સાજન-સજની: સૂરજ સાયબો, હું સૂરજમુખી (પ્રકરણ-૪)

18 April, 2024 05:44 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

વૈભવ-રિયા ગલીની બહાર નીકળ્યાં એટલે ઝાડની આડશે છુપાયેલી ઊર્જા પ્રગટ થઈ

ઇલસ્ટ્રેશન

‘આશ્લેષનો ફોન!’

બુધની બપોરે દાદરના પૉઇન્ટ પર લેડીઝ બૅચના છેલ્લા મેમ્બરને ઉતારીને ઊર્જા ઑફિસ પરત થતી હતી ત્યાં આસુની રિંગે ટેન્શન થઈ ગયું ઃ ‘આજે અચાનક તેમનો ફોન!’ પણ સિગ્નલના વાંધા લાગ્યા એટલે કાર બાજુએ કરીને તેણે સાંકડી ગલીમાં ચાલવા માંડ્યું. એક સ્કૂટર માંડ જઈ શકે એવડી એ અવાવરુ નાનકડી ગલીમાં પીપળા-આસોપાલવનાં બેત્રણ ઝાડ ઉપરાંત ઝાડી-ઝાંખરાં હતાં. નાકે એક ઓરડી જેવું પાકું મકાન છે ખરું.

ત્યાં તો સિગ્નલ મળતાં ફરી આશ્લેષની રિંગ આવી અને ઊર્જા ‘બોલો આસુ’ કહેતાં સહેજ હાંફી ગઈ, ‘તમે, મા ઠીક તો છોને! બધું બરાબર છેને?’

‘બધું બરાબર ક્યાંથી હોય ઊર્જા? માને મારા માટે એક કન્યા ગમી ગઈ છે.’

‘ઓહ...’

‘વરલીમાં અમારા ઘરથી નજીક જ રહે છે સોનલ. તેના ફાધર નથી. પરિવારમાં માતા સંયુક્તાબહેન શેઠ અને મોટો ભાઈ તેજસ.’

‘વરલી. સંયુક્તાબહેન શેઠ. સોનલ. તેજસ. આ બધું અજાણ્યું કેમ નથી લાગતું! અને ઊર્જાના ચિત્તમાં કડાકો બોલ્યો ઃ ‘આ તો... આ... તો મારા પપ્પાને છેહ દેનાર વિક્રાન્ત શેઠની ફૅમિલી!’

‘જેના પાપે અમે રસ્તા પર આવી ગયાં તેની દીકરી જ આસુનાં મધરને ગમી? નહીં નહીં, આસુ અમારા દુશ્મનની દીકરીને તો પરણી જ કેમ શકે!’

અને સોનલના પિતા બાબતનો ભેદ ખોલવા જતી ઊર્જા છેલ્લી ઘડીએ અટકી ગઈ ઃ ‘આસુને મેં જ તો સોગંદ આપ્યા છે કે માની પસંદને પરણજો. તે વિક્રાન્તભાઈની દીકરી ન હોવી જોઈએ એવી શરત ક્યાં રાખી હતી? છોકરી માને પસંદ હોય, તે આસુને સુખી કરનારી હોય તો મને બીજી કોઈ ખોડ સ્પર્શવી ન જોઈએ...’

ઊર્જાએ મન મક્કમ કર્યું ત્યાં આસુ કહેતા સંભળાયા, ‘શનિની સાંજે છોકરીને જોવા તેના ઘરે જવાનું છે.’

‘ઓહો, ત્યારે તો ઍડ્વાન્સમાં જ અભિનંદન.’

‘કઈ માટીની બની છે ઊર્જા? આજે ન રહેવાતાં તને કૉલ કર્યો, પણ તારે કે માએ પણ જીદ નથી મૂકવી... તમે મને કઠપૂતળીની જેમ નચાવી રહ્યાં છો ને હું નાચી રહ્યો છું. બસ, ક્યાં સુધી નાચી શકીશ એ જાણતો નથી...’ આશ્લેષે કૉલ કટ કર્યો.

ઊર્જા ક્યાંય સુધી ત્યાં જ ખોડાઈ રહી.

અને તીણા માદક ઉદ્ગારે તેનો સમાધિભંગ થયો. તેની નજર હવે સામે દેખાતી ઓરડી પર અટકી.

‘યુ હન્ગ્રી ઍનિમલ!’

રૂમનો દરવાજો ખોલીને બહાર આવ્યા પછીયે વૈભવનાં અડપલાં બંધ ન થયાં એટલે તેના ખભે પાકીટ ફટકારી રિયાએ ચૂંટી ખણી, ‘તને તો ધરવ જ નથી!’

પછી સહેજ ગંભીર બની, ‘બસ હવે બેચાર દિવસનો ખેલ છે. વિશ્વનાથ આત્મહત્યાનો ડ્રામા રચે એ ખરેખર તો તેનો મર્ડર-પ્લાન બનવાનો છે એની બિચારાને ક્યાં જાણ છે? તેના મર્યા પછી લેણદારો વિધવા બાઈને સતાવવાની હામ નહીં કરે. છોગામાં તેની કરોડોની ઇન્શ્યૉરન્સ પૉલિસી છે, એ પાકતાં જ શોકનો મુખવટો ઉતારી આપણે છડેચોક એક થઈ જઈશું...’

પોતાની મસ્તીમાં વૈભવ-રિયા ગલીની બહાર નીકળ્યાં એટલે ઝાડની આડશે છુપાયેલી ઊર્જા પ્રગટ થઈ ઃ

‘મેં આ શું જોયું-સાંભળ્યું!’

ઓરડીમાંથી નીકળેલા યુગલમાંથી વૈભવને તો તે તરત ઓળખી ગયેલી. ‘અચ્છા, આ તો તેનું ઘર લાગે છે! વેઇટ. આ માનુનીને પણ ક્યાંક જોઈ છે!’

‘અરે, આ તો પેલી આઠેક માસ અગાઉ અમારી સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખવા આવેલી શેઠાણી! તેનું નામ તો સાંભરતું નથી, પણ લેડીઝ બૅચના ટાઇમમાંય તે વૈભવ જોડે જતી એ બરાબર યાદ છે. એ સમવન વિશ્વનાથના મર્ડરનું બોલી એ ભેદ તેમના અફેરથી વધુ ભયાનક છે.’

આસુ સોનલના થવાના એ દર્દને તાત્પૂરતું હૈયે દબાવીને તેણે કાર ઑફિસ તરફ ભગાવી. કમ્યુટરમાં પાછલા વર્ષના કસ્ટમર્સનું લિસ્ટ ખોલીને વિશ્વનાથના નામનું સર્ચ મારતાં એક જ આઇટમ ફિલ્ટર થઈને આવી ઃ

‘મિસિસ રિયા વિશ્વનાથ મહેતા, શાંતિ સદન, શિવાજી પાર્ક.’

‘આની સામે ટ્રેઇનર તરીકે વૈભવની નોંધણી જોઈને સ્પષ્ટ હતું કે થોડી વાર પહેલાં તેની સોબત માણનારી રિયા સ્વયં વિશ્વનાથની પત્ની છે! કોઈક કારણસર વિશ્વનાથે આત્મહત્યાનો ડ્રામા રચવાનુ વિચાર્યું છે, જેને વૈભવ-રિયાની જોડી મર્ડરમાં ફેરવવા માગે છે!’

‘આ મામલો શું છે એ જાણવું તો જોઈએ, આખરે કોઈની જિંદગીનો સવાલ છે!’

‘આશ્લેષને સોનલ ગમી જાય એટલે ગંગા નાહ્યા!’

શનિની સવારથી સંયુક્તાબહેન મંડી પડ્યાં છે. ઘરની સાફસફાઈ, નાસ્તાનું મેનુ... આશ્લેષ-સગુણાબહેનને ઇનકારનું કોઈ કારણ મળવું ન જોઈએ! પિતાનું પાપ હવે મારાં સંતાનોને ન નડે...’

તેમનાથી હળવો નિઃસાસો નખાઈ ગયો.

‘વિક્રાન્તે કદી મને જીવનસાથીનાં માન-સન્માન આપ્યાં જ નહીં. પિયરની સરખામણીએ સાસરું અતિસમૃદ્ધ હોય ત્યારે વહુએ મોટા ભાગે કહ્યાગરી બનીને ફરજ નિભાવવાની રહે છે. પતિ કે પતિના પરિવારજનો તરફથી તેને બરાબરીનું સ્થાન ક્યારેય નથી મળતું. એવું જ મારી સાથે થયું. અને તોય હું ખરા અર્થમાં તેમની સહધર્મચારિણી બનીને રહી - તેમના અધર્મમાંય સાથ આપીને!’

સંયુક્તાબહેને ઊંડો શ્વાસ લીધો ઃ

‘વેપારમાં જંગી ખોટ થતાં દેવાળિયા બનેલા પતિને જેણે ધિરાણ આપ્યું એ મનોહરભાઈની ઑફિસ સાથે તમામ કાગળિયાં બળતાં વિક્રાન્ત ફરી બેઠા એ ચોખ્ખી બદમાશી હતી. પોતે કોઈનો નિઃસાસો ન લેવા સમજાવ્યા તો મને હડધૂત કરી. વળી રૂપિયાનો, વ્યાપારનો વટ જમાવીને વિક્રાન્ત હવામાં ઊડતા હતા, પણ ખોટું કર્યાનો બદલો કુદરત વ્યાજ સાથે વસૂલતી હોય એમ ગોઝારા કાર-અકસ્માતમાં વિક્રાન્તનો ક્ષતવિક્ષત દેહ જ મળ્યો...’

માથાનું છપ્પર તૂટ્યું અને મને વેપારની કોઈ ગતાગમ નહીં! છતાં નીતિશાસ્ત્ર સાબૂત હતું એના આધારે બે સંતાનમાં મોટા દીકરાને ધિરાણ વાળવાનું સૂચન કરતાં ત્યારે હજી તો ૨૦ના થયેલા તેજસે કહી દીધું - મા, પૈસાની બાબતમાં તારે બુદ્ધિ ચલાવવાની જરૂર નથી!’

ઘા ખાઈ ગયેલાં સંયુક્તાબહેન. ‘પતિ ભલે ગયો, તેનો અંશ સંતાનોમાં રોપતો ગયેલો. માને પણ માન-સન્માન હોય એવું તેજસ-સોનલે ઘરે ભાળ્યું જ નહોતું. પછી તેમના વર્તાવમાં એનો પડઘો પડ્યા વિના રહે? 

‘મને એનોય વાંધો નહોતો વિક્રાન્ત, પણ વેપારમાં તમે સેવેલી અનીતિ વીત્યા આ દસકામાં આપણાં સંતાનોને ક્યાં લઈ ગઈ એ જાણો છો?’

પતિની છબિને પૂછતી સંયુક્તાબહેનની કીકીમાં વેદના ઘૂંટાઈ ઃ

શરૂઆતનાં વર્ષોમાં બેચાર સોદામાં ધારી સફળતા મળતાં તેજસમાં અહંકાર આકાર લેવા લાગ્યો. લક્ષ્મીને દાસી માનતો થઈ તેણે જુગાર-ડ્રગ્સના રસ્તે ખુવારી વહોરી એ બહારની દુનિયાને હજી જાણ જ નથી, અને તમારી લાડલી સોનલ... મારી ના છતાં ‘તને શું સમજાય?’નો છણકો દાખવી ધરાર મુંબઈ છોડીને પુણેની કૉલેજમાં ભણવા ગઈ... ખોટા પાત્રના પ્રેમમાં પડીને શરીરની અસ્કયામત લૂંટાવી બેઠી, બદમાશે અંગત ક્ષણના ફોટો પાડીને લાખો રૂપિયા ખંખેર્યા, એમાં પણ ભાઈ-બહેન પહેલી વાર કેવું બાઝ્‍યાં હતાં!

પોતાની કુટેવ પાછળ બરબાદી વહોરનારા તેજસને બ્લૅકમેઇલરને આપવાના થતા રૂપિયા ખટકતા. તે બહેનને ગમે એમ બોલતો અને સોનલની જીભનેય ક્યાં બ્રેક છે. એય કહી દેતી ઃ ‘મારો મામલો તો લાખના આંકડામાં પતી જશે, પણ તમે ગૅમ્બલિંગમાં મારા હિસ્સાનાય કરોડો ઉડાવ્યા એનો હિસાબ હું કોર્ટમાં માગીશ!’

છ માસ અગાઉની એ ક્ષણે મારો આપો તૂટ્યો હતો... સંયુક્તાબહેને સાંભર્યું ઃ

‘બસ કરો. આટઆટલા ભવાડા ઓછા છે કે ભાઈ-બહેને કોર્ટમાં જવું છે? અરે, કોર્ટનો ફેંસલો હું અત્યારે સંભળાવી દઉં છું કે જે મિલકત માટે તમારે લડવું છે એના પર પહેલો હક મરનાર વિક્રાન્તની વિધવા તરીકે મારો છે.’

‘લો, મા હવે વકી...લ... થ...ઈ ગ...ઈ...’ છેલ્લા શબ્દોએ તેજસ થોથવાયો. નજીક આવતાં સંયુક્તાબહેને તમાચો વીંઝ્યો, ‘આજ પછી મારું અપમાન કરવાની હિંમત કરી છે તો ઘરનો દરવાજો દેખાડી દઈશ. એ ઘર હજી મારા નામે છે!’

દીકરા-દીકરી એવાં તો ધાકમાં

આવી ગયાં!!

સંયુક્તાબહેને કડી સાંધી ઃ ‘મેડિકલ થેરપીથી તેજસ ડ્રગ્સની લતમાંથી મુક્ત બન્યો. મા તરફથી મળતા પૉકેટમનીમાં જુગાર ખેલવો સંભવ જ નહોતો. આ બાજુ દીકરીને ઘરકામમાં પણ ઘડવા માંડી. ન્યાત-સમાજમાં ડાહી દીકરીની ઇમેજ બંધાઈ એટલે તો આશ્લેષ જેવા બત્રીસલક્ષણા જુવાનનું માગું આવ્યુંને!’

‘ખરેખર તો આશ્લેષનો એક પ્રણયસંબંધ રહ્યો હોવાનું સગુણાબહેને કહેલું ત્યારે સોનલના બ્લૅકમેઇલિંગની ઘટના હોઠે આવી ગયેલી, પણ કહી નહોતી શકાઈ. એમ દીકરીનો ખરડાયેલો ભૂતકાળ કહેવાનું રાખીશ તો ક્યાંય તેનો મેળ ન પડે. દીકરીને થાળે પાડવા આટલું પાપ તો મા વહોરી જ શકે.’

સંયુક્તાબહેને પ્રાર્થના તો કરી, પણ સાંજની મુલાકાતમાં શું થવાનું હતું એની તેમને ક્યાં ખબર હતી?

`‘આવો, આવો!’

શનિની સાંજે સાડાપાંચના ટકોરે દ્વારે આવી પહોંચેલાં સગુણાબહેન-આશ્લેષને આવકારતાં સંયુક્તાબહેન ભાવવિભોર બન્યાં. સોનલે સહેજ શરમાઈ લીધું. તેજસ મહેમાનોને બેઠકે દોરી ગયો.

‘ઘર સુઘડ છે...’ સંયુક્તાબહેનનો ઉમળકો સ્પર્શ્યા વિના રહે એમ નથી. તેજસ-સોનલ પણ કેવાં ડાહ્યાડમરાં જણાય છે. સગુણાબહેનને સંતોષ થયો. સામી દીવાલે લટકતી તેમના પિતાશ્રીની છબિને પળ પૂરતો આશ્લેષ નિહાળી રહ્યો, પછી શર્ટના ગજવામાં મૂકેલા એન્વલપને પંપાળી લીધું.

ઘરેથી નીકળતી વેળા મા ગજવામાંથી ડોકિયાં કરતા કવરને જોઈને હસેલી, પણ - ‘છોકરીના ઘર માટે મેં મીઠાઈનું પૅકેટ, ફળોનો કરંડિયો લઈ રાખ્યો છે. તેં આ પ્રેમપત્ર લખી રાખ્યો કે શું?’

સોનલને જોતાં જ હું ઊર્જાને ભૂલી તેને ચાહતો થઈ જઈશ એવો આશાવાદ માની મજાકમાં હતો.

‘કવરમાં શું છે એની જાણ તને અને બધાને સોનલના ઘરે થઈ જશે...’

પોતે હસતાં-હસતાં કહેલું એટલે મા શંકિત નહોતી થઈ અને હવે ચા-નાસ્તા પછી મા છોકરા-છોકરી એકલાં મળી લે એ મતલબનો પ્રસ્તાવ મૂકે એ પહેલાં મારે પત્તાં ખુલ્લાં કરી દેવાં ઘટે... અને...

‘મા, મારા પિતાના માથે કોઈનું દેવું હોય તો એ ચૂકતે કરવાની મારી જવાબદારી ખરી કે નહીં?’

અચાનકના વિષયાંતરે સગુણાબહેન ગૂંચવાયાં. સંયુક્તાબહેન-સોનલ-તેજસને પણ પહેલાં તો ધડમાથું ન બેઠું.

‘તારા પિતા કોઈનું ઋણ રાખે જ નહીંને!’ સગુણાબહેનનું તેજ ઝળક્યું, ‘છતાં આયુષ્યની મર્યાદાવશ કંઈક બાકી રહી ગયું હોય તો તેમના વંશજ તરીકે પિતાને ઋણમુક્ત કરવાની સંતાનની તો એ પહેલી ફરજ બને.’

‘અને ધારો કે કોઈ દીકરો-દીકરી એનાથી હાથ ખંખેરી નાખે તો?’

‘તો...!’ દીકરાનો હેતુ હજીયે ન પારખી શકનારાં સગુણાબહેનનો પુણ્યપ્રકોપ ઝળકી ઊઠ્યો, ‘તો એવા સંતાનને ન્યાત બહાર મૂકવા જોઈએ. સમાજે એનો બહિષ્કાર કરવો જોઈએ.’

‘મતલબ, આપણે તેજસ-સોનલનો બહિષ્કાર કરવો જોઈએ.’

‘હેં!’

સગુણાબહેન ચોંક્યાં. તેજસ-સોનલની નજરો મળી-છૂટી પડી ઃ ‘ઓહ, આ તો પપ્પાએ લેણદારના રૂપિયા મારેલા એની વાત થતી લાગે છે! ઝંખવાતાં સંયુક્તાબહેનને દીકરીનું કિનારે આવેલું સુખ ડૂબતું લાગ્યું!

‘આશ્લેષ અત્યારે સોનલ સાથે એકાંત મુલાકાત કરી રહ્યા હશે... બેઉ એકમેકને ગમી જાય એટલે બસ!’

અને ઊર્જા ટટ્ટાર થઈ. ‘સામે ગોરેગામની ફૅક્ટરીમાંથી સાંજે સાડાછના સુમારે જનરલ પાળીનો સ્ટાફ છૂટી રહ્યો છે. થોડી વારમાં વિશ્વનાથ શેઠ પણ નીકળવા જોઈએ.

બુધની બપોરે વૈભવ-રિયાની વાતો પરથી અજાણતાં જ વિશ્વનાથના મર્ડર વિશે જાણ્યા પછી બે દિવસ વૈભવની હિલચાલ પર, તેના કૉલ્સ પર આંખ-કાન રાખતાં એટલું જણાયું કે દેવાંને કારણે વિશ્વનાથ શેઠ આપઘાતનો ડ્રામા રચીને લેણદારોને પોલીસનો ડારો આપીને બચેલું વેચીસાટીને રિયા સાથે વિદેશગમન પ્લાન ગોઠવી બેઠા છે...’

જાણે ફરી કોઈ દેણદાર પોતાના પિતાને ધોકો આપતો હોય એવું વસમું લાગ્યું’તું ઊર્જાને. ‘વિશ્વનાથને ઉગારવાની ઇચ્છા મરીપરવારી, પણ પછી જાણ્યું કે વિશ્વનાથ તેમના ઇન્વેસ્ટરથી છેતરાયા છે એટલે થોડી કૂણી પડીને પોતે આજે તેમને ચેતવવા ફૅક્ટરીએ આવી પહોંચી છે... કંપનીની વેબસાઇટ પર તેમની તસવીર જોઈ છે. તેમનો સેલ નંબર વેબસાઇટ પર અવેલેબલ નહોતો એટલે પછી રિયા-વૈભવની જાણ બહાર તેમને અલર્ટ કરવા આ જ એક ઠેકાણું સૂઝ્‍યું હતું.’

- ત્યાં ફૅક્ટરીના પૉર્ચમાં વિશ્વનાથ આવી ઊભા. શોફર તેમને માટે કાર લઈને પાર્કિંગમાંથી આવી પહોંચે એ પહેલાં ઊર્જા દોડી ગઈ ઃ

‘સર, હું ઊર્જા. ધનરાજ મહેતા ડ્રાઇવિંગ સ્કૂલની ટ્રેઇનર. તમારાં વાઇફ અમારે ત્યાં ડ્રાઇવિંગ શીખવા આવેલાં...’

ઊર્જાએ પર્સમાંથી કવર કાઢીને વિશ્વનાથને ધર્યું ઃ ‘પોતાના ટ્રેઇનર વૈભવ સાથે મળી રિયામૅમે શું કરવા ધાર્યું છે એ કાવતરાની રૂપરેખા આમાં છે - એક વાર જરૂર વાંચજો...’

તેમના હાથમાં કવર થમાવી તેણે હમદર્દીભેર ઉમેર્યું, ‘મે ગૉડ સેવ યુ!’

- અને કારની પાછલી સીટ પર ગોઠવાઈને ઘર સુધી પહોંચતાં સુધીમાં ઊર્જાએ જાણેલો ભેદ વાંચી ચૂકેલા વિશ્વનાથના ચિત્તમાં તેના જ શબ્દો ગુંજતા હતા - ‘મે ગૉડ સેવ યુ!’

(ક્રમશઃ)

columnists Sameet Purvesh Shroff