12 September, 2025 11:35 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘સમજાઈ ગયુંને તને, પાંડેને ખબર પડી ગઈ છે. હવે તું આ બધું મૂકી દે.’
ઇન્ટરકૉમ કયા ફ્લૅટમાંથી આવ્યો એની ઇન્ક્વાયરી કરવા ગયેલી નિશાએ આવીને કકળાટ કરી મૂક્યો. ઇન્ટરકૉમ માત્ર ઇન્ટરનલ વપરાશ માટે હોવાથી એને ટ્રૅક કરવાની વ્યવસ્થા સોસાયટીએ કરી નથી એ જાણ્યા પછી તો નિશાનો જીવ અધ્ધર થઈ ગયો હતો, ‘વિશુ, હવે મને તારી એક પણ વાત નથી સાંભળવી. જે થયું હોય, જેણે કર્યું હોય. તારે હવે આ મૅટરમાં આગળ નથી વધવાનું.’
વિશ્વજિતની આંખો નિશા પર હતી પણ તેનું ધ્યાન બીજી જ વાતો પર હતું. તેના મનમાં હજી પણ એ જ ચાલતું હતું કે પાંડે બોલ્યો શું?
‘જો વિશુ, તું એટલું તો માને છેને કે ફોન પાંડેએ જ કર્યો છે. હવે તેને ખબર પડી ગઈ છે કે તને બધી ખબર છે તો પછી શું કામ તારે ખોટું જોખમ લેવું છે? ભૂલી જા બધું. એવું હોય તો તું પોલીસને ઇન્ફૉર્મ કરી દે પણ હવે તારે એમાં ઇન્વૉલ્વ નથી થવાનું.’
‘હું તો કહું છું વિશુ, આપણે એક નાનકડી ટ્રિપ કરી આવીએ. ત્યાં સુધીમાં લંડનથી પણ ન્યુઝ આવી જશે કે જવાનું ક્યારે છે.’ નિશાએ નિર્ણય લઈ લીધો, ‘એ જ બેસ્ટ છે. આપણે એવું હોય તો ગુજરાત જઈ આવીએ. આમ પણ મને મોઢેરા સૂર્યમંદિર જોવાની બહુ ઇચ્છા છે ને તેં પણ એક વાર કહ્યું’તું કે આપણે એ સાથે જોવા જઈશું.’
નિશાએ મોબાઇલ હાથમાં લીધો.
‘હું કાલની અમદાવાદની ટિકિટ કરું છું.’
‘એક મિનિટ...’ વિશ્વજિતે હાથના ઇશારે નિશાને અટકાવી, ‘મને થોડો ટાઇમ આપ. મારા મનમાં કંઈ છે, પણ ક્લિયર નથી થતું.’
‘જો પાંડેનું કંઈ ચાલતું હોય તો એ બંધ કરી દેજે.’
‘એક મિનિટ...’
આગળ કશું બોલ્યા વિના વિશ્વજિતે પોતાની વ્હીલચૅર રૂમ તરફ વાળી દીધી.
lll
‘ડી’ કે ‘દી’, પાંડે શું બોલ્યો હતો?
વિશ્વજિતને સમજાતું નહોતું અને વિશ્વજિતને એ પણ નહોતું સમજાતું કે ફોન પર તેણે ધમકીમાં કેમ એવું કહ્યું કે...
વિશ્વજિતની આંખો પહોળી થઈ અને તેણે ઝડપભેર વ્હીલચૅરનો યુ-ટર્ન લીધો.
‘નિશા, આ... આ પાંડેને શેની
ફૅક્ટરી છે?’
‘જેની હોય એની, તું શું કામ...’
‘અરે, પૂછું એનો જવાબ આપને...’ વિશ્વજિત ભારોભાર ઇરિટેટ થઈ ગયો હતો, ‘શેની ફૅક્ટરી છે. સે ફાસ્ટ...’
‘ફૅક્ટરી શેની છે એ નથી ખબર પણ ફાઉન્ડ્રી...’
‘યસ...’ વિશ્વજિતે વ્હીલચૅરના હેન્ડલ પર મુક્કી મારી, ‘યસ. ફાઉન્ડ્રી. યસ, યસ, યસ... ફાઉન્ડ્રી.’
‘શું થયું?’
‘બધું પછી કહું, પહેલાં એક કામ કર. તારે કાલની અમદાવાદની ટિકિટ કરવી છેને?’ નિશાએ હા પાડી કે તરત વિશ્વજિતે કહી દીધું, ‘ડન, અત્યારે આપણે પાંડેની ફાઉન્ડ્રી પર જઈએ અને કાલે અમદાવાદ. જલદી તૈયારી કર.’
‘પણ શું થયું વિશુ? કંઈક વાત
તો કર...’
‘મોસ્ટ્લી આખો કેસ સૉલ્વ થઈ ગયો.’ વિશ્વજિતનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો, ‘તું ફટાફટ નીકળવાની તૈયારી કર. હું તને રસ્તામાં વાત કરું છું.’
‘ઓકે, રાજુને લેવાનો છે?’
‘અફકોર્સ, તેની જરૂર પડશે.’
પોતાના પગ તરફ જોઈને વિશુ અપસેટ થયો, જે નિશાના ધ્યાનમાં હતું.
lll
‘જો નિશા, હું તને સમજાવું.’ ગાડીમાં રવાના થયા પછી વિશ્વજિતે વાત કરવાની શરૂ કરી, ‘મેં તને કહ્યું’તું એમ, પાંડેએ ધમકીમાં ‘ડી’ કે ‘દી’ અક્ષરનો ઉલ્લેખ નહોતો કર્યો. પાંડે નવ્વાણું ટકા ‘ફાઉન્ડ્રી’ બોલ્યો હતો.’
‘એવું કેમ?’
‘કહુંને, તને એ પણ કહું.’ વિશ્વજિતે કહ્યું, ‘આજે જે ધમકી આવી એ ધમકીમાં પાંડે જ હતો પણ તેણે અવાજ ઓળખાય નહીં એ માટે રિસીવર પર સીધી વાત કરવાને બદલે તેણે ગ્લાસનો ઉપયોગ કર્યો હશે. જો તને આઇડિયા આવ્યો હોય તો ઇન્ટરકૉમમાં જે અવાજ આવતો હતો એમાં બેસનું લેવલ હાઈ હતું. તમે ગ્લાસમાં બોલો તો અવાજનો બેસ વધી જાય...’
‘તને ફાઉન્ડ્રીનો વિચાર કેમ આવ્યો?’
‘પાંડેએ મને ધમકી આપતાં કહ્યું કે તું ક્યાં ઓગળી જઈશ એની તને ખબર નહીં પડે.’ વિશ્વજિતે ચોખવટ કરતાં કહ્યું, ‘તું જ વિચાર, તું કોઈને મારી નાખવાની ધમકી આપે ત્યારે શું બોલે, શું કહે?’
‘તને મારી નાખીશ?’
‘એક્ઝૅક્ટ્લી. તું એવું ન બોલ કે તું ઓગળી જઈશ કે તું ડૂબી જઈશ.’ વિશ્વજિતની વાતમાં લૉજિક હતું, ‘આવું એ જ કહે જે ચોવીસ કલાક એ પ્રકારના કામમાં લાગેલો હોય. તેના મનમાં જ આ પ્રકારના સ્પેસિફિક શબ્દો આવે.’
‘રાઇટ.’ જે નિશા આ કેસથી દૂર જવા માગતી હતી એ જ નિશા હવે ફરીથી એમાં ઇન્વૉલ્વ થવા લાગી, ‘અત્યારે ફાઉન્ડ્રી પર જઈને શું કરવાનું છે.’
‘કહું, બધું ડીટેલમાં કહું પણ તમે બન્ને જરા પણ ભૂલ નહીં કરતાં.’ વિશ્વજિતે પાછળ તરફ જોયું, ‘રાજુ, તું પણ ધ્યાનથી સાંભળ.’
lll
‘અરે આઇએ, આઇએ...’ પાંડે ઉત્સાહભેર વિશ્વજિત સામે આવ્યો, ‘એકલા જ આવ્યા? કે પછી તમારી પેલી આઇટમને સાથે લેતા આવ્યા?’
વપરાયેલા શબ્દોના આધારે વિશ્વજિત સમજી ગયો કે પોતે શું કામ આવ્યો છે એનો અણસાર પાંડેને ક્લિયરલી આવી ગયો છે.
‘ના, એકલો જ આવ્યો. થયું કે આ વાત આપણે બે જ કરીએ તો તમારા માટે ને મારા માટે સારું...’
‘એટલે તો મેં પણ ફોન કરીને તમારી આઇટમને કંઈ કહ્યું નહીં, તમારી સાથે જ વાત કરી.’ પાંડેએ સ્પષ્ટતા સાથે વાત શરૂ કરી, ‘જુઓ, મને મારા ઘરમાં કોઈ નજર કરે, મારા પર જાસૂસી કરે એ પસંદ નથી. તમે નજર તો રાખી પણ પછી તમે એનાથી પણ આગળ વધી ગયા. મને બધી ખબર પડે છે. બધેબધી... મારા ઘરે તમારી આઇટમ શું કામ આવી, અમારાં કપડાં કેવી રીતે તમારે ત્યાં પહોંચી ગયાં... બધું મને સમજાય છે પણ હું માત્ર એટલું કહીશ કે આ મારી લાઇફ છે, મને મારી લાઇફ જીવવા દો ને તમે તમારી લાઇફ જીવો. શું કામ એકબીજામાં ડિસ્ટર્બન્સ ઊભાં કરીએ, રાઇટ?’
‘કોમલજી ક્યાં છે?’
‘ઘરે... તમે આવશો એવી ખબર હોત તો અહીં બોલાવીને રાખી હોત.’
‘હું રિયલ કોમલ પાંડેનું પૂછું છું.’
‘ઓહોહોહો... તમે તો ખરેખર શેરલૉક હોમ્સ બની ગયાને કંઈ?’ પાંડેએ પોતાનો નીચેનો હોઠ બહાર કાઢ્યો, ‘તમે મળ્યા એ રિયલ કોમલ પાંડે જ હતાં, બાકી હું ડિટ્ટો કોમલ જેવી દેખાતી છોકરી ક્યાંથી લાવું?’
‘ટ્વિન સિસ્ટર હોય, મિસ્ટર નીરજ પાંડે, ટ્વિન સિસ્ટર...’ વિશ્વજિતે વ્હીલચૅર નજીક લીધી, ‘આ કોમલ નથી એ ક્લિયર છે.’
‘ગજબ! હૅટ્સ ઑફ મિસ્ટર શાહ. માની ગયો તમને.’ પાંડેએ આંખો પહોળી કરી, ‘તમે મારી વાઇફને આટલી બારીકાઈથી ઑબ્ઝર્વ કરતા હતા?’
‘કોમલજી ક્યાં છે?’
‘જોવું છે કોમલ ક્યાં છે?’ પાંડે ઊભો થયો, ‘આવો, લઈ જઉં તમને ત્યાં.’
વિશ્વજિતની વ્હીલચૅરને ધક્કો મારતાં પાંડે ચેમ્બરમાંથી બહાર નીકળ્યો અને બન્ને ફાઉન્ડ્રી એરિયામાં આવ્યા. અંદરનું તાપમાન કહેતું હતું કે ફાઉન્ડ્રીમાં કઈ સ્તર પર ગરમી ઉત્પન્ન થતી હશે.
‘વધારે આગળ જઈશું તો તમારાથી તાપ સહન નહીં થાય.’ એક જગ્યાએ પાંડેએ વ્હીલચૅર ઊભી રાખી, ‘આ જે આગ છેને, કોમલ એમાં ગઈ. બળી ગઈ. ફાઉન્ડ્રીમાં ચારસો ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચર ઊભું થાય ને મિસ્ટર શાહ, બેચાર હાડકાં સિવાય આમાં કંઈ બચે નહીં. કોમલને મારે મારવી શું કામ પડી એ કહું? જાણવું છે તમારે?’
હકાર વિના જ વિશ્વજિત પાંડેને જોતો રહ્યો અને પાંડેએ વાત આગળ વધારી.
‘કોમલને ખબર પડી ગઈ કે હું ફાઉન્ડ્રીમાં જરૂર પડે ત્યારે બીજાઓએ કરેલાં કુકર્મોના પુરાવાનો નાશ કરું છું. યુ સી, મારું મેઇન કામ એ જ છે. તમને યાદ હશે કે થોડા સમય પહેલાં આપણા મહારાષ્ટ્રના જ એક મિનિસ્ટરના દીકરાનું સેક્સ સ્કૅમ બહાર આવ્યું અને પછી એ સ્કૅમ એકદમ શાંત પડી ગયું. એ શાંત કેવી રીતે પડ્યું એ કહું...’ પાંડે ઘૂંટણભેર વિશ્વજિત સામે બેઠો, ‘મારે કારણે. જે કોઈ એ મિનિસ્ટરના દીકરાને નડતું હતું એ બધાને તેણે રસ્તામાંથી હટાવવાનું શરૂ કર્યું ને મેં, ફાઉન્ડ્રીની આ ભઠ્ઠીનો સદુપયોગ કર્યો. વિચારો, એક બૉડી જલાવવાના એક કરોડ... આઇ થિન્ક, એક કરોડ જરા પણ નાના નથી અને પૉલિટિશ્યિનને સાચવો એટલે બીજા પણ બેનિફિટ તો મળે જ. આ ભઠ્ઠી ચલાવવા માટે મહિને કેટલા રૂપિયાનું ઇલેક્ટ્રિક બિલ આવે એ તમને ખબર છે?’
વિશ્વજિત ચૂપ રહ્યો.
‘અંદાજે પંદરથી સોળ લાખ. પણ શું છે, પૉલિટિશ્યન મિત્રો સચવાઈ જાય એટલે પછી આ બધું ફ્રીમાં મળે.’
‘બધું પૈસા માટે કર્યુંને?’
‘એકદમ. શું છે, બધાના પોતપોતાના શોખ હોય. તમારો શોખ કોઈના ઘરમાં ડોકિયાં કરવાનો છે એમ મારો શોખ પૈસા કમાવાનો છે. એકમાત્ર શોખ, પૈસા કમાવા. પણ એમાં કોમલને પ્રૉબ્લેમ હતો. સમજાવી, મનાવી, પણ માને જ નહીં. દર વખતે એક જ વાત, એક જ ભાષણ. ભગવાનની બીક રાખો, ભગવાનથી ડરો. મોકલી દીધી ભગવાન પાસે. હવે તેને શાંતિ અને મને પણ શાંતિ.’
‘આ જે લેડી છે એ કોણ છે?’
‘ગલત સવાલ.’ પાંડેએ વિશ્વજિતના ગાલ પર ટપલી મારી, ‘બહુ પૂછી લીધું તમે યાર. આટલું ધ્યાન જો પેલા દિવસે ગાડી ચલાવવામાં આપ્યું હોત તો આ તારા પગ સલામત હોત...’
‘કોમલની સિસ્ટર છેને?’
‘તું ત્યાં પણ પહોંચ્યો છો, કોમલના ઘર સુધી?’ પાંડેની આંખોમાં પહેલી વાર ગુસ્સો દેખાયો, ‘જો તું ત્યાં ગયો હોઈશ તો સમજી લે, આજે તારો આ છેલ્લો દિવસ.’
‘હા, મને કોમલના ઘરેથી જ ખબર પડી.’ વિશ્વજિતે તુક્કો જ માર્યો હતો, ‘ત્યાંથી જ ખબર પડી કે આ...’
જાણે કે નામ યાદ કરતો હોય એમ વિશ્વજિતે માથા પર હાથ ઘસ્યો અને સહેજ બબડ્યો, ‘શું નામ આનું... સ, સ...’
‘શાલિની...’ પાંડેએ કહ્યું, ‘શાલિનીને જ તમારા પર પહેલી શંકા ગઈ. તેણે જ મને કહ્યું કે તમે લોકો વધારે પડતી અવરજવર કરો છો અને એ પછી મેં તારા પર નજર રાખવાનું શરૂ કર્યું.’
‘શાલિની અને કોમલ આઇડેન્ટિકલ ટ્વિન્સ છે.’
‘હા... વજનનું તો તમે ચેક કરી લીધું. પણ એક વાત તારા ધ્યાનમાં ન આવી.’
‘હાઇટ.’
‘અરે વાહ, આર્કિટેક્ટસાહેબ. માની ગયો તમને.’ પાંડેએ કહ્યું, ‘શાલિની કરતાં કોમલ છ ઇંચ નીચી છે પણ શું છે, તમારા જેવું ઑબ્ઝર્વેશન કરનારા કોઈ છે જ નહીં એટલે વાંધો આવતો નથી.’
‘વાંધો આવી ગયો મિસ્ટર
નીરજ પાંડે...’
પાંડેએ અવાજની દિશામાં જોયું. નિશા અને રાજુ પોલીસ-કાફલા સાથે દાખલ થયાં.
lll
‘વિશુ, હવે શું કરીશું?’ નિશાના ફેસ પર ટેન્શન હતું, ‘કાલે કોર્ટનું હિઅરિંગ છે અને એક પણ એવું પ્રૂફ નથી મળ્યું કે જેને લીધે એવું પુરવાર થાય કે કોમલને નીરજ પાંડેએ જ મારી છે. ફાઉન્ડ્રીની ભઠ્ઠીમાં એ માણસે એટલી બૉડી સળગાવી છે કે ફૉરેન્સિક લૅબોરેટરીને પણ સ્પેસિફિક કોમલ પાંડેના કોઈ DNA મળ્યા નથી.’
‘હું પણ એ જ વિચારું છું નિશા.’ વિશ્વજિતની નજર પાંડેની બાલ્કની પર હતી, ‘ઓવર-કૉન્ફિડન્સ, ઓવર-કૉન્ફિડન્સ માણસને ખતમ કરી નાખે. પાંડે પણ ઓવર-કૉન્ફિડન્સમાં રહ્યો અને એમાં ફસાયો. તેણે કંઈક તો એવી ભૂલ કરી હોવી જોઈએ જેને લીધે તે પોતે પોતાની ગેમમાં...’
‘યસ ફસાયો...’ વિશ્વ ઊછળી પડ્યો, ‘પાંડે પોતાની ગેમમાં ફસાયો. ચાલ જલદી...’
બન્ને બહાર આવ્યાં અને વિશ્વજિત ટીવી-યુનિટ પાસે બનાવેલા ડિસ્પ્લે પાસે ગયો. તેની આંખો દુનિયાની સાત અજાયબીનાં મિનિએચર્સ પર હતી, જે પાંડેએ ડિનર પછી તેને ગિફ્ટ આપ્યાં હતાં.
‘આ... પાંડેની ભૂલ છે.’ હાથમાં આઇફલ ટાવર લઈ વિશ્વજિતે નિશા સામે જોયું, આ સાતેસાત પીસ કોમલજીનાં વધેલાં હાડકાંમાંથી બનાવવામાં આવ્યાં હોઈ શકે છે.’
lll
‘શું કરે છે વિશુ?’
ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના રિપોર્ટમાં પ્રૂવ થઈ ગયું હતું કે એ મિનિએચર્સ માણસનાં હાડકાંમાંથી બનાવવામાં આવ્યાં હતાં જેના DNA શાલિની સાથે મૅચ થયા નહીં એટલે પુરવાર થયું કે કોમલના પાર્થિવ દેહમાંથી મળેલાં હાડકાંમાંથી તૈયાર થયાં છે. નીરજ પાંડેના જામીન છેક સુપ્રીમ કોર્ટે પણ રિજેક્ટ કર્યા અને દેશનો રૅરેસ્ટ કેસ ગણાવીને તાત્કાલિક એ ચલાવવામાં આવે એવી તાકીદ પણ કરી. નીરજ હવે બહાર આવે એવી કોઈ શક્યતા નહોતી અને વિશ્વજિત-નિશા દિવસ દરમ્યાન ટીવી-ચૅનલોને ઇન્ટરવ્યુ આપી-આપીને થાક્યાં હતાં.
‘સપ્તર્ષિ શોધું છું.’
નિશાએ જોયું, વિશ્વજિતનું ટેલિસ્કોપ આ વખતે આકાશ તરફ હતું.
(સમાપ્ત)