ખમ્મા માવડી ખમ્મા (પ્રકરણ-૩)

07 June, 2023 07:55 AM IST  |  Mumbai | Rashmin Shah

‘જે છોડી ગઈ હોય તેને શોધવાનું કામ હું શાને માટે કરું?!’ સૂરજે દાઢી પર હાથ ફેરવ્યો, ‘સાહેબ, વાંહે ભાગવું ઈ આપણો ધરમ નઈ. ધરમ એને કે’વાય જેમાં કોઈ તમને મેલે નઈ...’

ઇલસ્ટ્રેશન

સૂરજ ભૂવાના ઘરમાં દાખલ થયેલા નવદંપતીમાંથી પતિએ ભૂવાના ગળામાં ગુલાબનો જાડો હાર પહેરાવ્યો અને તેની પત્નીએ ભૂવાજીના ઘૂંટણને સ્પર્શ કરીને આશીર્વાદ લીધા.

ભૂવાએ પોતાના બન્ને પગ ધીમેકથી થાળમાં મૂક્યા અને પછી એ પગ પર આખા શરીરનું વજન મૂકી, એક પગ ધીમેકથી ઉપર લીધો અને બાજુમાં રહેલા સફેદ કપડા પર મૂક્યો અને પછી ધીમેકથી બીજો પગ પણ થાળમાં બહાર કાઢીને સફેદ કપડા પર મૂક્યો.

સોમચંદની નજર સૂરજ ભૂવા પર સ્થિર હતી.

બન્ને પગ કપડા પર મૂક્યા પછી અનાયાસ જ સૂરજની નજર પણ સોમચંદ પર પડી અને એ નજરનો તાપ તેને ધ્રુજાવી ગયો.

સોમચંદ સૂરજની સહેજ નજીક સરક્યા અને તેના કાનની લગોલગ ગયા,

‘તારા હાથ પણ આવા જ લાલ છે, ધારાના લોહીથી... મૂકીશ નહીં તને.’

lll

‘શું થ્યું બાપુ?’ આખા શરીરમાં કંપારી છૂટેલી જોઈને સૂરજની બાજુમાં ઊભેલા તેના સાગરીતે તેના હાથ પક્ડયા, ‘તબિયત તો બરાબર છેને?’

સૂરજે આજુબાજુ જોયું.

સોમચંદ એ જ જગ્યાએ ઊભા હતા જ્યાં પહેલાં ઊભા હતા.

ઓહ, તો આ માત્ર સપનું હતું.

સૂરજ ભૂવાએ કપાળે બાઝેલાં પ્રસ્વેદ બિંદૂ લૂંછ્યાં.

‘ભૂવાજી, ઘરે પગલાં...’

‘પછી કહેવડાવું...’ સૂરજે ઘરે આવેલા મહેમાન સામે હાથ જોડ્યા, ‘અત્યારે તમે રજા લો... મારે આ મહેમાન સાથે વાત કરવાની છે.’

‘જી...’

નવદંપતીએ ભૂવાજીની ચરણરજ લીધી.

‘હવે વાત કરીએ?’ કપલ ગયું એટલે સોમચંદે ક્ષણનોય વિલંબ કર્યા વિના વાત શરૂ કરી, ‘મારો ટાઇમ વૅલ્યુએબલ છે.’

ગાયતુંડે હજી પણ ભૂવાજીની ઑરામાં અટવાયેલો હતો. તે એકધારો તેને નીરખ્યા કરતો હતો, તેની આંખોમાં ભારોભાર અહોભાવ હતો અને એ અહોભાવ વચ્ચે તે ધીમે-ધીમે સૂરજ ભુવાજી સાથે વહેવા માંડ્યો હતો.

‘મને પહેલેથી બધી વાત જાણવી છે...’

‘મેં સંધુંય ચોકીએ લખાવી દીધું છે બાપલા...’ સૂરજે આત્મવિશ્વાસથી કહ્યું, ‘સાહેબ, એ બધી વાત એવી નથી કે વારેઘડીએ કે’વાની મજા આવે...’

‘અમને પણ સાંભળવાનું ગમશે નહીં, પણ ધારાને શોધવા માટે એ કરવું જરૂરી છે.’

‘જે છોડી ગઈ હોય તેને શોધવાનું કામ હું શાને માટે કરું?!’ સૂરજે દાઢી પર હાથ ફેરવ્યો, ‘સાહેબ, વાંહે ભાગવું ઈ આપણો ધરમ નઈ. ધરમ એને કે’વાય જેમાં કોઈ તમને મેલે નઈ...’

‘વાત કરીએ આપણે?!’ સોમચંદે દૃઢતા સાથે કહ્યું, ‘મને ફિલોસૉફીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને ધર્મની બાબતમાં હું નિષ્ઠુર છું...’

‘તો તો બઉ મજા આવશે આપણને તમારી હારે...’ સૂરજ હજી પણ પોતાની મુસ્તાકીમાં હતો, ‘અધર્મી હારે પનારો પડે તો માવડીને પરચો દેખાડવાનો મોકો મળેને...’

સટાક.

સૂરજથી માંડીને ત્યાં હાજર રહેલી એકેએક વ્યક્તિ હેબતાઈ ગઈ.

સોમચંદની કડક થપ્પડ સૂરજના દાઢીવાળા ગાલ પર બરાબરની ચોંટી ગઈ હતી.

‘વાત અહીં શરૂ કરીશ કે પછી આમ જ મારતો-મારતો પોલીસ-સ્ટેશને લઈ જઈ ત્યાં તને કૂકડો બનાવી બાંગ પોકારાવું?!’

‘પૂછતા જાઓ તમે...’

‘ના... હું કાંઈ પૂછવાનો નથી. તને ખબર હોય એ બધું તારે બોલતા જવાનું છે.’ સોમચંદે સૂરજના ગાલ તરફ હાથ લંબાવ્યો એટલે સૂરજ ધ્રૂજી ગયો, ‘ચાલ, ભસવા માંડ...’

lll

ધારા અને સૂરજ વચ્ચે મનમેળ થઈ ગયો અને બન્ને ફરીથી સાથે રહેવા માંડ્યાં, પણ કોર્ટમાં કેસ ઊભો હતો, જે હવે પૂરો કરવા માટે ધારા તૈયાર થઈ એટલે સૂરજે અમદાવાદમાં એક વકીલ થ્રૂ સેટલમેન્ટ ગોઠવ્યું, જેમાં બન્ને પાર્ટીના વકીલને પંદર-પંદર લાખ આપવાના હતા.

‘ત્રીસ લાખ રોકડા દેવાના હતા ને મારા બધાય રૂપિયા ચોટીલા મારા ગામે હતા એટલે હું ધારાને લેવા પહેલાં જૂનાગઢ ગ્યો ને પછી અમે બેય જણ ચોટીલા આયવાં. ન્યાંથી રૂપિયા લઈ અમે બેય અમદાવાદ આવી ગ્યાં. બેઉ વકીલે અમને કીધું કે એ મા’ણા હારે પૈસા મગાવી લેશે એટલે અમે બેય જણ સૅટેલાઇટવાળા મારા ફ્લૅટે ગ્યાં. ન્યાં થોડીક વારમાં રૂપિયા લેવા માટે મા’ણા આવી ગ્યો એટલે પછી તેને રૂપિયા આપી અમે બેય સૂઈ ગ્યાં...’

‘હંઅઅઅ...’

સોમચંદની નજર સૂરજ પર સ્થિર હતી. વાત કરતી વખતે સૂરજને એક પણ હકીકત યાદ કરવાની તસ્દી નહોતી લેવી પડતી.

‘પછી શું થયું?’

‘બીજા દિવસે સવારે હું મોડો જાયગો ને અગિયારેક વાગ્યે એક યજમાનના ઘરે પગલાં કરવા માટે નીકળી ગ્યો...’

‘ધારાની ખબર પડ્યા પછી તેં શું કર્યું?’

‘જઈને ચોકીએ ફરિયાદ લખાવી દીધી, પણ બીજા દિવસે ધારાનો મેસેજ આવી ગ્યો એટલે પછી ફરિયાદ પાછી ખેંચાવી લીધી...’

‘હંઅઅઅ...’

સૂરજ કે પછી સોમચંદની વાતો સાંભળવા ઓતપ્રોત થઈ ગયેલા ગાયતુંડેનું ધ્યાન નહોતું કે સોમચંદે ઇરાદાપૂર્વક અમુક વાત ઊખેડી નહોતી. જો ખબર પડી હોત તો કદાચ આ આખી વાતનો ક્લાઇમૅક્સ જુદો જ રચાયો હોત.

lll

‘ક્યારે તું નીકળી ગયો યાર?’ બપોરે ચાર વાગ્યે સોમચંદ હોટેલની રૂમમાં આવ્યો કે તરત ગાયતુંડે તેના પર ભડકી ગયો, ‘સાથે આવ્યા છીએ તો સાથે તો લઈ જવો હતો.’

‘ઇમ્પોર્ટન્ટ હતું અને તું બરાબર ઊંઘી ગયો હતો એટલે પછી હું સવારે વહેલો નીકળી ગયો...’ સોમચંદે ઍરકન્ડિશન વધાર્યું, ‘અમદાવાદની ગરમી હૉરિબલી આકરી છે. આપણે તો જરા પણ સહન ન કરી શકીએ.’

‘હા...’

ગાયતુંડેએ પાણીનો ગ્લાસ મોઢે માંડી મિરર સામે જોયું અને બીજી જ સેકન્ડે તેના આખા શરીરમાં ઠંડીનું લખલખું પસાર થઈ ગયું.

ફિશ! સોમચંદની નજર તો નહીં પડી હોયને?

મિરરમાંથી જ ત્રાંસી નજર કરી ગાયતુંડેએ પીઠ પાછળ જોયું. આંખો બંધ કરી સોમચંદ પાવર-નૅપ લેવામાં લાગી ગયા હતા.

થૅન્ક ગૉડ.

ગાયતુંડે ઝડપભેર વૉશરૂમમાં દાખલ થયો અને જેવો તે અંદર ગયો કે તરત જ સોમચંદે આંખો ખોલી. મનમાં રહેલી શંકા હવે વધુ બળવત્તર બની હતી અને એ જ શંકા સોમચંદને હવે અંતિમ સુધી ખેંચી જવાનું કામ કરવાની હતી.

lll

‘સોમચંદ, હવે કરવાનું શું છે?’ ગાયતુંડે બરાબરનો અકળાયો હતો, ‘આજે પણ તું એકલો નીકળી ગયો... યાર, સાથે તો રાખ.’

સોમચંદે તૂંડમ સામે ધ્યાન આપ્યા વિના જ પોતાનાં શૂઝ ખોલવાનું કામ શરૂ કર્યું અને સાથોસાથ કહી પણ દીધું.

‘ગઈ કાલ અને આજ પછી આવતી કાલે પણ જવાનું છે અને તારે સાથે નથી આવવાનું.’

‘કેમ?!’ ગાયતુંડેના ચહેરા પર અચરજ આવી ગયું, ‘એવું શું કામ?’

સોમચંદે ગાયતુંડે સામે જોયું. તેની નજરમાં ધાર હતી.

‘કારણ કે સૂરજ ભૂવાને મળ્યા પછી તને તિલક કાઢવાનું યાદ રહેતું નથી...’ સોમચંદે ઊભા થઈ પોતાની બૅકપૅક હાથમાં લીધી, ‘તારી ટિકિટ તને વૉટ્સઍપ કરી છે. હોટેલનું ચેકઆઉટ થઈ ગયું છે, સૂરજ ભૂવાની પ્રસાદી રસ્તામાં છે, તે આવે એટલે તું મુંબઈ જાય છે... અને હું ઇચ્છું છું કે તું મુંબઈની બહાર ટ્રાન્સફર લઈ લે ગાયતુંડે.’

‘પણ...’

‘મુંબઈની બહાર...’ સોમચંદે કહ્યું, ‘નહીં તો હું જ તારી વિરુદ્ધ કમ્પલેઇન કરીશ અને તને સસ્પેન્ડ કરાવી દઈશ...’

સોમચંદે ગાયતુંડેના ચહેરા પર ચપટી વગાડી.

‘માઇન્ડ માય વર્ડ્સ... ક્યાંયનો નહીં રહેવા દઉં... અને એવું ન બને એટલે કમસે કમ એક-બે વર્ષ મારી નજર સામેથી તું હટી જા એ જ તારા અને મારા લાભમાં છે.’

ગાયતુંડેની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ.

શું બોલે? શું કહે?

એક અજાણ્યો ફોન રિસીવ કરવાને લીધે તેની આ પરિસ્થિતિ ઊભી થઈ હતી.

ગાયતુંડેને એ ફોન યાદ આવી ગયો.

lll

‘હેલો... ગાયતુંડે સર...’

ઓનેસ્ટમાં પાઉંભાજી ખાઈને બહાર આવી સોમચંદ પાન ખાવા માટે બાજુની દુકાને ગયો અને ગાયતુંડેનો ફોન રણક્યો. સૂરજ ભૂવાજીને મળીને નીકળ્યા પછી હજી પણ ગાયતુંડે પર એની અસર અકબંધ હતી. સૂરજની એકેએક હરકતથી ગાયતુંડે પ્રભાવિત હતો. તેને સતત એવું લાગતું હતું કે એ માણસમાં કોઈ દૈવીશક્તિ છે, એ જરા પણ ખોટું નહીં બોલતો હોય કે તેના શરીરમાં દેવીમા પ્રવેશે છે.

‘હેલો...’

‘હા બોલો...’

‘સર, હવે તમારું માઇગ્રેનનું પેઇન કેવું છે?’

‘હા, ઠીક છે... કેમ?’

‘આ તો ભૂવાજી પૂછે છે એટલે...’ સામેવાળી વ્યક્તિએ પૃચ્છા પણ કરી, ‘ઓળખી ગયાને તમે?’

જવાબ આપતાં પહેલાં ગાયતુંડેએ આજુબાજુમાં જોઈ લીધું. પાનની દુકાને ગિર્દી હતી એટલે સોમચંદ પોતાનો ટર્ન આવે એની રાહ જોતો હતો. ગાયતુંડેએ શિફતપૂર્વક આગળ વધીને સોમચંદથી પોતાનું અંતર વધાર્યું.

સૂરજ ભૂવાજીને કેમ ખબર કે પોતાને માઇગ્રેન...

ગાયતુંડેનું અચરજ વાજબી હતું અને એમાં હજી ઉમેરો થવાનો હતો.

‘ભૂવાજીએ બીજું એ પણ પુછાવ્યું છે કે હજી પણ તમારા બૈરા રિસામણે જ છે?’

ધત્તેરી... આ ભૂવાજી તો...

‘ભૂવાજી તમને મળવા માગે છે. જો તમે મળશો તો બધો નિકાલ ભૂવાજીની આંખું સામે છે...’ સામેની વ્યક્તિએ તરત જ તાકીદ કરી, ‘તમારે એકલા આવવાનું રહેશે. જો પેલા ભાઈ આવ્યા તો માતાજી તમારી મદદે નહીં આવે.’

‘હા, પણ આ બધી તમને...’ ગાયતુંડેએ સુધારો કર્યો, ‘ભૂવાજીને કેવી રીતે ખબર?’

‘એ બધુંયે જાણે છે. બધેબધું... એક મિનિટ ચાલુ રાખજો.’

ફોન પર વાત કરનારાએ પોતાની બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે વાત કરી.

‘ભૂવાજી કહે છે કે અત્યારે તમે તમારા પૅન્ટમાં બ્લુ કલરનો અન્ડરગાર્મેન્ટ પહેર્યો છે... અને એની કંપનીનું નામ...’

‘કાલે ક્યારે આવું મળવા?’

‘ફોન કરીને આ નંબરથી તમને કહી દેવામાં આવશે.’

lll

‘આવો મુંબઈના મહેમાન, આવો...’

ગાયતુંડે જેવો સૂરજના ઘરમાં દાખલ થયો કે તરત જ એ જ રૂમમાંથી આવકારો આવ્યો જ્યાંથી ગઈ કાલે અવાજ આવ્યો હતો. ગાયતુંડે કશું કરે કે કહે એ પહેલાં એ જ રૂમમાંથી સૂરજનો સાગરીત બહાર આવ્યો અને તેને લઈને રૂમમાં ગયો.

‘બિરાજો...’

‘તમે આ બધું કેવી રીતે...’

‘માવડી, માવડી બધું ક્યે ભાઈ...’ સૂરજ ભૂવાએ જવાબ આપ્યો, ‘એ તો કાલે ઓ’લા ભાઈ હતા એનીયે છટ્ટી માવડી કહી ગઈ, પણ શું છે, એ મા’ણા આપણને ગમ્યો નઈ એટલે ન્યાં આપણે મૂંગા રે’વાનું. ભોગવે એના કરમ...’

‘મારે શું કરવું જોઈએ?’

‘કહું... પહેલાં ખૂણામાં પડી છે એ બધી અગરબત્તી લઈ લો...’ જલતી અગરબત્તી ગાયતુંડેએ હાથમાં લીધી એટલે સૂરજે સૂચના આપી, ‘એનો ધુમાડો હવે મારા પર આવવા દ્‍યો ને મનમાં ભગવાનનું નામ લ્યો...’

સૂચના મુજબ ગાયતુંડેએ કરવાનું શરૂ કર્યું અને થોડી જ ક્ષણોમાં સૂરજ ભૂવાના શરીરમાં ધ્રુજારી આવવાનું ચાલુ થઈ ગયું. પહેલાં ધ્રુજારી અને પછી આંચકીઓ. ભૂવાએ પોતાની જ હથેળીમાં બટકાં ભરવાનું ચાલુ કર્યું અને જેવાં એ બટકાં ભરવાનાં શરૂ થયાં કે તરત સૂરજના સાથીદારે જોરથી પડકાર દીધો.

‘ખમ્મા માવડી ખમ્મા...’

 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah