અરવલ્લીની પર્વતમાળા કેમ ગાજી રહી છે?

28 December, 2025 12:22 PM IST  |  New Delhi | Laxmi Vanita

અરવલ્લી પર્વતમાળા વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. આ પર્વતમાળા પશ્ચિમ ભારતમાં ફેલાયેલી છે અને મુખ્યત્વે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ગુજરાત ભાગોમાં વિસ્તરેલી છે જેની કુલ લંબાઈ આશરે ૬૯૨ કિલોમીટર છે અને પહોળાઈ લગભગ ૧૫-૨૦ કિલોમીટર છે.

અરવલ્લીની પર્વતમાળા

ગુજરાતમાં અરવલ્લી અને બીજે અરાવલી તરીકે ઓળખાતી આ ટેકરીઓ પૂર સામે સંરક્ષક દીવાલ જેવી છે, થારના રણને આગળ વધતું રોકે છે, પાણીનો સંગ્રહ કરે છે અને ભૂગર્ભ જળને બચાવે છે. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી તથા હરિયાણા અને રાજસ્થાનમાંથી પસાર થતી ૬૯૨ કિલોમીટર લાંબી આ પર્વતમાળા સુપ્રીમ કોર્ટના તાજેતરના એક નિર્ણયને લીધે ચર્ચામાં છે. આ નિર્ણય મુજબ ત્યાં ખાણકામ કરવાની પરવાનગી મળી જાય તો આ પર્વતમાળા જ્યાં-જ્યાં આવેલી છે એ ચારેય રાજ્યોમાં કુદરતી વિનાશ વેરાઈ શકે છે. સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સામે અરવલ્લી પર્વતમાળા બચાવવા મેદાને પડેલા લોકો રોષે ભરાયા છે ત્યારે આ આખા પ્રકરણને સમજીએ.

અંદાજે બે બિલ્યન વર્ષ જૂની અરવલ્લીની પર્વતમાળાઓ માનવ અસ્તિત્વ પહેલાંનું અસ્તિત્વ ધરાવે છે. માનવ અસ્તિત્વ પહેલાં જ એની ઘણીખરી ટેકરીઓ ઘસાઈ ગઈ હોવાનું કહેવામાં આવે છે, પરંતુ એમ છતાં એના ઇકોલૉજિકલ કાર્યમાં કોઈ ફરક નથી પડ્યો. આ પર્વતમાળાઓ થાર રણને આગળ વધતું અટકાવવાની દીવાલ તરીકે કામ કરે છે.

ગયા અઠવાડિયાથી અરવલ્લી પર્વતમાળા ભારે ચર્ચામાં છે. સમાચારપત્રોમાં, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં આ વિવાદ વિશે જાણ્યું હશે. આ વિવાદ વિશે વધુ ઉત્સુકતા જાગશે જ્યારે એ જાણશો કે તમે લગભગ સો ટકા અરવલ્લી પર્વતમાળાની મુલાકાત લીધી હશે. આ પર્વતમાળા ચાર રાજ્યોમાં ફેલાયેલી છે જેમાં રાજસ્થાનનાં પર્યટનનાં સ્થાનોમાં માઉન્ટ આબુ, ઉદયપુર, કુંભલગઢ કિલ્લો, જૈનોના પ્રખ્યાત રાણકપુર જૈન મંદિર, પુષ્કર, સરિસ્કા ટાઇગર રિઝર્વ, રણથંભોર નૅશનલ પાર્ક, અલવર, હલ્દીઘાટીનો સમાવેશ છે. દિલ્હી અને હરિયાણાનાં અસોલા ભટ્ટી વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી, અરવલ્લી બાયોડાઇવર્સિટી પાર્ક તેમ જ ગુજરાતનું શામળાજી પણ અરવલ્લીના સાંનિધ્યમાં છે. એટલે આ જગ્યાઓએ તમે જે પહાડો જોયા છે એ અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે. આ વિવાદને લગતા દરેક મુદ્દાને વિસ્તારથી જાણીએ એ પહેલાં એ જાણી લો ૧૦૦ મીટર ઊંચાઈ એટલે કેટલી? તો ધારો કે એક હાઇરાઇઝ બિલ્ડિંગના એક ફ્લોરની ઊંચાઈ ૩ મીટર હોય તો અંદાજે ૩૦થી ૩૩મો માળ જ્યાં પહોંચે એ ૧૦૦ મીટર ઊંચાઈ ગણી શકાય. સુપ્રીમ કોર્ટે અરવલ્લીની પર્વતમાળાની ૧૦૦ મીટર કે એનાથી ઊંચી ટેકરીને જ એનો ભાગ ગણવામાં આવે એવી નવી વ્યાખ્યાને સ્વીકૃતિ આપી એ પછી સોશ્યલ મીડિયા પર વ્યાપક વિરોધ થયો છે. આરોપ છે કે આ વ્યાખ્યા અરવલ્લીના મોટા ભાગના હિસ્સાને સંરક્ષણ-કાયદાના દાયરામાંથી બહાર કાઢી નાખશે અને ઠેર-ઠેર માઇનિંગ એટલે કે ખોદકામ શરૂ થઈ જશે. જોકે વિરોધ પછી કેન્દ્ર સરકારે અરવલ્લી વિસ્તારમાં નવી માઇનિંગ લીઝ આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમ તો આ મુદ્દો આજકાલનો નહીં પણ ત્રણ દાયકાઓ જૂનો છે. તો અત્યારે શા માટે આખા દેશમાં ચર્ચા જાગી છે એના પર વિસ્તારથી વાત કરીએ.


પર્યાવરણ અને જંગલ ખાતાના પ્રધાન ભૂપેન્દ્ર યાદવ.

અરવલ્લી પર્વતમાળાની સમૃદ્ધિ અને સંપત્તિ 

અરવલ્લી પર્વતમાળા વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી તથા હરિયાણા અને રાજસ્થાનમાંથી પસાર થતી આ પર્વતમાળાની કુલ લંબાઈ આશરે ૬૯૨ કિલોમીટર છે અને પહોળાઈ લગભગ ૧૫-૨૦ કિલોમીટર છે. સૌથી ઊંચું શિખર ગુરુશિખર (૧૭૨૨ મીટર) રાજસ્થાનમાં આવેલું છે. અરવલ્લી માત્ર ભૂગોળીય ધોરણે જ રસપ્રદ નથી, પઇતિહાસ અને સંસ્કૃતિની દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. અહીંથી પ્રાચીન સાહિત્ય મુજબ અનેક રાજવંશોનું સંચાલન થયેલું છે અને મોહેંજોદડો અને હડપ્પા નગરોની આસપાસ પણ અરવલ્લી પર્વતોની ધરતી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પર્વતમાળાઓમાં સંરક્ષણ અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કિલ્લાઓ છે, જેમ કે કુંડલગઢ કિલ્લો, ચોમુ કિલ્લો, નહેરા કિલ્લો અને તળેજી હિન્દુ મંદિર કિલ્લો જે રાજપૂત વંશોનાં યુદ્ધો અને શાસનના કાળની કહાનીઓ જણાવી શકે છે. આ પર્વતમાળા કિલ્લા, નદી, વન્યજીવન અને નૈસર્ગિક સૌંદર્ય માટે પણ ખૂબ પ્રખ્યાત છે. ખનિજ સંપદાની દૃષ્ટિએ પણ અરવલ્લી ધનાઢ્ય છે. અહીં સોના, ચાંદી, લોખંડ, તાંબું, મિકા, ફ્લુરાઇટ અને પલ્વરાઇટ જેવાં ખનિજ મળી આવે છે. 
જ્યારે ઇકોસિસ્ટમની વાત કરીએ તો અરવલ્લીમાંથી ઘણી નદીઓ વહે છે અને એમાંય સાબરમતી, લુણી અને બનાસ તો અહીંથી ઉદ્ભવે છે. એ સિવાય સાહિબી, સખી, બિરાચ, ચંબલ જેવી નદીઓને પ્રભાવિત કરે છે. આ નદીઓ અહીંના ભૂગર્ભ માટે જીવનદાયી સાબિત થાય છે અને ખેતી, પશુપાલન અને માનવવસાહતો માટે પાણીનો મુખ્ય સ્રોત છે. આ પર્વતમાળાઓમાં વસતાં જંગલોમાં અદ્ભુત વન્યજીવન છે. અહીં હિરણ, ચીતલ તેમ જ દીપડા, વાઘ, હાયેના, શિયાળ જેવી જંગલી બિલાડીઓ, વાંદરા અને ભારતીય ભાલુ જોવા મળે છે. પક્ષીઓનું વૈવિધ્ય પણ ઉત્તમ છે. અહીં બૂટેડ ઈગલ, કેસ્ટ્રેલ, વાઇટ નેપ્ડ ટિટ, હંસ અને અનેક પ્રકારનાં પક્ષી જોવા મળે છે. આ પર્વતમાળાની ઔષધિય વનસ્પતિ પણ ખૂબ જ ધનિક છે. જેમ કે અરડૂસી, બેલ, પલાશ, બ્રાહ્મી, ગોટુ કોલા જેવી આયુર્વેદિક ઉપયોગી છોડ જે માનવ માટે ઔષધિ, ઇકોસિસ્ટમ અને પર્યાવરણને બચાવે છે. પર્વતમાળાની નાની ઊંચાઈ અને ઢાળ જમીન-પાણીના રીચાર્જિંગ માટે અનુકૂળ છે. પર્વતોમાં વૉટર-રીચાર્જ એટલે વરસાદનું પાણી જમીનમાં ઊતરીને ભૂગર્ભ જળ (Ground water) ફરીથી ભરાવાની પ્રક્રિયા. જ્યારે પર્વતો પર વરસાદ પડે છે ત્યારે પાણીનો એક ભાગ નદીઓ અને નાળાઓમાં વહે છે પરંતુ મોટો ભાગ પથ્થરોની તિરાડો, માટી અને જંગલની જમીનમાંથી ધીમે-ધીમે નીચે ઊતરી જાય છે. આ પાણી જમીનની અંદર રહેલા જળસ્તરોમાં સંગ્રહાય છે, જેને પાણી-રીચાર્જ કહેવાય છે. આ ઇકોસિસ્ટમને કારણે અહીં માનવ સંસ્કૃતિ ખીલી રહે છે. 


પુષ્કર શહેર અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલી ખીણમાં વસેલું છે. પુષ્કર રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું એક પ્રાચીન અને પવિત્ર નગર છે. આ શહેર વિશ્વવિખ્યાત પુષ્કર સરોવર માટે જાણીતું છે. 

મુદ્દો ૯૦ના દાયકાથી ચર્ચામાં 

નવેમ્બર ૨૦૨૫ના ચુકાદાનો ઉદ્ભવ કોર્ટમાં દાખલ થયેલી બે રિટ અરજીઓમાંથી થયો હોવાનું માનવામાં આવે છે : એક એમ. સી. મહેતા વર્સસ યુનિયન ઑફ ઇન્ડિયા (૧૯૮૫) અને બીજી ટી. એન. ગોદાવરમન થિરુમુલપાડ વર્સસ યુનિયન ઑફ ઇન્ડિયા (૧૯૯૫). ૧૯૯૦ના દાયકામાં અપનાવવામાં આવેલો અભિગમ સર્વાંગી હતો, જેમાં અરવલ્લી પર્વતમાળાની પર્યાવરણીય કિંમતને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને એની વ્યાખ્યા ફક્ત ઊંચાઈ સુધી મર્યાદિત રાખવામાં આવી નહોતી. અરવલ્લી પર્વતમાળા માનવજાતના અસ્તિત્વ પહેલાં જ ઘણી-ઘણી ઘસાઈ ચૂકી હતી. ૨૦૦૨માં એમ. સી. મહેતાની રિટ અરજી સંબંધિત આદેશોમાં સુપ્રીમ કોર્ટે હરિયાણામાં અરવલ્લી વિસ્તારમાં ખનનપ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ મુદ્દો ૨૦૧૦, ૨૦૧૮ અને ૨૦૨૪માં ફરીથી કોર્ટ સમક્ષ આવ્યો. ગોદાવરમનની અરજી સંદર્ભે જેમાં કોર્ટે પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (MoEFCC)ને આ બાબતની તપાસ માટે એક સમિતિ રચવા કહ્યું હતું. આ સમિતિમાં પર્યાવરણ વિભાગના સચિવ, ચાર રાજ્યો (રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દિલ્હી)ના જંગલ વિભાગના સચિવો અને ટેક્નિકલ નિષ્ણાતો હતા. કારણ કે દરેક રાજ્ય અલગ રીતે અરવલ્લીને વ્યાખ્યાયિત કરતું હોવાને કારણે ખનન નિયંત્રણ મુશ્કેલ બનતું હતું. સમિતિએ સૂચન આપ્યું કે ઊંચાઈ અને ભૂગઠન (slope and elevation) નિમિત્તે અરવલ્લી હિલ્સને વ્યાખ્યાયિત કરવામાં આવે. પછી સુપ્રીમ કોર્ટે આ સમિતિની ભલામણને મંજૂરી આપી છે અને નવી વ્યાખ્યા સ્વીકાર્ય કરી. આ નવી વ્યાખ્યા મુજબ અરવલ્લી હિલ ત્યારે સાર્થક ગણાશે જ્યારે એની ઊંચાઈ સ્થાનિક સપાટીની તુલનામાં ૧૦૦ મીટર અથવા વધારે હોય અને બે હિલ વચ્ચે ૫૦૦ મીટર સુધીનો બફર ઝોન સમાવિષ્ટ કરવામાં આવે. આ નવી વ્યાખ્યા હેઠળ કાયદાકીય સુરક્ષા માત્ર એવા ભાગને લાગુ પડશે જ્યાં હિલ ૧૦૦ મીટરથી ઉપર છે. આના પગલે બહુ જ મોટો વિવાદ સર્જાયો છે અને પર્યાવરણવિદોએ પોતાનો આકરો વિરોધ વ્યક્ત કર્યો છે ત્યારે આ નિયમને સરળ ભાષામાં સમજીએ.


અરવલ્લી પર્વતમાળામાં આબુમાં આવેલું ગુરુશિખર ૧૭૨૨ મીટરનું છે જે આ રેન્જનું સૌથી ઊંચું શિખર છે. અહીં સનસેટ જોવા માટે પર્યટકોની ભીડ જામતી હોય છે.

૧૦૦ મીટર નિયમનો  વિવાદ

પહાડોની માપણી સામાન્ય રીતે સમુદ્રસપાટી, જમીનસપાટી, જમીનથી ટોચ સુધીનું અંતર એમ માપવામાં આવે છે. આ દરેક માપણીમાં સંદર્ભ મહત્ત્વનો હોય છે. પહાડ અથવા ટેકરીની ઊંચાઈને આસપાસની જમીનસપાટીથી (relative height / relief) માપવું વૈજ્ઞાનિક રીતે ખોટું નથી. ભૂગોળ અને ભૂવિજ્ઞાનમાં ટેકરી કે પહાડને ઓળખવા માટે relative relief (આસપાસની જમીન કરતાં કેટલી ઊંચાઈ) એક માન્ય પદ્ધતિ છે કારણ કે પર્વતની ઓળખ માત્ર દરિયાની સપાટીથી નહીં, એની આસપાસની ભૂમિની સરખામણીમાં કેટલી ઊંચાઈ છે એનાથી પણ થાય છે. તેથી ટેક્નિકલી જોવામાં આવે તો ‘આસપાસની જમીનથી ૧૦૦ મીટર ઊંચું’ એવું માપ ખોટું નથી, પરંતુ માત્ર એ જ માપદંડને આધારે પર્યાવરણીય નિર્ણય લેવો અપૂર્ણ અને સમસ્યાજનક બની શકે છે. હવે અરવલ્લીની પર્વતમાળાની ઊંચાઈનો વિવાદ સમજીએ.
અરવલ્લીના મોટા ભાગના પહાડ સમુદ્રસપાટીથી ૩૦૦થી ૮૦૦ મીટર ઊંચા છે એમાં કોઈ વિવાદ નથી. તો પછી ૧૦૦ મીટરનો વિવાદ શું છે? અહીં ૧૦૦ મીટરનો અર્થ છે, પહાડ આસપાસની જમીન કરતાં ૧૦૦ મીટર ઊંચો હોવો જોઈએ. ઉદાહરણ દ્વારા સમજો. અરવલ્લીની આસપાસની જમીન ધારો કે ૪૦૦ મીટર ઊંચી છે અને અરવલ્લીની ટેકરી ૪૬૦ મીટર ઊંચી છે. તો પહાડ આસપાસની જમીનની સરખામણીમાં ૬૦ મીટર ઊંચો છે. એટલે ૧૦૦ મીટરના નિયમમાં આવતો નથી. એટલે એને પહાડ માનવામાં આવશે નહીં અને જે પહાડ નથી એના પર કોઈ કાયદો લાગતો નથી. ધારો કે આસપાસની જમીન ૩૦૦ મીટર ઊંચી છે અને ટેકરી ૪૨૦ મીટર ઊંચી છે. તો ટેકરીની ઊંચાઈ ૧૨૦ મીટર થઈ જેને પર્વતમાળાનો ભાગ ગણવામાં આવશે. આમાં વિવાદ જ કેમ થાય છે? એટલા માટે કે અંદાજે બે બિલ્યન વર્ષ જૂની આ પર્વતમાળાની ઘણી ટેકરીઓ ઘસાઈ ગઈ છે. એટલે પર્યાવરણવિદો અને નિષ્ણાતો માને છે કે ઘણીખરી ટેકરીઓ આ નિયમ હેઠળ નાશ થઈ શકે છે.


અરવલ્લી પર્વતમાળા રણથંભોર નૅશનલ પાર્કના અમુક વિસ્તારને પ્રભાવિત કરે છે. આ નૅશનલ પાર્ક વાઘદર્શન માટે જગવિખ્યાત છે. ઘણી સેલિબ્રિટીઝ અહીંની મુલાકાતના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરતી હોય છે.

પર્યાવરણવિદો અને વૈજ્ઞાનિકોની ચિંતા શું છે?

આ વિવાદમાં વૈજ્ઞાનિકો, પર્યાવરણવિદો અને સંરક્ષણકારોની મુખ્ય ચિંતા એ છે કે અરવલ્લી પર્વતમાળાને ફક્ત ઊંચાઈના માપદંડ (૧૦૦ મીટર)થી વ્યાખ્યાયિત કરવાથી એની સાચી પર્યાવરણીય કિંમત અવગણાઈ જશે. તેઓ માને છે કે અરવલ્લી એક સામાન્ય પર્વતમાળા નથી પરંતુ એક પ્રાચીન અને ઘસાઈ ગયેલી ભૂ-રચના છે જ્યાં ઘણી જગ્યાએ ટેકરા ઊંચા નથી છતાં એ ભૂગર્ભ જળ રીચાર્જ, માટીસંરક્ષણ, જૈવિક વૈવિધ્ય અને હવામાન-સંતુલન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે અરવલ્લી લાખો વર્ષોથી ઘસાતી આવી છે તેથી એની ઊંચાઈ ઓછી હોવી કુદરતી પ્રક્રિયા છે, પરંતુ એ કારણે એનાં પર્યાવરણીય કાર્યો ઓછાં નથી થતાં. ફોરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયાના અહેવાલના અંદાજ મુજબ રાજસ્થાનમાં અરવલ્લીના માત્ર ૮.૭ ટકા વિસ્તારને જ રક્ષણ મળે. પર્યાવરણવિદોને ભય છે કે જો માત્ર ૧૦૦ મીટરથી ઊંચા ભાગોને જ અરવલ્લી ગણવામાં આવશે તો ૯૦ ટકા અરવલ્લી વિસ્તાર કાયદાકીય રક્ષણ બહાર રહી જશે અને ત્યાં ખનન, બાંધકામ અને શહેરી વિસ્તરણને છૂટ મળશે. ભૂતકાળમાં પણ કેટલાય આદેશો આપવામાં આવ્યા છે અને એના નિયમોનું ઉલ્લંઘન થઈને ગેરકાયદાકીય ખાણકામ થયાં છે. સંરક્ષણકારો ખાસ કરીને ચેતવણી આપે છે કે આ નિર્ણયથી જંગલોનો નાશ, વન્ય જીવોનાં નિવાસસ્થાનોનો વિનાશ અને જમીન-પાણીના સ્તરમાં ઘટાડો થઈ શકે છે, જે લાંબા ગાળે રણવિસ્તાર વધારશે. 


ભારે વિરોધને કારણે કેન્દ્ર સરકારે અરવલ્લી પર્વતમાળામાં દિલ્હીથી ગુજરાત સુધીની રેન્જમાં કોઈ પણ નવા માઇનિંગના પટ્ટાને લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

અરવલ્લીની પર્વતમાળા રણીકરણ (Desertification) રોકવાનું મુખ્ય કારણ છે. એ વાત વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો ખાસ ઉદાહરણ તરીકે સમજાવે છે. અરવલ્લી પર્વતમાળા કુદરતી રીતે થાર રણને પૂર્વ તરફ ફેલાતું અટકાવતી દીવાલ તરીકે કામ કરે છે. જો અરવલ્લીના નીચા ટેકરા, ઢાળવાળા વિસ્તારો અને જંગલો કાયદાકીય સુરક્ષા બહાર જાય અને ત્યાં ખનન, વૃક્ષકાપ અથવા બાંધકામ વધે તો જમીન ખાલી અને ખુલ્લી બની જશે. આવી જમીન પર વરસાદનું પાણી જમીનમાં ઊતરવાને બદલે વહેતું જઈ માટી ધોઈ નાખશે, જેના કારણે જમીનની ભેજ અને ઉપજાઉ શક્તિ ઘટશે. રણીકરણ વધવાથી ભૂગર્ભ જળસ્તર નીચે જશે, કૂવા અને ટ્યુબવેલ સુકાઈ જશે અને ખેતી માટે પાણીની અછત સર્જાશે. હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનના પૂર્વી વિસ્તારોમાં સૂકું હવામાન અને ધૂળભર્યાં તોફાનો વધવાની શક્યતા રહેશે. વૈજ્ઞાનિકો કહે છે કે જો અરવલ્લી નબળી પડશે તો થાર રણ ધીમે-ધીમે દિલ્હી અને ગંગા મેદાન તરફ આગળ વધશે; જે કરોડો લોકોની ખોરાકસુરક્ષા, પીવાના પાણી અને આરોગ્ય પર ગંભીર અસર કરશે.


અરવલ્લી પર્વતમાળાને બચાવવા માટે દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને પર્યાવરણવાદી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.

સરકારની સ્પષ્ટતા

નવી વ્યાખ્યાના આકરા વિરોધને જવાબ આપતાં પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે, ‘કેટલીક યુટ્યુબ ચૅનલો અને સોશ્યલ મીડિયા પોસ્ટ ૧૦૦ મીટરની વ્યાખ્યાને ખોટી રીતે રજૂ કરી રહી છે પરંતુ ૧૦૦ મીટર ઊંચાઈ ‘માત્ર ટોચ’ માટે નથી; ૧૦૦ મીટરની ટોચની ફરતે આવેલા તમામ પહાડોની સૌથી નીચલી સીમા રેખાની અંદર ખનન કરવાનો પ્રતિબંધ છે. નવી ૧૦૦ મીટરની વ્યાખ્યા કોઈ રીતે અરવલ્લીના પર્યાવરણને નબળું પાડતી નથી અને એમાં કોઈ ‘છૂટ’ આપેલી નથી. એવો નિષ્કર્ષ કરવો કે ૧૦૦ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા બધા વિસ્તારમાં હવે ખનન મંજૂર થશે, એ લોકોની મોટી ભૂલ છે.’ 

columnists gujarati mid day exclusive rajasthan supreme court environment