22 May, 2025 07:39 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
હિઝ હાઇનેસ ભવાનીસિંહ સાથે હવામહેલમાં ડગ માંડતી તર્જનીમાં સ્લીપિંગ પ્રિન્સને જોવાની ઉત્કંઠા સળવળતી હતી.
લંચ સુધીમાં તો તર્જની રાજમહેલમાં ઘરની વ્યક્તિની જેમ ભળી ગઈ હતી. ગુરુની આ ઊઘડતી સાંજે રાજમાતા વામકુક્ષી માણી રહ્યાં હતાં. કુંવરને જોવાનું કુતૂહલ તો હતું જ. પોતાને લૉબીમાં ટહેલતી જોઈ હાઇનેસે સામેથી ઇજન આપ્યું. પછી ઇનકાર કેમ હોય?
‘અજય મારો બહુ ડાહ્યો. તેને કોઈ માટે દ્વેષવેર નહીં...’ મહારાજ કહેતા રહ્યા.
પિતાને દીકરાનો અનુરાગ હોય. સાવકી માતા સુલોચનાદેવી અજયની હાલતે સગીમાની જેમ ભાંગી ભલે ન પડ્યાં, તેની કાળજીમાં ચૂકતાં નથી. રાજકુમારી સાથે ઝાઝો સમય ગાળવાનું નથી બન્યું, પણ ભાઈની હાલત પ્રત્યે તેની નિર્લેપતા દેખીતી હતી. એમ તો રાજકુંવરના ગુણ વિશે તર્જનીને શંકા નહોતી. આવ્યાના થોડા કલાકોમાં તેણે મહેલના નોકરવર્ગમાં પ્રિન્સ માટે પ્રવર્તતી લાગણી નોંધી હતી. કોઈ ઘરડી દાસીએ કુંવર સાજા થઈ જાય એ માટે માનતા માની છે, અરે, સાઇસના બાર વર્ષના બાળકે મુંડન કરાવ્યું છે. અને એ સ્વયંભૂ છે, કુંવર માટે તેમને એટલું દાઝે એ જ રાજકુમારના ગુણિયલ સ્વભાવની ગવાહી પૂરે છે.
‘મારે તો તેનાં લગ્ન લેવાં હતાં. કુળવાન કોઈ રાજકુમારી સાથે મારા કુંવરનું ભવભવનું ભાથું બાંધવું હતું, પણ..’ તેમણે ડોક ધુણાવી ધગધગતો નિશ્વાસ નાખ્યો.
તર્જનીએ આંખોથી સહાનુભૂતિ પાઠવી. લિફ્ટમાં પહેલા માળે પહોંચી બેઉ કુમારના કક્ષમાં પ્રવેશ્યાં. ડ્યુટી પરની નર્સ અલર્ટ થઈ ગઈ.
સ્લીપિંગ પ્રિન્સ!
રજવાડી ખંડની મધ્યમાં કિંગ સાઇઝ બેડ પર તે પોઢી રહ્યો હતો. ગોરો વાન, નકશીદાર મુખ, શ્વેત વસ્ત્રોમાં તેના સોહામણાપણાની કાન્તિ વધુ દીપી ઊઠી છે. સૂતો તો એવો છે જાણે હમણાં જાગી જશે!
‘ન્યુટ્રિઅન્ટ્સ સિવાય કોઈ મેડિસિન તેણે લેવાની નથી હોતી. નળી દ્વારા ખોરાક અપાય છે. ફૉર્ચ્યુનેટલી તેનાં તમામ વાઇટલ ઑર્ગન્સ બરાબર કામ કરે છે. ફિઝિયોથેરપિસ્ટ કસરત કરાવી જાય છે, ડૉક્ટર-નર્સિંગ સ્ટાફ ખડે પગે છે. મંદિરમાં હવન-દાન-ધરમ ચાલુ જ છે. મારો દીકરો બેહોશીમાંથી બહાર આવી જાય, બદલામાં ઈશ્વર જોઈએ તો મારા પ્રાણ લઈ લે.’
રડતા પિતૃહૃદયને કયા શબ્દોમાં આશ્વસ્ત કરવું? બાથરૂમમાં લપસી જતા માણસને માથાના પાછલા ભાગમાં ઈજા થાય ને તે કોમામાં જતો રહે એ સાવ સંભવ છે, પણ એવું રાજાના કુંવર સાથે બને ત્યારે અમીર-ગરીબનો ભેદ રહેતો નથી.
‘તેં મહેલમાં મધુનું એકેય પોર્ટ્રેટ જોયું? સમજમાં આવ્યા પછી અજયે જ સ્ટોરરૂમમાં મુકાવી દીધેલાં. પોતે બીજી વારની પત્ની છે કે સાવકી મા છે એનું સુલોચનામાને હૅમરિંગ ન થાય એ માટે પોતાની જનેતાની છબીને હટાવનારનું સમર્પણ તું જ કહે, કઈ કક્ષાનું ગણાય? બહેન માટે પણ એવો જ ભાવ. અરે, બહેન શું, નોકરવર્ગનેય લાડ લડાવે એવો મારો રાજકુંવર જોને કેટલા મહિનાથી આમ પડ્યો છે!’
વળી તેમનો કંઠ ભીનો બન્યો, ‘સપનામાંય કોઈનું બૂરું ઇચ્છી ન શકે એવો મારો કુંવર કાયમ ખુશમિજાજ રહેતો હોય. તેનો કોઈ અંગત મિત્ર નહીં, પણ તે સૌના મિત્ર જેવો. કુદરતનો ખોળો ખૂંદવાનો તેને શોખ.’
ગળું ખંખેરી મહારાજે નર્સને ઇશારાથી બહાર રવાના કરી તર્જનીને કહ્યું, ‘તારાથી શું છુપાવવું તર્જની! ભાઈ-બહેનમાં આ જ પાયાનો ફરક છે. બહેન માગે તો ભાઈ રાજપાટ ધરી દે એવો ને બહેન...’
હળવો નિશ્વાસ નખાઈ ગયો ભવાનીસિંહથી, ‘શુભાંગી પહેલેથી ખબરદાર, રુઆબદાર. અજય કોમામા જતાં તેણે રાજકાજ સંભાળી લીધું. પિતા તરીકે મને એનો આનંદ છે જ અને રાજમાતા ભલે કહે, અજય હોશમાં આવતા સુધીમાં શુભાંગી પોતાનો સિક્કો જમાવી ભાઈને હાંસિયામાં ધકેલી દે તો મને નવાઈ નહીં લાગે.’
ફરી એ જ ધાસ્તી. ના, આમાં પત્નીના સંસ્કારસિંચનની ફરિયાદ નથી, દીકરી કરતાં દીકરો વધુ વહાલો હોવાનો દાવો પણ નથી. રૂપના અભાવને કારણે કદાચ શુભાંગીનો ઢાંચો જ એવો છે કે મહારાજથી પોતાના જ અંશની નીયતનો ફડકો છતો થઈ જાય છે. અને એટલે જ વસિયતના રસ્તે તેમને કોમામાં ગયેલા દીકરાનું ભવિષ્ય સુરક્ષિત કરી રાખવું છે.
‘અજયે કોઈનું કંઈ બગાડ્યું નથી તોય જાણે કયા પાપની સજા ભોગવી રહ્યો છે?’
તર્જનીએ તેમને પાણી ધર્યું. હાઇનેસ સ્વસ્થ થયા. રણકો બદલ્યો,
‘ચાલ, તને અમારો મહેલ દેખાડું.’
નર્સને તેડાવી મહારાજ ઉત્સાહભેર તર્જનીને હવામહેલના મુખ્ય કક્ષ દેખાડી છેવટે બેઉ પાંચમા માળની ટેરેસ પર આવ્યાં. અહીંથી એકરોમાં ફેલાયેલું પૅલેસ કૉમ્પ્લેક્સ રળિયામણું લાગતું હતું. સનસન પવન વિંઝાતો હતો. તળેટીમાં વસેલું ગામ, કિલ્લાની દીવાલ, ગાઢ વનરાજી અને દૂર ચાર-છ ડુંગરાની હારમાળા.
‘તને એક રાઝની વાત કરું તર્જની?’
મહારાજે આજુબાજુ જોયું. અવાજ ધીમો કર્યો. તર્જનીની આંખો ઝીણી થઈ.
‘બાજુના મુખ્ય પૅલેસમાં અજયનો કક્ષ છેને... ત્યાંથી એક ગુપ્ત ભોંયરું દુર્લભગઢની સીમા પાર દૂર હરિયા ગામના પેલા ડુંગરની મધ્યમાં ખૂલે છે.’
હરિયા ગામ. તર્જનીને ટિકટિક થઈ. આ ગામનું નામ તો હમણાં જ ક્યાંક સાંભળ્યું છે...
‘મહેલમાં તો આવી ઘણી ભૂલભૂલામણીઓ છે...’ હાઇનેસ પોતાની ધૂનમાં બોલી ગયા. રોમાંચ દાખવતી તર્જનીના દિમાગમાં ગણતરી ચાલુ હતી : હરિયા ગામ.... અહા... ધૅટ ગુમશુદા સિયા!
છ મહિનાથી હરિયા ગામની રબારણ સિયા ગુમ છે એ જ તારીખથી અહીં પ્રિન્સ કોમામાં છે અને ધુળિયા ગામમાં રાઘવ નામની કોઈ વ્યક્તિ જ નથી!
આ ત્રણ ઘટના વચ્ચે કોઈ એકસૂત્રતા સંભવ ખરી?
તર્જનીના ચિત્તમાં ફટાફટ શક્યતાઓનાં સરવાળા-બાદબાકી થવા લાગ્યાં.
lll
રા..ઘ..વ... અસ્ફુટ સ્વરે પિયુનું સ્મરણ કરતી સિયાની આંખો વરસી પડી.
ત્યાં કોઈનો પગરવ સંભળાતાં તેણે ઝડપથી આંસુ લૂછ્યાં. ના, આગંતુક કોણ હશે એની ઉત્સુકતા હવે નથી રહી. છ મહિનાથી પોતે ભોંયરા જેવી આ કોટડીમાં કેદ છે. અલબત્ત, અહીં મૂળભૂત સગવડો છે. પીળી બત્તીનું આછું અજવાળું, જાણે કોઈ હવાબારીમાંથી આવતી હવા, લોખંડના દરવાજાની નીચેની ફાટમાંથી ફંગોળાતું એક ટંકનું ભોજન, પ્રાત:ક્રિયા માટે ચોખ્ખી ઓરડી... છ-છ મહિનાથી આવો જેલવાસ. શા માટે? મારો ગુનો શું?
હમણાં જે આગંતુક આવશે તેને કેટલી વાર પોતે પૂછી ચૂકી હશે? જવાબમાં તે દરવાજાની બીજી બાજુથી કેવળ અટ્ટહાસ્ય વેરે છે. તેનો ચહેરો હું જોઈ શકતી નથી, દરવાજાની ડોકાબારીનું સ્લાઇડિંગ સરકાવે એમાં કેવળ તેની તગતગતી આંખો દેખાય છે. ક્યારેક તે સૂસવાટભર્યા સ્વરે કહે છે: સિયા, આ જનમમાં તું સૂરજનું અજવાળું જોવાની નથી. તારે પાડવી હોય એટલી ચીસો પાડ, ગાવાં હોય એટલાં ગીતડાં ગા, તારો અંતિમ શ્વાસ અહીં જ છૂટવાનો છે.’
‘આટલું વેર! ભલે. મને ઉજાસ નથી જોઈતો, બસ મને એટલું કહો કે મારો રાઘવ હેમખેમ છેને?’
‘રા...ઘ...વ!’ તે વળી અટ્ટહાસ્ય વેરે છે.
અત્યારે પણ આવી મારી અવદશા જોઈ અટ્ટહાસ્ય વેરી ચાલી જનારને શું મળતું હશે?
સિયા પાસે આનો જવાબ નહોતો.
lll
‘કેટલી રમણીય જગ્યા છે!’
શુક્રની સવારે ચૈતાલી પથ્થરની પાળી પર બેસી પડી. સમાંતર ઊભેલા આ ડુંગરા, દૂર દેખાતો રાજમહેલ... સિયા-રાઘવની લવ સ્ટોરી પાંગરવા માટે લોકેશન પર્ફેક્ટ છે, પણ બેઉ ગાયબ ક્યાં થયા એની કોઈ ક્લુ મળતી નથી.
ચિત્તરંજને ડોક ધુણાવી. ગઈ સવારના હરિયા આવી તપાસ આદરી છે પણ
નવું કંઈ જાણવા
મળ્યું નથી...
ત્યાં
‘ભ...ઉ!’ કરી પ્રગટતી તર્જનીએ બેઉને સાચે જ ભડકાવી દીધાં.
તર્જની મહેલથી ગુપ્ત સુરંગના રસ્તે આવી જાણી ચોંકી જવાયું.
‘મને રાઘવનો પત્તો પણ મળી ગયો.’ ગંભીરપણે બોલતી તર્જનીએ જોડેની પ્લાસ્ટિકની થેલીમાંથી વસ્ત્રો કાઢ્યાં. સાથે વાંસળી પણ હતી.
કેસરિયા ખેસ પર થીજીને સુકાઈ ગયેલું લાલ રક્ત ચિત્તરંજન-ચેતાલી ફાટી આંખે નિહાળી રહ્યાં.
lll
‘DNAનો રિપોર્ટ આવી ગયો, રાજમાતા...’
શનિની સવારે મોબાઇલનું અપડેટ શૅર કરતી તર્જનીને રાજમાતા ટાંપી રહ્યાં.
હવામહેલની અગાસીમાં ભવાનીસિંહે સાવ અનાયાસ હરિયા ગામના ડુંગરમાં ખૂલતી ગુપ્ત સુરંગનો ઉલ્લેખ કર્યો એમાં છ માસથી ગુમ સિયાના કેસની કડી ગોઠવવા મથતી તર્જનીએ મીનળદેવીને વિશ્વાસમાં લીધાં હતાં. અજયની બેહોશી અને સિયાના ગાયબ થવામાં રહેલી સમયની સમાનતા તેમ જ રાઘવના અસ્તિત્વહીન હોવાની માહિતી મને એવું માનવા પ્રેરે છે કે જરૂર આ ત્રણ વચ્ચે કશીક લિન્ક તો હોવી જોઈએ...
એ માટે રાજમાતાની સંમતિથી
રૂમ-સર્વિસના ટાણે અજયના કક્ષમાં સરકી તર્જની સુરંગમાંથી કેવો ભેદ તારવી લાવી! એટલે તો કેતુ-તર્જની માટે આઉટ ઑફ વે જવામાં રાજમાતા ખચકાતાં નહીં. યુવરાજના કક્ષમાં પલંગ પાસેની દીવાલના પોલાણમાં રહેલી કડી દબાવતાં બાથરૂમ આગળની લાદી સરકે છે ને સુરંગ ખૂલે છે. સાંકડી સુરંગમાં હવે તો પ્રકાશની વ્યવસ્થા છે. સીડીની નજીકના જ વળાંકે તર્જનીને પ્લાસ્ટિકની બૅગ મળી જેમાં ભરવાડના પહેરવેશ જેવાં વસ્ત્રો હતાં, વાંસળી હતી. એ રાઘવનાં જ હોય એ અનુમાન સહજ હતું. માથે બાંધવાના ખેસ પર લોહીનાં નિશાન હતાં. આનો અર્થ એ થાય કે રાઘવના માથામાં ઈજા પહોંચી હોવી જોઈએે.
એમ તો એ જ સમયગાળામાં યુવરાજને પણ માથામાં ઈજા થઈ હતી!
‘જી રાજમાતા, DNA રિપોર્ટ કન્ફર્મ કરે છે કે રાઘવ-અજય એક જ છે.’
ઓ...હ!
રાજમાતાને ગડ બેઠી.
અજયસિંહ સુરંગ રસ્તે ઘણી વાર ડુંગરે જતો હશે. આમેય તે કુદરતપ્રેમી જીવ છે. ત્યાં તેણે મીઠું ગાતી સિયાને જોઈ. તેનો નેડો લાગ્યો. પોતે રાજકુમાર તરીકે પ્રગટ થશે તો રાજા-રૈયતનો શું મેળ એમ વિચારી સિયા કદાચ પ્રીતના મારગે આગળ નહીં વધે એવું માની તે પોતાના રુદિયે વસી ગયેલી કન્યાને નવા જ અવતારમાં મળે છે - રાઘવના વેશમાં!
બેઉની પ્રીત પાંગરે છે. રાજકુમાર ગોવાળના વેશમાં રબારણના રુદિયે અડિંગો જમાવે છે.
અને પછી કંઈક બને છે. રાજકુમારના માથામાં ઘા કરી તેને મારવાની સાજિશ થાય છે, ખેસ પરનું લોહી સૂચવે છે કે કુમાર રાઘવના વેશમાં હતા ત્યારે જ હુમલો થયો. સાંકડી સુરંગમાં હુમલો કરવાની ફાવટ ન રહે એ જોતાં આ હુમલો કાં તો ડુંગર પર કે પછી સુરંગ રસ્તે કુમાર ફરી પોતાના કક્ષમાં આવ્યા ત્યારે થયો. હુમલો કરનારે કે કરાવનારે જ સિયાને કિડનૅપ કરી હોય કે પછી તેનો નિકાલ પણ કરી દેવાયો હોય...
‘સિયા જીવતી હોય તો સારું નહીંતર અજય હોશમાં આવીનેય જીવવાનો ઉમંગ ગુમાવી બેસવાનો...’ નિસાસો નાખી રાજમાતાએ ઉત્સુકતાથી પૂછ્યું, ‘પણ પ્રેમીપંખીડાંને વિખૂટાં પાડવાનું, અજયને બેહોશ કરવાનું કાળું કામ કર્યું કોણે?’
‘જેણે પણ કર્યું હોય તેનો ઇરાદો અજયની હત્યાનો જ હોય. નૅચરલી, ફટકો ખાનારો કોમામાં જ જશે એવી ગૅરન્ટી તો ક્યાંથી હોય? બાદમાં કોમા પેશન્ટ ભાનમાં નહીં જ આવે એ માન્યતા પર ખૂની મુસ્તાક હોય...’
‘કબૂલ પણ એ હોય તો કોણ હોય?’
‘કોઈ એવી વ્યક્તિ જેને યુવરાજના મોતથી ફાયદો થવાનો હોય.’
રાજમાતાના દિમાગમાં શુભાંગી ઝબકી.
‘અથવા તો કોઈ એવી વ્યક્તિ જેનાથી યુવરાજની પ્રીત બરદાસ્ત થતી ન હોય.’
આમાં સુલોચના આવી શકે ખરી! ભલે તેણે ક્યારેય સાવકી માનો વહેવાર નથી કર્યો, પણ પોતાની દીકરીને લગ્નની ખુશી મળવી મુશ્કેલ હોય એ યુવરાજની ઝોળીમાં પડતી દેખાઈ હોય તો અદેખાઈ જાગી પણ હોય...
‘અથવા તો કોઈ એવી વ્યક્તિ જેને યુવરાજનો રબારણ સાથેનો સંબંધ મંજૂર ન હોય.’
હેં! આમાં તો ભવાનીસિંહ પણ આવી જાય! તેમણે હંમેશાં ખાનદાન કુળવધૂની મનસા દાખવી છે. અજય માટેની તેમની વિવશતામાં પસ્તાવો પણ હોય, કોણે જાણ્યું!
‘આ સંજોગોમાં આપણે ભવાનીસિંહની મદદ પણ માગી નહીં શકીએ.... શું કરીશું?’
તર્જનીના ચહેરા પર સ્મિત ઊપસ્યું.
(ક્રમશ:)