26 June, 2026 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવ્યા ગોરડિયા કપોળ સેતુ અને મહાવીરનગરના કાંદિવલી મહિલા વૃંદનાં સ્થાપક મેમ્બર છે. તેઓ ૭૫ વર્ષથી કાર્યરત પ્રગતિ મંડળ અને ચારકોપ કપોળ મંડળની કમિટીમાં છે. મૅરેજ બ્યુરો ચલાવે છે તેમ જ ડિવૉર્સ સંબંધિત કેસમાં સલાહકાર તરીકે કામ કરે છે.
લગ્ન એ પુરુષ અને સ્ત્રીના સામાજિક સંબંધોની ચરમસીમા છે. અગાઉ લગ્નસંબંધ નક્કી કરતી વખતે કુટુંબની પ્રતિષ્ઠા, યુવકની કમાણી અને યુવતીના સંસ્કારોને મહત્ત્વ આપવામાં આવતું હતું. હવે જીવનસાથીની પસંદગીના માપદંડ બદલાઈ ગયા છે. લગ્નોત્સુક યુવક-યુવતીની વધતી અપેક્ષાઓ તથા બદલાયેલા પારિવારિક દૃષ્ટિકોણને કારણે યોગ્ય વર-વધૂની શોધે સામાજિક સમસ્યાનું રૂપ લઈ લીધું છે. વર્તમાન સમયમાં લગ્ન શરતોને આધીન થઈ ગયાં છે. લગ્ન બાદ દીકરીના ઘરમાં પેરન્ટ્સનું ઇન્વૉલમેન્ટ વધી ગયું છે. હું પચીસ વર્ષથી વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છું.
સમાજસેવાના હેતુથી મૅરેજ બ્યુરો ચલાવું છું અને હાલમાં ઍડ્વોકેટની ઑફિસમાં સલાહકાર તરીકે પણ કાર્યરત છું. એક સમય હતો જ્યારે મૅરેજ બ્યુરો અને જ્ઞાતિનાં મંડળોની ભૂમિકા માત્ર યોગ્ય જીવનસાથી શોધી આપવાની હતી. બદલાતા સમય સાથે એમની જવાબદારી પણ વધી છે. આજે માત્ર લગ્ન કરાવી આપવાથી કામ ચાલતું નથી. લગ્નજીવનમાં ઊભા થતા મતભેદો, અપેક્ષાઓ અને પડકારો વચ્ચે દંપતીને માર્ગદર્શન આપીને સંબંધો ટકાવી રાખવાના પ્રયાસો પણ કરવા પડે છે. મૅરેજ બ્યુરોનું કામ માત્ર બે લોકોને મળાવવાનું નથી, બે વ્યક્તિને આજીવન સાથે રહેવા સમજાવવાનું પણ છે. સામાજિક સંસ્થાઓએ મૅચમેકિંગને ફોકસમાં રાખવાની સાથે રિલેશનશિપ મૅનેજમેન્ટ પર કામ કરવાનું છે, કારણ કે લગ્નો કન્ડિશનલ થઈ ગયાં છે. મૅરેજ બ્યુરોની આ નવી ભૂમિકાને યોગ્ય ન્યાય આપવા ઍડ્વોકેટ સાથે ટાઇઅપ સમયની જરૂરિયાત છે.
વેડિંગ ઇઝ વન ડે ઇવેન્ટ, મૅરેજ ઇઝ લાઇફટાઇમ જર્ની. આ વાક્ય માત્ર યુગલોએ જ નહીં, તેમના પેરન્ટ્સે પણ સમજવાની જરૂર છે. લગ્નોત્સુક યુવક-યુવતીનાં માતા-પિતા ધારે તો સોશ્યલ ટ્રાન્સફૉર્મેશન લાવી શકે છે. દામ્પત્યજીવનને સુંદર રીતે પસાર કરવા તેમ જ લગ્ન બાદ કંકાસ અને ઝઘડાઓનું પુનરાવર્તન ટાળવા ટુ-બી કપલે પ્રોફેશનલ્સની હેલ્પથી અમુક બાબતોની ચોખવટ લગ્ન પહેલાં જ કરી લેવી જોઈએ. લગ્ન માત્ર સપ્તપદીની વિધિ નથી; એમાં સપનાંની દુનિયામાંથી બહાર નીકળીને વાસ્તવિક જીવનમાં સાથે ચાલવાની, સાથે જીવવાની, એકમેકને સ્વીકારવાની કળા શીખવી પડે છે. ઍડ્વોકેટ સ્નેહા દેસાઈ સાથે મળીને અમે ડિવૉર્સ લેવા ઇચ્છતાં યુગલોનું કાઉન્સેલિંગ કરીએ છીએ. દરેક જ્ઞાતિમાં એવી સંસ્થા હોવી જોઈએ જે લગ્નપ્રથાને બચાવવાની દિશામાં કામ કરે. દરેક સમાજની રચના અને જરૂરિયાત જુદી હોય તેથી આવા કાર્યક્રમો સામાજિક લેવલે થવા જોઈએ. લગ્નોત્સુક
યુવક-યુવતી અને તેમનાં માતા-પિતા સાથે કમ્યુનિકેટ કરી શકે એવી ટીમ ઊભી કરવાની જરૂર છે.