છાયા-પડછાયા

18 January, 2026 11:32 AM IST  |  Mumbai | Kajal Oza Vaidya

સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા

છાયા-પડછાયા

લૉકઅપના અંધારા ખૂણામાં બેઠેલો અચ્યુત વીતેલા દિવસોની સ્મૃતિમાંથી પસાર થઈ રહ્યો હતો. અક્ષરા ઘર છોડીને જતી રહી એ ક્ષણથી જ કદાચ તેના દુર્ભાગ્યની શરૂઆત થઈ હતી... 
‘કાશ, મેં વેકેશન પર જવાનો નિર્ણય ન કર્યો હોત!’ અચ્યુતે કપાળ કૂટ્યું.
દુર્ભાગ્ય દરેક વખતે સામેથી ચાલીને નથી આવતું, ક્યારેક માણસ પોતે પણ દુર્ભાગ્ય તરફ દોડે છે! અચ્યુતે પણ એમ જ કર્યું.
બીજા દિવસે ઑફિસ પહોંચતાં જ તેણે તેની સેક્રેટરીને કામે લગાડી. અક્ષરાની ફરિયાદ તો દૂર કરવી જ પડે, એવો નિર્ણય લઈ લીધા પછી આવનારા અઠવાડિયા માટેની બધી અપૉઇન્ટમેન્ટ્સ, મીટિંગ્સ તેણે કૅન્સલ કરાવી.
‘વેરી ગુડ, બેબી.’ સુશીલા પ્રજાપતિએ ગુસ્સામાં ઘેર પાછી આવી ગયેલી અક્ષરાને સમજાવવાને બદલે બળતામાં ઘી હોમ્યું, ‘ધણી તો આપણા કહ્યામાં રહેવો જ જોઈએ. લગનને બે વર્ષ થવા આવ્યાં... હનીમૂન પર નથી લઈ ગયો. એ કંઈ ચાલે? આ વખતે તો માનતી જ નહીં.’
અક્ષરા કશું બોલી નહીં પણ તેનું મન ઉદ્વિગ્ન હતું. તેને ખબર હતી કે કામ કરવું એ અચ્યુતનું પૅશન હતું, તેના સ્ટાર્ટઅપને કરોડોના ટર્નઓવર સુધી પહોંચાડવાનું તેનું સપનું પૂરું કરવા તે રાત-દિવસ મહેનત કરી રહ્યો હતો તેમ છતાં અક્ષરાને ખુશ કરવાના બધા જ પ્રયાસ તો તે કરતો જ હતો.
અક્ષરા સવારથી પોતાનો ફોન ચેક કરતી રહી. તેણે રાત્રે ઊંઘમાંથી જાગીને પણ બે-ત્રણ વાર ફોન ચેક કર્યો. અપેક્ષા તો એવી હતી કે અચ્યુત ઘરે પહોંચતાં જ તેને ફોન કરશે, સૉરી કહેશે, મનાવશે ને તરત જ પાછી લઈ જવા માટે આવી પહોંચશે. આ પહેલાં પણ આવું થયું હતું. એક-બે વાર અક્ષરા સાવ નજીવી બાબત માટે ઝઘડો કરીને મમ્મીના ઘરે આવી ગઈ ત્યારે અચ્યુત બે કલાકમાં તો તેને પાછી લઈ ગયો હતો, પરંતુ આજે... અચ્યુત ચૂપ હતો. અક્ષરા અકળાવા લાગી. હવે તો સામેથી ફોન કરાય એમ પણ ન રહ્યું! ચિઠ્ઠી ન લખી હોત તો કદાચ બહાનું કાઢી શકાયું હોત, પણ...
રોજની જેમ અક્ષરા સાડાદસે ઊઠી ત્યારે સુશીલા જૂસ લઈને તેની પથારી પાસે આવી, ‘જો બેબી! કન્ટ્રોલમાં રાખવો હોય તો એટલા દૂર પણ નહીં રહેવાનું કે તેને આપણા વગર રહેવાની આદત પડી જાય... સાંજ સુધી મેસેજ ન આવે તો છમકલું કરજે.’ તેણે કહ્યું, ‘તારી તબિયત બગડી ગઈ છે એવો ફોન કરી દઈશું,’ સુશીલાએ મગજમાં પ્લાન શરૂ કરી દીધો.
પરંતુ અક્ષરાએ સાંજ સુધી રાહ જોવી પડી નહીં. લગભગ લંચ ટાઇમે અચ્યુતનો મેસેજ આવ્યો. ઉત્સાહમાં અક્ષરાએ જેવો મેસેજ ખોલ્યો કે તેની આંખો ચમકી ઊઠી! અક્ષરાએ ફોનની સ્ક્રીન પર જોયું. બે દિવસ પછીની મૉરિશ્યસની ટિકિટો સ્ક્રીન પર દેખાતી હતી. અક્ષરા ખુશીથી ઊછળી પડી.
‘ગુડ!’ સુશીલા પ્રજાપતિએ દીકરીની પીઠ થાબડી, ‘કૉન્ગ્રેચ્યુલેશન. જીતી ગઈને? તો પછી! જો, હવે સીધી ઑફિસ પહોંચી જા. પટાવી લે...’ તેણે દીકરીને ટિપ આપી, ‘ખબર છેને, શું કરવાનું?’ સુશીલાએ આંખ મારી.
અક્ષરા સીધી ઑફિસ પહોંચી ગઈ. અચ્યુતની કૅબિનમાં દાખલ થતાં જ તેણે પૂછ્યું, ‘તો! તને ડિવૉર્સ નથી જોઈતા રાઇટ?’ સ્કાય બ્લુ સ્પગેટી ટૉપ અને લૂઝ લિનનના પૅન્ટમાં તે અદ્ભુત દેખાતી હતી. 
‘બિલકુલ નહીં.’ અચ્યુતે કહ્યું, ‘આઇ કાન્ટ અફૉર્ડ ટુ લૂઝ યુ. તારા વગરની જિંદગીની હું કલ્પના પણ નથી કરી શકતો!’ તેની આંખોમાં સાચે જ ઝળઝળિયાં આવી ગયાં. અક્ષરા ઊભી થઈને તેના ખોળામાં બેસી ગઈ. તેનો હાથ અચ્યુતના ગળાની આસપાસ લપેટીને અક્ષરાએ તેને ચુંબન કરી લીધું. ‘ઝઘડી લેજે, રડી લેજે, ગુસ્સો કરી લેજે પણ મને છોડીને જવાની વાત ક્યારેય નહીં કરતી.’ અચ્યુતથી કહેવાઈ ગયું.
‘ઓઓઓ... મારું બેબી!’ અક્ષરાએ તેને વહાલ કરી દીધું. 
અક્ષરા ખુશખુશાલ હતી. મૉરિશ્યસના ઍરપોર્ટ પર લૅન્ડ થયાં ત્યારથી તેના ચહેરા પર સ્મિત અટકતું જ નહોતું. બીચ-ફેસિંગ પ્રીમિયમ સ્વીટ રૂમ જોઈને તે અચ્યુતને ભેટી પડી, ‘આઇ ઍમ સો હૅપી.’ એણે કહ્યું. 
‘તું ખુશ તો હું ખુશ!’ અચ્યુતે કહ્યું હતું. 
શૉપિંગ, પબ-હૉપિંગ, સર્ફિંગ, વૉટર સ્પોર્ટ્‍સ અને સાઇટ સીઇંગ... અચ્યુતે પર્ફેક્ટ વેકેશન પ્લાન કર્યું હતું. 
‘ઓહ! હું જરા ભુલકણો છું.’ અઝીઝે કહ્યું, પછી મહ્ઝબીન તરફ ફરીને કહ્યું, ‘મેં તેમને આપણી સાથે ‘આઇલ ઑક્સ સર્ફસ’ આવવાનું આમંત્રણ આપ્યું છે. તેમણે જવાબ નથી આપ્યો હજી!’ પછી અચ્યુતને કહ્યું, ‘ટેક યૉર ટાઇમ.’ તેની આંખો અક્ષરાની આંખો સાથે ટકરાઈ. વિચિત્ર રીતે બન્નેના ભાવ બદલાયા. અક્ષરાએ નજર હટાવી લીધી. અઝીઝે સ્મિત સાથે મહેજબિન તરફ જોઈને કહ્યું, ‘કમ ડાર્લિંગ.’ બન્ને જણ પોતાના ટેબલ તરફ જવા લાગ્યાં. અઝીઝનો હાથ હજીયે મહેજબિનની કમરને વીંટળાયેલો હતો. અચ્યુત તેમને જતાં જોઈ રહ્યો.એ સાંજે અચ્યુત તેને એક ફાઇવસ્ટાર હોટેલના બારમાં ડેટ પર લઈ ગયો. કૉર્નર ટેબલ બુક હતું! સાંજ માદક હતી. સાગરકિનારાની હવા, કૅન્ડલ લાઇટ, શરાબ અને લાઇવ મ્યુઝિક... અચ્યુત મટકુંય માર્યા વગર તેને જોઈ રહ્યો હતો. અક્ષરાના ઘૂંઘરાળા, ખુલ્લા, કમર સુધીના વાળથી તેની પીઠ ઢંકાયેલી હતી. તેના હૉલ્ટર ટૉપમાંથી પીઠ પરનું પતંગિયું ડોકિયાં કરી રહ્યું હતું. પીળી લાઇટોના અજવાળામાં તેની ગોરી ત્વચા ચમકતી હતી. અક્ષરાની નજર અચાનક એક ખૂણાના ટેબલ પર પડી. અત્યંત દેખાવડો કહી શકાય એવો, કોઈ ફિલ્મસ્ટાર કે મૉડલ જેવો દેખાતો એક માણસ ફ્લોરલ બીચ શર્ટ પહેરીને એકલો બેઠો હતો. તેની ઊંચાઈ અસાધારણ હતી. ૬ ફીટ પ્લસ ૪ કે ૫ ઇંચ જેવી! કાળા વાળ, ચહેરો ભારતીય લાગતો હતો પણ ત્વચા અસાધારણ ગોરી હતી. તેના ગળામાં ડાયમન્ડ ચમકતા હતા. આંગળીની વીંટીઓ પર મોટા-મોટા હીરા હતા. ટેબલ પર પડેલા સિગાર કેસ અને લાઇટર સોનાનાં હતાં... તેની નજર અક્ષરા ઉપર અટકી હતી. તેની આંખો અક્ષરાના આખા શરીરને જાણે કપડાંની આરપાર જોઈ રહી હતી. એક-બે વાર અક્ષરાની નજર તેની નજર સાથે ટકરાઈ, અક્ષરાએ આંખો ઝુકાવી દીધી. એ માણસ તરફ પીઠ કરીને બેઠેલા અચ્યુતને આવો કોઈ ખ્યાલ નહોતો. એ તો અક્ષરાની સુંદરતાને પોતાના હાથમાં પકડેલા સ્કૉચના ઘૂંટડા સાથે પી રહ્યો હતો.
અક્ષરાએ મેનુ કાર્ડ જોયું, ‘મોંઘી જગ્યા છે. ૧૫૦૦ રૂપિયાનો એક પેગ? કૉકટેલ ૨૩૦૦-૨૫૦૦... પ્લસ ટૅક્સ? અચ્યુત ગોહિલ! તું પૈસા ખરચી રહ્યો છે?’ અક્ષરાએ મજાક કરી. 
‘તારાથી મોંઘું કંઈ નથી.’ કહીને અચાનક અચ્યુતે હાથ લંબાવ્યો, ‘તું છે તો બધું છે, સ્વીટહાર્ટ!’ તેણે કહ્યું, ‘હનીમૂન પર છીએ. પૈસા નહીં ગણું આજે...’ તેણે ઘૂંટ ભર્યો.
‘ડાન્સ?’ અક્ષરાએ પૂછ્યું.
‘હું અને ડાન્સ?’ અચ્યુત અચકાયો. તેની ઉંમરમાં અને મિડલ ક્લાસ ઉછેરમાં આ બધું કદી હતું જ નહીં! ‘મને ક્યાં આવડે છે?’ તેણે કહ્યું, શરમાતાં...
‘ચલ! તને તો ખબર છે, આઇ લવ ડાન્સિંગ...’ અક્ષરાએ કહ્યું, ‘કોઈ તને જજ નહીં કરે અહીં!’ ગળા નીચે ઊતરી ગયેલાં બે કૉકટેલની અસરમાં તેની રાખોડી આંખો નશીલી થઈ ગઈ હતી.
અક્ષરા મુસ્કુરાતી ઊભી થઈ. અચ્યુત અચકાતો તેને લઈને ડાન્સ ફ્લોર પર આવ્યો. તેની કમરમાં હાથ પરોવ્યો. બન્ને જણ હળવા જૅઝ મ્યુઝિક પર ધીમે-ધીમે ડાન્સ કરી રહ્યાં હતાં ત્યાં ફરી અક્ષરાની નજર એ માણસ તરફ પડી. એ માણસ અક્ષરા સામે અપલક જોઈ રહ્યો હતો. હવે અક્ષરા થોડી અસ્વસ્થ થઈ ગઈ. તેણે અચ્યુતને હળવેકથી ઊંધો ફેરવી દીધો. પોતાની પીઠ પેલા માણસ તરફ થઈ જાય એ રીતે અક્ષરા ડાન્સ કરતી રહી, પણ પાછળ બેઠેલા માણસની આંખો જાણે અક્ષરાની પીઠમાં ખૂંપી જતી હોય એવી અનુભૂતિ તેને સતત થતી રહી. તેને અકળામણ થતી રહી. ડાન્સમાં પણ તેનું ચિત્ત ચોંટ્યું નહીં. પગલાં આગળ-પાછળ થતાં રહ્યાં. થોડી વાર ડાન્સ કર્યા પછી તે અચ્યુતને લઈને ટેબલ પર પાછી ફરી. અક્ષરાએ આ વખતે સીટ બદલી લીધી. તેની પીઠ પેલા માણસ તરફ રહે એવી રીતે તે ગોઠવાઈ ગઈ. અચ્યુતે ફરી પોતાનું ફેવરિટ ડ્રિન્ક ઑર્ડર કર્યું... 
ડ્રિન્ક ટેબલ પર સર્વ થયું એની સાથે જ એ માણસ પણ તેમના ટેબલ પર આવી પહોંચ્યો, ‘હાઇ! આઇ ઍમ શેખ અબ્દુલ બિન મોહમ્મદ અઝીઝ અલ સઈદ.’ તેણે હાથ લંબાવ્યો. અક્ષરા ચોંકી. અક્ષરાની આંખોમાં એક વિચિત્ર ભાવ આવ્યો જે અચ્યુતને સમજાયો નહીં. તેણે તો સહજતાથી પેલા માણસ તરફ ઉષ્માથી હાથ લંબાવીને કહ્યું, ‘અચ્યુત ગોહિલ, ફ્રૉમ મુંબઈ.’ 
તેમના ટેબલ પર બે જ ખુરસીઓ હતી. મળવા આવેલા માણસ પાસે ઊભા રહીને વાત કરવા સિવાય છૂટકો નહોતો. તેણે પોતાની ઓળખાણ આપી, ‘શારજાહ પાસે મારી નાનકડી રિયાસત છે. મારું નામ શેખ અબ્દુલ બિન મોહમ્મદ અઝીઝ અલ સઈદ છે, પણ તમે મને ‘અઝીઝ’ કહી શકો છો...’ તેણે સ્મિત કર્યું. તેના ચોખ્ખા દાંતમાં એક સોનાનો દાંત પીળા પ્રકાશમાં ચમકી ઊઠ્યો. તેણે પહેરેલું ફ્લોરલ શર્ટ દરિયાઈ હવામાં ઊડી રહ્યું હતું. ગળામાં પહેરેલી હીરાની સાંકળ ઝળહળી, ‘હું તમને ડિસ્ટર્બ કરવા નથી આવ્યો. માત્ર કૉમ્પ્લીમેન્ટ આપવા આવ્યો છું. મૅડમ ખૂબ સુંદર છે... વેરી ઍટ્રૅક્ટિવ.’ તેણે કહ્યું. અચ્યુતનો ચહેરો સહેજ બદલાયો. અક્ષરાએ નીચું જોયું. એ માણસ કદાચ સમજી ગયો એટલે તેણે સફાઈ આપી, ‘પૂરા આદર સાથે કહું છું. કોઈ બદઇરાદો નથી મારો, સર! મારી ત્રણ બેગમ છે. ત્રીજા નિકાહના હનીમૂન પર આવ્યા છીએ અમે...’ અચ્યુત તેની સામે જોઈ રહ્યો.
હોટેલનો સ્ટાફ કદાચ આ માણસને ઓળખતો હોવો જોઈએ. સહુ તેની તરફ જોઈ રહ્યા હતા. એક સ્ટુઅર્ડ તરત જ ખુરસી લઈ આવ્યો. અઝીઝે પૂછ્યું, ‘ડૂ યુ માઇન્ડ ઇફ આઇ સિટ ફૉર અ વાઇલ?’ જવાબની રાહ જોયા વગર તે ખુરસીમાં ગોઠવાઈ ગયો. અચ્યુતને બહુ ગમ્યું નહીં, પણ તેને અપમાન કરવાનું યોગ્ય ન લાગ્યું. અઝીઝ સાવ ઇન્ફૉર્મલ-કૅઝ્યુઅલ હતો. જાણે વર્ષોથી ઓળખતો હોય એમ તેણે વાતો કરવા માંડી, ‘અમે કાલે ‘ઈલ ઑક્સ સર્ફ્સ’ જવાનાં છીએ. સાત-આઠ કલાકની ટૂર છે. પ્લસ ત્યાં જે સમય કાઢીએ એ...’ અચ્યુત નવાઈથી તેની સામે જોઈ રહ્યો. મને શું કામ કહે છે? તેને વિચાર આવ્યો, પણ તે સાંભળતો રહ્યો, ‘જો તમે બન્ને અમારી સાથે જોડાઓ તો આપણે પ્રાઇવેટ યૉટ કરી લઈએ. મારી બેગમ નવી છે. થોડી શરમાળ પણ. મૅડમ હશે તો તેને કંપની રહેશે...’ કહીને તેણે ઉમેર્યું, ‘ઇફ યુ ડોન્ટ માઇન્ડ.’ 
‘પ્રાઇવેટ યૉટ?’ અચ્યુત સહેજ અચકાયો, ‘કેટલા પૈસા થાય?’
‘એની ચિંતા તમે શું કામ કરો છો? ઇટ્સ ઑન મી.’ અઝીઝે કહ્યું, ‘આપણે સરસ યૉટ લઈશું. ડેક પર બાર હશે અને નીચે સરસ સિટિંગ.’ અક્ષરાની આંખો સહેજ ચમકી. અચ્યુતનું ધ્યાન નહોતું પણ અઝીઝ એ ચમક જોઈ શક્યો. તેણે સીધું અક્ષરાને જ કહ્યું, ‘હું વચન આપું છું, તમે બહુ જ એન્જૉય કરશો.’
‘પણ...’ અચ્યુત અચકાયો. 
‘નવી ઓળખાણ થશે.’ અઝીઝ હસ્યો. તેનો સોનાનો દાંત ચમક્યો, ‘ને મજા ન આવે તો એક જ દિવસનો સવાલ છે. થોડું ટૉલરેટ કરી લેજો.’ પછી તેણે ફરી અક્ષરા સામે જોઈને ઉમેર્યું, ‘આઇ રિક્વેસ્ટ, તમે મારા મહેમાનની જેમ અમારી સાથે આવશો તો મને બહુ ગમશે.’
‘પણ અમે જ શા માટે?’ અચ્યુતથી પુછાઈ ગયું, ‘તમે તો અમને ઓળખતા પણ નથી.’
‘વેલ! ગુડ ક્વેશ્ચન.’ અઝીઝની આંખોમાં એક વિચિત્ર ભાવ આવ્યો, ‘અહીં કોઈ યંગ કપલ નથી દેખાતું. જે છે તે મિડલએજ અથવા બુઢ્ઢા છે! સૉરી પણ તેમની સાથે અમને મજા ન આવે એ સ્વાભાવિક છે. અમે હનીમૂન પર છીએ અને તમે પણ કદાચ...’ અઝીઝના ચહેરા પર સ્મિત આવ્યું, ‘પૈસાની કમી નથી મને, પણ પૈસાથી કંપની નથી ખરીદી શકાતી.’ તે ઊભો થઈ ગયો, ‘તમારો વધુ સમય નહીં લઉં.’ તેણે હાથે લખેલા ફોન-નંબરવાળું ટિશ્યુ ટેબલ પર મૂક્યું. ‘વિચારી લો, ફોન કરીને જણાવી શકો છો. આ મારો નંબર છે.’ 
‘પૂરી તૈયારી સાથે આવ્યા છો.’ અચ્યુતથી પુછાઈ ગયું. 
‘હું જે કરું છું એ પૂરી તૈયારી સાથે જ કરું છું.’ અઝીઝે જવાબ આપ્યો, ‘ના પાડશો તો ખરાબ નહીં લાગે.’ કહેતાં-કહેતાં તેણે પાછળ જોયું. ઈવનિંગ ગાઉન પહેરીને સામાન્યથી થોડી ઊંચી કહી શકાય એવી કાતિલ ફિગર ધરાવતી અત્યંત સુંદર છોકરી તેના કલર કરેલા સોનેરી વાળ લહેરાવતી આવી રહી હતી. ‘ધૅટ્સ માય બેગમ, મહઝબીન.’ અઝીઝે આવી રહેલી છોકરી તરફ હાથ ઊંચો કર્યો, ‘ઇઝન્ટ શી બ્યુટિફુલ?’ તેણે અચ્યુત તરફ જોઈને પૂછ્યું. જાણે કે અચ્યુતને કહેતો હોય કે તારી બૈરીમાં મને રસ નથી! જો, મારી પાસે તારાથી પણ સુંદર સ્ત્રી છે જ... 
આવી રહેલી છોકરીને જોઈને અચ્યુતને નવાઈ લાગી. કોઈ બુરખો પહેરેલી ટિપિકલ સ્ત્રીને બદલે રૅમ્પ પર કોઈ મૉડલ વૉક કરતી હોય એવી સ્ટાઇલિશ વૉક સાથે મહઝબીન આ તરફ આવી રહી હતી. દરિયાકિનારાની હવા તેના સોનેરી વાળ ઉડાડી રહી હતી. તેણે ગળામાં પહેરેલો અનકટ ડાયમન્ડનો હાર પીળા પ્રકાશમાં ચમકી રહ્યો હતો. શરીરને ચપોચપ ફિટ બેસે એવો રૉયલ બ્લુ કલરનો ઑફ-શોલ્ડર ગાઉન તેના વળાંકોને ઉજાગર કરી રહ્યો હતો. તે નજીક આવી ત્યાં સુધીમાં તો જાણે અચ્યુતની નજર બંધાઈ ગઈ. ‘વેલ!’ અઝીઝે જાણે તેની નજરને પકડી પાડી હોય એમ પૂછ્યું, ‘છેને, સુંદર?’ અચ્યુત પકડાઈ ગયો. તે છોભીલો પડી ગયો. અઝીઝે હસીને કહ્યું, ‘કોઈ સુંદર સ્ત્રીને જોવી એ કંઈ ગુનો નથી... હું પણ તમારાં વાઇફની બ્યુટીને માત્ર અપ્રિશિએટ કરી રહ્યો હતો. ડોન્ટ ટેક ઇટ રૉન્ગ!’ 
મહઝબીન ટેબલ પાસે આવીને ઊભી રહી. અઝીઝે તેનો હાથ તેની પાતળી કમરની આસપાસ વીંટાળ્યો, ‘મીટ માય બેગમ, મહઝબીન...’ સ્ત્રીએ ‘આદાબ’ કર્યું. તેના ગાઉન અને દેખાવ સાથે આ પરંપરાગત અભિવાદન જરાય મેળ ખાતું નહોતું. અઝીઝે પૂછ્યું, ‘મને તમારું નામ નથી ખબર.’ તે ખુલ્લા દિલે હસ્યો, ‘આટલીબધી વાતો કરી, પણ નામ જ ન પૂછ્યું.’ 
‘મેં કહ્યું મારું નામ.’ અચ્યુતને જરા ઓછું આવ્યું, ‘અચ્યુત ગોહિલ, ફ્રૉમ મુંબઈ.’ તેણે મહઝબીન તરફ જોઈને કહ્યું, ‘માય વાઇફ... અક્ષરા ગોહિલ.’ મહઝબીને અક્ષરાને પણ ‘આદાબ’ કર્યું.
‘ઓહ! હું જરા ભુલકણો છું.’ અઝીઝે કહ્યું, પછી મહઝબીન તરફ ફરીને કહ્યું, ‘મેં તેમને આપણી સાથે ‘ઈલ ઑક્સ સર્ફ્સ’ આવવાનું આમંત્રણ આપ્યું છે. તેમણે જવાબ નથી આપ્યો હજી!’ પછી અચ્યુતને કહ્યું, ‘ટેક યૉર ટાઇમ.’ તેની આંખો અક્ષરાની આંખો સાથે ટકરાઈ. વિચિત્ર રીતે બન્નેના ભાવ બદલાયા. અક્ષરાએ નજર હટાવી લીધી. અઝીઝે સ્મિત સાથે મહઝબીન તરફ જોઈને કહ્યું, ‘કમ ડાર્લિંગ.’ બન્ને જણ પોતાના ટેબલ તરફ જવા લાગ્યાં. અઝીઝનો હાથ હજીયે મહઝબીનની કમરને વીંટળાયેલો હતો. અચ્યુત તેમને જતાં જોઈ રહ્યો. 
‘જવું છે?’ અક્ષરાએ પૂછ્યું. તેના અવાજમાં રહેલો ઉત્સાહ તે છુપાવી શકી નહીં. 
‘આપણે તેમને ઓળખતાં નથી... વળી નૉનવેજ ખાતાં હશે, તને નહીં ગમે.’ તેણે કહ્યું, પછી સ્વગત જ બોલ્યો, ‘આઇ ડોન્ટ નો... મને આ માણસ જરા વિચિત્ર લાગ્યો.’
‘વિચિત્ર? કેમ? નૉર્મલ છે, કંપની શોધે છે...’ અક્ષરાએ સહજતાથી કહ્યું, ‘ટૂરિસ્ટ સ્પૉટ પર આવા લોકો હોય. માણસ આખો વખત પોતાની વાઇફ સાથે શું વાત કરે? કોઈ બીજું કપલ હોય તો જરા વાતચીત થાય, બીજું શું?’ અક્ષરા બેધ્યાન હતી. તે બોલતી રહી, ‘થોડા વખતમાં એકબીજાનો કંટાળો આવે. ખાસ કરીને આવી ટ્રિપમાં કોઈ કંપની હોય તો...’ પછી ધીમેથી ઉમેર્યું, ‘આઇ થિન્ક મજા આવશે...’
‘મુંબઈમાં તો તું મારો સમય માગતી હતી!’ અચ્યુતને નવાઈ લાગી, ‘અહીં કંપની ગોતે છે?’ અક્ષરાનું મોઢું પડી ગયું. અચ્યુતને લાગ્યું, આ નહોતું કહેવું જોઈતું. થોડીક ક્ષણોના મૌન પછી તેણે પૂછ્યું, ‘તારે ખરેખર જવું છે?’ 
‘આઇ થિન્ક, યસ...’ અક્ષરાએ કહ્યું, ‘લોકોના ટોળામાં બોટમાં બેસીને જવું એના કરતાં પ્રાઇવેટ યૉટની મજા લઈએ. ડેક પરના બારમાં ‘ચિયર્સ’ની મજા અલગ જ હશે!’ તેની આંખોમાં આવા કોઈ અનુભવ માટેની ઝંખના હતી.
‘તારે ખરેખર પ્રાઇવેટ યૉટમાં જવું હોય તો હું પૈસા ખર્ચી નાખું.’ અચ્યુતે હિંમત કરી. અક્ષરાએ તેની સામે જે રીતે જોયું એમાં મજાક હતી. અચ્યુતે દૂર ફરી રહેલા સ્ટુઅર્ડને બોલાવ્યો. નજીક આવીને સ્ટુઅર્ડે નમ્રતાથી પૂછ્યું, ‘યસ, સર.’ અચ્યુતે પૂછ્યું, ‘ઈલ ઑક્સ સર્ફ્સ’ જવાની પ્રાઇવેટ યૉટ વિશે કંઈ ખબર છે?’
‘યસ, સર. અહીં બે-ચાર કંપની છે જે આવી યૉટ રેન્ટ પર આપે છે. જાતે પણ લઈ જઈ શકો અને કૅપ્ટન સાથે પણ મળે.’
‘આશરે શું ખર્ચ થાય?’ 
‘૩-૪ લાખથી શરૂ થાય. પછી જેવી યૉટ, જેવી સગવડ ને જેવી સાઇઝ... સાત કલાકની પ્રાઇસ છે. પછી જેમ ટાઇમ વધે એમ ઍડિશનલ ચાર્જિસ ચૂકવવાના થાય. ડ્રિન્ક, ફૂડ, કૅપ્ટનનું પેમેન્ટ અલગ... યુ વૉન્ટ મી ટુ બુક, સર?’ 
‘હું જણાવું.’ અચ્યુતે કહ્યું.
‘આપણને ન પોસાય.’ અચ્યુતથી કહેવાઈ ગયું. 
‘લઈ જાય છે તો જઈએને?’ અક્ષરાએ આગ્રહ કર્યો.
‘જવું જ છે?’ અચ્યુત હજી નક્કી કરી શકતો નહોતો. 
‘ચલને, જઈ આવીએ...’ અક્ષરાએ મન મનાવી લીધું હતું.
‘ઓકે.’ અચ્યુતે થોડાક કમને જ, પણ અક્ષરાને નારાજ ન કરવાની ઇચ્છાથી હા પાડી દીધી... તે પોતાના ટેબલ પરથી ઊભો થયો. અઝીઝના ટેબલ તરફ આગળ વધ્યો.
અચ્યુત ગોહિલ એ સમયે અઝીઝના ટેબલ તરફ નહીં, પોતાના દુર્ભાગ્ય તરફ આગળ વધી રહ્યો હતો.
(ક્રમશઃ)

columnists kajal oza vaidya gujarati mid day exclusive gujarati community news