જબ જબ ફૂલ ખીલે

31 July, 2022 11:37 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘લો, એટલે તેમનું વિચારીને મારે મારા વરને આઇ લવ યુ ન કહેવાનું?’ ખળભળેલી કિયારાએ પરાણે હોઠ વશમાં રાખ્યા. ‘નાહક કાંઈ બોલી જવાશે તો અક્ષતને નહીં ગમે.’

જબ જબ ફૂલ ખીલે

‘દિલ દીવાના...’
દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે તેના હોઠ મલકી પડ્યા : ‘આ તો અક્ષતનું પ્રિય ગીત!’ 
‘ઢળતી સાંજ હોય, હું બાલ્કનીના હીંચકે બેઠો હોઉં, સામે ઘૂઘવતો મરીન ડ્રાઇવનો દરિયો હોય, ટેપમાં લતાજીનાં ગીતો વાગે ને ચાનો મગ ધરી તું મારા પડખે બેસે, કિયારા, મારા માટે સુખ આમાં સમાઈ ગયું... બોલ, મારા જીવનની દરેક સંધ્યા આવી ખૂબસૂરત બનાવવાનું વચન આપે છે?’
હાથ લંબાવી અક્ષત ઉમેરે છે, ‘સામે તને ક્યારેય કોઈ ઊણપ વર્તાવા નહીં દઉં, એ મારું વચન.’
અને મુગ્ધ મને અક્ષતે લંબાવેલી હથેળીમાં હથેળી મૂકવા જતી કિયારાનો હાથ હવામાં જ વીંઝાયો. 
ઓછપાઈ જવાયું. ‘અક્ષત અહીં ક્યાં! મારી રૂમની બાલ્કનીમાં થયેલા આ સંવાદને આજે તો સાડાત્રણ વર્ષ થવાનાં... અક્ષત મને પહેલી વાર જોવા આવેલા ત્યારની આ વાત. મૂળ વલસાડના, પણ સીએ થઈ નોકરી અર્થે ત્રણેક વર્ષથી મુંબઈ શિફ્ટ થયેલા અક્ષતને કંપની તરફથી કાર-ઘરની સવલત છે, એકનો એક દીકરો શહેરમાં એકલો રહે છે છતાં કોઈ વ્યસન નથી. લગ્નનો પ્રસ્તાવ લાવનાર સગાએ ભલામણમાં વજન પણ મૂક્યું હતું,‘એ ખોરડે આપણી દીકરી દુખી નહીં થાય એની ગૅરન્ટી.’ 
જોતાં જ હૈયું ધડકી જાય એવા ખૂબસૂરત જુવાનને જાણ્યા પછી, જીવનની દરેક સંધ્યાને ખૂબસૂરત બનાવવાનુવ વચન આપતી વેળા દ્વિધા નહોતી.... 
‘પછી સગાઈ, લગ્ન... ઓહ, કેવા એ દિવસો, કેવી એ રાતો! ખબર જ ન પડી ક્યારે અમારાં હૈયાં એકમેકમા ગૂંથાઈ ગયાં. છલોછલ પ્રેમ. ચસોચસ પ્રેમ. મનના અગ્નિથી તનની પ્યાસ ભડકાવતો પ્રેમ. તનની તૃપ્તિથી મનમાં સ્નતૃપ્તિ જગાડતો પ્રેમ. તેના સાથે હોવામાં પ્રેમ, તે ન હોય ત્યારે તેના ઇન્તેજારમાં પણ પ્રેમ. 
‘ક્યાં ગયો એ પ્રેમ?’ ઠોકર લાગી હોય એમ કિયારા સહેમી ઊઠી. 
‘વિરાટભાઈ ગયા ને બધું બદલાઈ ગયું...’ હળવા નિ:શ્વાસભેર કિયારા સાંભરી રહી. 
અક્ષતનું ખાસ મિત્રવૃંદ ન મળે, પણ ઑફિસના બૉસ વિરાટ શાહ સાથે તેને આત્મીય સંબંધ. કહો કે અક્ષતથી ચારેક વર્ષ મોટા વિરાટભાઈ તેના ફ્રેન્ડ, ફિલોસૉફર, ગાઇડ જેવા. તેમના સંસારમાં પતિ-પત્ની ને વિરાટભાઈનાં મા-બાપ. બધાંને અક્ષત માટે ભાવ. આમાં હવે અચાનક હાર્ટ-અટૅકમાં વિરાટભાઈના ગુજરી જવાના ખબરે તેમના ઘરે દોડી ગયેલી કિયારાએ જોયું તો વિરાટભાઈનાં મા-બાપ અર્ધબેહોશ હતાં, દીવાલ સાથે માથું કૂટતાં કામિનીભાભીને અક્ષતે મજબૂતીથી પકડી રાખ્યાં હતાં. 
-ત્યારે ક્યાં જાણ હતી કે વખત જતાં આ આધાર દિયર-ભાભીના સંબંધની મર્યાદા પર ઘા કરવામાં નિમિત્ત ઠરવાનો છે! કિયારાએ કડી સાંધી : 
‘વિરાટભાઈની વિદાય પછીના ચાર-છ મહિના અક્ષત શોકમગ્ન રહ્યો. રોજ તેમના ઘરે જતો. બૅન્કનાં, વીમાનાં કાગળિયાં ક્લિયર કરવામાં મદદરૂપ થતો, વિરાટભાઈની ફૅમિલી સાથે આઉટિંગનો પ્રોગ્રામ બનાવે ત્યાં સુધી ઠીક. અરે, તેણે કામિનીભાભીને તેની જ ઑફિસમાં કામે લગાવ્યાં એનો પણ વાંધો નહોતો, પણ ઘણા વખતે મૂવીનો મૂડ જામ્યો હોય ત્યારે તે ફોન કરીને ભાભીને તેડાવી લે, એ કિયારાને ખટકતું. શૉપિંગમાં ગયાં હોઈએ ને અક્ષત બોલી જાય કે એકાદ સાડી ભાભી માટેય લેજેને, બસ, કિયારા શૉપિંગ જ પડતું મૂકે. એવું લાગતું કે અમારો સંસાર અમારા બે જણનો રહ્યો નથી, એમાં કોઈ ત્રીજી વ્યક્તિની પણ અદૃશ્ય હાજરી છે... અને એ વ્યક્તિ એટલે કામિની!
અક્ષતના ટિફિનમાં તેને ઘણી વાર ‘આઇ લવ યુ’ના મેસેજ મૂકવાની ટેવ. એક બપોરે અક્ષતે ફોન રણકાવીને ગંભીરપણે કહ્યું, ‘હવેથી આવા સંદેશ ન મૂકીશ કિયારા, ટિફિન ખાતી વખતે ભાભી સાથે હોય છે. તારી ચિઠ્ઠી જોઈને તે વિરાટભાઈને સાંભરીને રડી પડ્યાં.’ 
‘લો, એટલે તેમનું વિચારીને મારે મારા વરને આઇ લવ યુ ન કહેવાનું?’ ખળભળી ગયેલી કિયારાએ પરાણે હોઠ વશમાં રાખ્યા. ‘નાહક કાંઈ બોલી જવાશે તો અક્ષતને નહીં ગમે.’
પણ જીભને વશમાં રાખનારીનું મન કાબૂમાં કેમ રહે! એની કલ્પનામાં અનેક ચિત્રો ઊભરતાં. ‘રડતાં કામિની‘ભાભી’ની પીઠે હાથ પસવારતા અક્ષત, આશ્વાસન મેળવવાના બહાને અક્ષતની છાતીસરસાં થતાં કામિનીભાભી...’ 
‘સાચું કહું છું હોં કિયારા... અક્ષતે અમને વિરાટની કમી ન લાગવા દીધી.’
કામિનીભાભીને જૉબમાં પહેલું પ્રમોશન મળતાં તેમણે ઘરે ટ્રીટ યોજી હતી. તેમના બોલમાં આભાર માનવાનો ભાવ હતો, પણ કિયારા માટે ‘બિટ્વીન ધ વર્ડ્સ’ વધુ મહત્ત્વના રહેતા : ‘કામિનીનો કહેવાનો અર્થ એવો પણ થાયને કે અક્ષતે પથારીમાં પણ વિરાટભાઈની કમી નથી મહેસૂસ થવા દીધી!’ 
એ રાતે ઘરે રિટર્ન થતાં તેણે પહેલી વાર થોડી તોછડાઈથી પૂછેલું, ‘અક્ષત, તમે ભાભી સાથે કેવળ ટિફિન જ શૅર કરો છોને?’
‘મતલબ?’ અક્ષતની તંગ થતી મુખરેખાએ આગળ બોલવાની કિયારાની હામ ફસકી ગઈ. વાળી લીધું, ‘તમને નથી લાગતું કે કામિનીભાભીએ અન્ય લાયક પાત્ર શોધી જીવનમાં આગળ વધવું જોઈએ? આખરે તેમની ઉંમર પણ શું?’
‘આવતી ત્રેવીસમીએ તેમને અઠ્ઠાવીસમું બેસશે. મારાથી વર્ષ મોટાં.’
‘વાહ, તમને તો ભાભીની વરસગાંઠ પણ મોઢે છે!’ કિયારાથી નહીં બોલાયેલું વાક્ય હતું - ‘તેમના બ્રેસિયરની સાઇઝ તો મોઢે નથી રાખીને!’ 
‘કામિનીભાભી પર તો અક્ષતસરના ચાર હાથ છે.’ 
લગ્ન પછી ઑફિસના બીજા ઍન્યુઅલ ગેધરિંગમાં સ્ટાફમાં, સિનિયર્સ જોડે હસી-મજાક કરતાં અક્ષત-કામિનીને નિહાળી કિયારા જીવ બાળતી ઊભી હતી ત્યાં અક્ષતની મદદનીશ ધરા મીંઢું હસીને બોલી ગઈ, ‘તેમના પ્રમોશન માટે ટૉપ લેવલ સુધી સરે ફાઇટ આપી, બહુ લાગણી બેઉ વચ્ચે, હોં!’ 
‘ના, ના. એમ મારે કોઈની ચડામણીથી ભરમાવાનું ન હોય. શક્ય છે, અક્ષતે ધરાને જોઈતું પ્રમોશન ન આપતાં તે કુથલી કરતી હોય.’ 
‘કે પછી એ સાચું જ કહેતી હોય!’ કિયારાના મને ફાવતી દલીલ તરત સ્વીકારી લીધી : ‘આગ હોય ત્યાં જ ધુમાડો હોયને. ધરાએ મને અક્ષત વિરુદ્ધ ભડકાવવી હોય તો બીજી કોઈ પણ એમ્પ્લૉયીનું નામ લઈ શકત, કામિની જ કેમ? અક્ષત સાથે તે ચાલુ થઈ ગઈ હોય, તો જને!’
નહીં પુછાતું, નહીં કહેવાતું ઘણું બધું કિયારાની ભીતર ગંઠાતું રહ્યું, ને એક ફોને જામગરી ચાંપી. 
ઑફિસના ગેધરિંગના બીજા જ મહિને બપોરે લૅન્ડલાઇન પર ફોન આવ્યો. અજાણ્યા સ્વરે કહ્યું, ‘તમારો શુભચિંતક બોલું છું. તમારા પતિની કામિનીદેવી સાથેની રંગરેલી જોવી હોય તો ફાઉન્ટનની આ હોટેલમાં પહોંચો.’
ચોંકેલી કિયારા કાંઈ પૂછેમૂકે એ પહેલાં તો ફોન કટ થઈ ગયો. 
‘અક્ષત કામિની સાથે હોટેલમાં!’ દિમાગ ધમધમી ગયું, છતાં અક્ષતને મોકો આપવો હોય એમ ફોન જોડ્યો, ‘ક્યાં છો તમે, અક્ષત?’
‘ઑફિસમાં.’ 
અને પતિનું જૂઠ પકડવાના આવેશમાં કિયારા ઑફિસ પહોંચી તો સેક્રેટરી પાસે જાણવા મળ્યું કે ‘સાહેબ તો પર્સનલ કામે કામિનીબહેન સાથે ગયાં છે...’ 
અને તે ટૅક્સીમાં હોટેલ પહોંચી ત્યારે અક્ષત-કામિની હોટેલનાં પગથિયાં ઊતરતાં દેખાયાં. 
‘તમારી ઑફિસનું ઠેકાણું ક્યારથી બદલાઈ ગયું, અક્ષત?’ કિયારાએ પ્રગટ થઈને બન્નેને ચોંકાવી દીધાં. અક્ષત થોથવાયો, ‘તું અહીં! તારો ફોન આવ્યો ત્યારે હું ઑફિસમાં જ હતો, આઇ મીન, નીકળતો હતો ને તારી રિંગ આવેલી...’ 
‘ઇનફ, અક્ષત. હું નાની કિકલી નથી કે ઑફિસ-અવર્સમાં પર્સનલ કામે હોટેલમાં જઈને તમે બેઉ કયું કામ પતાવો છો એ ન સમજું.’
એનો મર્મ સમજાતાં અક્ષત પૂતળા જેવો થયો, કામિની ફિક્કી પડી ગઈ, ‘કિયારા, તને ભયંકર ગેરસમજ થઈ છે. મારા શ્વશૂરજી મને ફરી પરણાવવા માગે છે. તેમણે મૅરેજ બ્યુરોમાં મારું નામ નોંધાવ્યાની તો મનેય જાણ નહોતી. આજે એક ઉમેદવારનો ફોન આવ્યો અને તેણે હોટેલમાં મીટિંગ ગોઠવી એટલે અક્ષતને સાથે રાખવો પડ્યો.’
‘વાહ! એટલે તમે આડાસંબંધને છુપાવવા એલિબી પણ રાખી છે, અક્ષત?’
‘કિયારા, તું...’ બોલતાં કામિનીને અક્ષતે રોકી, ‘પ્લીઝ, આ પતિ-પત્નીનો અંગત મામલો છે, તમે વચ્ચે ન બોલો.’
એટલું કહી કિયારાને હાથ પકડીને કારમાં બેસાડી. ઘરે આવતા સુધી કિયારાએ મનમાં સંગ્રહાયેલું ઓકી નાખ્યું. 
‘તારી નજરમાં, તારા હૈયે મારી આવી છબિ!’
અક્ષતના વદન પર છવાયેલો આઘાત કિયારાનું કાળજું ચીરતો હતો, પણ પતિને પરસ્ત્રીની ચુંગાલમાથી છોડાવવો હોય તો કડવો ઘૂંટ પાવો રહ્યો.
‘હું બધું ભૂલવા તૈયાર છું અક્ષત, એટલું કહી દો તમે કે કામિની સાથે કોઈ સંબંધ નહીં રાખો.’ કિયારા અડી ગઈ, ‘યા તો મારા માથે હાથ મૂકીને કામિની સાથે છેડો ફાડવાનું વચન આપો, યા હું અબઘડી આ ઘરમાંથી, તમારા જીવનમાંથી નીકળી જાઉં છું!’
‘હું તને જવા નથી કહેતો. તારા વિના મારું ઘર, મારું જીવન કેવું એની પણ તને સમજ નથી?’ અક્ષત ઉદાસ બન્યો, ‘કિયારા, પ્યારનું ઉપવન વિશ્વાસનાં ફૂલોથી મઘમઘતું હોય છે, એને પતઝડ લાગે પછી ઉપવનમાં ફરી વસંત મહોરવી મુશ્કેલ છે.’
એ બધી સુફિયાણી વાતોથી વહેમીલું મન માને? બૅગ પૅક કરી પોતે પિતાના ઘરે આવી ગઈ એને તો આજે એક વર્ષ થવાનું, પણ ધરાર જો અક્ષત મનાવવા આવ્યા હોય! મારાં-તેમનાં પપ્પા-મમ્મીએ અમને ઘણાં સમજાવ્યાં, કામિનીભાભી-વિરાટભાઈના પેરન્ટ્સ મને મનાવવા આવ્યા, પણ અક્ષત જો એક ફોન પણ કરતા હોય! 
‘ના, વચમાં મમ્મીનું પ્રેશર લો થતાં હૉસ્પિટલમાં બે દિવસ રહેવું પડ્યું ત્યારે ખડાપગે હાજર. બસ, એક કિયારા જ તેમની અળખામણી! જોઈને મલક્યા પણ નહીં! તેમના વિના હિજરાઈને હું કેટલી સુકાઈ ગઈ છું એય દેખાયું નહીં? પણ એમ તો તેય કેવા લેવાઈ ગયા છે? કામિની તમારું ધ્યાન નથી રાખતી? એ પ્રશ્ન નિ:સાસાભેર ગળી જવો પડેલો.’ 
એનું કારણ હતું. પિયર આવ્યા બાદ શરૂ-શરૂમાં પોતે છાતી ઠોકીને કહેતી, ‘અક્ષત હમણાં ડિવૉર્સની નોટિસ મોકલશે. હાસ્તો, મેં ખાલી કરેલું ઘર પૂરવામાં કામિની શું કામ દેર કરે! પણ આજે વરસ થવા છતાં એમાંનું કાંઈ જ બન્યું નથી એટલે મન વળી ઝોલે ચડ્યું છે : શક્ય છે, હું જ ખોટી હોઉં! અને અક્ષતના દરેક સંદર્ભ સાચા હોય. હોટેલમાં બેઉ મુરતિયાને મળવા જ ગયાં હોય.. બાકી આડાસંબંધને સીધો કરતાં તેમને કોણ રોકે એમ હતું?’ 
‘અરેરે, ખોટો વહેમ પોષી મેં મારા જ સુખમાં આગ ચાંપી? કિયારા માથું કૂટે છે. કોઈ વાતમાં મન લાગતું નથી. ખોટું કર્યાનો પસ્તાવો હૈયું કોરી ખાય છે. અક્ષતને પોતે કેટલી હદે દુખી કર્યા એ વિચારી કંપી જવાય છે. મારા સળગતા આત્માને શાતા ક્યાંથી સાંપડે?’ 
કિયારા આંખો મીંચી ગઈ, ખૂલી ત્યારે દ્વિધા નહોતી.
******
અને અક્ષતે દરવાજો ખોલ્યો. સામે કિયારાને જોઈ બોલી જવાયું ‘આવી ગઈ!’
‘નિષ્ઠુર, નિર્દય!’ તેની છાતીએ મુક્કા વીંઝતી કિયારા તેને વળગીને રડી પડી, ‘મને જવા જ કેમ દીધી! મને રોકવા જેટલોય હક ન વાપર્યો?’
તેનાં અશ્રુમાં ભૂલચૂક ધોવાતી ગઈ. 
‘મારે કામિનીભાભીની, વિરાટભાઈના પેરન્ટ્સની માફી માગવી છે અક્ષત, મેં તેમને બહુ દૂભવ્યાં.’ 
‘એક ગુડ ન્યુઝ છે, કિયારા. ભાભીને નવો જીવનસાથી મળી ગયો, વિશાલભાઈ. અમદાવાદના નિ:સંતાન વિધુર છે. આવતા સપ્તાહે કોર્ટ-મૅરેજ કરીને સૌ અમદાવાદ શિફ્ટ થાય છે.’ 
એ જ વખતે અક્ષતનો ફોન રણક્યો. સામે ધરા માફી માગતી હતી : ‘સર, કામિનીબહેનને પ્રમોશન મળ્યાની દાઝમાં તમારા સંસારમાં આગ મેં ચાંપી. કિયારાને નનામો ફોન કરાવવાનો દાવ હું રમી... તમારા જેવા નિષ્કપટ આદમીને રિબાવ્યાનો બદલો મને મળી ગયો, સર, મને કૅન્સર નીકળ્યું...’ કહેતાં તે રડી પડી, ‘કીમો શરૂ કરતાં પહેલાં મારા પાપની માફી માગું છું, સર. તમે માફ કરશો તો જ મારી ટ્રીટમેન્ટ ફળશે. મને કિયારાનો નંબર આપો...’
‘કિયારા મારી સાથે છે ધરા. અમે તને માફ કરી ચૂક્યાં, વિશ યુ સ્પીડી રિકવરી.’
ફોન પત્યા પછી પણ કિયારા એની અસરમાંથી તરત મુક્ત થઈ શકી નહીં. ‘કાશ, મેં પતિમાં વિશ્વાસ રાખ્યો હોત!’ 
‘વિશ્વાસનાં બીજ તો હતાં જ કિયારા, તો જ તો કોઈ પણ ખાતરી-પુરાવાની રાહ જોયા વિના તું આવીને.’ 
‘એ બીમાંથી પ્રણયના ઉપવનમાં ફરી વિશ્વાસનાં ફૂલ ખીલી રહ્યાં છે...’ કિયારાએ કાન પકડ્યા, ‘હવે એને મુરઝાવા નહીં દઉં.’
...અને અક્ષતે કિયારાને ભીંસી દીધી.

columnists Sameet Purvesh Shroff