કઈ ઉંમરથી બાળકોને ઘરનું મની મૅનેજમેન્ટ કરતાં શીખવવું જોઈએ?

26 June, 2026 12:41 PM IST  |  Mumbai | Kajal Rampariya

ચાલો જાણીએ પેરન્ટિંગ કોચ અને ફાઇનૅન્સ એક્સપર્ટ પાસેથી

પ્રતીકાત્મક તસવીર

આજના પેરન્ટ્સ લાડકોડમાં બાળકોને બજેટની ચિંતા કર્યા વગર જે જોઈએ એ અપાવી દે છે. આ આદતથી ઘરનું બજેટ તો ખોરવાય જ છે, સાથે બાળકોને પણ માતા-પિતાની મહેનતની કોઈ કિંમત નથી રહેતી. પૈસાની વૅલ્યુ સમજાય અને ફાઇનૅન્સ મૅનેજ કરતાં શીખે એ માટે બાળકોને કઈ ઉંમરે અને કેવી રીતે રમતાં-રમતાં આ જ્ઞાન આપવું? ચાલો જાણીએ પેરન્ટિંગ કોચ અને ફાઇનૅન્સ એક્સપર્ટ પાસેથી...

‘પપ્પા, મારા બધા ફ્રેન્ડ્સ બ્રૅન્ડેડ શૂઝ પહેરે છે, મારે પણ જોઈએ જ’, ‘મમ્મી, ચાલને મૉલમાં શૉપિંગ કરવા જઈએ; તારે ક્યાં કશું આપવાનું છે, ફક્ત ફોન સ્કૅન જ તો કરવાનો છે.’ આજનાં બાળકોના મોઢે આવાં વાક્યો મોટા ભાગના પેરન્ટ્સને છાશવારે સાંભળવા મળતાં હશે. કોઈ પેરન્ટ્સ કંટાળીને બાળકની જીદ પૂરી કરી દે છે તો કોઈ ગુસ્સે થઈને ના પાડે છે જેનાથી ઘરમાં ક્લેશ થાય છે. ઑનલાઇન શૉપિંગના આ જમાનામાં એક ક્લિક કે સ્કૅન કરતાં જ બધું ઘરમાં આવી જાય છે જેને કારણે બાળકો માટે પૈસા માત્ર સ્ક્રીન પર દેખાતા અદૃશ્ય નંબર બની ગયા છે. આડેધડ થતા આ ખર્ચા પેરન્ટ્સના પૉકેટ પર લોડ વધારે છે જે બાળકો સમજી શકતાં નથી.

વધતી મોંઘવારીના આ સમયમાં બાળકોને ફાઇનૅન્સની ABCD શીખવવાની સાથે પૈસાની વૅલ્યુ કરતાં શીખવવું પણ એટલું જ જરૂરી છે જેથી તેઓ પોતાના ભવિષ્યનું સારું પ્લાનિંગ કરી શકે. બાળકો કોઈ પણ જાતની જીદ વગર ઘરના ખર્ચ અને બજેટનું મહત્ત્વ કેવી રીતે સમજતાં થાય? આ વિષયને નિષ્ણાતો પાસેથી એકદમ સરળ ભાષામાં સમજીએ.

શું છે રાઇટ એજ?

અનુભવી પેરન્ટિંગ કોચ અને લીડરશિપ કોચ દીપ્તિ સાવલા ગાલા બાળકોને ફાઇનૅન્સના પાઠ શીખવવાની રાઇટ એજ વિશે કહે છે, ‘જ્યારે આપણે બાળકના ફાઇનૅન્શિયલ એજ્યુકેશનની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં પેરન્ટ્સે એ સમજવું પડશે કે બાળક પાસેથી ગલ્લામાં સિક્કા નખાવડાવવાથી મની મૅનેજમેન્ટના પ્રૅક્ટિકલ પાઠ મળતા નથી. ઑનલાઇન પેમેન્ટ્સ અને કાર્ડને કારણે બાળકો માટે હવે હાથમાં કૅશ ઓછી જોવા મળે છે. તેમના માટે પૈસા એટલે સ્ક્રીન પર દેખાતો એક નંબર છે. આ સ્થિતિમાં આપણે બાળકોમાં ફિઝિકલ મનીની વૅલ્યુ પાછી રિવાઇવ કરવી પડશે. ઘરમાં ફાઇનૅન્સ ડિસ્કસ કરવાની કે બાળકને એમાં સામેલ કરવાની કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી, બધું બાળકની સમજણ પર આધાર રાખે છે. બાળક જ્યારે પાંચથી-છ વર્ષનું થાય ત્યારે તેને ફાઇનૅન્સની બેઝિક સમજ આપવાનું શરૂ કરી શકાય. ઘરની બાજુમાં આવેલી દુકાનમાંથી નાની-મોટી ચીજવસ્તુઓ કે કરિયાણું લેવા મોકલો જેથી તેને ખબર પડે કે બજારમાં વસ્તુ કેટલા રૂપિયામાં આવે છે.’

આ મામલે અનુભવી ફાઇનૅન્શિયલ એક્સપર્ટ અને એજ્યુકેટર પ્રિયંકા આચાર્ય કહે છે, ‘ડિજિટલ યુગમાં પિગી બૅન્કને એક નવી વ્યવસ્થા તરીકે વાપરવાની જરૂર છે. સામાન્ય રીતે ગલ્લામાં પૈસા નાખતી વખતે બાળકની માનસિકતા એવી થઈ જાય છે કે પેરન્ટ્સ તો પૈસા આપવાના જ છે. હવે પિગી બૅન્કનો ઉપયોગ માત્ર પૈસા બચાવવા માટે નહીં, જરૂર પડ્યે એમાંથી ખર્ચ કરવા માટે પણ કરવાનો છે. બાળક જ્યારે પાંચ વર્ષનું થાય અને સ્કૂલમાં ABCD અને આંકડા શીખી જાય ત્યારથી જ તેને આ પ્રોસેસમાં જોડી શકાય. આજના છોકરાઓ ખૂબ સ્માર્ટ છે. પેરન્ટ્સ તેમની પાસેથી ૧૦૦ રૂપિયા માગે તો તરત કહેશે કે ૧૧૦ રૂપિયા પાછા આપજો. બાળકને પૈસાની કિંમત સમજાવવા માટે તેની સાથે સંવાદ શરૂ કરો. જ્યારે તે કોઈ નવું રમકડું માગે ત્યારે તેને કહો કે જો આપણે દર વખતે તારી બધી જ ડિમાન્ડ પૂરી કરીશું તો ભવિષ્ય માટે બચત નહીં થાય એટલે આ રમકડું લેવા માટે તારે તારી પિગી બૅન્કમાંથી પણ ૧૦૦ રૂપિયા કૉન્ટ્રિબ્યુટ કરવા પડશે. આ પદ્ધતિથી બાળક જેમ-જેમ ૧૫ વર્ષની ઉંમરે પહોંચશે એમ તેનામાં ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ જેવી લૉન્ગ ટર્મ બચત વિશે જાણવાની જિજ્ઞાસા આપોઆપ જાગશે.’

જીદ કરે તો વૅલ્યુ સમજાવો

બાળક જ્યારે મૉલ કે દુકાનમાં જઈને મોંઘાં રમકડાં કે વસ્તુ માટે જીદ કરે ત્યારે ત્યાં ગુસ્સે થવાની કે પેરન્ટ્સ તરીકે અકળાઈ જવાની જરૂર નથી. બાળકને સીધી ના પાડીને ઘરમાં ક્લેશ ઊભો કરવાને બદલે તેને બજેટની પ્રોસેસમાં ઇન્વૉલ્વ કરો એમ જણાવતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘બાળક જ્યારે પણ બહારથી પીત્ઝા ખાવાની કે કોઈ મોંઘી વસ્તુની ડિમાન્ડ કરે ત્યારે તેને સાથે રાખીને ગણતરી કરો કે આ વસ્તુ ખરીદવામાં કે પીત્ઝા બનાવવામાં કુલ કેટલો ખર્ચ થાય છે અને આપણા મન્થ્લી બજેટ પર એની શું અસર થશે. બાળકને એ સમજાવો કે પેરન્ટ્સ જે ઑફિસમાં કામ કરે છે એની પાછળ મહેનત રહેલી છે. તને જે આ સગવડો સરળતાથી મળી રહી છે એની પાછળ માતા-પિતાએ કેટલો સમય અને એફર્ટ્સ આપવા પડે છે એ વાતો ખૂબ જ હળવાશથી બાળકના ગળે ઉતારો. મોંઘવારીને કારણે જ્યારે પણ ઘરનું બજેટ ખોરવાય ત્યારે પતિ-પત્ની વચ્ચે થતા ટેન્શનથી બાળકોને દૂર રાખવાને બદલે તેમને વાસ્તવિક સ્થિતિ સમજાવો. ઘરમાં કોઈ ફંક્શન આવે, તહેવાર હોય કે નાનું ગેટ-ટુગેધર હોય, તમે આર્થિક રીતે ગમે એટલા સધ્ધર હો કે સામાન્ય, બાળકો સાથે બેસીને પ્લાન કરો કે આપણે આમાં કેટલો ખર્ચ કરવો છે. મહેમાન આવશે તો તેમના માટે શું બનાવવું, શું આપવું એનું બજેટ પહેલેથી નક્કી કરો. બાળકોને નાનપણથી જ જવાબદારી સોંપો. તેઓ જ્યારે ઘરના બજેટની આખી પ્રોસેસને નજીકથી જોશે તો પરિવારને સપોર્ટ કરવાની સમજદારી આપોઆપ આવી જશે. મારા દીકરાને એક કૉન્સર્ટમાં જવું હતું અને એની ટિકિટની કિંમત થોડી વધારે હતી. મેં પરવાનગી આપી હોવા છતાં જ્યારે તેને ભાવ વિશે ખબર પડી ત્યારે તેણે સામેથી કહ્યું કે આટલા પૈસા મને આપી દો, હું મારી જરૂરની બીજી ચીજ લઈ લઈશ અને તમને એન્ટરટેઇન પણ કરી નાખીશ, અત્યારે કૉન્સર્ટ પરવડે એમ નથી. બાળકને જ્યારે ફાઇનૅન્સની સમજ હશે ત્યારે આપોઆપ આ સમજણ કેળવાશે. બાળકની જરૂરિયાત માટે બજેટ સેટ કરો અને તેને જણાવો કે આ આપણા બજેટની બહાર છે, હમણાં આ નહીં પણ હોય તો ચાલશે. આ રીતે માઇન્ડફુલી બજેટમાં થતા વ્યર્થ ખર્ચને કન્ટ્રોલ પણ કરી શકાય.’

માઇન્ડફુલ બજેટની પ્રૅક્ટિસ

બાળકો માટે આપણે જે પણ ખરીદી કરીએ એની પાછળ આપણી મહેનત છુપાયેલી છે અને આ જ કારણે ઘરમાં માઇન્ડફુલ શૉપિંગ અને ડિફાઇન્ડ બજેટ હોવું બહુ જરૂરી છે એ વાતને સમજાવતાં પ્રિયંકા આચાર્ય કહે છે, ‘આજકાલ બ્લિન્કઇટ કે ઑનલાઇન ગ્રૉસરી ઍપ્સ પર જ્યારે આપણે શૉપિંગ કરવા બેસીએ છીએ ત્યારે જરૂરિયાત ૧૦૦૦ રૂપિયાની વસ્તુઓની જ હોય છે, પણ ૧૫૦૦ રૂપિયા પર સારી ઑફર છે એ જોઈને આપણે ઘણી બિનજરૂરી વસ્તુઓ કાર્ટમાં ઉમેરી દઈએ છીએ. બાળકો આ બધું જોતાં હોય છે. તેમને જ ઑર્ડર કરવાનું કહેવાનું, જેથી તેમને પ્રાઇસ ખબર પડે અને વિવિધ પ્લૅટફૉર્મ્સ પર સરખામણી કરીને તે જાણી શકે. આથી તેને સ્ક્રીન-ટાઇમ પણ મળશે અને માઇન્ડફુલ શૉપિંગ પણ થશે. આ સાથે બાળકોને ખબર પડશે કે ઘરખર્ચમાં કેટલું સ્પેન્ડ થાય છે.’

કૉસ્ટ ઍનૅલિસિસ શીખવાડો

સામાન્ય રીતે કૉસ્ટ ઍનૅલિસિસ પેરન્ટ્સ કરે છે, પણ ખરેખર એ બાળકો પાસે કરાવવાની જરૂર છે એ વિશે વાત કરતાં પ્રિયંકા આચાર્ય કહે છે, ‘ઘરમાં જ્યારે બાળકોના હાયર એજ્યુકેશન માટે કોઈ યુનિવર્સિટી કે લોકેશન નક્કી કરવાનું હોય ત્યારે બાળકો ઘણી વાર કરીઅરનો સ્કોપ જોઈને મોટી-મોટી યુનિવર્સિટીનાં નામ આપી દે છે, પરંતુ એનો ખર્ચ કેટલો થશે અને એની કૉસ્ટ ઍનૅલિસિસ શું છે એ સામાન્ય રીતે માત્ર પેરન્ટ્સ જ શોધતા હોય છે. પરિણામે બાળકોને એ એજ્યુકેશનની સાચી વૅલ્યુ નથી સમજાતી અને આગળ જતાં જો સારો પર્ફોર્મન્સ ન રહે તો ધાર્યા મુજબની ૧૫થી ૨૦ લાખની જૉબ પણ નથી મળતી. તેથી કરીઅર-પ્લાનિંગ વખતે જ બાળકને સાથે બેસાડીને તેના માટે થતા ખર્ચને સમજવો જેથી ભણતર પ્રત્યે ગંભીર થાય.’

મોંઘવારીનો મતલબ

મોંઘવારી એટલે શું એ સમજાવવા માટે દેશના અર્થતંત્રના આંકડા આપવાની જરૂર નથી. પ્રિયંકા આચાર્ય કહે છે, ‘ઘરમાં દર વર્ષે વધતી સ્કૂલની ફી અને યુનિફૉર્મના ખર્ચ દ્વારા જ બાળક સાથે વાત કરી શકાય. તેને કહો કે ગયા વર્ષે આટલો ખર્ચ હતો, આ વર્ષે બે સબ્જેક્ટ એક્સ્ટ્રા છે તો એની કિંમત વધી છે, ફી મોંઘી થઈ છે તો તારે ભણવામાં ૧૫ મિનિટ વધુ આપવી જોઈએ. આ સિવાય ટ્રેન-ટ્રાવેલ અને પ્લેન-ટ્રાવેલ વચ્ચેનો તફાવત પણ મોંઘવારી અને સમયની કિંમત સમજાવવા માટે બેસ્ટ ઉદાહરણ છે. બુકિંગ કરતી વખતે તેમને સમજાવો કે માત્ર પ્રાઇસ વધી છે એવું બોલવાને બદલે જ્યારે આપણે સમય બચાવવો હોય અને કાર્યક્ષમતા વધારવી હોય ત્યારે કંઈક વધુ ચૂકવવું પડે છે. એ જ રીતે ટીનેજર્સને ઘરનું લાઇટબિલ ભરવાની જવાબદારી સોંપો. તેઓ જ્યારે સતત ૪ મહિનાનું બિલ જોશે ત્યારે તેમને ઘરમાં વીજળીના વપરાશની પૅટર્ન અને એની પાછળ થતા ખર્ચની વાસ્તવિક ખબર પડશે.’

ઘરનાં કામ અને સૅલેરી કન્સેપ્ટ

સામાન્ય રીતે વાલીઓ બાળકો પાસે ઘરમાં નાનાં-મોટાં કામ કરાવતા જ હોય છે, પરંતુ આ કામને જો વ્યાવહારિક રીતે જોડવામાં આવે તો બાળક મની મૅનેજમેન્ટ બહુ સારી રીતે શીખી શકે છે એમ જણાવતાં પ્રિયંકા આચાર્ય કહે છે, ‘ઘરમાં ચોક્કસ નિયમો બનાવી દો. જેમ કે વૉશિંગ મશીન થાય એટલે કપડાં સૂકવવાનાં અથવા કચરો-પોતું કરવાનું. બાળકને સમજાવો કે તારા આ કામ કરવાથી અમારો સમય બચે છે એટલે અમે અમારી કરીઅર અને ઑફિસના કામ પર વધુ ધ્યાન આપી શકીએ છીએ. આના બદલામાં બાળકને દર મહિને ફિક્સ ૧૦૦૦ રૂપિયા આપો અને સમય આવ્યે એમાં વધારો કરો. આ સૅલેરી કન્સેપ્ટથી બાળકને સમજાશે કે પૈસા મહેનત અને સમય આપવાથી જ મળે છે. ત્યાર બાદ એમાંથી બચેલા પૈસા તેને બૅન્કમાં મૂકવાનું કહો, જેથી તે નાની ઉંમરે જ બૅન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટની આખી પ્રોસેસ પ્રૅક્ટિકલી શીખી જશે.’

બ્રૅન્ડેડ ચીજોની દેખાદેખીથી બચો

બાળકોમાં દેખાદેખી બહુ થાય છે અને એને કારણે પેરન્ટ્સને ક્યારેક બજેટમાં કૉમ્પ્રોમાઇઝ કરવું પડે છે. આવું ન થાય એ માટે શું કરવું એ વિશે વાત કરતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘ખાસ કરીને ટીનેજ બાળકોમાં દેખાદેખી બહુ જોવા મળે છે. ફ્રેન્ડ્સ પાસે આઇફોન, મોંઘાં શૂઝ અને બ્રૅન્ડેડ કપડાં જોઈને તેઓ ઘરમાં પણ એ જ ચીજો માગે છે. આવા સમયે બાળકો પર ગુસ્સે થવા કે આર્થિક ભીંસમાં છો એવું કહેવા કરતાં બાળકોને એ શીખવો કે બ્રૅન્ડેડ વસ્તુઓ પાછળ ન ભાગો, તમે પોતે જ એક બ્રૅન્ડ છો. તેમને સમજાવો કે કપડાં અને ચીજો માત્ર સોસાયટીમાં સ્ટેટસ જાળવવા માટે નથી હોતાં. જો તમારી પાસે હાથમાં મોંઘો આઇફોન હશે, પણ ૪ લોકો વચ્ચે તમને સરખી રીતે વાત કરતાં નહીં આવડતી હોય તો એ ફોનની કોઈ વૅલ્યુ નથી. તમે કપડાં સસ્તાં લો પણ એનું સ્ટાઇલિંગ સારું કરશો તો એ હાઈ ફૅશન લાગશે. આજની જનરેશનને એ સમજાવવું જરૂરી છે કે વડીલોએ કે પેરન્ટ્સે જે સ્ટેટસ ઊભું કર્યું છે એની પાછળ વર્ષોની મહેનત છે. આજની પેઢીને તેમના સ્ટ્રગલની ખબર નથી હોતી તેથી તેમને કિંમત નથી હોતી. તેમને એ મહેનત વિશે જણાવો જેથી તેઓ માત્ર દેખાદેખીમાં આડેધડ પૈસા ન ઉડાવે.’

બાળકોને આટલી લાઇફ-સ્કિલ્સ શીખવો : દીપ્તિ સાવલા ગાલા

જો બાળકોને ભવિષ્યમાં સારા ફાઇનૅન્સ મૅનેજર બનાવવાં હોય તો તેમને રિયલ લાઇફ સિચુએશનનો સામનો કરતાં શીખવવું પડશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ : ઘરમાં પોતાની ગાડી હોય તો પણ ક્યારેક બાળકોને બસ કે લોકલ ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા દો, જેથી તેઓ ગ્રાઉન્ડ રિયલિટી સમજે.

વેકેશન્સ : ફૅમિલી વેકેશન્સ દર વખતે સારી હોટેલમાં જ ન કરો. ક્યારેક એવા પ્રવાસો પણ ગોઠવો જ્યાં બધી લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોય, છતાં લિમિટેડ સંસાધનોમાં કેવી રીતે ઍડ્જસ્ટ કરવું એ બાળક શીખે.

પ્રૉપર્ટી અને બૅન્કનું મેઇન્ટેનન્સ : ટીનેજર્સને પણ ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ વિશે બેઝિક સમજ આપો. બૅન્કનું મેઇન્ટેનન્સ, નાનું-મોટું કામકાજ અને પ્રૉપર્ટીની બેઝિક બાબતોમાં તેમને અત્યારથી જ ઇન્વૉલ્વ કરો.

મેડિક્લેમનું જ્ઞાન : આજના છોકરાઓને મેડિક્લેમ જેવી અનિવાર્ય બાબતો વિશે કંઈ ખબર નથી હોતી. તેમને બેસીને સમજાવો કે મુશ્કેલ સમયમાં ફાઇનૅન્શિયલ પ્લાનિંગ અને હેલ્થ ઇન્શ્યૉરન્સ કેવી રીતે પરિવારને આર્થિક રીતે સુરક્ષિત રાખે છે. નાનપણથી જ આ વ્યાવહારિક પ્રોસેસમાં નાખો, તેમને સમજાવો અને સાચી લાઇફ-સ્કિલ્સ આપો. બાળકોને અપ્લાય કરવાનું કહેતાં પહેલાં પેરન્ટ્સે અમલ કરવો પડે, કારણ કે બાળક જોઈ-જોઈને જ શીખે છે.

parenting tips relationships life and style lifestyle news columnists