બાત નિકલેગી તો ફિર...સાપોલિયાથી વિકરાળ હોય છે શંકા (પ્રકરણ- ૪)

25 April, 2024 05:34 AM IST  |  Mumbai | Rashmin Shah

આજે મેં રવિને એક છોકરી અને બાળક સાથે જોયો... તે બાળકને રવિએ તેડ્યું હતું!

ઇલસ્ટ્રેશન

‘હેય રવિ, ક્યાં છે?’ ફોન જેવો ઊંચકાયો કે તરત જ રાજીવે અનુમાન પણ લગાવી લીધું, ‘ઑબ્વિયસ્લી ઑફિસમાં જ હોને...’

‘રાઇટ...’ રવિએ સહેજ દબાયેલા અવાજે પૂછ્યું, ‘ઍનીથિંગ અર્જન્ટ?’

‘ના, એમ જ ફોન કર્યો... બિઝી છે?’

‘હા, બૉસ સાથે મીટિંગ ચાલુ છે...’ રવિએ ધીમેકથી પૂછ્યું, ‘થોડી વારમાં કૉલ કરું?’

‘નો ઇશ્યુ, આરામથી...’

રાજીવે ફોન તો મૂક્યો, પણ તેના શરીરનું બ્લડ-પ્રેશર બુલેટ ટ્રેનની ઝડપે વધવા માંડ્યું હતું. સગી આંખે જોયેલું એ દૃશ્ય તેના માનસપટ પર કોતરાઈ ગયું હતું. પુરાવાઓ વિશે વાત કરવાની હતી એને બદલે તેને નરી આંખે પુરાવો મળી ગયો હતો અને એ પણ સાવ જ અનાયાસ. આ પ્રૂફ માટે તેણે કોઈ આગેવાની પણ નહોતી લીધી અને એમ છતાં... કુદરતે તેને નિમિત્ત બનાવી દીધો હતો.

‘ક્યાં છે તું?’ વધી ગયેલા ધબકારાઓને કાબૂમાં કરતાં રાજીવે અનુષાને ફોન કર્યો, ‘મારે અત્યારે જ મળવું છે... હું ઑફિસે આવું છું.’

ઊંડો શ્વાસ લઈને રાજીવે બાંદરા તરફ જવા માટે કાર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર લીધી, પણ હજીયે તેની આંખ સામે થોડી મિનિટો પહેલાં જોયેલું દૃશ્ય અકબંધ હતું.

‘સર પ્લીઝ, નેક્સ્ટ ટાઇમ રાખો; ચોક્કસ આવીશ.’

કાંદિવલીથી નીકળતી વખતે અચાનક જ બિલ્ડરનો આવી ગયેલો ફોન રિસીવ કરતાં રાજીવથી પોતાનું લોકેશન કહેવાઈ ગયું અને બિલ્ડર કિરણ સત્રાએ વાત પકડીને આગ્રહ કરવાનો શરૂ કરી દીધો...

‘તમે ક્યારે આવવાના... આજે તો તમારે આવવું જ પડે.’

‘આવીશને, ચોક્કસ આવીશ... પણ આજે રહેવા દો. આજે બહુ મોડું થઈ ગયું છે.’ રાજીવે વાત ચાલુ રાખતાં કાંદિવલી આવવાનું કારણ પણ કહી દીધું, ‘અહીં એક પ્રૉપર્ટી ડેવલપ કરવાની છે તો

માપ-સાઇઝમાં કન્ફ્યુઝન હતું એટલે રૂબરૂ આવવું પડ્યું.’

‘એ જ તો કહું છું સર... આવવાનું બન્યું છે એટલે ઑફિસે આવવાનો આગ્રહ કરું છું...’ કિરણે કહી પણ દીધું, ‘આગ્રહ નહીં ઑર્ડર કરું છું. ક્યાં છો અત્યારે?’

‘મહાવીરનગર...’

સત્રા કન્સ્ટ્રક્શનની ઑફિસ પણ મહાવીરનગરમાં હતી એટલે ખોટું બોલવાની જરૂર હતી, પણ રાજીવથી અનાયાસ જ સાચું બોલી જવાયું.

‘મહાવીરનગર?’ સત્રાનો અવાજ મોટો થયો, ‘હવે ચાલે જ નહીં સાહેબ... આજે ઑફિસે ન આવો તો સંબંધો પૂરા...’

‘અરે, એવું નહીં બોલો સર, કામ કરવું છે તમારી સાથે.’

‘તો આવી જાઓ, આવશો તો જ નવા કામમાં સાથે હોઈશું.’ સત્રાએ કહ્યું, ‘ફોન મૂકું છું ને તમારા માટે સુરતી ખમણ મગાવી રાખું છું... આ ખમણની ખાસિયત એ છે કે એ બનાવવા માટે આ લોકો ખાસ સુરતથી પાણી મગાવે છે. તમને એમ જ લાગે કે તમે સુરતમાં જઈને ખમણ

ખાઓ છો.’

‘અરે, નહીં લો એટલી તસ્દી... હું પાંચ મિનિટ પૂરતો જ આવું છું.’

‘તમે આવોને, કેટલી વાર

તમને અહીં રોકવા એ અમારા હાથમાં છે.’

રાજીવે ગાડી ટર્ન કરી, પણ કાર હજી તો સો મીટર દૂર ગઈ હશે ત્યાં તેની નજર રોડ ક્રૉસ કરતી વ્યક્તિ પર પડી અને રાજીવની આંખો મોટી થઈ.

રવિ, અહીં?!

આગળ જઈને રાજીવે ગાડી સાઇડ પર પાર્ક કરી ​રિઅર વ્યુ મિરરમાં જોયું.

હા, રવિ જ છે... પણ રવિના હાથમાં આ બચ્ચું...

એક પછી એક શૉક રાજીવ સહન કરતો જતો હતો. તેની નજર મિરરમાં જ હતી. રાજીવે બાળક તેડ્યું હતું અને રોડ ક્રૉસ કરીને તે ફુટપાથ પર ઊભો રહ્યો. હવે તેની નજર સામેથી રોડ ક્રૉસ કરતી યુવતી પર હતી. રવિ જે દિશામાં જોતો હતો એ દિશામાં રાજીવે નજર કરી. યુવતી ત્રીસેક વર્ષની હતી. તેનાં કૉસ્ચ્યુમ્સ પરથી લાગતું હતું કે તે કદાચ લોઅર ​મિડલ ક્લાસ ફૅમિલીની હશે. રોડ ક્રૉસ કરીને તે રવિ પાસે આવી અને પછી રવિના હાથમાં રહેલું બાળક તેણે પોતાના હાથમાં લીધું.

કાશ, રવિએ માત્ર હેલ્પ કરી હોય અને હવે તે અહીંથી નીકળી જાય.

કપરા સમયમાં માણસ અવાસ્તવિક સકારાત્મકતાની અપેક્ષા રાખતો થઈ જાય છે.

રાજીવનું પણ એવું જ હતું, પણ મોટા ભાગની અપેક્ષાઓ તૂટવા માટે જ જન્મતી હોય છે. અત્યારે પણ એવું જ થયું.

પેલી છોકરી સાથે રવિ બિલ્ડિંગમાં એન્ટર થઈ ગયો.

હવે જિજ્ઞાસાવશ રાજીવ પણ કારમાંથી બહાર નીકળ્યો. ખબર હતી કે તેણે નો પાર્કિંગ એરિયામાં કાર પાર્ક કરી છે, પણ સંબંધો જ્યારે નિયમો ભૂલતા હોય ત્યારે માણસ માટે વ્યવહારુ નિયમોની કોઈ કિંમત નથી રહેતી.

અનાયાસ જ રાજીવની ચાલમાં સાવધાની હતી.

સાવધાની સાથે આગળ વધતા રાજીવે કમર્શિયલ બિલ્ડિંગના એન્ટ્ર1ન્સ પાસે પોતાનો ચહેરો સંતાડ્યો હતો, પણ તિરછી નજરે તેણે જોઈ લીધું કે રવિ અને પેલી છોકરી બન્ને લિફ્ટમાં ઉપર રવાના થઈ ગયાં હતાં.

લિફ્ટ ક્યાં ઊભી રહે છે એ જોતો રાજીવ લિફ્ટની પૅનલ પર નજર રાખતો ત્યાં ઊભો રહ્યો.

સાતમા માળે લિફ્ટ ઊભી રહી કે તરત રાજીવ બિલ્ડિંગના દરેક ફ્લોર પર આવેલી ઑફિસોની નેમપ્લેટના લિસ્ટ પાસે પહોંચ્યો.

સેવન્થ ફ્લોર પર ચાર ઑ​ફિસ હતી, જેમાં એક ઑ​ફિસ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની હતી તો એક ઑ​ફિસ આર્કિટેક્ટની હતી, એક ઇન્ટીરિયર ડેકોરેટરની હતી અને એક ઑ​ફિસમાં પીડિયાટ્રિશ્યન ડૉક્ટર...

યસ, રવિ આ જ ઑ​ફિસમાં ગયો છે.

નાના બાળક સાથે આવેલા રવિને અહીં બીજા કોઈને ત્યાં કામ હોય એવા ચાન્સિસ ઓછા લાગતા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ હાથમાં રહેલા બાળકને બરાબર વીંટાળવામાં આવ્યું હતું તો બાળકને હાથમાં લેતી વખતે માએ તેના કપાળ પર હાથ મૂકીને ચેક કર્યાનું પણ હવે રાજીવને યાદ આવતું હતું.

સો ટકા, રવિ આ જ ઑ​ફિસમાં ગયો છે.

રાજીવ ફરી બિલ્ડિંગની બહાર આવ્યો. તેનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું. સંધ્યાના આક્ષેપો હવે પુરાવા સાથે સાચા પડતા તેની આંખો સામે આવતા હતા. મૂંઝવણ માણસને બે રસ્તાઓ ચીંધે : એક આંખનો વિશ્વાસ કરવાનું અને બીજો, તમામ રસ્તાઓને ખોટા ધારી લેવાનું.

રાજીવે બીજો રસ્તો પસંદ કરવાનું નક્કી કર્યું અને મનોમન ધારી લીધું કે બને કે જેને જોયો તે રવિ ન હોય. જગતમાં એકસરખા ફેસના સાત લોકો હોય છે. શક્ય છે કે અત્યારે રવિ જેવા જ બીજા સાત ચહેરાઓ પૈકીનો એક ચહેરો તેણે જોઈ લીધો હોય.

ગાડીમાં આવીને બેસી ગયેલા રાજીવે પોતાના મનના તર્કને વાજબી ઠેરવવા જ રવિને ફોન કર્યો. રવિએ ફોન ​રિસીવ કર્યો કે તરત જ રાજીવના અવાજમાં ઉત્સાહ આવ્યો.

‘હેય રવિ, ક્યાં છે?’ રાજીવે અનુમાન લગાવ્યું, ‘ઑબ્વિયસ્લી ઑ​ફિસમાં જને...’

‘રાઇટ...’ રવિએ દબાયેલા અવાજે પૂછ્યું, ‘ઍનીથિંગ અર્જન્ટ?’

‘ના, એમ જ ફોન કર્યો... બિઝી છે?’

‘હા, બૉસ સાથે મીટિંગ ચાલુ છે...’ રવિએ ધીમેકથી પૂછ્યું, ‘થોડી વારમાં કૉલ કરું?’

‘નો ઇશ્યુ, આરામથી...’

રાજીવે ફોન કટ કર્યો અને પછી તરત રવિની ઑ​ફિસે ફોન કર્યો. જો રવિ મીટિંગમાં હોય તો ઑપરેટર રવિની ચેમ્બરમાં ફોન પાસ નહીં કરે.

‘મૅ આઇ ટૉક ટુ રવિ, રવિ દેસાઈ?’

‘જસ્ટ અ મિનિટ...’

ઑપરેટરે લાઇન પાસ કરી ને રાજીવને મ્યુઝિક સંભળાતું રહ્યું. અડધી મિનિટના મ્યુઝિક પછી ઑપરેટર ફરી લાઇન પર આવી અને તેણે જે કહ્યું એણે રાજીવના તમામ તર્કનાં ચીથરાં ઉડાડી દીધાં.

‘આઇ ઍમ ઑરી, રાજીવસર આજે ઑ​ફિસે નથી આવ્યા.’

‘જો સંધ્યા, હું જે કહું છું એ સમજી-વિચારીને કહું છું. ધાર્યું હોત તો તને વાત નહીં કરીને પણ હું અંધારામાં રાખી શક્યો હોત, પણ આઇ થિન્ક... હવે હાઈ-ટાઇમ છે.’ અનુષા સાથે સંધ્યાના ઘરે પહોંચેલા રાજીવે વાત શરૂ કરી, ‘આજે મેં રવિને એક છોકરી સાથે જોયો... એ લોકો સાથે એક બાળક પણ હતું, તે બાળકને રવિએ તેડ્યું હતું!’

વાત આગળ વધતી ગઈ અને સંધ્યાની આંખોમાંથી અશ્રુધારા.

‘મને લાગે છે કે હવે તારે આ આખી વાત તારા ઘરે કરી દેવી જોઈએ...’ અનુષાએ તર્ક સાથે કહ્યું, ‘તેમને વાત કરીને રવિને ત્યાં જ બોલાવ.... તમારા બે વચ્ચે ચર્ચા થાય એના કરતાં ફૅમિલીની હાજરીમાં જો વાત થશે તો રવિ પણ શરમ અનુભવશે.’

એ રાતે જ રવિને જાણ કર્યા વિના સંધ્યા તેના પિયર બોરીવલી ચાલી ગઈ.

રાતે રવિ ઘરે આવ્યો ત્યારે સંધ્યા ઘરમાં નહોતી એટલી તેણે સંધ્યાને મોબાઇલ કર્યો, પણ સંધ્યાએ મોબાઇલ ​રિસીવ કર્યો નહીં. રવિને એમાં કશું અજુગતું લાગ્યું નહીં, પણ અજુગતું ત્યારે લાગ્યું જ્યારે તેણે ડાઇનિંગ ટેબલ ખાલી જોયું.

સામાન્ય રીતે કિટી પાર્ટીમાં જતી સંધ્યા રવિનું ડિનર તૈયાર કરીને જતી, પણ એ રાતે એવું બન્યું નહોતું.

કલાક રાહ જોયા પછી રવિએ ફરી સંધ્યાને ફોન કર્યો ત્યારે ફોન સંધ્યાના ભાઈ વિવેકે ઉપાડ્યો.

‘ક્યાં સંધ્યા?’ રવિએ સહજ રીતે જ કહ્યું, ‘આપ તો ફોન...’

‘તે સૂઈ ગઈ છે...’ વિવેકે જવાબ આપ્યો, ‘તમને મેસેજ આપવાનું કહ્યું છે કે કાલે સવારે તમે અહીં ઘરે આવજો.’

‘કેમ, કંઈ થયું?’

જવાબ પરથી રવિ એટલું તો સમજી ગયો હતો કે સંધ્યા રાત ત્યાં રોકાવાની છે, પણ અગાઉ ક્યારેય કહ્યા વિના તે ગઈ નહોતી એટલે રવિને અજુગતું લાગ્યું હતું.

‘બધાની હેલ્થ...’

‘એવું કંઈ નથી...’ જાણે વાત પૂરી કરવી હોય એ રીતે વિવેકે કહ્યું, ‘તમે કાલે સાડાનવ વાગ્યે આવોને, આપણે વાત કરીએ...’

‘શ્યૉર...’

ફોન પૂરો કરી રવિએ ઑનલાઇન ફૂડનો ઑર્ડર કર્યો અને પછી તરત જ વૉટ્સઍપ ઓપન કરી મેસેજ પણ

કરી લીધો.

‘મેડિસિન આપવાનું ભુલાય નહીં. રાતે જરૂર પડે તો ફોન કરજે, હું અવેલેબલ છું.’

રવિને ક્યાં ખબર હતી કે આવનારા કલાકોમાં તેના જીવનમાં કેવડો મોટો ધરતીકંપ આવવાનો છે.

‘ગુડ મૉર્નિંગ...’

ઘરનો દરવાજો ખૂલ્યો કે તરત રવિ સાસુ પ્રતિભાબહેનને ઉત્સાહ સાથે મળ્યો, પણ પ્રતિભાબહેનનો તોબરો ચડેલો હતો. કંઈ પણ બોલ્યા વિના તે સીધા કિચનમાં ચાલ્યા ગયાં. રવિ હૉલમાં આવ્યો. હૉલમાં દીકરી કિયા રમતી હતી. તેની સાથે બે-ચાર મિનિટ રમ્યા પછી રવિએ સંધ્યાને બૂમ પાડી, પણ જવાબ કિચનમાંથી આવ્યો...

‘તે બહાર ગઈ છે, હમણાં આવશે.’

ક્યાં ગઈ છે એવું પૂછવાનું રવિને મન થયું. મનની વાત જીભ પર આવે એ પહેલાં જ રૂમમાંથી સસરા કિશોરભાઈ બહાર આવ્યા.

‘અરે પપ્પા, તમે હજી શોરૂમ પર

નથી ગયા?’

‘ના...’

એકાક્ષરી જવાબ વાતાવરણમાં પ્રસરેલા ભારનો વધુ અનુભવ કરાવતો હતો.

કિયા સાથે રમતાં-રમતાં જ રવિએ ડાઇનિંગ ટેબલ પર નજર કરી લીધી. ડાઇનિંગ ટેબલના જે દીદાર હતા એ કહેતા હતા કે બ્રેકફાસ્ટ પૂરો થઈ ગયો છે. મતલબ કે રવિને મહેમાન તરીકે નહીં પણ જમાઈ તરીકે બોલાવવામાં આવ્યો છે જે જમાઈ કોઈ વાંકમાં છે.

‘મને બોલાવવામાં આવ્યો, કોઈ ખાસ કામ...’

‘તમારા કાંડ પકડાયા છે...’

કિશોરભાઈના સ્વરમાં કડવાશ હતી. વિષય ખુલ્લો મુકાવાનું શરૂ થયું એટલે કિચનમાંથી પ્રતિભાબહેન પણ બહાર આવી ગયાં.

‘કેવા કાંડ?’

‘જે તમે બહાર ચલાવી રહ્યા છો...’ સાસુએ કઠોર અવાજે કહ્યું, ‘અમને સંધ્યાએ બધી વાત કરી. પુરાવા પણ દેખાડ્યા અને કાલે તો તમારો છેલ્લો ભાંડો પણ ફૂટી ગયો.’

‘કયો ભાંડો?’

‘બહાર જે છોકરું કર્યું છેને, તેને લઈને ડૉક્ટર પાસે ગયા એ...’ પ્રતિભાબહેનનો ચહેરો તગતગી ગયો હતો, ‘હવે એકેય વાતમાં ખોટો બચાવ નહીં કરતા...’

‘નહીં કરું બચાવ... ને બધી વાત કરું, પણ જમાઈને છેલ્લી વાર ચા પીવડાવી દો...’ રવિના ચહેરા પર સ્માઇલ હતું, ‘ચા પીધા પછી આપણે બહાર જઈએ... મજા આવશે. જલદી ચા મૂકો.’

રવિની હાજરીમાત્ર સંધ્યાનાં મમ્મી-પપ્પાને જબરદસ્ત અકળામણ આપતી હતી. જોકે એ અકળામણ વચ્ચે પણ રવિ શાંત હતો અને તેની શાંતિનું કારણ થોડી મિનિટોમાં ખુલ્લું પડવાનું હતું...

(ક્રમશઃ)

columnists Rashmin Shah