રેઇન્બો ડાયમન્ડ્સ સતરંગી રોમૅન્સ, અતરંગી સસ્પેન્સ (પ્રકરણ-૪)

15 May, 2025 07:24 AM IST  |  Mumbai | Lalit Lad

મિકી ધીમા અવાજે બોલ્યો; બૉસ, લડકી મેરે પાસ હૈ ઔર લડકી કે પાસ રેઇન્બો ડાયમન્ડ્સ હૈ

ઇલસ્ટ્રેશન

મિકી અને સોનિયા બન્નેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ હતી...

ખેંચાખેંચમાં સોનિયા માયર્સની જે ગોલ્ડન પેનના સ્પેરપાર્ટ્સ ફર્શ પર પડ્યા એમાંથી શાહીને બદલે સાત ચમકતા હીરા નીકળીને રગડી રહ્યા હતા.

‘વાઓ!’ સોનિયાના મોંમાંથી ઉદ્ગાર નીકળી ગયો.

‘જોયું?’ મિકી સિરિયસ હતો. ‘હવે સમજાયું?’

‘શું?’

‘તારા હોટેલ રૂમના સામાનની ચીરફાડ આના માટે થઈ રહી હતી. તારી હોટેલમાં જેના કપાળમાં ગોળી મારવામાં આવી એ વેઇટર પણ કદાચ આ મામલામાં સંડોવાયેલો હશે. હવે આ સાત ડાયમન્ડ્સ પાછળ માત્ર નકલી નહીં, અસલી પોલીસ પણ પડી ગઈ હશે.’

 ‘એવું તે શું છે આ ડાયમન્ડ્સમાં?’

‘બતાવું.’’ મિકીએ ફર્શ પરથી કાળજીથી સાતે સાત હીરા ઉપાડીને પોતાની હથેળીમાં મૂક્યા. પછી એમાંથી એક હીરો ઝુમ્મરના પ્રકાશ સામે ધરીને સોનિયાને બતાડ્યો :

‘જો, આ ડાયમન્ડમાં તને ઝાંખા યલો કલરની ઝાંય દેખાય છે?’

‘અફકોર્સ, દેખાય છે!’ સોનિયાને નવાઈ લાગી, ‘બટ હાઉ ઇઝ ઇટ પૉસિબલ? ડાયમન્ડ્સ આર સપોઝ્ડ ટુ બી કલરલેસ.’

‘એક્ઝૅક્ટ્લી.’ મિકીએ કહ્યું, ‘હવે આ બીજો ડાયમન્ડ જો. એમાં બ્લુ કલરની ઝાંય છે? અને આ ત્રીજો જો, ઇટ હૅઝ અ સ્પેશ્યલ રેડ ગ્લો.’

‘વાઓ!’ સોનિયા ચકિત થઈ ગઈ. વારાફરતી તેણે સાતેસાત ડાયમન્ડ ઉપાડીને જોયા. દરેકમાં કોઈ ને કોઈ રંગની ઝાંય દેખાઈ હતી.

‘રેઇન્બો...’ મિકીએ સાતેસાત ડાયમન્ડ્સ સોનિયાની હથેળીમાં આપ્યા. ‘ધે આર ધ મોસ્ટ રેર... રેઇન્બો ડાયમન્ડ્સ! તેં કદાચ ન્યુઝપેપરમાં વાંચ્યું હશે. થોડા દિવસ પહેલાં નેપાલમાં બિઝનેસ કરવા ગયેલા એક ઈરાની ઍન્ટિક ડીલરનું ભેદી રીતે મર્ડર થયું હતું. કહેવાય છે કે આ રેઇન્બો ડાયમન્ડ્સ માટે જ તેનું ખૂન થયું હતું. સોનિયા, ડૂ યુ હૅવ ઍની આઇડિયા કે આની કિંમત શું હશે?’

‘લાખ રૂપિયા, દસ લાખ રૂપિયા?’

‘ચણામમરાનો ભાવ ન બોલ.’ મિકી હસ્યો. ‘દરેકેદરેક ડાયમન્ડની કિંમત ૧૦-૧૦ કરોડથી ઓછી નથી!’

સોનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. ૭૦ કરોડની કિંમતના રેઇન્બો ડાયમન્ડ્સ ખરેખર તેની મુઠ્ઠીમાં હતા?

‘સોનિયા, યૉર લાઇફ ઇઝ ઇન બિગ ડેન્જર... અત્યાર સુધીમાં તો બધાને ખબર પડી ગઈ હશે કે કાળાં ગૉગલ્સવાળી એક ફૉરેનર યુવતી વાંકડિયા વાળવાળા એક ફૉરેનર છોકરા સાથે મિની રાજદૂત પર ભાગી છે. સોનિયા, ધિસ ઇઝ બૉમ્બે... અહીંના અન્ડરવર્લ્ડમાં કોઈ પણ વાત છૂપી રહી શકતી નથી. કંઈકેટલાય લોકો તને શોધવા નીકળી પડ્યા હશે.’

‘માય ગૉડ!’’ સોનિયા ગભરાઈ ગઈ. ‘તો હું શું કરું?’

‘એક વાત સમજી લે સોનિયા! આ રેઇન્બો ડાયમન્ડ્સ તારી ગોલ્ડન પેનમાં છે એ વાતની હજી કોઈને ખબર નથી. તું એ પેન ક્યાંક છુપાવી દે.’

‘પણ ક્યાં?’

‘કોઈ એવી જગ્યા ૫૨...’ મિકીએ નટખટ સ્મિત કર્યું. ‘જ્યાં મહિલા પોલીસ પણ તારી ઝડતી ન લઈ શકે!’

‘શટ અપ.’

‘આઇ ઍમ સિરિયસ સોનિયા! તું હમણાં જ બાથરૂમમાં જા અને હીરા છુપાવી દે.’

મિકીએ જીદ કરીને તેને બાથરૂમમાં ધકેલી દીધી. અંદરથી બારણું બંધ કર્યા પછી સોનિયા વિચારમાં પડી ગઈ. ક્યાં છુપાવું હીરા? હૉટ પૅન્ટ્સના ચોર ખિસ્સામાં? નિકરમાં? વૉટ નૉન્સેન્સ! તો પછી ક્યાં?

એના કરતાં તો પેન જ સેફ કહેવાય. હજી ક્યાં કોઈને ખબર છે કે ડાયમન્ડ્સ પેનમાં છે? પણ હા, ભાગદોડમાં પેન ક્યાંક પડી ગઈ તો?

આખરે તેને પર્ફેક્ટ વિચાર આવ્યો. તેણે પેનમાં ડાયમન્ડ્સ સરકાવીને એ પેન બ્રાની અંદ૨ આડી રહે એમ વક્ષઃસ્થળની નીચે ગોઠવી દીધી. વ્યવસ્થિત રીતે પેન ગોઠવી લીધા પછી સોનિયાએ બ્લાઉઝ-કમ-શર્ટ પાછું પહેરી લીધું. શરીરનું હલનચલન કરીને, ઊછળીને, વાંકા વળીને તેણે ખાતરી કરી લીધી કે પેન પડી જાય એવી કોઈ શક્યતા નહોતી.

સોનિયા જ્યારે બાથરૂમનો દરવાજો ખોલીને બહાર આવી ત્યારે મિકી પોતાની શોલ્ડ૨ બૅગમાં પોતાનાં કપડાં ભરી રહ્યો હતો.

‘સોનિયા, વી હૅવ ટુ રન.’’

‘બટ વાય?’

મિકીએ એક નાની બારી અડધી ખોલી. સોનિયાએ જોયું તો બંગલાના બગીચામાં બે કાળા ઊંચા આકાર ખાંખાંખોળા કરતા દેખાયા. બન્નેના હાથમાં ગન હતી.

‘હવે?’ સોનિયા જરા ગભરાઈ.

‘હવે નૌ દો ગ્યારહ...’ મિકીએ સોનિયાનો હાથ પકડતાં પૂછ્યું, ‘મૅડમ, આટલા અંધારામાં ગૉગલ્સ સાથે તમને દેખાશે નહીં. વળી ગૉગલ્સ તો તમે ઉતારવાનાં નથી એટલે મારો હાથ જરા વધારે રોમૅન્ટિકલી પકડી રાખો, ઓકે?’

‘શટ અપ!’

બન્ને દબાતે પગલે લોખંડની ગોળાકાર સીડી પરથી નીચે ઊતર્યાં. મિકીએ મિની રાજદૂતને સ્ટાર્ટ કર્યા વિના ઠેલવાનું શરૂ કર્યું. એ લોકો કમ્પાઉન્ડના પાછળના દરવાજા તરફ જઈ રહ્યાં હતાં.

પાછલો ઝાંપો અધખુલ્લો હતો. મિકીએ એમાંથી મિની રાજદૂત બહાર કાઢી. સોનિયાને પાછલી સીટ પર બેસવાનો ઇશારો કર્યો. અહીં એકદમ પાતળી, લીસા પથ્થરો વડે મઢેલી લાંબી ગલી હતી. મિકીએ મિની રાજદૂતને હજી પણ સ્ટાર્ટ ન કરી. બલકે પગ વડે ધકેલીને ગલીમાં વહેવા દીધી. ગલીમાં ખાસ્સો ઢાળ હતો. મિની રાજદૂત ચૂપચાપ રગડવા લાગી.

‘આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?’ સોનિયાએ પૂછ્યું.

‘આ કોલાબાની ચરસી ગલી છે! અહીં ધોળા દિવસે પોલીસવાળા પણ ચરસ પીવા આવે છે. સોનિયા, કોલાબાનો આખો વિસ્તાર ટેકરીવાળો છે. જો મારી બૉબી બાઇકનું ઑઇલિંગ સારું હશે તો ઢાળ પરથી રગડતાં-રગડતાં આપણે ખાસ્સા દૂર ભાગી શકીશું.’

‘પણ તેં આ તારી ગિટાર શા માટે સાથે
લીધી છે?’

‘કારણ કે મારી પાસે બીજું કોઈ હથિયાર નહોતું.’ 

lll

કોલાબાની સડકો ૫૨ મધરાતના અંધકારમાં મિકીની ખખડધજ મિની રાજદૂત જઈ રહી હતી. ઢાળવાળા રસ્તા પૂરા થઈ ગયા હતા એટલે ફટફટિયા જેવું ફાયરિંગ કરતી મિની રાજદૂતનું મશીન ચાલુ કર્યા સિવાય મિકીને છૂટકો નહોતો.

અચાનક બાજુમાંથી એક રૉયલ એન્ફીલ્ડ બાઇક ફુલ સ્પીડમાં તેની બાજુમાંથી પસાર થઈ ગઈ. એન્ફીલ્ડની ધણધણાટીમાં મિકીને સ્પષ્ટ સંભાળાયું :

‘ઉસ્તાદ! યે લોગ વહી હૈ!’

રૉયલ એન્ફીલ્ડ જેટલી ઝડપથી આગળ નીકળી ગઈ એટલી જ ઝડપથી બ્રેક મારીને યુ ટર્ન મારી ઊભી રહી. મિકી સમજી ગયો. તેણે તેની ગિટાર ખભા પરથી ઉતારીને ડાબા હાથમાં પકડી લીધી. જમણા હાથે ઍક્સીલરેટર ઘુમાવીને તેણે મિની રાજદૂતને એન્ફીલ્ડની સામી છાતીએ ટક્કર લેવા માટે ભગાવી. એન્ફીલ્ડવાળાએ પણ ઘુઘવાટા બોલાવીને બાઇકને ઘોડાના આગલા પગની જેમ ઊંચી કરી ધમધમાવી.

માત્ર દસ જ સેકન્ડ પછી એન્ફીલ્ડ અને મિની સામસામાં અથડાવાની અણી પર હતાં ત્યાં જ સિફતથી મિકીએ તેની મિનીને ત્રાંસી કરીને પોતાની ગિટાર વડે એન્ફીલ્ડવાળાના ચહેરા પર પ્રહાર કર્યો. એન્ફીલ્ડનું બૅલૅન્સ ગયું. રોડના ડિવાઇડર સાથે અથડાઈને એ હવામાં ફંગોળાઈ. એની પર બેઠેલા બન્ને જણ ઊંધે માથે ફુટપાથના પથ્થરો પર પછડાયા.

‘વાઓ!’ સોનિયાએ કહ્યું, ‘આઇ ઍમ ઇમ્પ્રેસ્ડ.’

‘મારી ફેવરિટ ગિટાર હતી. પૂરા ૩૦૦૦ ડૉલરની.’ મિકી બબડ્યો, ‘અને હવે તો મારી પાસે ગિટાર પણ નથી...’

lll

પણ હવે તેમની પાછળ ત્રણ-ત્રણ વાહનો પડ્યાં હતાં. એક જીપ, એક ભયંકર અવાજ કરતી ઍમ્બૅસૅડર કાર અને એક લૅમ્બ્રેટા સ્કૂટર...

મિકી આ કોલાબાની ઢાળવાળી વાંકીચૂકી ગલીઓ બરાબર ઓળખતો હતો તેથી પકડદાવ અને સંતાકૂકડી એ બન્ને રમત એકસાથે ચાલી રહી હતી.

મિકી ચાલાકી વાપરીને થોડી-થોડી વારે તેની મિની રાજદૂતનું એન્જિન બંધ કરી દેતો હતો. એવી શાંત પળોનો લાભ લઈને મિકી કોલાબાની વાંકીચૂકી પાતળી ગલીઓમાં ઘૂસી જતો હતો. પણ તે હવે કંટાળ્યો.

‘આ સંતાકૂકડી હવે વધારે નહીં ચાલે...’ મિકીએ તેની બૉબી બાઇક એક સૂમસામ બંગલામાં સંતાડતાં સોનિયાને કહ્યું, ‘આપણે ચારે બાજુથી ઘેરાઈ જઈએ એ પહેલાં કંઈક કરવું પડશે.’

પાંચેક મિનિટમાં મિકી એક ફિયાટ ટૅક્સી લઈને પાછો આવ્યો! પાછલો દરવાજો ખોલીને તેણે સોનિયાને કહ્યું, ‘પાછળ બેસી જા જેથી તું પૅસેન્જર લાગે. એ ડફોળો મિની રાજદૂત પર બેસીને ભાગતા બે ફૉરેનર્સને શોધી રહ્યા છે. તેમને ટૅક્સીમાં જતી એક ફૉરેનર અને એક ટૅક્સીવાળો કદી નહીં દેખાય.’

સોનિયાએ જોયું કે મિકીએ ટૅક્સીવાળાનું ખાખી શર્ટ પણ પહેરી લીધું હતું. મિકીએ કહ્યું, ‘મારા એક દોસ્તની ટૅક્સી છે. તે હંમેશાં ટૅક્સીને જ ઘર બનાવીને રહે છે. આજે મારે તેનું ઘર ખાલી કરાવવું પડ્યું.’

lll

બીજી વીસેક મિનિટની ડ્રાઇવ પછી મિકીએ ટૅક્સી ઊભી રાખી. ‘ઓકે. નાઓ યુ કૅન ગેટ રિલૅક્સ. આપણે બૉમ્બેના સૌથી ખુશનુમા સ્પૉટ પર પહોંચી ગયાં છીએ.’

સોનિયાએ જોયું તો ગાઢ અંધકારમાં દૂર-દૂર દરિયો ઉછાળા મારી રહ્યો હતો. આસપાસ ખુલ્લું મેદાન હતું. પાછળની બાજુ દૂર-દૂર થોડાં ઊંચાં હાઇરાઇઝ બિલ્ડિંગ્સ હતાં.

‘આપણે ક્યાં છીએ?’’

‘આ બૅકબે રેક્લેમેશન એરિયા કહેવાય છે. પાછળ દૂર પેલું ઑબેરૉય ટાવર્સ છે. અહીં આજુબાજુ નવા ટાવર્સ ઊભા થવાના છે. બૉમ્બેની આ સૌથી ખુશનુમા જગા છે.’

મિકીએ ટૅક્સીના ચારેચાર દરવાજા ખોલી નાખ્યા. સમુદ્ર પરથી આવતો ઠંડો પવન ટૅક્સીમાં સુસવાટાભેર ફરી વળ્યો.

‘વાઓ! ઇટ્સ અ વન્ડરફુલ લોન્લી પ્લેસ...’ સોનિયા બોલી ઊઠી.

‘યસ અને આ જ વન્ડરફુલ લોન્લી પ્લેસમાં આપણે આજની રાત ગુજારવાની છે. તું જરા ટૅક્સીની બહાર આવે તો હું આપણો બેડરૂમ રેડી કરી દઉં.’

‘બેડરૂમ? અહીં?’ સોનિયા ચોંકી.

‘મેં તને નહોતું કહ્યું, મારો ફ્રેન્ડ ટૅક્સીને જ ઘર બનાવીને રહે છે? આ જો, સીટની નીચે ચાદરો છે, ઓશીકાં છે. અને આગલી સીટને આ રીતે પાડી દઈએ તો...’’ મિકીએ સીટ નીચેની એક ઠેસી ખસેડતાં જ એ સરસ રીતે ફોલ્ડ થઈને પાછલી સીટના લેવલમાં ગોઠવાઈ ગઈ.

‘‘વાઓ! ધૅટ્સ...’

‘ધૅટ્સ વેરી રોમૅન્ટિક!’ મિકીએ ચાદરો પાથરવા માંડી, ‘આજની રાત તો તારે મારી સાથે જ સૂવું પડશે. વેધર યુ લવ મી ઓર નૉટ...’

lll

માત્ર અડધા જ કલાકમાં સોનિયાને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી. ઊંઘમાં સરી જતાં પહેલાં તેને વિચાર આવી ગયો હતો કે... કેવો દિવસ હતો આ! સાંજે પરેલ વિસ્તારમાં તેનો સામૂહિક બળાત્કાર થતાં રહી ગયો હતો, રાત્રે તેના રૂમના વૉર્ડરોબમાંથી એક કાળા માણસની લાશ ગબડીને તેના શરીર પર પડી હતી. પછી નકલી પોલીસ આવી. મિકી આવ્યો, બન્ને ભાગ્યાં... અને તેની પોતાની જ પેનમાંથી ૭૦ કરોડ રૂપિયાના ડાયમન્ડ્સ નીકળ્યા... વૉટ અ ડે!

lll

ઘસઘસાટ ઊંઘતી સોનિયાનું માથું પોતાની છાતી પરથી ખસેડતાં મિકી જાગ્યો. અત્યારે રાતના સાડાત્રણ વાગ્યા હતા. સોનિયાએ ઊંઘમાં પણ ગૉગલ્સ પહેરી રાખ્યાં હતાં. ટૅક્સીમાંથી નીકળીને મિકી ચાલતો-ચાલતો એક બિલ્ડિંગના ભોંયતળિયે આવેલી ૨૪ કલાક ખુલ્લી રહેતી દવાની દુકાને પહોંચ્યો. અહીં દુકાનની દીવાલ પર એક પબ્લિક ફોનનું ડબલું લટકતું હતું.

એક રૂપિયાનો સિક્કો નાખીને મિકીએ એક નંબર ડાયલ કર્યો. સામેથી ‘હલો` સંભળાતાં મિકી ધીમા અવાજે બોલ્યો, ‘બૉસ, લડકી મેરે પાસ હૈ ઔર લડકી કે પાસ રેઇન્બો ડાયમન્ડ્સ હૈ...’

(ક્રમશઃ)

columnists gujarati mid-day exclusive