આધુનિક બનો પણ આપણી સંસ્કૃતિનાં મૂળિયાં ન છોડો

20 August, 2026 06:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અષાઢ મહિનો શરૂ થતાં જ ઝરમર વરસાદની સાથે તહેવારોની મોસમનો પ્રારંભ થઈ જાય. શ્રાવણ માસ તો ઉત્સવોની ભરમાર લઈને આવે છે. અગાઉ બહેનો પોતાના હાથે રક્ષાની દોરી બનાવતી અને ઘરમાં બનાવેલી શુદ્ધ ઘીની મીઠાઈથી ભાઈનું મોઢું મીઠું કરાવતી.

જિગીષા રાંભિયા સોની

ભારત ઉત્સવોનો દેશ છે. આપણા તહેવારો માત્ર કૅલેન્ડરની તારીખો નથી, પણ માનવજીવનને ઉત્સાહ, પ્રેમ અને પરંપરાના રંગોથી ભરી દેતું એક આખું વિજ્ઞાન છે. હિન્દુ ધર્મની પ્રાચીન પ્રણાલિકાઓ મુજબ ઊજવાતા તહેવારો ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, પરંતુ પશ્ચિમીકરણની આંધળી દોડમાં તહેવારોની ઉજવણીનો મૂળ આત્મા ક્યાંક ખોવાઈ રહ્યો હોય એવું લાગે છે. આપણો બદલાતો અભિગમ ભક્તિ કરતાં વ્યાપારીકરણ તરફ વધુ વળી રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે આધુનિકતાના નામે આપણે આપણી જ સંસ્કૃતિના પતનની પટકથા તો નથી લખી રહ્યાને? 
અષાઢ મહિનો શરૂ થતાં જ ઝરમર વરસાદની સાથે તહેવારોની મોસમનો પ્રારંભ થઈ જાય. શ્રાવણ માસ તો ઉત્સવોની ભરમાર લઈને આવે છે. અગાઉ બહેનો પોતાના હાથે રક્ષાની દોરી બનાવતી અને ઘરમાં બનાવેલી શુદ્ધ ઘીની મીઠાઈથી ભાઈનું મોઢું મીઠું કરાવતી. દિવાળી સુધી ઘરમાં જાતજાતનાં પકવાનો અને મીઠાઈઓ બનતી. તહેવારોમાં મીઠાઈઓ ખાવા પાછળ માત્ર સ્વાદ નથી, એની પાછળ પ્રાચીન આયુર્વેદ વિજ્ઞાન અને ઋતુચર્યા જોડાયેલી છે. આપણા ઋષિમુનિઓએ અને પૂર્વજોએ દરેક તહેવારની મીઠાઈને એ રીતે નક્કી કરી છે જે એ સમયની ઋતુ અને શરીરની જરૂરિયાત સાથે સુસંગત હોય. હવે એમાં બજારવાદ હાવી થઈ ગયો છે. પારંપારિક મીઠાઈઓનું સ્થાન ચૉકલેટ, કેક અને બ્રાઉનીએ લઈ લીધું છે. સંસ્કૃતિના ભોગે અને શરીરને નુકસાન કરતો આ આધુનિક દેખાડો બંધ થવો જોઈએ. મુંબઈકર હોવાને નાતે મને દર વર્ષે વિચાર આવે કે લોકમાન્ય ટિળકે જે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત સમાજને એક તાંતણે બાંધવા અને રાષ્ટ્રચેતના જગાડવા માટે કરી હતી, એનો ચહેરો સાવ બદલાઈ ગયો છે. આજે ગણેશોત્સવ ‘હર ઘર ગણપતિ’ના સૂત્ર સાથે ઘરે-ઘરે તો પહોંચ્યો છે, સાથે દેખાડાનું માધ્યમ પણ બની ગયો છે. જગદંબાની ભક્તિના નવલા નોરતા કરોડો રૂપિયાનો બિઝનેસ બની ગયા છે. મહિનાઓ અગાઉથી આઉટફિટ્સ અને આભૂષણોની તૈયારીઓ શરૂ થાય છે. મોંઘાદાટ પાસ ખરીદીને કમર્શિયલ ગ્રાઉન્ડ્સમાં ગરબે ઘૂમવા જતી યુવાપેઢી પ્રાચીન ગરબાની ગરિમા ભૂલી ચૂકી છે. દિવાળીનો ઝગમગાટ પણ બજારના રેડિમેડ પૅકેટોમાં કેદ થઈ ગયો છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને સમયની સાથે અમુક બદલાવ સ્વીકારવા જ પડે એ સ્વાભાવિક છે. પરંતુ આ બદલાવ આપણી ભવ્ય સંસ્કૃતિના ભોગે તો ન જ હોવો જોઈએ. ઉજવણી પાછળ રહેલી ભાવનાઓને ભૂલી જઈશું તો આપણી આવનારી પેઢીને વારસામાં શું આપીશું? આધુનિક બનો, પણ પોતાની સંસ્કૃતિનાં મૂળિયાંને ક્યારેય ન છોડો, કારણ કે મૂળ વગરનાં વૃક્ષો લાંબું ટકી શકતાં નથી.

columnists lifestyle news life and style festivals hinduism