બ્લૅકમેઇલરનો કાંટો કૉલેજ-ફ્રેન્ડ્સની કાઉન્ટર ગેમ (પ્રકરણ 3)

01 May, 2024 04:43 AM IST  |  Mumbai | Lalit Lad

અરુંધતીને છેક હવે ભાન થઈ રહ્યું હતું કે તેમણે બન્નેએ મળીને કોઈની હત્યા કરી છે

ઇલસ્ટ્રેશન

ખંડાલાની ઑફ સીઝન યા​નિ ​કિ ચોમાસામાં ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.

એ વરસાદી રાતના લગભગ દસ વાગ્યાના સુમારે અરુંધતીની કાર એક વળાંક આગળ, બરાબર ખીણની ધાર પર જઈને અટકી ગઈ હતી!

પોતાને બ્લૅકમેઇલ કરનાર ડ્રાઇવર રઘુનાથનો હંમેશ માટે કાંટો કાઢી નાખવા તેને પાંચ લાખના બદલામાં અરુંધતીએ આ કાર સોંપી દીધી હતી. એ પહેલાં તેને ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો અને તેના ​ડ્રિન્કમાં ઘેનની ગોળીઓનો ભૂકો કરીને સિફતથી ભેળવી દીધો હતો, પણ...

સામેનું દૃશ્ય જોઈને અરુંધતીની આંખો ફાટી ગઈ હતી! ખીણની ધાર પર અટકી રહેલી કારને ધક્કો મારવા જતાં અરુંધતીએ જોયું કે રઘુનાથ અચાનક જાગી ગયો! એટલું જ નહીં, તે પાછળ જોઈને ચીસો પાડી રહ્યો હતો!

‘માલતીઈઈ!’ અરુંધતીની ચીસ ગળામાં જ અટકી ગઈ.

માલતીએ પણ આ જોયું. તે શરીરે અને મનથી બન્ને રીતે મજબૂત હતી. પેલી બાજુ રઘુનાથે બારીનો કાચ નીચો કર્યો. તે દરવાજો ખોલીને બહાર આવવા જતો હતો ત્યાં જ માલતી તેના તરફ ધસી ગઈ! જતાંની સાથે તેણે રઘુના ડાચા પર કચકચાવીને એક મુક્કો ફટકારી દીધો!

રઘુના નાકમાંથી લોહી દદડવા લાગ્યું. તે ચિત્કાર કરીને સામો જવા જતો હતો ત્યાં જ માલતીએ બીજો મુક્કો ફટકારી દીધો! અચાનક રઘુનું શરીર ઢીલું પડી ગયું! તે ઢીલો થઈને સીટમાં ફસડાઈ પડ્યો.

‘લાગે છે કે હવે તે બેહોશ થઈ ગયો છે.’ માલતીએ તેના ફુલ સ્લીવના ટી-શર્ટની બાંયો અધ્ધર ચડાવતાં અરુંધતીને કહ્યું, ‘કમ ઑન! પુશ... પુશ ધ કાર!’

અરુંધતી ગભરાઈ ગઈ હતી. તેણે કલ્પના પણ નહોતી કરી કે તેને બ્લૅકમેઇલ કરનારનો કાંટો આ રીતે કાઢવો પડશે! માલતીની આંખોમાં જે ઝનૂન હતું એ જોઈને પણ તેને બીક લાગી રહી હતી.

‘કમ ઑન અરુંધતી! ધિસ ઇઝ યૉર લાસ્ટ ચાન્સ! ​ફિ​નિશ હિમ!’ માલતી કારને ધકેલવા લાગી.

પણ કાર આગળ ચસકતી જ નહોતી! અચાનક માલતીની નજર કારના પાછલા વ્હીલ પર પડી. ત્યાં પૈડાની આગળ એક બહુ મોટો પથ્થર જમીનમાં ખોડાયેલો હતો. કદાચ કાર ત્રાંસી થઈને ખીણ તરફ ગબડી હશે એટલે આગલું પૈડું એ પથ્થર ચાતરીને નીકળી ગયું હતું.

‘હવે? આ પથ્થર હટે એમ લાગતું નથી!’ અરુંધતીને હાંફ ચડી ગઈ હતી.

‘ના શું હટે?’ માલતીએ જોર

કરીને કારની ડિકીનું હૅન્ડલ ખેંચ્યું. ડિકી ખૂલી ગઈ!

‘આ...’ અરુંધતીને નવાઈ લાગી. ડિકી ખુલ્લી જ હતી.

‘તને માત્ર કાર સ્ટાર્ટ કરીને બંધ કરતાં જ આવડે છે. કદી પંક્ચર પણ ક્યાં કર્યું છે?’ માલતીએ ડિકીમાંથી એક સળિયો કાઢ્યો.

તે સળિયા વડે વ્હીલ આગળના પથ્થરને મારવા લાગી. બે-ચાર ફટકા છતાં પથ્થર જરાય ચસક્યો નહીં. હવે માલતીએ કહ્યું, ‘જો ડિકીમાં ક્યાંક એકાદ

ટૉર્ચ હશે.’

‘ટૉર્ચ?’ અરુંધતી હજી ડઘાયેલી હતી. માલતીએ જાતે જ ​ડિકીમાં માથું ખોસીને ટૉર્ચ શોધી કાઢી.

‘આ પકડ અને મને જરાક હેલ્પ કર.’

ઝરમર વરસતા વરસાદમાં, ટૉર્ચના અજવાળે માલતીએ પેલા મોટા પથ્થરના મૂળમાં વારંવાર સળિયા વડે પ્રહારો કરવા માંડ્યા. છેવટે નીચે સહેજ પોલાણ થયું કે તરત સળિયો અંદર ખોસીને પથ્થરને ઢીલો કરી નાખ્યો. એ પછી ગોઠણભેર બેસીને બન્ને હાથ વડે જોર લગાવીને તેણે પથ્થરને હચમચાવી પૈડાં આગળથી દૂર કરી દીધો!

અરુંધતી તો માલતીની આ તાકાતને દંગ બનીને જોતી જ રહી ગઈ! કેટલું બધું જોર હતું માલતીના શરીરમાં?

‘કમ ઑન નાઓ! હવે

જોરથી ધક્કો માર! કારનું પૈડું

એકઝાટકે પથ્થરના ખાડાની પેલી તરફ જવું જોઈએ!’

અરુંધતીએ આ વખતે બરોબરનું જોર લગાડ્યું. પૈડું ખાડાની પેલી તરફ ગયું કે તરત જ કાર ખીણ તરફના ઢોળાવ બાજુ રગડવા માંડી... ધીમે-ધીમે કારે સ્પીડ પકડી લીધી અને છેવટે એ એકાદ પથ્થર સાથે અથડાઈને ઊછળી. પછી અંધારામાં ખીણના ઊંડાણમાં ધસી ગઈ.

થોડી વારે ધબ્બ કરતો એક અવાજ સંભળાયો. પછી કાચ ફૂટવાના, પથ્થરમાં અથડાવાના થોડા અવાજો સંભળાયા. એ પછી ખીણમાં સંપૂર્ણ સન્નાટો

છવાઈ ગયો.

માલતી ઢોળાવ ઊતરીને છેક ખીણ સુધી જઈ આવી. તે પાછી આવી ત્યારે તેના ચહેરા પર ગજબની શાંતિ હતી! કીચડ અને પાણીથી ભીના થયેલા હાથ ખંખેરતાં તેણે કહ્યું, ‘લાઇટો ફૂટી ગઈ લાગે છે, પણ લાગે છે કે હવે તે પતી ગયો... બ્લડી બ્લૅકમેઇલર.’

વરસાદ ધીમે-ધીમે બંધ થઈ રહ્યો હતો, પણ અરુંધતીનું શરીર હજી ધ્રૂજી રહ્યું હતું. તેને લાગ્યું કે તેણે હમણાં જ કોઈ હૉરર ફિલ્મનું દૃશ્ય જોયું છે! માલતીએ નજીક આવીને અરુંધતીના ખભે હાથ મૂકતાં કહ્યું:

‘ડોન્ટ વરી. ઇટ્સ ઓવર નાઓ. તારા બ્લૅકમેઇલરનો કાંટો નીકળી ગયો, હંમેશ માટે.’

વરસાદ હવે બંધ થઈ ગયો હતો. તે બન્ને જણ રોડ પર પાછાં આવ્યાં કે તરત જ તીવ્ર પ્રકાશનો એક શેરડો તેમના પર પડ્યો.

દૂરથી એક પોલીસજીપ નજીક આવીને ઊભી રહી. અંદરથી એક ઇન્સ્પેક્ટર નીકળ્યા. તેણે પૂછ્યું, ‘ઍની પ્રૉબ્લેમ લેડીઝ ?’

‘નો... નો પ્રૉબ્લેમ.’ માલતીએ તરત જ જવાબ આપ્યો, ‘આ તો અમારી કાર ઢાળ ચડતાં-ચડતાં જરા ગરમ થઈ ગઈ હતી એટલે અમે અહીં ઊભા છીએ.’

છેક પચાસ ફુટ દૂર ઊભેલી કાર તરફ નજર કરીને ઇન્સ્પેક્ટરે ફરી પૂછ્યું, ‘આર યુ શ્યૉર?’

‘યા... યા... શ્યૉર!’ માલતીએ ફરીથી જવાબ ઊપજાવી કાઢ્યો, ‘ઍક્ચ્યુઅલી, કારનું AC જરા તકલીફ આપી રહ્યું હતું એટલે અમે અહીં ફ્રેશ ઍર લેવા ઊભાં રહ્યાં.’

ઇન્સ્પેક્ટરે ફરી એક વાર બન્ને જણ પર નજર નાખી, પછી થોડી વાર આસપાસ નજર ફેરવી... છેવટે પોતાની કૅપ સરખી કરતાં તે પાછા જીપમાં બેઠા. જીપ સ્ટાર્ટ થાય એ પહેલાં તેમણે કહ્યું:

‘કંઈ પણ જરૂર હોય તો બેઝિઝક કહી શકો છો. ડોન્ટ વરી, પોલીસ તમારી મદદ માટે છે.’

‘નો સર, થૅન્ક યુ.’ માલતીએ નકલી સ્માઇલ આપ્યું. પોલીસની જીપ જતી રહી પછી જ અરુંધતીનો શ્વાસ હેઠો બેઠો.

‘સાલો, ચારે બાજુ ધ્યાનથી જોઈ રહ્યો હતો. આ તો સારું થયું કે વરસાદને લીધે તારી કારનાં ટાયરોની છાપ ધોવાઈ ગઈ હતી.’

અરુંધતી બોલ્યા વિના માલતીની કારમાં બેસી ગઈ. તેને છેક હવે ભાન થઈ રહ્યું હતું કે તેમણે બન્નેએ મળીને કોઈની હત્યા કરી છે.

હોટેલે પહોંચ્યા પછી માલતીએ અરુંધતીને આગળનો પ્લાન સમજાવ્યો...

‘જો સાંભળ, કાલે આપણે અહીંના પોલીસ-સ્ટેશને જઈશું અને તારી કાર ચોરાઈ ગઈ છે એવી કમ્પ્લેઇન્ટ લખાવીશું.’

‘અરે, પણ કાર ચોરાવાનો ​રિપોર્ટ તો છેક કેરલાથી લખાવવાનો હતોને?’

‘અરુઉઉ!’ માલતીએ અરુંધતીના માથે ટપલી મારી, ‘તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે કે શું? એ કેરલાવાળી સ્ટોરી તો તારા પેલા રઘુને સમજાવવા માટે હતી!’

‘ઓહ!’ અરુંધતી ખરેખર કન્ફ્યુઝ થઈ ગઈ હતી. માલતીએ તેના ગાલ પર હાથ ફેરવીને કહ્યું : ‘અરુંધતી, જે થવાનું હતું એ થઈ ગયું... બલ્કે આપણે જે કરવા માગતાં હતાં એ જ રીતે થઈ ગયું છે. હવે બિલકુલ ડરવાની જરૂર નથી. જસ્ટ બી બ્રેવ!’

‘બ્રેવ?’ અરુંધતી સાવ ઢીલીઘેંશ જેવી થઈ ગઈ, ‘યાર, એ જ તો હું થઈ શકતી નથી. મને તો હજી પેલા રઘુનો ચહેરો નજર સામે દેખાયા કરે છે! સાલો, પાછળ વળીને ચીસો પાડતો હતો ત્યારે તેની આંખો કેવી પહોળી થઈ ગઈ હતી...’

‘અરુ, હવે એ બધું જ ભૂલી જવાનું છે. નાઓ યુ જસ્ટ હૅવ ટુ બિહેવ નૉર્મલી! તારો કાંટો દૂર થઈ ગયો છે... હંમેશ માટે!’

માલતી માટે જે નૉર્મલ હતું એ જ અરુંધતી માટે ડરામણું હતું. રાત્રે માલતી તો બિન્દાસ નિરાંતે ઊંઘી રહી હતી, પણ અરુંધતીને જરાય ઊંઘ આવતી નહોતી. આખરે તેણે રાત્રે બે વાગ્યે માલતીને જગાડી.

‘શું છે?’ માલતી આંખો

ચોળતાં ઊઠી.

‘યાર, મને પેલી ઊંઘની ગોળી આપને...’

અરુંધતીની હાલત જોઈને માલતી સહેજ હસી. પછી ઊઠીને તેણે પર્સમાંથી બે ટૅબ્લેટ કાઢીને આપી. ‘આનાથી વધારે ન લેતી. નહીંતર પેલા રઘુની જેમ તું પણ...’

માલતીએ બનાવટી રીતે ડોળા અધ્ધર ચડાવીને જીભ લટકાવી બતાડી, પણ એ જોઈને અરુંધતી વધારે ડરી ગઈ!

‘યાર પ્લીઝ! તું આવા ચાળા ન કરને.’

ગોળીઓ લીધા પછી અરુંધતીને ઊંઘ તો આવી, પણ હવે ઊંઘમાં સપનાં આવવા લાગ્યાં! અરુંધતી પોતાના હસબન્ડ કેતન કામદારની છાતી પર માથું નાખીને ઊંઘી રહી છે... ત્યાં અચાનક બારીમાંથી પ્રકાશનો શેરડો આવતો દેખાય છે... એ શેરડામાં એક વાંકીચૂકી લાશનો આકાર દેખાય છે... એ આકાર રઘુનાથનો છે... રઘુનાથના હાથ ભાંગીને વાંકા વળી ગયા છે... તેના પગ મરડાઈને ઊંધા થઈ ગયા છે... ચહેરા પરથી સતત લોહી નીતરી રહ્યું છે... એક આંખ લટકીને બહાર આવી ગઈ છે... રઘુનાથ ધીમા પગલે વાંકોચૂકો થતો પલંગ પર ચડી આવે છે! અને અરુંધતીની ચાદર ખેંચીને તેની છાતી પર ચડી બેસે છે! પછી તેના ગંદા દાંત વડે તે બચકું ભરવા માટે નજીક ને નજીક આવી રહ્યો છે...

‘ઈઈઈઈ!’ અરુંધતી ચીસ પાડીને જાગી ગઈ!

માલતી ઝડપથી તેની પાસે ધસી આવી, ‘શું થયું?’

અરુંધતી કંઈ બોલે એ પહેલાં માલતી હસી પડી, ‘બોલ, સપનામાં તારો ડ્રાઇવર આવ્યો હતોને?’

બીજા દિવસે માલતીની કાર લઈને બન્ને પોલીસ-સ્ટેશને ફરિયાદ લખાવવા ગયાં. તેમની નવાઈ વચ્ચે અહીં એ ઇન્સ્પેક્ટર જ બેઠો હતો જે તેમને ગઈ કાલે રાત્રે મળ્યો હતો!

‘ઇન્સ્પેક્ટર શિંદેસર,’ માલતીએ તેની નેમપ્લેટ વાંચીને કહ્યું, ‘એક કારચોરીની કમ્પ્લેઇન્ટ લખાવવાની છે.’

‘કોની કાર ચોરાઈ છે?’

‘મ... મારી...’ અરુંધતી માંડ-માંડ બોલી શકી. ઇન્સ્પેક્ટરની ધારદાર નજરથી તે ગભરાઈ રહી હતી.

‘ક્યાંથી ચોરાઈ તમારી કાર?’

‘કાર મધુમતી રેસ્ટોરાં પાસેથી ચોરાઈ છે.’ માલતીએ જવાબ આપ્યો.

‘તમને નહીં, હું આ મૅડમને પૂછી રહ્યો છું. કાર ત્યાંથી જ ચોરાઈ છે?’

‘સો વૉટ?’ માલતી સામી થઈ, ‘મને ખબર છે કે કાર ત્યાંથી જ ચોરાઈ છે.’

‘અચ્છા? તમે કાર ચોરી થતાં જોઈ હતી? કેવો દેખાતો હતો ચોર?’

‘મેં કશું જોયું નથી, પણ હું રેસ્ટોરાં પર આવી ત્યારે અરુંધતીએ મને કહ્યું કે મારી કાર ચોરાઈ ગઈ, હમણાં જ.’

‘હં...’ ઇન્સ્પેક્ટર શિંદેએ ટેબલ પર પડેલા પેપરવેઇટને ગોળ-ગોળ ફેરવતાં પૂછ્યું, ‘સવાલ એ છે કે અરુંધતી મૅડમ, તમે ખંડાલાની એ ફાલતુ ટાઇપની ફટીચર જેવી રેસ્ટોરાંમાં રાતના ટાઇમે શું કરતાં હતાં? એ પણ આવી વરસાદની ઑફ સીઝનમાં? એકલાં?’

અરુંધતીને લાગ્યું કે તેની બધી જ પોલ હવે ખૂલી જશે! ઇન્સ્પેક્ટર આવા સવાલો કરશે એની તેને કલ્પના જ નહોતી.

(ક્રમશઃ)

columnists life and style