ઘમંડ (પ્રકરણ ૪)

02 February, 2023 11:55 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

સૌમ્યા માટે આ રીતના રિપોર્ટ્સ ઊભા કરવા ડૉ. સ્મિતા માટે સરળ હતા. સ્મિતા-જયની રિલેશનશિપનો કોઈ નક્કર પુરાવો નહોતો નારંગ પાસે, પણ તેણે ફેંકેલી ચિનગારી દાવાનળનું રૂપ લેવાની ભીતિએ તેઓ મેડિકલ એથિક્સની વિરુદ્ધ જઈને પણ બ્લૅકમેઇલિંગને તાબે થઈને રહ્યાં.

ઘમંડ (પ્રકરણ ૪)

ગુરુવારની બપોરે સાડાત્રણના સુમારે ડોમેસ્ટિક ઍરપોર્ટ જવા ચર્ની રોડથી નીકળેલી ટૅક્સી વરલીના સિગ્નલ આગળ ઊભી રહી. પાછલી સીટ પર ગોઠવાયેલા નારંગે બારીની બહાર નજર કરી. એક મકાન પર કીકી સ્થિર થઈ : અહીં ક્યારેક ડૉ. સ્મિતા મારફતિયાનું સ્મિતા ક્લિનિક હતું... સ્ત્રીરોગનાં તે નિષ્ણાત ડૉક્ટર. 
અને નારંગના હોઠ વંકાયા. 
નર્યો જોગાનુજોગ! 

પ્લેબૉય નારંગ કમિટમેન્ટમાં માનતો નહીં અને છોકરીઓ પણ નારંગનો પૈસો જોઈને બધી પ્લેઝર્સ માણવા દેતી. આવામાં અનવૉન્ટેડ પ્રેગ્નન્સી રહી જાય ત્યારે લેડી ડૉક્ટરની જરૂર વર્તાતી.
એમાં વરલીનાં ડૉ. સ્મિતાબહેન અણધાર્યા નારંગની ઝપટમાં આવી ગયાં. ખરેખર તો ત્રીસીમાં પ્રવેશતાં ડૉ. સ્મિતા અપરિણીત હતાં અને પરિણીત ડૉક્ટર જયકુમાર સાથે તેમનું અફેર હતું. રંગરેલી માણવા બેઉ હોટેલનો ખૂણો ખોળતાં. એવા જ મતલબથી હોટેલમાં જતા નારંગની આંખે બે-ચાર વાર ચડ્યાં.
‘તમારાં વાઇફને ડિવૉર્સ દઈને આપણે એક થવાનું વિચારો.’ લૉબીમાં પોતાના પાર્ટનરને ઇન્સિસ્ટ કરતાં સ્મિતાને સાંભળ્યા પછી તેમના અનૈતિક સંબંધમાં સંશય ન રહ્યો. ત્યારે તો એટલો જ સ્વાર્થ કે પોતાની ગર્લફ્રેન્ડનો ‘ભાર’ સ્ત્રીરોગનિષ્ણાત ડૉક્ટર હળવો કરી આપે! ઇલીગલ અબૉર્શન આમેય મુશ્કેલ થતું જાય છે.

નારંગને ઇનકાર કરવાનું ડૉ. સ્મિતાનું ગજું નહોતું. સમાજમાં આડો ગણાતો સંબંધ ઉજાગર થાય એ કોને ગમે! જયની પણ એ જ સલાહ હતી.
બસ, આ પૂર્વભૂમિકામાં જોગાનુજોગ એટલો થયો કે તેમના ક્લિનિકમાંથી નીકળેલાં સૌમ્યા-વીણાબહેન નવી ગર્લફ્રેન્ડને લઈ પ્રવેશતા નારંગની આંખે ચડ્યાં. તેમનું ધ્યાન નારંગ પર નહોતું. સૌમ્યાને જોતાં જ નારંગને લાકડીનો માર યાદ આવી ગયો... કૉલેજ દરમ્યાન તો એનું વેર ન વસૂલાયું, પણ હવે કંઈ થઈ શકે ખરું? તેના વિશે ડૉ. સ્મિતાને પૂછતાં તેમણે સહજભાવે ખુલાસો કર્યો : છોકરીને તકલીફ તો લાગે છે, પણ ઇલાજથી આવી જશે... 
‘નહીં આવે...’

ગર્લફ્રેન્ડનું અબૉર્શન તાત્પૂરતું બાજુએ રહ્યું. ડૉક્ટર સાથે એકલા પડીને નારંગે પાકું કર્યું કે સૌમ્યાને એવો જ રિપોર્ટ મળવો જોઈએ કે તે કોઈ રીતે મા નહીં બની શકે!
સૌમ્યા માટે આ રીતના રિપોર્ટ્સ ઊભા કરવા ડૉ. સ્મિતા માટે સરળ હતા. સ્મિતા-જયની રિલેશનશિપનો કોઈ નક્કર પુરાવો નહોતો નારંગ પાસે, પણ તેણે ફેંકેલી ચિનગારી દાવાનળનું રૂપ લેવાની ભીતિએ તેઓ મેડિકલ એથિક્સની વિરુદ્ધ જઈને પણ બ્લૅકમેઇલિંગને તાબે થઈને રહ્યાં. શું થાય! 
અલબત્ત, ત્યારે નારંગને એવો અંદાજ નહીં કે સૌમ્યા પ્રેમમાં હશે અને ડૉક્ટરનું નિદાન પ્રણય પ્રકરણનો પ્રવાહ પલટી નાખશે... શક્યતા એવી વિચારેલી કે સ્મિતાબહેનના નિદાન પછી તે સેકન્ડ ઓપિનિયન લીધા વિના ન જ રહે. ત્યારે ભાંડો ફૂટે તો ભલે. એટલો વખત તે નાસીપાસ થઈને જીવે એ પૂરતું છે. શક્ય છે કે બીજા ડૉક્ટરને મળ્યા પહેલાં આપઘાત પણ કરી લે – હુ કૅર્સ! 

એ તો છ-છ વરસે આદર્શે સંપર્ક સાધ્યો ત્યારે પોતે વાવેલા બીજનો પાક સમજાણો... કેટલું સુકૂન મળ્યું જાણીને. પસ્તાવો જાગવો તો સંભવ નહોતો, કેમ કે અમીરી ગુમાવવાની કડવાશ જ રહી છે મારા અસ્તિત્વમાં. હાઈ સોસાયટીના પ્લેબૉયે કૂતરાને ટ્રેઇન કરવા પડે એ નાલેશી જેવીતેવી છે! આવામાં બીજાની બરબાદી વિશે જાણીએ ત્યારે શાતા જ સાંપડે!
ખેર, સૌમ્યા પર વીજળી પાડનારાં ડૉ. સ્મિતા બીજા વરસે પ્લેન-ક્રૅશમાં મૃત્યુ પામ્યાં. મેડિકલ ડેલિગેશન માટે સિંગાપોર જનારી ડૉક્ટરોની ટીમમાં જયકુમાર પણ હતા. પ્લેન તૂટતાં તેમનો સંબંધ જાહેર થતાં પહેલાં તેમના જીવન સાથે અસ્ત પામ્યો!
પણ કદાચ સૌમ્યા સાથે લેણું બાકી રહ્યું હશે... તો જ આદર્શે મને સાંભર્યો! 
સૉરી સૌમ્યા. આજથી છ વરસ અગાઉ તારી સાથે જે બન્યું એ તું બદલી નથી શકવાની અને આજે જે બનવાનું એ અટકાવી નથી શકવાની!

lll આ પણ વાંચો : ઘમંડ (પ્રકરણ ૧)

‘નહીં આદર્શ, તારા માણસને વારવાથી સત્ય બહાર નહીં આવે. સૌમ્યાએ અમને સોગંદથી બાંધ્યા છે એટલે સત્યનું અનાવરણ તેણે જ અહીં આવીને કરવું રહ્યું... અને એ એક જ રીતે શક્ય છે..’ 
નરોતમભાઈએ ઍરપોર્ટનો નંબર ઘુમાવ્યો. 
આદર્શ માટે બધું જ શૉકિંગ હતું. માએ સૌમ્યાની ચિંતા દાખવી, તેનાં માવતરને તેડાવ્યાં... પાછા એ લોકો પણ મારો પ્લાન જાણીને મારા પર ગિન્નાવાને બદલે હવે સૌમ્યાને અહીં તેડવા માગે છે! 
આ બધું થઈ શું રહ્યું છે!
lll

‘સૉરી સર...’ ચેક-ઇન ઑફિસરે અદબથી કહ્યું, ‘પૅસેન્જર ફ્લાઇટ માટે પેટનું વજન હોવું જોઈએ એનાથી તમારા શેરુનું વજન બસો ગ્રામ વધુ છે... એને તમે જોડે નહીં રાખી શકો. એને કાર્ગો ફ્લાઇટમાં જ રવાના કરવો પડે...’
ડેમ ઇટ! આખા પ્લાનના હીરો જેવો ડૉગી પ્લેનમાં જાય જ નહીં તો-તો ફિયાસ્કો થઈ જાય! થોડી વારમાં ઍરોપ્લેન માટેનો કોચ ગેટના દ્વારે આવી જવાનો... શેરુ વિના મારે ફ્લાઇટમાં ચડવાનો અર્થ જ નથી. એક ઉપાય છે... પ્લેનમાં જે થવાનું એ ઍરપોર્ટની લાઉન્જમાં કરી નાખ્યું હોય તો! આખરે આદર્શને સૌમ્યાને અપમાનિત કરવા સાથે મતલબને...
અને ખંધું મલકીને નારંગ શેરુનું બાસ્કેટ ખોલવા જાય છે કે...
‘મિસ સૌમ્યા નરોત્તમ મહેતા. યૉર અટેન્શન પ્લીઝ!’

માઇકની જાહેરાતે સૌમ્યા ચમકી. નારંગ પણ ટટ્ટાર થયો. વળી નવો શું ફણગો ફૂટ્યો!
‘તમારા માટે તમારા પિતાશ્રીનો તાકીદનો સંદેશો છે... પ્લીઝ ડોન્ટ બોર્ડ ધ ફ્લાઇટ... તમારે દિલ્હી જવાનું નથી. મિસ્ટર આદર્શ મહેતા ઇઝ ક્રિટિકલ...’
હેં! આ...દર્શ ક્રિ...ટિકલ! સૌમ્યાના હાથ-પગ ઠંડા થઈ ગયા. ચિત્તમાં પળવાર શૂન્યાવકાશ સર્જાયો.
‘તમને ઇમિજિયેટલી તેમના ઘરે પહોંચવા કહ્યું છે... મિસ સૌમ્યા મહેતા... યૉર અટેન્શન પ્લીઝ...’
સૌમ્યા લગેજ છોડીને હાંફતી-ધ્રૂજતી બહાર તરફ ભાગી. 
‘જલદી જજે સૌમ્યા, કદાચ છેવટનો મોંમેળાપ થાય!’

અચાનક સામે આવીને ઊભેલા નારંગ જોડે અથડાતી સૌમ્યાએ લથડિયું ખાધું. અરે, આ તો નારંગ! તેના ડાઉનફૉલની વાતો સોસાયટીમાં છૂપી નથી... હાઈ સોસાયટી સર્કલમાંથી ત્યારનો ગાયબ થઈ ગયેલો નારંગ આજે દેખાયો... અણધાર્યા ફણગાએ નારંગની દાઝ વધી. આદર્શને અચાનક શું થયું? તે મરશે તો મારા ત્રણ લાખ નહીં મળે! પછી તેનું કામ પણ શું કામ કરવું? હા, વ્યાકુળ રાધાની જેમ દોટ મૂકતી સૌમ્યાના ઘા પર નમક નાખવાનો લુત્ફ જરૂર લઈ શકાય! દુર્જન તેનો સ્વભાવ નથી છોડતો એમાં જ ખતા ખાય છે. પાશવી આનંદ માણવામાં તેણે જીભ કચરી,

‘મા નહીં બની શકનારી તું આદર્શના કામની ન રહી. પાણી હોય તો આદર્શની ચિતા સાથે ભડભડ સળગી આજની પેઢીમાં સતીપણાનો દાખલો બેસાડજે...’     
સૌમ્યાને અત્યારે જીભાજોડીમાં રસ નહોતો. નારંગને હડસેલો મારીને તે આગળ વધી ગઈ - ટૅક્સી! 

lll આ પણ વાંચો : ઘમંડ (પ્રકરણ ૨)

‘ક્યાં છે મારો આદર્શ? શું થયું તેને...’
પાગલની જેમ ચીસો નાખતી સૌમ્યા ઘરમાં દાખલ થઈ. મા-પિતાજી, વિદ્યામા ગંભીર ચહેરે હૉલમાં બેઠાં હતાં. અંદરની રૂમમાં ચાદર ઓઢીને સૂતેલા આદર્શને જોતાં જ તે દોડી ગઈ. 
‘જાણે કઈ વાતનો તેને આઘાત લાગ્યો!’ તેની પાછળ રૂમમાં આવેલા વડીલોએ નિ:શ્વાસ નાખ્યો, ‘સ્થિતિ ગંભીર છે. ઍમ્બ્યુલન્સ આવતી જ હશે...’
‘અફસોસ એટલો રહેવાનો કે તે તારી પ્રીતને પહેચાની ન શક્યો. તેની સફળતા માટે મા સિવાય પણ કોઈએ વ્રત-બાધા રાખ્યાં, દિવસભર પ્રાર્થનાઓ કરી એ જાણી ન શક્યો. તેં મને મારેલા ધક્કા પાછળનું સત્ય અછતું જ રહ્યું તેના માટે.’ 
‘આદર્શને કહું પણ કેમ મા!’ તેનો હાથ છાતીએ ચાંપતી સૌમ્યાનાં અશ્રુ ફૂટ્યાં, ‘હું મા નહીં બની શકું એ જાણીને પણ...’
એવો જ આદર્શ બેઠો થઈ ગયો - વૉટ!

સૌમ્યાને આંચકો પચાવતાં વાર લાગી. આદર્શે મને પનિશ કરવા નારંગને હાયર કરેલો એ અનર્થ ટાળવા વડીલોએ આદર્શની બીમારીનો ડ્રામા કર્યો. એની ઇમ્પૅક્ટ ઊભી કરવા ફોનને બદલે માઇક પર જાહેરાત કરવાની ચાલ રમ્યા! તે બેસી પડી.
‘જાણું છું, તારું દિલ દુખાયું; પણ શું થાય! તેં અમને સોગંદે બાંધેલા અને આદર્શ માટે સત્ય જાણવું હવે જરૂરી બની ગયું હતું.’
સત્ય! સૌમ્યાના હોઠ કાંપ્યા. તેની સામે ઘૂંટણિયે ગોઠવાતા આદર્શ માટે હવે બધું સ્પષ્ટ હતું. 
‘આ તેં ખોટું કર્યું હોં સૌમ્યા. મને અપ્રિય થવા તેં માનું અપમાન કર્યું એ દૃશ્યે મારી બુદ્ધિ કુંઠિત કરી મૂકી. બીજું કંઈ ન સૂઝતાં એને હું તારો ઘમંડ સમજી બેઠો... ‘ 
આદર્શનો પસ્તાવો સૌમ્યાની પાંપણ છલકાવી ગયો. 

‘યુ સિલી ગર્લ! મને તારા સાથનો ખપ હોય, નિ:સંતાન દંપતી શું સુખી નથી હોતાં! વડીલોએ જે આજે કર્યું એ પહેલાં જ કર્યું હોત તો છ-છ વરસનો વિયોગ વેઠવાનો ન થાત...’ 
સત્ય જાણીને દીકરાએ વાળેલો પ્રત્યાઘાત વિદ્યામાને ટાઢક આપી ગયો. દીકરો ખુશ રહે પછી મૂડીનું વ્યાજ મળે કે ન મળે એ ગૌણ છે! 
વડીલોના બહાર નીકળ્યા પછી અંદર જોકે જુવાન હૈયાં વચ્ચે થોડી ખેંચતાણ ચાલી. 
‘લોકો મને ઘમંડી કહે છે, પણ જીદમાં તમેય ઓછા નથી. મારા જેવી ઊણપવાળીને પરણી...’
‘શિશ... મારા રહેતાં તું ઊણપવાળી ક્યાંથી?’ 

આમાં નિતાંત પ્રણય હતો. સૌમ્યા આદર્શને વળગી પડી, ‘જાણું છું, તમે તો આવા જ!’ 
પછી તેની પીઠે ધબ્બો માર્યો - તમે મને નફરત કરો એ જ તો હું ઇચ્છતી હતી. તમે મારો ઘમંડ તોડવા જે કંઈ પ્લાન કર્યું એની ફરિયાદ નથી, પણ લઈ-દઈને તમને ભાડૂતી આદમી તરીકે નારંગ જ મળ્યો? જાણો છો ઍરપોર્ટ પર તમારા ખબર જાણીને બોલી ગયો - મા નહીં બની શકનારી તું આ...દર્શના...
સૌમ્યા કાંપી, આદર્શમાં પ્રકાશ પથરાયો - જેની જાણ સૌમ્યા અને ઘરના વડીલો સિવાય કોઈને નહોતી. નિદાન કરનારાં ડૉક્ટર ક્યારના સ્વર્ગે સિધાવી ચૂકેલાં તો પછી નારંગે જાણ્યું કેમ!
‘ધેર ઇઝ સમથિંગ...’ આદર્શને નારંગ સાથેની મુલાકાત સાંભરી, તેનું અટ્ટહાસ્ય સાંભર્યું. સૌમ્યા બાબત વાત માંડતાં તે આવેશમાં કદાચ એમ તો કહેવા નહોતો માગતોને કે વાતને ગોળ-ગોળ ન ઘુમાવ, સીધેસીધું કહી દે કે સૌમ્યાની ઊણપમાં મારો હાથ હોવાનું તું જાણી ચૂક્યો છે?

આદર્શે હોઠ પીસ્યા. ચોક્કસ નારંગનું ડૉ. સ્મિતા સાથે કોઈ કનેક્શન હોય ને પોતાના અપમાનનું વેર વાળવા તેણે જ નિદાનની બાજી રમી. નારંગના તમામ સંદર્ભનો આ જ અર્થ નીકળે! 
‘પણ આદર્શ, પપ્પાએ બીજા ડૉક્ટરને પણ રિપોર્ટ્સ બતાવેલા...’
‘યા સૌમ્યા, તેમણે રિપોર્ટ્સ જોયા છે, તને તપાસી નથી.’
સૌમ્યાને ફરકનો ઝબકારો થયો.

- અને એ જ સાંજે હિન્દુજા હૉસ્પિટલનાં જાણીતાં ડૉક્ટર ઇન્દ્રાણીબહેનની તપાસે દૂધનું દૂધ કરી નાખ્યું. 
‘યુ આર ઇન ટાઇમ સૌમ્યા. છ મહિનાની ટ્રીટમેન્ટ લેવી પડશે... પછી જોઈએ એટલાં બેબીઝ કરજે!’ 
સૌમ્યાની આંખો વરસી પડી. માવતરે ઈશ્વરનો પાડ માન્યો.
આદર્શે દમ ઘૂંટ્યો - હવે એક જ કામ બાકી રહે છે!

lll આ પણ વાંચો : ઘમંડ (પ્રકરણ ૩)

અઠવાડિયા પછીની એક સવારે... 
જૉગિંગ માટે નીકળેલો નારંગ મનમાં હજીયે આદર્શ-સૌમ્યાને ગાળ દઈ રહ્યો છે. પેલા દહાડે સૌમ્યા ઍરપોર્ટથી નીકળી પછી આદર્શની મરણનોંધ બીજા દહાડે છાપામાં ન દેખાતાં ફોન કર્યો તો જનાબે કહી દીધું કે સૌમ્યા સાથે બુચ્ચા થઈ ગયા છે, આપણો પ્રોગ્રામ કૅન્સલ. 
લો બોલો! રામ જાણે બધું કેમ થયું, પણ તેણે ત્રણ લાખની ઍડ્વાન્સ પાછી ન માગી એ ગનીમત!
- અને જૉગિંગ કરતો નારંગ ભઉં ભઉં...ના અવાજે ચોંક્યો. ડાઘિયા કૂતરાને ધસી આવતો જોઈને હેબતાયો. ત્યાં તો એ નારંગ પર ખાબક્યો. જમીન પર ચત્તાપાટ પડેલા નારંગના અંગ પર એવું મોં માર્યું કે હવે નારંગ પુરુષમાં રહ્યો નથી અને એ આઘાતે પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી ચૂક્યો છે!

આખો કારસો આદર્શે રચ્યો એ જાહેર કરવાની જરૂર ખરી! સૌમ્યાની ઊણપ બાબત નારંગ માહિતગાર હોવાની ઘટના જ તે ગુનામાં સામેલ હોવાની ગવાહી પૂરે છે - એના માટે બીજા પુરાવાની જરૂર નહોતી. જેમ તેણે સૌમ્યા માટે શેરુને તૈયાર કરેલો એમ નારંગનું અંગ ફાડવા જિમીને ટ્રેઇન કરાયો હતો... ઘરના વડીલોને કે ઈવન સૌમ્યાને પણ આની જાણ નથી. શું જરૂર! તમે પણ કોઈને કહેશો નહીં. અને હા, જોડિયા બાળકોના આગમન પછી આદર્શ-સૌમ્યાનું સુખ પૂર્ણ છે એટલું વિશેષ. 

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff