ખમ્મા માવડી ખમ્મા

05 June, 2023 09:35 AM IST  |  Mumbai | Rashmin Shah

‘ઑબ્વિયસ્લી તુંડમજી, તું... ભાભીને તો હું ન લઈ જઉંને?!’ સોમચંદ ઊભા થયા, ‘ત્રણ વાગ્યા છે. રાતના આઠ પહેલાં અમદાવાદ જવું છે. ગેટ રેડી... ઍરપોર્ટ પર મળીએ. બાય...’

ખમ્મા માવડી ખમ્મા

‘એક શરતે કામ થશે...’ સોમચંદના ચહેરા પરની ગંભીરતા અકબંધ રહી, ‘કહું નહીં ત્યાં સુધી કોઈને ખબર ન પડવી જોઈએ કે આપણે આ કેસ હાથમાં લીધો છે. ઑન પેપર એ જ વાત રહેવી જોઈએ કે મુંબઈ પોલીસે આ કેસ હાથમાં લેવાની ના પાડી.’

‘ખમ્મા માવડી ખમ્મા...’
પીઠ પર મારેલી સાંકળોની પીડા વચ્ચે ભૂવાની આંખો ચકળવકળ થવા માંડી હતી. શરીરમાં ધ્રુજારી આવી ગઈ હતી અને તે એવી રીતે ઝાટકા મારતો હતો જાણે કે શરીરમાં કોઈ પ્રવેશી રહ્યું હોય અને પ્રવેશનારો આત્મા આખા શરીરમાં ચટકા ભરતો હોય.
‘ખમ્મા... ખમ્મા...’
સ્ટેજની નીચે બેઠેલા તમામેતમામ લોકોના હાથ જોડાઈ ગયા હતા. ભૂવાની સાથે રહેલા તેના ચેલાએ માવડીને ખમૈયા કરાવવા માટે આહવાન આપવાનું શરૂ કરી દીધું હતું તો સાથોસાથ પોતાની સાથે રહેલી થેલીમાંથી તેણે કાળા રંગની ભરતગૂંથણથી ઓપતી ચૂંદડી પણ ભૂવાના માથા પર ઓઢાડી દીધી હતી. માથા પર ચૂંદડી આવતાં જ ભૂવો અડધી ક્ષણ પૂરતો શાંત પડ્યો અને પછી અચાનક જ એ ચૂંદડીની અંદર હરકતો શરૂ થઈ. ચૂંદડી ગરદન સુધી હતી એટલે ભૂવાના બહાર રહેલા બન્ને હાથ સૌકોઈ જોઈ શકતા હતા. થોડી ક્ષણો પહેલાં શરીરે જે ચટકા ચાલતા હતા એ ચટકા હવે જાણે કે હથેળીમાં શરૂ થયા હોય એમ ભૂવાએ હથેળી પર બટકાં ભરવા માંડ્યાં હતાં. કોણીએ પણ ચટકા આવતા હોય એમ ભૂવાએ કોણી પણ જમીન પર ઘસવાની શરૂ કરી દીધી હતી. કોણી જમીન પર ઘસાતી હોવાથી ભૂવાનું આખું શરીર કમરેથી વળી ગયું હતું. ઊંઘા ઘૂંટણે બેઠેલો છ ફુટનો ભૂવો આ અવસ્થામાં રોકડા અઢી ફુટનું ટૂંટિયું બની ગયો હતો.
‘બસ માવડી બસ... ખમૈયા કરો...’
ભૂવાના ચેલાએ ફરી પડકારો આપ્યો જેમાં શાંત થવાનું ઇજન હતું, પણ એ ઇજન આપતાં-આપતાં તેની હરકતો એવી જ હતી કે માવડી ખમૈયા કરવાને બદલે વધારે જોર સાથે સૌની સામે આવે.
‘શાંત, માવડી શાંતિ...’
ભૂવાના ચેલાએ હાથ લંબાવ્યો કે તરત જ ભૂવાને આમંત્રણ આપીને બોલાવનારા યજમાને ચેલાના હાથમાં ધુપેલિયું મૂકી દીધું. ગાયના છાણનો દેવતા એમાં પ્રજ્વળતો હતો, જેના પર ગૂગળના મોટા ટુકડા ઓરવામાં આવ્યા હતા. ધુપેલિયામાંથી નીકળતા ધુમાડા જાણે કે નાનાં વાદળો ઊભાં કરતાં હોય એમ આસપાસમાં પથરાઈ ગયા હતા. 
હાથમાં ધુપેલિયું લઈને ચેલાએ ધૂપ ભૂવાના ઢંકાયેલા ચહેરા પર આપવાનો શરૂ કર્યો. ઢંકાયેલા ચહેરા પર ધૂપ આવતાંની સાથે જ ભૂવામાં નવું જોર આવ્યું. ફરીથી તેના શરીરમાં ઉછાળ આવવા માંડ્યો અને એ જોઈને હાજર રહેલા ગાયકોએ પણ તાનમાં આવીને માતાજીના દુહા અને છંદ શરૂ કરી દીધા.
lll
‘આ માણસ જો પોતાની જાતને માતાજીનો ભૂવો કહેતો હોય તો પછી તેના જીવનમાં છોકરી આવી કેવી રીતે?’ 
ડિટેક્ટિવ સોમચંદની નજર હજી પણ સૂરજ ભૂવાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ચાલતા વિડિયો પર હતી. વિડિયોમાં ચાલતાં એ દૃશ્યો કોઈ પણ કાચાપોચાને ધ્રુજાવી દે એવાં હતાં તો સાથોસાથ કોઈ પણ શ્રદ્ધાળુને અંધશ્રદ્ધા તરફ ધકેલી દેવાની તાકાત ધરાવતાં હતાં.
‘ધર્મ અને આસ્થાના નામે આપણે ત્યાં જે ધતિંગ ચાલે છે એ ખરેખર ગજબનાક છે.’ વિડિયો પૂરો થયો એટલે સોમચંદે ઇન્સ્પેક્ટર ગાયતુંડે સામે જોયું, ‘ધારા આની ગર્લફ્રેન્ડ હતી અને એવું તે પોતે પોલીસને કહી ચૂક્યો છે. શેમ યાર... આ એક સ્ટેટમેન્ટ પર જ આ માણસની અરેસ્ટ કરવી જોઈએ.’
‘ઠીક છેને એ બધું...’ ગાયતુંડેએ કેસના પેપર્સ આગળ ધર્યા, ‘આપણે ખોટી દિશામાં વાત કરવાને બદલે ધારા પર ફોકસ કરીએ. આમાં ધારા ગુમ થયાની આખી હિસ્ટરી છે અને ધારાના ભાઈનું કહેવું છે કે ધારા મુંબઈમાં છે. આપણે મુંબઈમાં તેને શોધવાની છે.’
‘બે કિલો રાંધેલી ખીચડીમાંથી ઘઉંનો દાણો શોધવો આસાન છે તુંડમજી...’ મૂડમાં હોય ત્યારે સોમચંદ ગાયતુંડેને આ હુલામણા નામે બોલાવતા, ‘મુંબઈના દોઢ-પોણાબે કરોડના પૉપ્યુલેશનમાંથી એક છોકરીને શોધવાનું કામ સહેલું નથી.’
‘સાચું છે, પણ તને ખબર તો છે... આ લોકો તને કોઈ સહેલું કામ ક્યારેય આપતા નથી...’ ગાયતુંડેને ખબર હતી કે સોમચંદની પાસેથી કામ કેમ કઢાવવું, ‘અઘરું કામ છે એટલે તો તું યાદ આવ્યો અને અમને ખાતરી છે તું આ અઘરા કામને ઈઝી બનાવી દેશે.’
‘હવા ભરે છે?!’
હસીને ગાયતુંડેએ હા પાડી અને કહી પણ દીધું...
‘તને ગમતું હોય તો વધારે ભરું...’
‘એક શરતે કામ થશે...’ સોમચંદના ચહેરા પરની ગંભીરતા અકબંધ રહી, ‘કહું નહીં ત્યાં સુધી કોઈને ખબર ન પડવી જોઈએ કે આપણે આ કેસ હાથમાં લીધો છે. ઑન પેપર એ જ વાત રહેવી જોઈએ કે મુંબઈ પોલીસે આ કેસ હાથમાં લેવાની ના પાડી.’
‘આવી શરતનું કોઈ કારણ...’
‘આ ઘટના સાથે જોડાયેલા સૌકોઈને આપણે અંધારામાં રાખવા છે.’
‘ડન...’
કેસ-પેપર્સ લઈને સોમચંદ ઊભા થઈ ગયા.
lll
સૂરજ માતાજીનો ભૂવો હતો. તેનાં મૅરેજ થઈ ગયાં હતાં અને તેને બે બાળકો હતાં. આ જ સૂરજ ભૂવાના કૉન્ટૅક્ટમાં ધારા નામની એક છોકરી આવી. બન્ને ઇન્સ્ટાગ્રામ પર મળ્યાં. શરૂઆતમાં બન્ને વચ્ચે મેસેજ પર વાત થતી, પણ એ પછી બન્ને રૂબરૂ મળતાં થયાં અને સૂરજ ભૂવાએ ધારા સાથે રહેવાનું શરૂ કરી દીધું. વાઇફ અને છોકરાઓ પણ એ જ શહેરમાં રહે અને એ જ શહેરમાં સૂરજ અને ધારા પણ રહે. એકાદ વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું. સૂરજ જ્યાં પણ જાય ત્યાં ધારાને સાથે લઈ જાય અને ધારા પણ જાહેરમાં હોંશે-હોંશે એવું કહે કે તે સૂરજ સાથે મૅરેજ કરવાની છે.
સમય જતાં ધારા અને સૂરજ વચ્ચે કોણ જાણે કઈ વાતનો વિખવાદ થયો કે ધારાએ સૂરજ સામે રેપની ફરિયાદ દાખલ કરી. રેપનો કેસ હતો એટલે નૅચરલી સૂરજની ધરપકડનો આદેશ આવ્યો અને સૂરજ ગુમ થઈ ગયો. થોડા સમય પછી ધારા જ પોલીસ પાસે સામેથી ગઈ અને કેસ પાછો ખેંચવાની તેણે માગ કરી, પણ ત્યાં સુધીમાં કેસ કોર્ટમાં ફાઇલ થઈ ગયો હોવાથી ફરિયાદ હવે કોર્ટમાં જ પાછી ખેંચવાની હતી, જે પ્રક્રિયા ચાલુ થઈ તો બીજી તરફ ફરી સૂરજ અને ધારા બન્ને સાથે ફરવા માંડ્યાં.
પોલીસ પણ આ કેસને પારખી ગઈ હતી એટલે હવે એને પણ સૂરજની અરેસ્ટમાં કોઈ રસ રહ્યો નહોતો તો સાથોસાથ એ પણ એટલું જ સાચું હતું કે સૂરજના ભક્તોની સંખ્યા એટલી મોટી હતી કે પોલીસ કોઈની ધાર્મિક લાગણી દુભાવવા પણ તૈયાર નહોતી.
ફરી સમય પસાર થયો અને એક દિવસ સૂરજે આવીને પોલીસમાં કમ્પ્લેઇન કરી કે ધારા મળતી નથી. બે દિવસથી ધારાનો પત્તો ન હોવાથી પોલીસે ધારાને શોધવાની શરૂ કરી, પણ ચોવીસ જ કલાકમાં સૂરજ ફરી પોલીસ સ્ટેશને આવ્યો અને તેણે ધારાનો મેસેજ વંચાવ્યો, જેમાં લખ્યું હતુંઃ મારે હવે તારી સાથે રહેવું નથી એટલે મને શોધવાની કોશિશ કરતો નહીં. હું હવે કાયમ માટે મુંબઈ જઉં છું.
સૂરજે ધારા ગુમ થયાની જે ફરિયાદ કરી હતી એ પાછી ખેંચી લીધી અને પોલીસ પણ પોતાના કામે લાગી ગઈ, પણ કહાનીમાં ટ‍્વિસ્ટ અહીંથી આવતો હતો.
હવે આખા પિક્ચરમાં ધારાનો ભાઈ ઉમેરાયો અને ત્રણ મહિના પછી તેણે પોલીસમાં ફરિયાદ કરી કે ધારા લાંબા સમયથી ગુમ છે એટલે તેને શોધવામાં આવે. પોલીસે સૂરજવાળો કેસ ધારાના ભાઈ મીત સામે રજૂ કર્યો, પણ મીત એ વાત માનવા તૈયાર નહોતો કે તેની બહેન આટલા લાંબા સમય સુધી દૂર રહે અને ઘરના કોઈના કૉન્ટૅક્ટમાં પણ ન રહે. મીતે ફરિયાદ પાછી ખેંચી નહીં અને પોલીસે કમને તપાસ ચાલુ રાખવી પડી. અલબત્ત, એ તપાસમાં પણ કશું આગળ વધતું નહોતું એટલે મીતે કોર્ટમાં જઈને માગ કરી કે પોલીસ આ કેસમાં તપાસમાં ઝડપ વધારે. કોર્ટે પણ ચુકાદો આપ્યો અને કહ્યું કે પોલીસે ધારાના કેસનું દર પંદર દિવસનું અપડેટ કોર્ટમાં જમા કરાવવાનું રહેશે.
કોર્ટ મીડિયેટર બની એટલે ગુજરાત પોલીસે નવો દાવ નાખ્યો. એણે કોર્ટમાં રિપોર્ટ ફાઇલ કર્યો કે ધારા છેલ્લે મુંબઈમાં હતી એટલે હવે આ કેસની તપાસ મુંબઈ પોલીસ કરે અને નાહકની મુંબઈ પોલીસ પર જવાબદારી આવી ગઈ.
કોઈ કારણ વિના આ કેસની તપાસ કરવાની આવી એટલે મુંબઈ પોલીસે પણ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને એણે કેસની જવાબદારી પ્રાઇવેટ ડિટેક્ટિવ સોમચંદ શાહને સોંપવાનું નક્કી કર્યું.
lll
આ કેસમાં જો કોઈ સૌથી મોટો શકમંદ હોય તો તે સૂરજ છે.
આખી ફાઇલની સ્ટડી કરીને સોમચંદે કેસના મહત્ત્વના પૉઇન્ટ્સ પેપર પર ટપકાવવાના શરૂ કર્યા. અલબત્ત, એ વાત તેના મનમાંથી જતી નહોતી કે આ તે કેવો ભૂવો જે ઇન્સ્ટાગ્રામ પર હોય, ફૉલોઅર્સ વધારતો હોય અને રોજ પોતાના પરચાના કે પછી પોતાને મળતા માન-સન્માનની રીલ્સ અને વિડિયો પણ અપલોડ કરાવતો હોય.
માતાનો અંગત પૂજારી.
સોમચંદે લાઇબ્રેરીમાં જઈને ગુજરાતી શબ્દકોષ ભગવદ્ગોમંડળ હાથમાં લઈ એની અનુક્રમણિકા મુજબ ‘ભૂવા’ શબ્દનો અર્થ જોવાનું શરૂ કર્યું અને ભગવદ્ગોમંડળમાં તેને આવો અર્થ વાંચવા મળ્યો.
- જે માણસ દેવીમાનો અંગત પૂજારી હોય તે ફૅશનેબલ હોય, તે સલૂનમાં જઈને પોતાની હેરસ્ટાઇલ અને બિઅર્ડ સેટ કરાવતો હોય, નિયમિત જિમમાં જવાની આદત હોય અને બ્રૅન્ડેડ કપડાં પહેરતો હોય. અકલ્પનીય. જે ઈશ્વરના માર્ગ પર છે, જે દેવીમાને પામવાના રસ્તે છે તે માણસ ઓતપ્રોત સાથે પોતાના આત્મકલ્યાણના રસ્તે હોય, નહીં કે બાહ્ય દેખાવને સર્વોચ્ચ બનાવવાના રસ્તે. કબૂલ કે મૉડર્નાઇઝેશન આવી ગયું છે, પણ આ સ્તર પર મૉડર્નાઇઝેશન આવી ગયું હોય એવો પણ સમય બદલાયો નથી. દેવીમા ક્યારેય નરાધમના પડખે ઊભાં રહે નહીં અને સૂરજ તો સ્પષ્ટ રીતે નરાધમ દેખાતો હતો. વાઇફ અને બાળકો હોવા છતાં પણ તે એક છોકરી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો અને તમામ પ્રકારની મૉડર્ન મોજમજા પણ કરતો હતો. 
હાઇ-ફાઇ ટેક્નૉલૉજીનો શોખ, લક્ઝુરિયસ કારની આદત, મધરાતે હાઇવે પર ઊભા રહી કેકકટિંગ કરીને ગર્લફ્રેન્ડના બર્થ-ડેનું સેલિબ્રેશન કરવું. ઘરે પતિની રાહ જોતી બેઠેલી પત્નીની આંતરડી કકડતી હોય એવા સમયે પણ માતાજી તે પાખંડીને સાથ આપે?
અશક્ય, અસંભવ.
આ માણસ પર માતાજીનો હાથ નથી જ નથી.
સોમચંદે પહેલાં ફાઇલ અને પછી આંખો બંધ કરી.
તેની આંખો સામે ઇન્સ્ટાગ્રામની એ બધી રીલ્સ ફરવા માંડી જે તેણે પોલીસ સ્ટેશનમાં બેસીને જોઈ હતી.
‘ખમ્મા માવડી ખમ્મા...’
હોકારા-પડકારા સાથે આવતો ચેલાનો અવાજ અને એ અવાજ સાથે સૂરજના શરીરમાં આવતો ઉભાર. બૅકગ્રાઉન્ડમાં વાગતાં ઢોલ-નગારાં અને મંજીરાનો સૂર અને એ સૂર સાથે સૂરજના શરીરમાં કોઈ પ્રવેશતું હોય એવો આભાસ. પોતાની સાથે લાવેલી ચૂંદડી ચેલો સૂરજના મસ્તક પર ઓઢાડે છે, જાણે કે દેવીમાની લાજ રાખવાની હોય અને લાજ રાખવાની એ પ્રક્રિયા સમયે ફરીથી નાભિમાંથી છૂટતો અવાજ.
‘ખમ્મા માવડી ખમ્મા...’
સોમચંદની આંખો ઝાટકા સાથે ખૂલી ગઈ. તેણે તરત જ મોબાઇલ હાથમાં લીધો...
‘ગાયતુંડે, ચલ ગુજરાત ચલતે હૈ...’
‘મૈં?!’
‘ઑબ્વિયસ્લી તુંડમજી, તું... ભાભીને તો હું ન લઈ જઉંને?!’ સોમચંદ ઊભા થયા, ‘ત્રણ વાગ્યા છે. રાતના આઠ પહેલાં અમદાવાદ જવું છે. ગેટ રેડી... ઍરપોર્ટ પર મળીએ. બાય...’

વધુ આવતી કાલે

columnists Rashmin Shah