શનિવાર night (પ્રકરણ 60)

21 May, 2022 02:52 PM IST  |  Mumbai | Soham

‘ક્યાં છે એની નથી ખબર પણ એ જીવે છે...’ સુમને ઊંડો શ્વાસ લીધો, ‘માથેરાનમાં જ ક્યાંક છે. કદાચ જંગલમાં જ હજી ભટકતો હોય એવું બની શકે’

શનિવાર night (પ્રકરણ 60)

‘શહનાઝ, આર યુ ધેર?’
અમિત ઉપર પહોંચ્યો. ઉપરના રૂમમાં અંધકાર હતો. બારીમાંથી પ્રકાશ ન આવે એ માટે પડદાઓ પાડી રાખવામાં આવ્યા હતા.
સીઇઇઇસસસ...
ખૂણામાંથી સિસકારાનો અવાજ આવ્યો એટલે અમિતનું ધ્યાન એ દિશામાં ગયું. 
ઉપરના રૂમમાં કોઈ જાતનું ફર્નિચર નહોતું. રૂમ ઑલમોસ્ટ આખો ખાલી હતો. એક ખૂણામાં બારી પાસે શહનાઝ જમીન પર બેઠી હતી અને તેની સામે એક ચાદર પાથરીને એના પર પરઝાનને સુવડાવવામાં આવ્યો હતો. પરઝાનને પગથી માથા સુધી ઓઢાડી દેવામાં આવ્યું હતું. તેના શરીરનું માળખું જોતાં ખબર પડતી હતી કે પરઝાનનું શરીર સાવ લેવાઈ ગયું હશે.
‘શહનાઝ...’ 
‘સીઇઇઇસ...’ અમિતે દબાયેલા અવાજે શહનાઝને બોલાવી કે તરત જ ફરીથી શહનાઝે મોઢે સિસકારો કર્યો, ‘પરઝાન સૂતો છે...’
‘ઓહ...’ 
અમિતે મોઢામાંથી દબાયેલા સ્વરે ઉદ્ગાર આપ્યો અને પછી શહનાઝને પોતાની પાસે આવવા ઇશારો કર્યો. શહનાઝે ચાદર સહેજ ઊંચી કરી પરઝાનની સામે જોઈ લીધું અને પછી એ ઊભી થઈ. અમિતની નજર શહનાઝના શરીર પર હતી. એ શરીરથી સાવ ઓગળી ગઈ હતી. જે શહનાઝને તેણે છેલ્લે જોઈ હતી એ ભરાવદાર હતી, હૃષ્ટપુષ્ટ અને માંસલ દેહની હતી. એ શહનાઝમાં ઊર્જા હતી, ઘુઘવાતા દરિયા જેવો તરવરાટ હતો. ક્ષણના છઠ્ઠા ભાગમાં એ ઊડીને અમિતના ગળે વળગી જતી પણ અત્યારની વાત જુદી હતી. અત્યારે શહનાઝનાં એકેએક હાડકાં દેખાતાં હતાં. ગાલ અંદર ઊતરી ગયા હતા અને આંખો પણ પાતાળમાં ચાલી ગઈ હતી.
એકધારું શહનાઝને જોતાં અમિતનું ધ્યાન શહનાઝની હાથની હરકત પર નહોતું. જો તેણે શહનાઝના ચહેરા પરથી નજર હટાવી હોત તો કદાચ તેનું ધ્યાન શહનાઝના હાથ પર ગયું હોત અને જો એવું બન્યું હોત તો તેની નજરમાં શહનાઝના હાથમાં રહેલી લાંબી છૂરી આવી હોત.
શહનાઝ ધીમેકથી અમિત તરફ આગળ વધી. શરીરની અશક્તિ રીતસર તેની ચાલમાં વર્તાતી હતી. અમિત પણ ધીમા પગલે શહનાઝ તરફ આગળ વધ્યો. બન્નેની આંખોમાં એકબીજા માટે દયાભાવ હતો અને એ દયાભાવ વચ્ચે જ બન્ને એકબીજાથી માત્ર એક ફુટ અંતર પર આવીને ઊભાં રહી ગયાં.
‘શહનાઝ...’
અમિતે શહનાઝની આંખોમાં જોયું. શહનાઝની આંખો ભીની થવા માંડી હતી. જાણે કે એનો ઇન્તજાર પૂરો થયો હોય.
‘બહુ રાહ જોવડાવી.’ શહનાઝના હોઠ ફરક્યા, ‘મારો તો જવાનો સમય આવી ગયો...’
‘નો...’ અમિતે હાથ લંબાવ્યા, ‘હજી તો આપણે સાથે રહેવાનું છે. બહુ બધું જીવવાનું છે...’
‘નેકસ્ટ બર્થમાં...’ 
અમિતની આંખો મોટી થઈ ગઈ. શહનાઝે પીઠ પાછળ રાખેલો જમણો હાથ આગળ આવ્યો જે હાથમાં છૂરી હતી. હાથ આગળ લાવીને શહનાઝે છરી હવામાં અધ્ધર કરી અને અમિતની સામે જોયું.
‘નેક્સ્ટ બર્થ... પ્રૉમિસ.’
અમિત કંઈ બોલે કે કંઈ કહે એ પહેલાં હવામાં રહેલો શહનાઝનો હાથ જોશભેર નીચે આવ્યો અને છરી સીધી શહનાઝના પેટમાં ઊતરી ગઈ. આછો સરખો ઊંહકારો થયો અને શહનાઝ અમિત તરફ ધકેલાઈ. અમિતે તરત જ શહનાઝને પકડી.
‘શહનાઝ...’
‘બસ, તારી જ રાહ હતી...’ શહનાઝના મોઢામાંથી પણ લોહી બહાર આવી ગયું, ‘આવવું છે મારી સાથે?’
શહનાઝનો ડાબો હોઠ સહેજ ખેંચાયો. અંતિમ ક્ષણોમાં કરવામાં આવેલું આ સ્માઇલ ભારોભાર બિહામણું લાગતું હતું. અમિત તેને જોતો રહ્યો, તેની જીભ જાણે કે સિવાઈ ગઈ હતી. તેની પાસે કોઈ શબ્દો નહોતા રહ્યા.
‘કહે, આવવું છે સાથે?’
‘ના, ને તારે પણ ક્યાંય નથી જવાનું...’
અમિત બોલ્યો પણ અચાનક તેને લાગ્યું કે શહનાઝનો હાથ પેટમાં રહેલી છરી બહાર ખેંચવાનું કામ કરે છે. 
‘આપણે, આપણે ડૉક્ટર પાસે જઈએ... હું, હું બોલાવું...’
આહ...
શહેનાઝે પોતાના જ પેટમાંથી છરી ખેંચી લીધી, જે છરી સાથે એના પોતાના આંતરડા પણ બહાર ખેંચાઈ આવ્યા. શહનાઝના મોઢામાંથી લોહીનો વધુ એક કોગળો બહાર આવી ગયો.
‘ના...’ શહનાઝ મહામુશ્કેલીએ બોલતી હતી, ‘તારે આવવાનું છે સાથે...’
અમિત કંઈ સમજે કે કંઈ કરે એ પહેલાં તો જે હાથમાં છરી હતી એ હાથથી શહનાઝે પૂરી તાકાત સાથે અમિતની પીઠ પર વાર કર્યો.
આહ...
પીડાના કારણે શહનાઝના હાથમાં તાકાત નહોતી રહી પણ છરી પોતાનું કામ કરવાનું ચૂકી નહીં અને એણે અમિતની પીઠ પર ઊભો ચીરો પાડી દીધો.
અચાનક થયેલા ઘા કરતાં પણ શહનાઝે લીધેલી ઍક્શનથી હેબતાયેલા અમિતના હાથ ખુલ્લા થઈ ગયા અને શહનાઝ જોરથી જમીન પર પછડાઈ.
ધડામ...
આહ...
પહેલાં પડવાનો અવાજ અને પછી જીવ નીકળવાનો અંતિમ ઊંહકારો.
શહનાઝની આંખોમાં અમિતનું પ્રતિબિંબ પથરાયેલું હતું અને એ આંખો કાયમ માટે ખુલ્લી રહી ગઈ.
lll
‘એક મિનિટ...’ તોડકરે મધુને વાત કરતાં અટકાવ્યો, ‘ઘણાબધા એવા પ્રશ્નો છે જે જાણવા અમારા માટે જરૂરી છે...’
‘અમિતનું શું થયું પછી?’ તોડકરને બદલે સવાલ ડૉ. સંધ્યા બિશ્નોઈએ પૂછ્યો, ‘એ ક્યાં છે?’
‘ક્યાં છે એની નથી ખબર પણ એ જીવે છે...’ સુમને ઊંડો શ્વાસ લીધો, ‘માથેરાનમાં જ ક્યાંક છે. કદાચ જંગલમાં જ હજી ભટકતો હોય એવું બની શકે.’
‘તને કેવી રીતે ખબર?’
સુમને સંધ્યા સામે જોયું.
‘એ ઘટના પછી એ ચારેક વખત મને મળ્યો... દરેક વખતે રાતના આવ્યો છે. એને એવું લાગતું હતું કે અમે જે વાત કરી એ અધૂરી હતી અને એ ખોટું પણ નહોતું. અમે અમિતને એ બધી વાત નહોતી કરી જે તેના પપ્પા કે મારા વર સાથે જોડાયેલી હતી.’
‘હંમ... એ વાત પછી,’ સંધ્યાએ કહ્યું, ‘પહેલાં એ દિવસની ઘટના પૂરી કરો. એ દિવસે છેલ્લે સુધી શું બન્યું હતું એ જાણવું બહુ જરૂરી છે.’
રાજે પણ તરત જ ટાપસી પૂરી,
‘હા, શહનાઝ જીવતી રહી કે પછી એ મરી ગઈ?’
lll
‘અમિત... અમિત...’
શહનાઝના રૂમની બહારના ભાગમાં ઊભા રહીને અંદર શું ચાલે છે એના પર નજર રાખતાં મધુ અને સુમન અંદરનું દૃશ્ય દેખાતું નહોતું પણ અંદરથી આવતા દબાયેલા અવાજો અને એ અવાજો પછી આવેલા ઉદ્ગારો સંભળાતા હતા.
છેલ્લે જ્યારે અમિતના હાથમાંથી શહનાઝ ફ્લોર પર પછડાઈ એનો જે અવાજ આવ્યો એ અવાજ અગાઉના તમામ અવાજો કરતાં વધારે મોટો હતો. બહાર ઊભેલાં મધુ-સુમનના ધબકારા વધી ગયા હતા. જેને મળ્યા પછી શહનાઝ શાંત પડે એવી હૈયાધારણ બાંધીને એ બન્ને બેઠાં હતાં એને બદલે અંદરથી એવો કોઈ અણસાર મળ્યો નહોતો જેનાથી તે શાતા મેળવી શકે.
‘અમિત... અમિત...’
અંદર અમિતની હાલત પણ એટલી જ ખરાબ હતી. અમિતનું ટી-શર્ટ ફાટી ગયું હતું અને ફાટેલા એ ટીશર્ટમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. શહનાઝની ખુલ્લી આંખો જોઈને અમિત ધબકારા ચૂકી ગયો હતો. બેચાર ક્ષણ પછી તેનું ધ્યાન બહારથી આવતા અવાજ પર ગયું અને એ સજાગ થયો.
‘અમિત, બધું બરાબર છેને...’
મધુનો અવાજ આવ્યો પણ જવાબ આપવાને બદલે અમિતે આજુબાજુમાં જોયું. રૂમની ઉત્તરે પરઝાનને સુવડાવ્યાનું કહીને શહનાઝ ત્યાંથી ઊભી થઈ હતી. અમિત એ દિશામાં આગળ વધ્યો. એ જ્યાં ઊભો હતો ત્યાંથી લગભગ દસેક ફુટ દૂર જમીન પર ચાદર પાથરી હતી અને એની ઉપર પરઝાનને સુવડાવી એને પણ ઓઢાડવામાં આવ્યું હતું.
પરઝાન તરફ આગળ વધતાં અમિતને પહેલી વાર અહેસાસ થયો કે રૂમમાંથી માથું ફાટી જાય એ સ્તર પર બદબૂ આવે છે. અલબત્ત, એ બદબૂ કરતાં પણ ઘટી રહેલી ઘટનાઓ તેને વધારે બિહામણી લાગતી હતી. પરઝાન પાસે પહોંચતાં સુધીમાં તો તેને સદીઓ વીતી ગઈ હોય એવું લાગ્યું.
અમિત જમીન પર બેઠો અને તેણે એકઝાટકે પરઝાનને ઓઢાડવામાં આવેલી ચાદર કાઢી નાખી. જેવી ચાદર કાઢી કે તરત અમિતને ઝાટકો લાગ્યો અને એ પાછળની તરફ ધકેલાયો. 
ચાદર નીચે હાડપિંજર હતું, નાના બચ્ચાનું હાડપિંજર જેનાં અસ્થિઓ પર હજી પણ ક્યાંક-ક્યાંક માંસ ચોંટેલું હતું અને એ માંસમાં જીવાત અને ઇયળો ખદબદતી હતી. અમિતને ત્યાંથી ભાગવું હતું, તેને ત્યાંથી નીકળી જવું હતું પણ તેની સામે જે લાશ હતી એ લાશ તેના દીકરાની હતી અને એટલે જ અમિતના પગમાં ભાર આવી ગયો હતો. જ્યાં સુધી એ શહનાઝ સાથે હતો ત્યાં સુધી તો કશું એવું દેખાતું નહોતું જેના આધાર પર શહનાઝની માનસિકતામાં રહેલી વિચિત્રતા પારખી શકાય અને તેના ગયા પછી, સાવ જ અલગ પ્રકારની શહનાઝ વિશે આજે તેણે સાંભળ્યું હતું.
આવું શું કામ થયું? કેવી રીતે, શું કામ?
અમિત ભાગવા માટે ઊભો થયો અને છેલ્લી વાર તેણે પરઝાનના કંકાલ સામે જોયું. 
lll
‘એણે જે જોયું એ તે ક્યારેય ભૂલી શક્યો નહીં.’ સુમને કહ્યું અને મધુ સહિત સૌનું ધ્યાન સુમન તરફ ખેંચાયું, ‘પરઝાનની આંખોમાં કંકુ-ચોખા હતા તો એ આંખોમાં જાણે કે દીવા કર્યા હોય એ પ્રકારની કાળાશ બાઝી ગઈ હતી. આવું કેવી રીતે થઈ શકે એના જવાબ માટે જ અમિત મને મળવા આવ્યો હતો.’
‘અમિત તને મળ્યો એ તું તો ક્યારેય મારી પાસે બોલી નહીં...’
બધાની દેખતાં જ મધુએ સુમનને પૂછ્યું અને સુમનના જવાબે સૌકોઈને ચકિત કરી દીધાં.
‘મારે બધી વાત તને કરવી જરૂરી નથી...’
થોડી સેકન્ડનો સન્નાટો ઍમ્બ્યુલન્સમાં પથરાયો અને એ સન્નાટા વચ્ચે ગાડી ગિલ્બર્ટ હિલ તરફ વળી. રાતના સમયે સામાન્ય રીતે આમ પણ આ આખો વિસ્તાર ભૂતાવળ સમાન લાગતો પણ આજે એમાં ખરા અર્થમાં ભૂત પણ પથરાયેલું હોવાથી એની ખામોશીમાં ગજબનાક ભય છવાયેલો હતો.
ભયના આ વાતાવરણને ગાડીમાં દાખલ થતાં અટકાવવા માગતી હોય એમ ડૉક્ટર સંધ્યા બિશ્નોઈએ પાછળ જોયું.
‘અત્યારે આપણા માટે એ બધી વાતો જાણવી જરૂરી છે માટે પ્લીઝ, એ વાત આગળ વધારો... શહનાઝ કોઈ નવું સ્ટેપ લે એ પહેલાં...’ સંધ્યાના ચહેરા પર પ્રસ્વેદ બિંદુ બાઝી ગયાં હતાં, ‘એ અહીં જ છે અને કોઈ પણ સમયે પોતાની તાકાત દેખાડવાની છે.’
‘મતલબ...’
ઇન્સ્પેક્ટર તોડકરની સામે જોયા વિના જ સંધ્યાએ તેને જવાબ આપ્યો.
‘શહનાઝે ગેમને પ્રો-સ્ટેજ પર લઈ લીધી છે. હવે આપણે પણ અહીંથી નીકળવું હશે તો પહેલાં એની સામે લડવું પડશે...’
સંધ્યાનું બોલવાનું જેવું પૂરું થયું કે બીજી જ ક્ષણે એક ધડાકો થયો.
ધાડ...
ધડાકા સાથે જ ઍમ્બ્યુલન્સ પાછળની બાજુએ ખેંચાવા માંડી.
‘ટાયર પંક્ચર છે...’ વર્ષોનો અનુભવી રાજ પરિસ્થિતિ પારખી ગયો, ‘હવે ડ્રાઇવ નહીં કરી શકાય.’
‘અને ઍમ્બ્યુલન્સમાંથી ઊતરી પણ નહીં શકાય...’ સંધ્યાએ જવાબ આપ્યો અને જવાબની સાથોસાથ તેણે હાથમાં લીંબુ લીધું, ‘શહનાઝે અઘરી ચાલ રમી છે. બહાર સિદ્ધાર્થ છે અને અંદર આપણે. એ કોઈનો ભોગ લેવા માગે છે એ 
નક્કી અને આપણે એને એ બધું કરતાં રોકવાની છે...’
‘પણ...’
તેમ્બે આર્ગ્યુમેન્ટ કરવા જતો હતો પણ હાથમાં લીંબુ પકડી આંખો બંધ કરી મંત્રોચ્ચાર કરતી સંધ્યાને જોઈને એ ચૂપ થઈ ગયો. એ બિચારાને ક્યાં ખબર હતી કે હવે પહેલો વારો એનો છે.

વધુ આવતા શનિવારે

columnists