અઘોર નગારાં વાગે (પ્રકરણ ૧)

20 March, 2023 10:58 AM IST  |  Mumbai | Rashmin Shah

‘શટઅપ...’ સોમચંદ એકઝાટકે ઊભો થઈ ગયો, ‘સ્ટૉપ બ્લડી નૉનસેન્સ. હું તમારા જેવી ઍક્ટ્રેસના મોઢે આવી વાહિયાત વાત સાંભળવા અહીં નથી આવ્યો. ધૅટ્સ ફર્સ્ટ થિન્ગ ઍન્ડ સેકન્ડ્લી, સીધી અને સરળ રીતે મને વાત કરવી હોય તો કરો. અધરવાઇઝ ગો ટુ હેલ, જસ્ટ લાઇક યૉર...’

અઘોર નગારાં વાગે (પ્રકરણ ૧)

‘થયું શું સંજના?’ વિવેકે ફ્રેન્ડશિપ ટર્મ્સ સાથે જ પૂછ્યું, ‘અચાનક તું એ પોઝ આપવામાં કેમ ગભરાવા માંડી? ઍનીથિંગ રૉન્ગ...’
‘લિવ ઇટ...’
સંજનાએ વિવેક તરફ ધ્યાન આપ્યા વિના જ ટકિલાનો શૉટ મોઢે માંડ્યો અને એકશ્વાસે શૉટ પૂરો કરીને બાજુની પ્લેટમાં પડેલા સૉલ્ટમાંથી ચપટી સૉલ્ટ જીભના ટેરવે મૂક્યું. નિમકની ખારાશ જીભ પર અને મનમાં પ્રસરેલી જૂની યાદોની કડવાશ તેના ચહેરા પર પ્રસરી ગઈ.
- આજે કેમ આવું થાય છે? કેમ મનમાંથી એ વાત, એ વિચાર જવાનું નામ નથી લેતા? કેમ એ હજી પણ અકબંધ છે?

સંજનાએ ડ્રૉઅર ખોલી એમાંથી ટકિલાની બૉટલ કાઢીને નવેસરથી શૉટ બનાવ્યો અને ક્ષણવારમાં બીજો શૉટ પણ ગળા નીચે ધકેલી દીધો. ફરી એ જ વાતનું પુનરાવર્તન. જીભના ટેરવે ચપટી સૉલ્ટ અને નિમકની ખારાશે બગાડી નાખેલા ચહેરાના એક્સપ્રેશન. 
સંજના રૉયે ધીમેકથી જાતને સોફા પર ધકેલી.
વિવેક એકધારો એકીટશે તેને જોતો રહ્યો.
મૉડલિંગ ફીલ્ડમાં સંજનાને લાવવાનું કામ વિવેકે કર્યું હતું અને એ નાતે વિવેક સાથેની દોસ્તી સંજનાએ આજે પણ અકબંધ રાખી હતી. દોસ્તી પણ અને એ દોસ્તી સાથે જોડાયેલી નિર્દોષતા પણ.

‘વૉટ હૅપન્ડ સંજના?’ વિવેકે ફરી પૂછ્યું, ‘વાત કરશે તો સૉલ્યુશન નીકળશે... નહીં તો તું આમ જ...’
‘મમ્મી યાદ આવે છે...’
‘ધેન કૉલ હર.’ 
વિવેકે આજુબાજુમાં નજર દોડાવી. મોબાઇલ ગમે ત્યાં મૂકી દેવો એ સંજનાની જૂની આદત હતી અને અત્યારે પણ એ આદત મુજબ સંજનાએ તેનો મોબાઇલ બાર-ટેબલ પર મૂકી દીધો હતો.
વિવેક ઊભો થઈને મોબાઇલ લાવ્યો અને સંજના સામે ધર્યો.
‘નૉટ અ બિગ ડીલ... કરી લે ફોન.’
‘તેનો ફોન સ્વિચ્ડ-ઑફ છે.’

‘ઓહ...’ વિવેકે તરત જ રસ્તો કાઢ્યો, ‘લાસ્ટ ટાઇમ તે કહ્યું હતુંને કે મમ્મી સાથે હતી એ મેઇડે તારી વાત કરાવી હતી. મેઇડને ફોન...’
‘ખોટી બોલી હતી હું...’ આંખ મિલાવ્યા વિના સંજનાએ એકરાર કરી લીધો, ‘એ વખતે પણ વાત નહોતી થઈ મારી.’
‘પણ... મીન્સ વૉટ?’ 
વિવેકની આંખ સામે એ બધાં દૃશ્યો આવી ગયાં, જેમાં સંજના એવું કહેતી કે તે મમ્મી સાથે વાત કરે છે.
‘કેટલા વખતથી તારી મમ્મી સાથે વાત નથી થઈ?’ સંજના ચૂપ રહી એટલે વિવેક સહેજ ઉશ્કેરાયો, ‘આઇ ઍમ આસ્કિંગ યુ સમથિંગ...’
‘ચાર મહિનાથી...’ જવાબ આપીને સંજનાએ પણ ગુસ્સો દર્શાવી દીધો, ‘ફૉર યૉર કાઇન્ડ ઇન્ફર્મેશન, યુ આર નૉટ માય ફાધર. સો ડોન્ટ શાઉટ.’
લોખંડવાલામાં આવેલી મૅરિટાઇમ રેસિડન્સીના પેન્ટહાઉસમાં સન્નાટો પ્રસરી ગયો. અલબત્ત, આ સન્નાટો એક એવી દિશા ખોલવાનો હતો જેના વિશે કોઈએ વિચાર સુધ્ધાં ન કર્યો હોય.
lll

‘વાત જરા વિગતવાર કહેશો તો મને સમજવામાં ઈઝી રહેશે...’ ડિટેક્ટિવ સોમચંદે ભારપૂર્વક કહ્યું, ‘આઇ ગૅસ, તમને ક્યાંય જવાની ઉતાવળ નહીં હોય... અને હોય તો આપણે પછી મળીએ.’
‘નો સર... વી આર ટોટલી ફ્રી.’ સંજનાને બદલે જવાબ વિવેકે આપ્યો, ‘હું વાત કહું તો ચાલે. યુ સી... તેની મમ્મીની વાત છે તો...’
‘પ્રોસિડ...’
સોમચંદે સોફા પર સહેજ શરીર ફેલાવ્યું અને રિલૅક્શન મોડ સાથે વાત સાંભળવાની શરૂ કરી.
lll

‘મમ્મી ક્યાં છે એ ખબર નથી, મીન્સ વૉટ?!’ 
‘એ જ, જે તને સંભળાયું. મને નથી ખબર મારી મમ્મી ક્યાં છે.’ ત્રીજો શૉટ પૂરો કર્યા પછી સંજનાને હવે કરન્ટ લાગ્યો હતો, ‘રિપીટ કરું કે તને સમજાઈ ગયું?’
‘હા સમજાયું, પણ એવું કેમ બને? તું પપ્પાને...’
‘મમ્મી અને પપ્પા સાથે નથી રહેતાં...’
સંજનાનો જવાબ હવે વિવેક માટે અચરજમાં ઉમેરો કરનારો હતો.
‘સંજના, પ્લીઝ યાર... એક પછી એક ઝાટકા નહીં આપ તું. એ લોકો સાથે નથી રહેતાં એટલે એ બન્ને...’

‘હા, બન્નેના ડિવૉર્સ થઈ ગયા છે અને મારી મમ્મી પપ્પા સાથે નથી રહેતી.’ સંજનાની આંખો ભીની થઈ ગઈ હતી, ‘આ વાત હમણાંની નથી, વર્ષો જૂની છે અને વર્ષોથી બન્ને જુદાં રહે છે.’
‘તો તમે...’
‘પપ્પા સાથે રહીએ છીએ. પપ્પાએ મમ્મી સાથે કોઈ કનેક્શન નથી રાખ્યું. મારી સિસ્ટર પણ રિલેશન નથી રાખતી. એક હું છું જે મમ્મીના કૉન્ટૅક્ટમાં રહું છું.’
‘તો પછી મમ્મી...’
વિવેક સવાલ પૂછતો હતો, પણ તેના મનમાં આખી વાતના તાણાવાણા હજી પણ અધૂરા હતા, જે તેને સાચી વાત સમજાવવાની દિશામાં લઈ જવાની કોશિશ કરવાના હતા.
‘મમ્મીએ સેકન્ડ મૅરેજ કરી લીધાં અને તે ત્યારથી હવે કૉન્ટૅક્ટમાં નથી.’
‘...’ વિવેક મૂંઝવણમાં મુકાયો હતો, ‘કૉન્ટૅક્ટમાં નથી એટલે?’

‘સમજી ગયો કે તમારાં એટલે કે...’ સોમચંદે વિવેક સામેથી નજર હટાવીને સંજના સામે જોયું, ‘આમનાં મમ્મીના ડિવૉર્સ થઈ ગયા છે અને તેમનાં મમ્મીએ એક એવા તાંત્રિક સાથે મૅરેજ કરી લીધાં જે તેમના ઘરે અવરજવર કરતો. રાઇટ?’
સંજનાએ હા પાડી એટલે સોમચંદે સવાલ કર્યો...
‘આ આખી વાત છે ક્યારની? આઇ મીન, કેટલાં વર્ષ પહેલાંની?’
‘હું સાત વર્ષની હતી ત્યારની...’
સંજનાના જવાબ પરથી જે પ્રશ્ન આવ્યો એ પ્રશ્નએ સંજનાની બોલતી બે ક્ષણ માટે બંધ કરી દીધી...

‘હં... તો અત્યારે તમે કેટલાં વર્ષનાં?’
‘થર્ટીફોર રનિંગ...’ સંજનાએ ચોખવટ કરી, ‘રિયલ એજ, પણ આ એજ તમે બહાર...’
‘ડોન્ટ વરી... આ તો સહેજ ડિવૉર્સનો પિરિયડ સમજવા માટે.’ સોમચંદે વાત આગળ વધારી, ‘એ સમયથી તમે સતત તમારાં મમ્મીના કૉન્ટૅક્ટમાં હતાં.’
‘હા... ના...’ સંજનાએ ચોખવટ કરી, ‘ઍક્ચ્યુઅલી શરૂઆતનાં બે-ચાર વર્ષ તો અમારી પાસે મોબાઇલ નહોતા એટલે અમે કૉન્ટૅક્ટમાં નહોતાં. અમે પપ્પા સાથે રહેતા. પપ્પા ના નહોતા પાડતા, પણ તેમના વર્તન પરથી ખબર પડી જતી કે તે ઇચ્છે છે કે અમે મમ્મીનો કૉન્ટૅક્ટ ન કરીએ. જોકે મોબાઇલ આવ્યા પછી મેં જ સૌથી પહેલો તેમનો કૉન્ટૅક્ટ કર્યો અને પછી રેગ્યુલરલી કૉન્ટૅક્ટ બની રહ્યો.’

lll આ પણ વાંચો: 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૩૩)

‘ઓકે... હવે મને એ કહો કે તમારાં મમ્મીએ સેકન્ડ મૅરેજ શું કામ કર્યાં?’
‘દીકરા માટે...’ સોમચંદની પહોળી થયેલી આંખો જોઈને સંજનાએ ચોખવટ કરી, ‘સાચું કહું છું, મમ્મીને દીકરાનું બહુ હતું અને એ જે અઘોરી હતો તેણે મમ્મીને એ જ વાતમાં ફસાવી.’
‘એ અઘોરીનો કૉન્ટૅક્ટ કેવી રીતે થયો?’
‘પપ્પાના કારણે...’
‘પપ્પાના કારણે?!’
સોમચંદ માટે પણ આ જવાબ અચરજ પમાડનારો હતો.
lll

‘તારા પપ્પા તો સીએ હતા. તો પછી આ બધામાં...’ 
સંજનાએ આંખ સાફ કરીને વિવેકની સામે જોયું. વિવેકનો સવાલ વાજબી હતો.
‘ઍક્ચ્યુઅલી, પપ્પાના બહુબધા ક્લાયન્ટ્સ એવા હતા જેમનાં ગવર્નમેન્ટમાં કામ કરાવવાનાં થતાં. આ જે અઘોરી હતો તે...’
‘તેનું નામ શું?’
‘ચંદ્રાસ્વામી...’ નામ બોલતી વખતે સંજનાનો ચહેરો બગડી ગયો હતો, જે સ્પષ્ટપણે વિવેકે જોયું, ‘તેના પૉલિટિકલ કૉન્ટૅક્ટ બહુ હતા એટલે એક ક્લાયન્ટ થ્રૂ જ પપ્પા તેના કૉન્ટૅક્ટમાં આવ્યા અને પછી તે હરામખોર અમારા ઘર સુધી આવ્યો.’
lll

‘ઘર સુધી આવવાનું કારણ?’ સોમચંદનો સવાલ વાજબી હતો, ‘માત્ર ફૉર્મલિટી કે પછી...’
‘ચોક્કસ કારણ...’ સંજનાએ કહ્યું, ‘મમ્મી બરોડાના દીવાનનાં દીકરી હતાં. તેમની પાસે પુષ્કળ પ્રૉપર્ટી હતી, જમીનો હતો જે સરકારે ટાંચમાં લઈ લીધી હતી. એ જમીનો સરકારમાંથી છૂટી કરાવવા માટે જ પપ્પા ચંદ્રાસ્વામીને ઘરે લાવ્યા અને પછી તે નિયમિત ઘરે આવવાનો શરૂ થઈ ગયો.’
‘મમ્મી-પપ્પા વચ્ચે ઇમોશનલી કોઈ પ્રૉબ્લેમ...’

‘ના, જરા પણ નહીં...’ સંજનાની આંખો સહેજ ભીની થઈ, ‘અમને પણ બેઉ બહુ પ્રેમ કરતાં. અમારી દરેક ઇચ્છા પૂરી કરતાં... બટ યુ નો, મમ્મીની વાતમાં સતત એક વાત આવતી કે મારે દીકરો નથી. મમ્મી આમ મૉડર્ન હતી, પણ વિચારોમાં તે બહુ જુનવાણી હતી. તેને એ વાતનો અફસોસ હતો કે તેને દીકરો નથી આવ્યો. તેની બધી ફ્રેન્ડ્સ અને કઝિનને દીકરો હતો એટલે એ વાત પણ મમ્મીને બહુ ડિસ્ટર્બ કરતી હતી. પપ્પાના મનમાં આ વાત એટલી બધી નહોતી અને હોય તો ક્યારેય દેખાડતા નહીં. કહો કે તેમણે સ્વીકારી લીધું હતું કે બાળકો ભગવાનની મરજી હોય. પણ મમ્મી... કોઈ મળવા આવે કે કોઈ સગાં આવે તો તરત જ બોલે, બસ હવે, ભગવાન દીકરો દઈ દે એટલે અમારી જિંદગી સફળ થઈ જાય. બુલ શિટ્...’ 
અત્યારે પણ સંજનાથી ઉશ્કેરાઈ જવાયું. જોકે કાલે રાતે તો તે રીતસર વિવેક પર તાડૂકી ઊઠી હતી.
lll

‘સાલ્લાઓ, તમારા જેવા પુરુષોને કારણે જ અમે હેરાન થઈએ છીએ.’
‘અરે પણ... એમાં મેં શું?!’
‘તેં નહીં, બધા પુરુષોએ. તમે લોકો ન હોત તો અમને કોઈ ફરક નહોતો પડવાનો. અમારો વાળ પણ કોઈએ વાંકો ન કર્યો હોત. લીચડ છો તમે પુરુષો...’
‘કૂલ ડાઉન... બેસી જા!’
‘નથી બેસવું...’ ઊભી થઈને રૂમમાં જતી સંજનાએ ઝાટકો માર્યો, ‘તમે જ છો હરામી... બધેબધા પુરુષ હરામી...’
‘અરે બેસને...’
‘નો...’
વિવેકને ખબર હતી કે અત્યારે જે ગુસ્સો સંજના દેખાડે છે એ તેના પરનો નથી, પણ જીવનમાં બનેલી એક એવી ઘટનાનો ગુસ્સો છે જેનો ત્રાસ તેણે સહન કરવાનો છે.
lll

‘બધું બરાબર હતું જ્યાં સુધી પેલો અઘોરી અમારી લાઇફમાં નહોતો આવ્યો...’
‘તાંત્રિક? મીન્સ અધોરી બાવો?’ સોમચંદે કન્ફર્મ કર્યું, ‘રાઇટ?’
‘હા એ જ....’
‘તમારા પેરન્ટ્સ એવી વાતોમાં વિશ્વાસ ધરાવતા?’
‘પપ્પા નહોતા માનતા, પણ મમ્મી...’ સંજનાએ ધીમેકથી કહ્યું, ‘યુ સી, લેડીઝને? લેડીઝ આ બધી વાતમાં થોડી વધારે અંધશ્રદ્ધાળુ હોય.’ 
‘પછી શું થયું?’ સોમચંદથી અનાયાસ જ કહેવાઈ ગયું, ‘એ અઘોરીએ તમારી મમ્મીને કહ્યું કે તે મંતરેલું ફળ આપશે જે ખાવાથી તેને દીકરો આવી જશે.’
‘ના, તેણે એવું કહ્યું કે તું મારું મંતરેલું સ્પર્મ લે...’

‘શટઅપ...’ સોમચંદ એકઝાટકે ઊભો થઈ ગયો, ‘સ્ટૉપ બ્લડી નૉનસેન્સ. હું તમારા જેવી ઍક્ટ્રેસના મોઢે આવી વાહિયાત વાત સાંભળવા અહીં નથી આવ્યો. ધૅટ્સ ફર્સ્ટ થિન્ગ ઍન્ડ સેકન્ડ્લી, સીધી અને સરળ રીતે મને વાત કરવી હોય તો કરો. અધરવાઇઝ ગો ટુ હેલ, જસ્ટ લાઇક યૉર...’
મોઢામાં આવી ગયેલો ‘મૉમ’ શબ્દ ગળા નીચે ઉતારીને ડિટેક્ટિવ સોમચંદ ઘરના દરવાજા તરફ આગળ વધી ગયા.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah