કૉન્ફિડન્સ

09 June, 2023 08:21 AM IST  |  Mumbai | Rashmin Shah

‘તું મારી ચિંતા ન કર અને જઈને કામ કર... એક વર્ષની તો વાત છે. એક વર્ષ હું મારું ધ્યાન રાખી લઈશ, તું જઈને કામ કર... તારે કામ કરવાની જરૂર છે’

કૉન્ફિડન્સ

‘ના નહોતી, પણ...’ પપ્પાએ ઢબ્બુ સામે જોયું અને કહ્યું, ‘જો તમે એકધારું ખોટું કહ્યા કરો તો માણસ પણ એ ખોટી વાતમાં આવી જાય અને તેને પછી એ જ ખોટી વાત સાચી લાગવા માંડે...’

‘તારી આ મહેનતનું ફળ મારે તને આપવું છે. તારી સાથે નક્કી કર્યો હતો એ પગાર તો તને મળશે જ, પણ સાથોસાથ તને તારી ફેવરિટ બકરી પણ આપું છું...’

‘એક વાર નહીં હજાર વાર... ઠોઠડો.’
ઢબ્બુના ચહેરાના હાવભાવ ચેન્જ થવા માંડ્યા અને તેની આંખો પણ લાલ થવા માંડી. ગુસ્સો આવતો હતો, પણ સામે મમ્મી હતી અને મમ્મી પર ગુસ્સો નહીં કરવાનો એવું પપ્પાએ ઠેરવી-ઠેરવીને કહી દીધું હતું એટલે એવી કોઈ હિંમત ચાલતી નહોતી. ઈગો હર્ટ થઈ ગયો હતો ઢબ્બુનો. ઠોઠડો મીન્સ ડમ્બ, મૂર્ખ. મમ્મી તેને ડમ્બ કહેતી હતી અને એ વાતનું દુઃખ ઢબ્બુના ચહેરા પર છલકાવા લાગ્યું હતું.
‘નથી, નથી હું...’

‘છો. કીધુંને, એક વાર નહીં હજાર વાર. ઢબ્બુનો ઢ સાવ.’ મમ્મીને પણ જાણે ઢબ્બુને ખીજવવાની મજા આવતી હોય એમ તેણે પોતાના શબ્દો રિપીટ કર્યા અને કહ્યું, ‘દસ દિવસથી કહું છું કે ભણવા બેસ, પણ તું માને છે મારી એક પણ વાત. કાલે એક્ઝામ છે. હવે શું ઉકાળીશ એક્ઝામમાં. જોજે મોટું અંડું આવશે...’
‘ના... નહીં આવે.’
લગભગ રાડ જ પાડી હતી ઢબ્બુએ.

સિક્સ્થ સ્ટૅન્ડર્ડમાં આવવું હોય તો ફિફ્થ પાસ કરવાનું હતું અને એના માટે મમ્મી એક વીકથી ઢબ્બુને ભણાવતી હતી, પણ હિસ્ટરીની વાત આવે ત્યારે ઢબ્બુની હાલત ‘તારે ઝમીં પર’ના દર્શિલ સફરી જેવી થઈ જાય. એક તારીખમાં બીજી તારીખ ઘૂસી જાય અને એક ઘટના બીજી ઘટનામાં દાખલ થઈ જાય. પાણીપતનું યુદ્ધ ચાલતું હોય ત્યારે અચાનક જ તેના મનમાં મહાત્મા ગાંધી ઝબકી ઊઠે અને ભગત સિંહની લડાઈ અંગ્રેજોને બદલે અલ્લાઉદ્દીન ખિલજી સાથે થવા માંડે.
‘છો જ ડમ્બ. જોજે, બધાને પાસ કરશે તો પણ તું તો પાસ થવાનો જ નથી.’ મમ્મીએ મોઢું બગાડતાં કહ્યું, ‘રહેજે કાયમ ફિફ્થમાં ને કાઢજે પછી શાકભાજીની લારી.’
પત્યું.

ઢબ્બુની કમાન છટકી. કર્યો તેણે સ્કૂલ-બૅગનો ઘા રાઇટિંગ ટેબલ પર અને હાથમાં હતી એ પેન પણ ઉલાળી હવામાં. સપ્તકના સાતમા સૂરને સીધો ટચ થાય એ સ્તરે રડવાનો અવાજ શરૂ થયો અને એ અવાજની સાથે નુસરત ફતેહ અલી ખાનને પણ શિષ્ય બનવાનું મન થઈ આવે એવો આલાપ પણ શરૂ થયો.
નવું નહોતું આ બધું પપ્પા માટે એટલે તેમણે નજર પેપરમાં ચોંટાડેલી રાખી, પણ એકધારા આવી રહેલા રડવાના આ સૂર અને આલાપ વચ્ચે ન્યુઝપેપરમાં કૉન્સન્ટ્રેશન રહેતું નહોતું એટલે તેમણે પણ અકળાઈને પેપરને સોફા પર ફેંક્યું.
‘સન્ડેના પણ તમને મા-દીકરાને શાંતિ નથી...’
પપ્પા ઊભા થઈ સીધા પહોંચ્યા ઢબ્બુની રૂમમાં.
‘શું છે? શેના દેકારા ચાલે છે.’

‘એક જ હોયને, તમારો આ દીકરો. તૈયારી કરો લારી લેવાની તેના માટે. ભણવામાં તો ઉકાળવાનો નથી કંઈ...’
પપ્પાએ મમ્મી સામે જોયું. નજરમાં રહેલી ધાર મમ્મી પારખી ગઈ એટલે તે ઊભી થઈ ગઈ. જોકે એમ છતાં પણ પપ્પાએ મમ્મીને સંભળાવી તો દીધું...
‘શીખવવા બેસવું અને શીખવા બેસવું એ બન્નેમાં મન હોવું જોઈએ. એ કામ પરાણે ન થાય.’
‘તમારે તો મને જ કહેવાનું હોય...’
મમ્મીને જવાબ આપવાને બદલે પપ્પાએ ઢબ્બુ સામે જોયું. તેની આંખમાં એક આંસુ નહોતું આવ્યું. પપ્પાને મનોમન હસવું આવી ગયું. પપ્પાએ ઢબ્બુ સામે જોઈને કહ્યું...
‘કહેવાનું તેને હોય જેને વાત સમજાતી હોય... બરાબરને?’

સમજાયું નહોતું તો પણ અવાજમાં રહેલા સાંત્વનને પારખીને ઢબ્બુએ હકારમાં માથુ નમાવ્યું એટલે મમ્મીને ચા બનાવવાનું કહીને પપ્પા ઢબ્બુની બાજુની ચેર પર બેઠા.
‘થયું શું?’
મમ્મી બહાર ગઈ એટલે પપ્પાએ ઢબ્બુને ખોળામાં લીધો.
‘મમ્મીએ મને ઠોઠડો કીધો...’
‘છો તું?’

ઢબ્બુએ એકસાથે અનેક વખત માથું હલાવીને ના પાડી દીધી.
‘તો પછી શેનો આ દેકારો કર્યો?’ ઢબ્બુ નીચું જોઈ ગયો એટલે પપ્પાએ પૂછ્યું, ‘સ્ટોરી, આવી જ... તારી સાથે થયું એવી.’
ઢબ્બુએ હા પાડી, તરત જ.
‘એક શરતે...’ રૂમમાં વેરવિખેર પડેલી ચીજવસ્તુઓ જોઈને પપ્પાએ કહ્યું, ‘બધું ભેગું કરવાનું, તારે જાતે...’
‘ડન.’ ઢબ્બુએ સૌથી પહેલી પેન ઉપાડી, ‘પણ એ બધાની સાથે સ્ટોરી પણ...’
‘યસ...’ પપ્પાએ વાર્તા શરૂ કરી, ‘એક નાનું ગામ હતું. ગામમાં એક ખેડૂત રહે.’

‘ખેડૂત એટલે ફાર્મરને?’
‘હ... ફાર્મરને ગુજરાતીમાં ખેડૂત કહે. ખેડૂત નાનો માણસ હતો. તેની બહુ આવક નહીં. હંમેશાં મજૂરી કરીને પોતાનો ખર્ચ કાઢ્યા કરે, પણ જો ઇમરજન્સી ખર્ચ આવે તો પછી એકલો તે બધે પહોંચી ન શકે. એક વખત તે ખેડૂતને તેની માએ કહ્યું કે બાજુના ગામમાં જેને ખેતીનું કામ આવડતું હોય, જેને સારું ફાર્મિંગ આવડતું હોય તેની બહુ ડિમાન્ડ છે. તું ત્યાં જઈને કામ કર...’
lll

‘પણ પછી અહીં તારું કોણ?’
‘તું મારી ચિંતા ન કર અને જઈને કામ કર... એક વર્ષની તો વાત છે. એક વર્ષ હું મારું ધ્યાન રાખી લઈશ, તું જઈને કામ કર... તારે કામ કરવાની જરૂર છે.’
ખેડૂત તો વાત માની ગયો. તે માને પગે લાગીને નીકળ્યો બીજા ગામ જવા. બીજું ગામ થોડું જ દૂર હતું.
lll

‘ત્યાં તો ચાલીને જવું પડેને?’ ઢબ્બુએ કહ્યું, ‘એ ટાઇમે બસ કે પ્લેન નહોતાંને?’
‘રાઇટ... કાં તો ચાલીને જવાનું ને કાં તો બીજા ખેડૂતના ગાડામાં બેસીને જવાનું, પણ એના પૈસા આપવા પડે. આપણો ખેડૂત તો ગરીબ બિચારો, તે ક્યાંથી ગાડામાં બેસવાના પૈસા કાઢે... તે તો ચાલતો રવાના થઈ ગયો. સવારે ઘરેથી નીકળ્યો કે મોડી સાંજે એ ગામે પહોંચ્યો. બીજી સવારે તે કામ માટે નીકળ્યો. માની વાત સાચી હતી. અઢકળ કામ હતું એ ગામમાં તો અને જેને કામ આવડતું હોય તેને તો બધા બોલાવે. જેણે વધારે પૈસા આપ્યા તેને ત્યાં ખેડૂત કામે લાગી ગયો.’
lll

સવાર-બપોર-સાંજ.
ખેડૂતનું તો એક જ કામ. કામ, કામ અને કામ. કોઈ જાતનો આરામ કર્યા વિના કે ખોટી રીતે રજા લીધા વિના ખેડૂત કામ કરે. સમયને જતાં વાર લાગે નહીં. સમય તો ફટાફટ નીકળવા માંડ્યો. શિયાળામાં ખેડૂતે તેના માલિકને પાક અપાવ્યો, ઉનાળામાં નવેસરથી આખી જમીન ખેડી નાખી અને પછી આવ્યું ચોમાસું.
વરસાદ સારો નહોતો તો પણ ખેડૂતે કૂવાના પાણીથી પાકને બરાબર પાણી પીવડાવ્યું અને તેની મહેનત ફળી. પાક ખૂબ સારો થયો. એવો સારો કે માલિકને દર વર્ષે મળે એના કરતાં ડબલ ક્રૉપ થયો અને એટલે માલિક પણ બહુ ખુશ થયો.
‘તેં કામ સાચે જ દિલથી કર્યું...’
‘શેઠ, મહેનત કરી છે મેં તો ખાલી...’
‘મહેનત કરવા માટે પણ મન જોઈએ ભાઈ...’

ખેડૂત પાસે કોઈ જવાબ નહોતો એટલે તેણે પ્રેમથી હાથ જોડ્યા. ખેડૂતે કરેલી મહેનતનું ફળ આપવાનું મન થતું હોય એમ શેઠે કહ્યું...
‘તારી આ મહેનતનું ફળ મારે તને આપવું છે. તારી સાથે નક્કી કર્યો હતો એ પગાર તો તને મળશે જ, પણ સાથોસાથ તને તારી ફેવરિટ બકરી પણ આપું છું...’
lll

‘કેમ ગોટ?’
‘એ ગોટ પેલા ખેડૂતની ખાસ ફ્રેન્ડ બની ગઈ હતી. આખો દિવસ તેની સાથે રહે. સવારે બન્ને સાથે ખેતરે જાય અને રાતે બન્ને સાથે જ પાછાં આવે...’
‘હં... પછી?’
ફેંક્યું હતું એ બધું ભેગું કરીને ઢબ્બુ ફરી પાછો પપ્પા સામે ગોઠવાઈ ગયો હતો.
lll

ખેડૂતને તેના શેઠે બકરી આપી દીધી. બકરીને લઈને રાજી થતો ખેડૂત પોતાના ઘરે આવવા રવાના થયો. થોડું ચાલ્યો ત્યાં સાથે ચાલતી બકરી ધીમી પડી ગઈ. ખેડૂતને થયું કે બકરી હજી નાની છે, બિચારી થાકી જશે એટલે તેણે બકરી ઊંચકી એને ખભા પર બેસાડી દીધી. જોકે ખેડૂતની આ હરકત જંગલમાં જ રહેતા ત્રણ લંપટ ભાઈબંધો જોઈ ગયા.
‘યાર, આ બકરી લઈ લેવી પડે.’
બીજાએ હોઠ પર જીભ ફેરવતાં કહ્યું, ‘હા યાર, ખાવાની મજા પડશે.’
‘ને ખાતાં પહેલાં થોડા દિવસ એનું દૂધ પણ પીવા મળશે.’
કેવી રીતે હવે આ બકરીને ખેડૂત પાસેથી લઈ લેવી એનો ત્રણેત્રણ લંપટોએ પ્લાન બનાવવાનો શરૂ કર્યો. બહુ વિચાર્યા પછી મનમાં પ્લાન બરાબર બેસી ગયો અને ત્રણેય વિખેરાઈ ગયા.
lll

‘ભાઈ, આ ખભા પર શું ગધેડો લઈને જાય છે?’
એક લંપટ ભાઈબંધ આગળ જઈને ઊભો રહી ગયો. જેવો ખેડૂત ત્યાંથી નીકળ્યો કે તરત તેણે ખેડૂતને કહ્યું.
‘ગધેડો નથી, બકરી છે. શું તમે પણ ભલા માણસ...’
‘અરે, બકરી નથી સાહેબ, ગધેડો છે. જુઓ તો ખરા...’
ખેડૂતે તેની વાત પર ધ્યાન આપ્યા વિના ચાલવાનું ચાલુ રાખ્યું. આગળ વધતો જાય અને રસ્તામાં પેલી બકરી સાથે વાતો પણ કરતો જાય. થોડો આગળ ચાલ્યો ત્યાં તો પેલી લંપટ ત્રિપુટીમાંથી બીજો ભાઈબંધ તેને મળ્યો.

‘શું ખેડૂતમિત્ર, કૂતરાને ખભા પર લઈને ક્યાં ચાલ્યા?’
‘ભાઈ, કૂતરો નથી, બકરી છે આ તો...’
‘અરે ના રે, કૂતરો છે. જુઓ, જીભ એની બહાર છે...’
‘ના, ના...’
‘અરે હા, હા... બકરી નથી. કૂતરો જ છે. માનવું હોય તો માનો...’
ખેડૂત મન-મનમાં ડરી ગયો, પણ તે આગળ વધતો રહ્યો. હવે તેણે બકરી સાથે વાતો કરવાનું બંધ કરી દીધું હતું. મનમાં પેલી બીક હતી, પણ એ દેખાડતો નહોતો. બીક વચ્ચે જ તે આગળ ચાલ્યો અને ત્યાં તેને મળ્યો ત્રીજો ભાઈબંધ. લંપટ અને હરામખોર.
lll

‘તેણે પણ એવું જ ખોટું કીધુંને?’
‘હા, એ જ તેનો પ્લાન હતો.’ પપ્પાએ સ્ટોરી આગળ વધારી, ‘એ ત્રીજા ભાઈબંધે પેલા ખેડૂતને કીધું કે ખેડૂતભાઈ, આ ખભા પર ભેંસ લઈને ક્યાં ચાલ્યા?’
lll

‘ભેંસ નથી આ. આ તો બકરી...’
‘ના ભાઈ ના, બકરી નથી. જુઓ ધ્યાનથી, કાળી ભેંસ છે...’
ખેડૂતે જરાક માથુ ઊંચું કરીને ઉપર જોયું. તેને પણ બકરીની જગ્યાએ ભેંસ દેખાઈ.
lll

‘ફિસ... હતી એ ભેંસ?’
‘ના નહોતી, પણ...’ પપ્પાએ ઢબ્બુ સામે જોયું અને કહ્યું, ‘જો તમે એકધારું ખોટું કહ્યા કરો તો માણસ પણ એ ખોટી વાતમાં આવી જાય અને તેને પછી એ જ ખોટી વાત સાચી લાગવા માંડે...’
‘હં...’ ઢબ્બુનું ધ્યાન હવે પૂરેપૂરું સ્ટોરીમાં હતું, ‘પછી શું થયું?’
lll

‘આ તો ભેંસ...’
ખેડૂત ગભરાઈને બોલ્યો અને પેલા ત્રીજા લંપટે એ જ કહ્યું...
‘હા, ભેંસ તો છે. બકરી ક્યાં છે આ?!’
ગભરાયેલા ખેડૂતે તરત બકરીને ખભા પરથી નીચે ઉતારી દીધી. બકરી તો બિચારી ત્યાં ને ત્યાં ચરવાની ચાલુ થઈ ગઈ અને ચાલતી-ચાલતી આગળ નીકળી ગઈ. ખેડૂત તો બકરીને જોવા પણ ઊભો રહ્યો નહીં. તેના મનમાં એમ કે આ કોઈ બ્લૅક મૅજિક હશે, બહેતર છે કે એની સામે પણ જોવું નહીં. ખેડૂત તો સીધો ભાગ્યો. તેણે પાછળ ફરીને એક પણ વાર જોયું નહીં કે હવે તે ક્યાં છે. સીધો પોતાના ગામ જઈને ઊભો રહ્યો.
lll

‘તો પેલી ગોટ?’
‘એને પેલા ત્રણ લંપટ જે ફ્રેન્ડ્સ હતા તેમણે લઈ લીધી...’ પપ્પાએ ઢબ્બુને નજીક લીધો, ‘મૉરલ ઑફ ધ સ્ટોરી, ક્યારેય કોઈની વાતમાં આવવું નહીં. આપણને આપણા પર વિશ્વાસ હોવો જોઈએ, ટ્રસ્ટ હોવો જોઈએ કે આપણે શું કરીએ છીએ અને આપણે કેટલું કરી શકીએ એમ છીએ. રાઇટ?’
‘એકદમ રાઇટ...’ ઢબ્બુએ બુક અને પેન હાથમાં લીધી, ‘હું ઠોઠડો નથી.’
‘એકદમ રાઇટ, પણ એ પ્રૂવ કરવાનું છે. કહેવાથી નહીં ચાલે...’

‘આઇ વિલ ડૂ...’ ઢબ્બુએ બુક ખોલી, ‘નાઓ ડોન્ટ ડિસ્ટર્બ મી. હોમવર્ક બાકી છે...’
પપ્પા ઊભા થઈને બહાર જતા હતા ત્યાં તેમની પીઠ પર અવાજ આવ્યો...
‘હોમવર્ક થઈ જાય એટલે બીજી સ્ટોરી...’
પપ્પાએ સ્માઇલ કરીને જવાબ આપ્યો...
‘પ્રૉમિસ...’

સંપૂર્ણ

columnists Rashmin Shah