સાજન-સજની: સૂરજ સાયબો, હું સૂરજમુખી (પ્રકરણ ૧)

15 April, 2024 06:03 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

બીજાને કહું તો માને નહીં, પણ તમે માનશો કે એક સમયે મારા ઘરે મર્સિડીઝ હતી?

ઇલસ્ટ્રેશન

‘હે ભગવાન! વહેલી સવારમાં છાપામાં સમાચાર જ એવા વાંચ્યા કે અરેરાટી

થઈ આવે.’

‘શું થયું મા?’

નાહીધોઈને ઘરમંદિરમાં માથું ટેકવી હૉલમાં પ્રવેશતા દીકરાએ પૂછ્યું. અખબારની ગડી વાળીને સગુણાબહેન દીકરા માટે ચા-નાસ્તો બનાવવા હીંચકેથી ઊઠ્યાં, ‘થવામાં એ જ કે હવે સવાર-સવારમાં સમાચારપત્ર વાંચવાનું બંધ કરવું છે. સારા સમાચાર તો હોતા જ નથી. આજે ખબર છે કે સાસરિયાંના ત્રાસથી કંટાળીને પરિણીતાએ વસઈની ખાડીમાં પડતું મૂક્યું!’

‘અરેરે...’

‘આવા કિસ્સામાં સાસરિયાં તો ગુનેગાર છે જ, હું માવતરનોય વાંક જોઉં છું. દીકરીને ઉડાન ભરવાની, પગભર થવાની મોકળાશ આપી હોત તો આમ જીવ દેવાને બદલે પતિનું ઘર છોડીને પિયરમાંય આશરો લેવાને બદલે તે પોતાનું અલાયદું વિશ્વ રચી શકી હોત.’

આનો ઇનકાર હોય જ નહીં, છતાં ભીતરનું કંઈક ઘૂમરાતું બહાર આવવા મથી રહ્યું હોય એમ આશ્લેષથી અણધાર્યું બોલાઈ ગયું, ‘પોતાના પગ પર ઊભા થયાનો દાખલો કોઈ બેસાડે તો પણ તેની કદર હર કોઈ નથી કરી શકતું.’

દીકરાના શબ્દોએ માને બ્રેક લાગી ગઈ. ઊલટાં ફરી એકના એક દીકરાને નિહાળ્યો ઃ ‘આમ કહીને તું મને બેકદરનું મહેણું મારે છે?’

હોઠે આવેલો સવાલ તેમણે હોઠ વચ્ચે જ ભીડી રાખ્યો અને મનોમન બોલ્યાં : ‘માને મહેણું મારે એવો મારા લાલનો સ્વભાવ જ ક્યાં છે? બલકે રૂડો-રૂપાળો, સંસ્કારમઢ્યો આસુ તો મારા માતૃત્વના અભિમાનરૂપ રહ્યો છે. પતિની અકાળ વિદાય બાદ તેણે જ મને સંભાળી. પાર્ટટાઇમ જૉબ કરતાં-કરતાં ભણ્યો. આજથી ૬ વર્ષ અગાઉ ૨૩ વર્ષની ઉંમરે કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કરી મલ્ટિનૅશનલમાં ઊંચી પોસ્ટ પર નિયુક્તિ પામી આસુએ બે વર્ષ પહેલાં વરલીમાં ત્રણ બેડરૂમનો આ વૈભવશાળી ફ્લૅટ ખરીદી માને સુખના હિંડોળે ઝૂલતી કરી દીધી એનો ગર્વ કેમ ન હોય!’

સગુણાબહેનની મમતા આસુને પોંખતી. માનો જીવ રૂમઝૂમતી વહુ આણવા હવે તલપાપડ હતો. દીકરાને પૂછીને તેમણે પ્રસ્તાવ તરાશવા માંડ્યા, પણ આસુ માટે એક ઝલકમાં ગમી જાય એવી કોઈ કન્યા નજરે પડી નહીં. અને એક દિવસ...

‘મા, હવેથી મહિનો-બે મહિના મને સાંજે આવવામાં મોડું થશે.’

આસુની જૉબ આમ તો ૯થી ૬ની, પણ નરીમાન પૉઇન્ટની ઑફિસથી પરત થતાં રાતે આઠ તો થઈ જ જાય, એમાંય હવે મોડું?

‘ઑફિસથી તો સમયસર નીકળી જ જઈશ મા, આ તો બીજી અપૉઇન્ટમેન્ટને લીધે મોડું થશે.’ આસુ મલકેલો.

તેની પાસે મોંઘેરી બાઇક હતી. મુંબઈના ટ્રાફિકનું વિચારીને તે કાર લેવાનું અવૉઇડ કરતો, પણ હવે જ્યારે કંપની જ કાર આપી રહી છે તો લાભ કેમ જતો કરવો! અને કાર આવે એ પહેલાં ડ્રાઇવિંગ શીખવા જવાનો હોવાથી આસુને મોડું થશે એ બધું જાણી માના જીવને તો હરખ જ થાયને!

ત્યારે ક્યાં જાણ હતી કે ડ્રાઇવિંગ સ્કૂલનો ફાંટો મા-દીકરાને પરસ્પર વિરુદ્ધ બિંદુએ આણી મૂકશે!

અત્યારે નિ:શ્વાસ ખાળી સગુણાબહેને દમ ભીડ્યો,

‘તું ગમે એ કહે આસુ, ઊર્જા માટે મારી ‘હા’ થવાની નહીં.’

સગુણાબહેન તો આટલું કહીને રસોડામાં જતાં રહ્યાં, પણ પ્રિય પાત્રના ઉલ્લેખે આસુના ચિત્તમાં મીઠી ઝણઝણાટી પ્રસરી ગઈ.

‘ઊર્જા...’

‘આ એક નામ મારા રોમેરોમમાં કેવો રોમાંચ જગાવી જાય છે!’ હીંચકાને ઠેસી મારતાં આશ્લેષે સાંભર્યું.

કંપની અપ્રેઇઝલ ગિફ્ટ તરીકે કાર આપવાની હોવાથી આશ્લેષ માટે ડ્રાઇવિંગ શીખવું ફરજિયાત બન્યું. ઑફિસમાં પૂછતાં કોઈકે ચર્ની રોડની ‘શિવાય ડ્રાઇવિંગ સ્કૂલ’ની ભલામણ કરી ઃ ‘એ તને ઑફિસથી નજીક પડશે. ત્યાં ગાડીઓની સંખ્યા પણ સારી એવી એટલે ઈવનિંગ બૅચમાં તારો નંબર લાગીયે જશે...’

એક સાંજે ત્યાં જઈને પચાસેક વર્ષના પ્રૌઢ માલિક ધનરાજ મહેતાને મળી આશ્લેષે ઍડ્મિશન લીધું. ઑફિસ, પ્યુન સહિતનો સ્ટાફ જોઈને લાગ્યું કે ડ્રાઇવિંગ સ્કૂલનું કામકાજ મોટું છે.

‘આમ તો અમે ૬ પિકઅપ પૉઇન્ટ્સ રાખ્યાં છે, પણ તમને અમારી ઑફિસનું આ પૉઇન્ટ વધુ અનુકૂળ રહેશે. શાર્પ સાડાછએ આવી જજો, અહીંથી ચાર ગાડી એ સમયે ઊપડતી હોય છે. તમને ગમે એ કારમાં બેસી જજો. વહેલો તે પહેલો, સમજ્યાને!’

આશ્લેષ બીજી સાંજે ૧૦ મિનિટ વહેલો પહોંચી ગયો. કાર ચલાવતાં શીખવાનો રોમાંચ કંઈ જેવોતેવો હતો! પણ આ શું?

સાડાછના ટકોરે એક કાર પિકઅપ પૉઇન્ટ પર આવી ગઈ ખરી, પણ એની ચાલક તો એક છોકરી છે!

આશ્લેષના ચહેરા પર નવાઈ પ્રસરી ગઈ. કોઈ છોકરી ડ્રાઇવિંગ શીખવતી હોય એવું તો પહેલી વાર જોયું!

‘મુંબઈની એ પહેલી લેડી ડ્રાઇવિંગ ટ્રેઇનર છે...’ આશ્લેષના પડખે ઊભેલા ચાલીસેક વર્ષના આદમીએ કાનમાં કહેવાની ઢબે માહિતી આપી, ‘સ્કૂલવાળાએ મોટા ઉપાડે તેને રાખી છે, ઊર્જા આવ્યા પછી સ્કૂલના લેડીઝ બૅચ ફુલ જાય છે ખરા, પણ એ બધા બપોરના હોય. બાકી મરદો કંઈ છોકરીનું ટ્યુશન લેતા હશે!’

‘આ કેવી માનસિકતા!’ અરુચિ થતી હોય એમ આશ્લેષ કાર તરફ આગળ વધ્યો, ‘એક્સક્યુઝ મી... મે આઇ?’

એ પહેલાં કારમાંથી ઊતરતી ઊર્જા મુસ્કુરાઈ, ‘પ્લીઝ!’

તે જતાં સ્ટૅન્ડ પર એકલા પડેલા એ આદમીએ બબડી લીધું, ‘આ આજકાલના છોકરાઓ... છોકરી જોઈ નથી કે લપસ્યા નથી!’

‘હું આવા પ્રતિભાવથી ટેવાઈ ગઈ છું.’ ઊર્જા સસ્મિત કહેતી.

ટ્રેઇનર તરીકે ઊર્જા અદ્ભુત હતી. તે જેટલું ઝીણવટથી સમજાવતી, પ્રૅક્ટિકલી દેખાડતી એ મેલ ટ્રેઇનર્સમાં સાવ જ મિસિંગ છે એવા એકાદ-બે વારના અનુભવ પછી આશ્લેષે ઊર્જાનું શરણું સ્વીકારી લીધું ઃ ‘હવે તમે જ મારાં ગુરુ!’

ઊર્જા મલકતી. ચોવીસ-પચીસની યુવતી ત્યારે કેવી મોહક લાગતી. ડ્રાઇવિંગ ટ્રેઇનર જેવા મરદોના ગણાય એવા વ્યવસાયમાં હોવા છતાં તેણે સ્ત્રીત્વની કુમાશ ગુમાવી નથી. પૅન્ટ-શર્ટના યુનિફૉર્મ પર પણ તે ચૂડીઓ પહેરે છે. લાંબા વાળને અલગ-અલગ ઢબે ગૂંથતી હોય છે. તેની ફરફરતી લટ આસુનું ધ્યાન ખેંચે અને પોતાના તરફની બ્રેક દબાવતી ઊર્જા મીઠું વઢે, ‘તમારું ધ્યાન ક્યાં છે?’

‘તારામાં!’ હોઠ સુધી આવેલો જવાબ આસુએ ગળી જવો પડે. જોકે મોટા ભાગે ઊર્જા સાથે જનારો તે એકલો હોય ત્યારે તેમની વાતો ખૂટે નહીં. લતાનાં ગીતોથી રીડિંગના શોખ સુધીની તેમની પસંદ કેટલી મેળ ખાતી હતી! આસુ તેના વિશેય પૂછપૂછ કરતો રહે ખરો. 

‘મેં આ જ વ્યવસાય કેમ સ્વીકાર્યો એનું કુતૂહલ ઘણાને થાય છે - થતું હશે.’ ઊર્જા ખભા ઉલાળતી, ‘કોઈ પૂછે તો હું ઉડાઉ જવાબ આપી દઉં આશ્લેષ, પણ તમને સાચું કહું છું.’

આસુ ઊર્જાથી પ્રભાવિત હોય તો તેના ગુણ ઊર્જાથીયે છૂપા ક્યાં હતા? કંઈક નોખું કામ કરતી યુવતીને પ્રોત્સાહન આપવાના ગુણ, સફરમાં ઘણી વાર એકલા હોવા છતાં શબ્દો કે સ્પર્શથી પણ અણછાજતી હરકત ન કરવાના ગુણ... હા, ક્યારેક તે પોતાને ચોરનજરે નિહાળી લે છે એ ગમતું ખરું!

‘બીજાને કહું તો માને નહીં, પણ તમે માનશો આશ્લેષ કે એક સમયે મારા ઘરે મર્સિડીઝ હતી.’

ઊર્જાની જીવનકથની ઊઘડતી ગઈ ઃ

મુલુંડ રહેતા મનોહરભાઈનું ધિરાણનું મોટું કામકાજ હતું. તેમની શરાફી પેઢીનો માર્કેટમાં દબદબો હતો. પિતાની જાહોજલાલીથી એકની એક દીકરી છકી ન જાય એનું ધ્યાન ગૃહિણી માતા બીનાબહેને રાખ્યું. નખશિખ રૂપાળી, ભણવામાં હોશિયાર ઊર્જાને કારનું ઘેલું હતું. કારના મેડ, મૉડલ તેને મોઢે રહેતાં. એમાં પપ્પાની મર્સિડીઝ સૌથી પ્રિય. ક્યારેક તે કાર ચલાવવાની જીદ કરતી ને મનોહરભાઈ દીકરીને વહાલથી ટપારતા ઃ ‘તું અઢારની થઈને પાકું લાઇસન્સ તો મેળવ, પછી ગાડી તારી જ.’

‘પણ એ બનવાનું નહોતું...’

ઊર્જાની કીકીમાં વિષાદ છવાતો.

‘હું પંદરની થઈ ત્યારે સંજોગ એવા વીફર્યા કે અમારે મુલુંડનો બંગલો વેચીને ચર્ની રોડની ખોલીમાં આવી જવું પડ્યું. દિવાળીની રાતે પપ્પાની ઑફિસમાં લાગેલી આગ અમારી સમૃદ્ધિ સ્વાહા કરી ગઈ.’

દિવાળીના મુરત બાદ ઑફિસ બંધ કરતી વેળા એકાદ બારી ખુલ્લી રહી ગયેલી. રાતે ગલીમાં છોકરાઓ ફટાકડા ફોડતા હતા એમાંથી લૂમનું અડધિયું અંદર આવીને ફૂટ્યું ને જોતજોતાંમાં તણખાએ આગ પકડી લીધી. ઑફિસના લાકડાના ફર્નિચર સાથે એમાં રહેલાં ધિરાણનાં તમામ કાગળિયાં બળી ચૂકેલાં, ફાયરબ્રિગેડના બંબાએ આગ ઓલવી ત્યારે રાખ જ હાથ લાગી.

‘ધિરાણના દસ્તાવેજ જ નથી રહ્યા જાણીને દેણદારો ફરી બેઠા. સૌથી મોટું ધિરાણ ન્યાતીલા વિક્રાન્ત શેઠને કરેલું. વ્યાપારમાં દેવું થઈ જતાં તેમણે ઘરબાર વેચવાની નોબત આવે એમ હતું. માર્કેટમાં કોઈ તેમને રૂપિયો ધીરવા તૈયાર નહોતું ત્યારે મારા પપ્પાએ કેવળ ન્યાતભાઈ હોવાના નાતે વિક્રાન્તઅંકલને પૂરા ૫૦ કરોડનું ધિરાણ કરેલું, એય વ્યાજમાફી સાથે! વિક્રાન્ત શેઠે ૬ મહિનામાં રૂપિયા પાછા વાળવાની બાંયધરી આપેલી, પણ બીજા જ મહિને દસ્તાવેજ બળી જતાં તેમણે હાથ ખંખેરી નાખ્યા!’

મનોહરભાઈ માટે એ આઘાત અસહ્ય નીવડ્યો. કાનૂની નિષ્ણાતોએ પણ વસૂલી ભૂલી જવાની સલાહ આપતાં ભાંગી પડ્યા મનોહરભાઈ. ઉપરાઉપરી બે હાર્ટ-અટૅકે તંદુરસ્તી કથળતી ગઈ. જે થોડું કંઈ બચ્યું હતું એ વેચીસાટીને ચર્ની રોડમાં એક બેડરૂમનો ફ્લૅટ લીધો. બચેલી મૂડી વ્યાજે મૂકીને મા-દીકરી સ્વમાનભેર જીવી શકે એવી વ્યવસ્થા કરીને તેમણે આંખો મીંચી દીધી.

‘જોવાનું એ આશ્લેષ કે પપ્પાના અવસાનના બીજા જ વર્ષે વિક્રાન્ત શેઠ પણ રોડ-ઍક્સિડન્ટમાં બહુ અરેરાટીભર્યું મોત પામ્યા. એને જ કદાચ કરણીનું ફળ કહેતા હશે!’

ઊર્જા હળવો નિઃસાસો નાખતી, ‘માણસ ભલે મર્યો, તેની લૂંટથી તેના પરિવારની જાહોજલાલી તો આજેય અકબંધ છેને! અણહકનો પૈસો પરત કરવાની કોઈની દાનત જ નહીં.’

‘હોય, કેટલાકને બદનીયત પૂરેપૂરી પચી ગઈ હોય છે.’

‘ખેર, અમે કોઈને માટે રંજિશ રાખી નથી. આ બધું ભૂલવા માએ પોતાની જાતને ભક્તિમાં ને મેં મારા ગમતા કામમાં ડુબાડી રાખી. મર્સિડીઝ તો નહીં, પણ જુદી-જુદી કાર હંકારવાનો મારો શોખ ટ્રેઇનર બનવાથી પૂરો થાય એમ છે. કૉલેજકાળમાં આની સૂઝ જાગતાં એ દિશામાં મંડી પડી. આજે ત્રણ વર્ષથી હું ડ્રાઇવિંગ સ્કૂલમાં ટ્રેઇનર તરીકે જોડાઈ છું. જાણું છું, અહીંની સૅલેરીમાંથી હું મર્સિડીઝ ક્યારેય નહીં ખરીદી શકું, પણ મને એવો મોહ પણ નથી. આ મને ગમતું કામ છે અને હું એને પૂરેપૂરું માણું છું!’

કેટલી સરળ, સ્પષ્ટ સમજ!

આમાં એક સાંજે કાર લઈ બન્ને મરીન ડ્રાઇવ તરફ નીકળ્યાં હતાં ત્યારે રેડ સિગ્નલ આગળ એક બાઇકર બાજુના સ્કૂટર પર બેસેલી મહિલાના ગળામાંથી ચેઇન ખેંચીને ભાગતાં હોહા મચી ગઈ. ઊર્જાએ ડ્રાઇવિંગ-સીટ પર આવીને કાર બાઇકની પાછળ ભગાવી.

ભરચક ટ્રાફિકમાં અત્યંત ચોકસાઈથી કાર હંકારતી ઊર્જા ચોથા સિગ્નલમાં તેને ઝડપી પાડે છે. પોતાની જણસ પાછી મળતાં મહિલા ઊર્જાને અઢળક આશિષ આપે છે. ટ્રાફિક-પોલીસ તારીફ કરે છે ઃ ‘તમને તો બેસ્ટ ડ્રાઇવરનો અવૉર્ડ આપવો જોઈએ!’

પણ ઊર્જાને તો પ્રશસ્તિનોય મોહ નહીં, કેવળ કોઈ નિર્દોષને મદદ કર્યાનો સંતોષ.

‘મે બી, પપ્પાના અનુભવે હશે કદાચ, પણ ખોટું થતું દેખાય ત્યાં મારાથી ચૂપ નથી રહેવાતું. બસ, હું આવી જ છું!’

ખભા ઉલાળી તેણે ફેંકેલું સ્મિત આશ્લેષના રુદિયામાં જડાઈ ગયું. રાતના એકાંતમાં ઊર્જા ઝળકી જતી ને અંગમાં કેવું તોફાન જાગતું!

‘કેમ આટલાં બગાસાં ખાય છે!’ બીજી સવારે મા કાન પકડવા જેવું કરતી. વાત ફેરવવાના બહાને આસુને માને ઊર્જા વિશે કહેવાનું કારણ મળી જતું. તે ઉત્સાહપૂર્વક ચેઇન-સ્નૅચરને ઝડપવાની ઊર્જાની બહાદુરીની વાત માંડતો.

સગુણાબહેન જોકે એથી ખાસ રીઝે નહીં ઃ ‘છોકરી બહાદુર હશે, પણ આ તેનો કેવો જૉબ - ડ્રાઇવરીનો! તેને કોઈ બીજું કામ જ ન મળ્યું? માસ્તરણી બને,

ટિફિન-સર્વિસ ચલાવે, કોઈ ઑફિસમાં ઢંગનું કામ કરે કે પોતાનો કોઈ બિઝનેસ કરે... છોકરીએ પગભર થવું જ જોઈએ, પણ છેક આવું! આખો દહાડો કેવા-કેવા લોકો સાથે તેનો પનારો પડતો હશે! બધા કંઈ તારા જેવા સંસ્કારી ઓછા હોય! ના રે, આપણને તો આવી નોકરી કે છોકરી ન ફાવે!’

પોતાની ધૂનમાં એકધારું બોલતી માને નિહાળતો આસુ અકળાયો, ‘પણ મા, હું તેને ચાહવા લાગ્યો છું!’

‘હેં!’ ધારણા બહારનું સાંભળીને મા કેવી ખળભળી ગયેલી એ સાંભરી અત્યારે પણ નિઃશ્વાસ જ નાખી શક્યો આશ્લેષ!

‘ધેર ઇઝ ઓન્લી વન વે...’

પતિએ પત્નીની નજરમાં નજર મેળવી - ‘સુસાઇડ!’

‘હેં!’ સાંભળીને ધ્રૂજી જતી પત્નીની કીકીમાં એક પળે ચમક ઊપસી અદૃશ્ય થઈ ગઈ.

(ક્રમશ:)

columnists life and style