એ અકિનને બહુ હૂંફાળું લાગ્યું. દીકરાને પ્રસાદ ધરતાં સવિતાબહેને સંભારણાંને ઠેસી મારી, ‘વન BHKની આ નાનકડી જગ્યામાં પણ તેમણે આ સિંગલ સીટર હીંચકો ફિટ કરાવેલો : બે ખુરસી ઓછી હશે તો ચાલશે, પણ હીંચકો તો જોઈએ જ!’

‘હવે આ ભાડાના ઘરમાં વધુ રહેવું નહીં પડે મા...’ અકિને ઊભા થઈ માને હીંચકે બેસાડી, ‘અંધેરીનો ફ્લૅટ તૈયાર થઈ રહ્યો છે. છ-આઠ મહિનામાં પઝેશન મળી જવું જોઈએ.’

સવિતાબહેન ઘડીક દીકરાને નિહાળી રહ્યાં : ‘કેવો હોનહાર મારો દીકરો! સોહામણો તો એવો કે કેટલીયે છોકરીઓનાં હૈયાં ઘાયલ કરી ચૂક્યો હશે! ભણી-ગણીને ગોરેગામની કેમિકલ ફૅક્ટરીમાં નોકરીએ લાગ્યાનાં ચાર વર્ષમાં પોતાના પર્ફોર્મન્સના જોરે પ્રમોશન મેળવી HR મૅનેજરની પદવી શોભાવે છે, પગારધોરણ પણ સારું. બે વર્ષ અગાઉ અંધેરીમાં બનતી નવી સોસાયટીમાં ફ્લૅટ લખાવ્યો, ગયા વરસે મોટી કાર લીધી... હવે નવા ઘરે જઈએ એટલે વહુ લાવવી છે!’

વહુ.

પોરસાતાં-પોરસાતાં સવિતાબહેન વળતી પળે ઠોકર લાગી હોય એમ સહેમી ગયાં : રિશ્તો નક્કી કરતાં પહેલાં છોકરીવાળા ૭ પેઢીની કુંડળી કાઢતા હોય છે... મારે સાસરા-પિયરમાં કોઈ રહ્યું નહોતું એટલે અકિન સમક્ષ બધું સચવાઈ ગયું, પણ છોકરીવાળા વતન વિશે પૂછશે ને જાણી લાવશે કે ભલે પૈસો ઝાઝો નહોતો, પણ વલસાડમાં મહેતાપરિવારની શાખ સોનાની ખાણ સરખી ખણખણતી હતી, હવેલી જેવું બાપદાદાના જમાનાનું મકાન હતું... એકાએક બધું વેચી-સાટીને રાતોરાત વર-બૈરી તેમના ૪ મહિનાના દીકરા જોડે અજાણી વાટે નીકળી ગયાં – એથી વિશેષ કોઈ કંઈ જાણતું નથી. તમે જ કહો સવિતાબહેન, એવું તે શું બન્યું કે...

‘નહીં... નહીં!’ જાણે ખરેખર કોઈ કન્યાનાં માવતર પૂછતાં હોય એમ હચમચી ઊઠ્યાં સવિતાબહેન. અકિન ચમક્યો : ‘શું થયું મા?’

‘શું થયું!’ સવિતાબહેને આમતેમ નજર દોડાવતાં જવાબ સૂઝી આવ્યો, ‘જોને ઘડિયાળમાં સવાઆઠ થવા આવ્યા... હજી તારું ટિફિન બાકી છે...’

બબડતાં તે રસોઈઘરમાં પુરાઈ ગયાં. બે-ચાર ઊંડા શ્વાસ લઈને સ્વસ્થતા કેળવી : નહીં, દીકરાને પરણાવતી વેળા બાપનો ભૂતકાળ તો ઊખળવાનો – જે હજી સુધી મેં અકિનને કહ્યો નથી...

ભૂતકાળ. કેટલાંય દૃશ્યો ચલચિત્રની જેમ સરકી ગયાં અને એક ઠેકાણે ફ્રેમ ફ્રીઝ થઈ:

હૉસ્પિટલના બિછાને દામોદર મારો હાથ પકડીને કહી રહ્યા છે : ‘હું જિંદગીની પરીક્ષામાં નાપાસ થયો સવિતા... વડવાઓનું ઘર છોડીને રાતોરાત નીકળી આવવું પડ્યું. મહેતાકુટુંબનો વારસ ભાડાના ઘરમાં ઊછરે – અરેરેરે! હું હારી ગયો સવિતા, પણ તારે હારવાનું નથી અને આપણો અકિન ક્યારેય હારે નહીં એવો નક્કર તેને બનાવજે.’

તેમનો શ્વાસ તૂટતો હતો. હું તેમને વિનવું છું : ‘સૌ સારાંવાનાં થશે. તમે બોલો નહીં...’

‘હવે એક જ વાત રહે છે સવિતા...’ મારો હાથ હાથમાં લઈને દામોદર કહે છે : ‘બીજા ભલે મને ફૂડ-પૉઇઝનિંગ થયાનું સમજે, ખરેખર તો મેં ઝે...ર...’

દામોદરની ડોક ઢળી જાય છે. હેબતાયેલી હું તેમને ફાટી આંખે નિહાળી રહું છું.

કુકરની સીટીએ સવિતાબહેન ઝબકી ગયાં, દૃશ્ય વીખરાઈ ગયું. બધાએ દામોદરના મોતને આકસ્મિક માન્યું. પિતાના આપઘાતનું સત્ય અકિન જીરવી નહીં શકે એમ માનીને આજ સુધી એના પર પડદો પાડી રાખ્યો હતો. અકિન વેરના રસ્તે વળી જાય એની પણ ધાસ્તી હતી. જોકે હવે થાય છે કે અકિનને ગત કથા કહ્યા વિના જીવનધારામાં આગળ નહીં વધાય. અકિન પરિપક્વ છે, તેની સમજશક્તિ પર વિશ્વાસ મૂકીને વખત જોઈને સઘળાં સત્યો કહી જ દેવાં ઘટે!

પછી હું મારી વહુને નિરાંતવા જીવે પોંખીશ!

સવિતાબહેન પોરસાયાં.

– ત્યારે બહાર અકિન જુદા જ થનગનાટમાં હતો.

આજે જુગલનો ઘાટ ઘડાઈ જવાનો! પોતે એટલી કુશળતાથી પાસો ફેંક્યો છે કે શિકારી પોતે જ શિકાર થઈ જવાનો!

‘એટલે તમારું વધુ એક પ્રમોશન પાકું...’ અકાઉન્ટન્ટ દાસાણીના શબ્દો પડઘાતાં અકિન મલકી પડ્યો.

MBA થઈને પોતે ગોરેગામની સલોની ફાર્મસ્યુટિકલ્સના રિક્રૂટમેન્ટ સેક્શનથી શરૂઆત કરીને બહુ જલદી હરણફાળ ભરતો મૅનેજરની પોસ્ટ સુધી પહોંચ્યો એની પાછળ પોતાનું સ્માર્ટ વર્ક રહેલું છે. ના, કોઈની ખુશામતખોરી આપણાથી થાય નહીં, પણ કંપનીએ આપેલા ટાર્ગેટ્સને વધુ બહેતરપણે ડિલિવર કરવામાં અકિનની હથોટી હતી. પોતાના વિષયમાં તો તે સતત અપડેટ રહેતો જ, સાથે કંપનીના અન્ય વિભાગોમાં પણ શું ચાલી રહ્યું છે એ જાણવા-સમજવા મથતો. લીડરશિપનો ગુણ તો સ્વભાવગત હતો જ. મલ્ટિ-ટાસ્કિંગમાં તે પાવરધો થતો ગયો. ધીરે-ધીરે ૫૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીના ટૉપ મૅનેજમેન્ટમાં શાખ બંધાતી ગઈ : પ્રૉબ્લેમ સ્ટેટમેન્ટ મહેતાને આપો, તે જરૂર કોઈ સૉલ્યુશન ખોળી આપવાનો!

પડકાર ઝીલવાની અકિનને પણ મજા આવતી અને હવે તો એવું પણ બનવા માંડ્યું કે કંપનીની અગત્યની બિઝનેસ મીટિંગ્સમાં તેને ઇન્વિટેશન મળતું. કંપનીના સર્વેસર્વા પ્રૌઢ વયના નિનાદ ગોર તેનો અભિપ્રાય પણ પૂછતા... એટલે પણ અકિનને સજ્જ રહેવાની ચાનક ચડતી.

‘સર તો બસ આખો દિવસ કામ જ કામ કર્યા કરે છે...’ સ્ટાફની છોકરીઓ પીઠ પાછળ બબડતી.

તેમનું પોતાના માટેનું આકર્ષણ અકિનને કૉલેજકાળથી પરખાતું. પોતે ભારોભાર હૅન્ડસમ હોવાની ગવાહી અરીસો પૂરતો. શરીરની જાળવણી તેને ગમતી પણ ખરી. વયસહજ અરમાનો તેને પણ ક્યાં નહોતાં? કોઈ એકના થઈ જવાની ચાહના ઊમટતી, પણ હૈયે વસાવવાનું મન થાય એવી કોઈ મૂરત મળી નહીં... એટલે નસીબમાં લવમૅરેજને બદલે મૅરેજ પછી લવની જર્ની લખાઈ હશે!

– અને તેનો સેલફોન રણક્યો.

‘નિનાદસર.’

સ્ક્રીન પર ઝબૂકતું નામ જોઈને તે અદબમાં આવી ગયો, ‘ગુડ મૉર્નિંગ સર!’

કંપનીના સર્વેસર્વા મૅનેજરને સવાર-સવારમાં યાદ કરે એ પ્રિવિલેજ જ ગણાય.

‘આઇ હૉપ અકિન તમે ઑપરેશન જુગલની તૈયારી પૂરેપૂરી કરી જ હશે, પણ તેના પ્રત્યાઘાત વિશે જરા ફરી એક વાર વિચારી જોજો. કંપનીની ઇમેજ ખરડાવી ન જોઈએ અને તમને પણ કોઈ નુકસાન થવું ન જોઈએ.’

‘નોટેડ સર.’ અકિને રણકો ઊપસાવ્યો : આજે તે કહેવાતા RTI ઍક્ટિવિસ્ટની બાજી સમેટાઈ જવાની!

પોતાની બાજી ખરેખર તો ભૂતકાળના છેડા જોડવાની છે એની અકિનને ત્યારે ક્યાં ખબર હતી?

 

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff