સાવધાન રહેજો

08 July, 2026 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કઈ ગટરનું ઢાંકણું ખુલ્લું છે, કયું ઝાડ ક્યારે પડશે અને કયા રોડ પર કેટલા ખાડા છે એની તો મહાનગરપાલિકાને પણ ખબર નથી

ફાઇલ તસવીર

વરસાદની ઋતુમાં પ્રકૃતિને, પ્રકૃતિપ્રેમીઓને, ખેડૂતોને, ખાવાના શોખીનોને અને ખાસ તો બાળકોને મોજ પડી જાય; પરંતુ બાકીના લોકો માટે તો આ સાવધાન રહેવાની ઋતુ છે. અગાઉ ઘરમાંથી છત્રી કે રેઇનકોટ લઈને નીકળતા લોકો આજે ભગવાનનું નામ લઈને નીકળે છે. વધારે વરસાદ પડ્યો તો કયો રસ્તો તળાવ બની જશે, કંઈ ગટરનું ઢાંકણું ગાયબ થઈ જશે, વીજળીનો કયો થાંભલો ઝૂકી જશે, કયું ઝાડ પડી જશે અને રસ્તાના કયા ખાડાઓ પોતાનું મોઢું પહોળું કરીને શિકારની રાહ જોઈ રહ્યા હશે એનું કંઈ નક્કી નથી. હાલમાં જે જોરદાર વરસાદ પડ્યો એમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે. અનેક લોકો અડધા રસ્તે જ વર્ક ફ્રૉમ વૉટર લૉગિંગ કરવા મજબૂર બન્યા. લોકલ ટ્રેનો પણ બિચારી ટ્રૅક પર સ્વિમિંગ કરતી હોય એમ ધીમી પડી ગઈ અને અમુક લોકોએ ઘરે બેઠાં-બેઠાં જ સરકારની ઘોર નિંદા કરીને પોતાની જવાબદારી સુપેરે પાર પાડી દીધી.

આપણાં શહેરોમાં વરસાદ પડે એટલે રસ્તા અને નદીઓ વચ્ચેનો તફાવત સમજાતો નથી. અમુક રસ્તાઓ તો મહાનગરપાલિકાએ બનાવેલા વૉટર સ્પોર્ટ્સ ઝોન જેવા લાગતા હોય છે. આ ઉપરાંત આપણા રસ્તાના ખાડાઓ પણ કમાલના છે હોં. આખું વર્ષ સામાન્ય કદના દેખાતા ખાડા વરસાદ પડતાં જ કોણ જાણે કેમ ‘ફુલાઈ’ અને ‘ફેલાઈ’ જાય છે. કોઈ ખાડો તો એટલો ઊંડો નીકળે કે લોકો કહી ઊઠે, ‘પાતાળલોક જવા માટેનું પ્રવેશદ્વાર અહીં જ ક્યાંક હોવું જોઈએ!’ જોકે આ કમાલ તો આપણે ત્યાં રસ્તા બનાવવા માટેની ટેક્નૉલૉજીની છે અને એની પેટન્ટ તો કદાચિત આખી દુનિયામાં ક્યાંય નહીં હોય. નવો બનાવેલો રોડ પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય અને ડામરની નીચેના કાંકરા એવી રીતે બહાર નીકળી આવે જાણે પુરાતત્ત્વ વિભાગનું ખોદકામ ચાલી રહ્યું હોય! ટૂ-વ્હીલર ચલાવનારાઓ માટે તો આ રસ્તાઓ ઍડ્વેન્ચર સ્પોર્ટ્‍સ જેવા થઈ જાય છે. કયો ખાડો કમરના મણકા તોડશે અને કયો ખાડો સીધા હૉસ્પિટલ ભેગા કરશે એની રોમાંચક થ્રિલર સસ્પેન્સ જ રહે છે.

હાલમાં ઝાડ પણ ઘણાં પડ્યાં છે. અમુક મોટી ઉંમરનાં ઝાડવાંઓ શિયાળા અને ઉનાળામાં એકદમ સીધાં ઊભાં રહે છે અને વરસાદ આવે એટલે અચાનક જ નિવૃત્તિ લેવાનું નક્કી કરે છે. પાછું ક્યારે અને કોના પર પડશે એની આગાહી પણ નથી કરતા. ખરેખર તો મહાનગરપાલિકાએ પોતાના અધિકારીઓને વૃક્ષોની ભાષા શીખવવી જોઈએ, જેથી તેમને અગાઉથી ખબર પડી જાય કે કયું ઝાડ ક્યારે નિવૃત્તિ લેવાનું છે? જેથી મોટા ઝાડની નિવૃત્તિ પહેલાં જ એમને પ્રી-મૅચ્યોર રિટાયરમેન્ટ આપી શકાય. કમસે કમ ઝાડની નિવૃત્તિ સમયે કોઈ સ્વર્ગવાસી તો ન થાય.
અને હવે ગટરોની વાત કરીએ. વરસાદી પાણી ઉપરથી એટલું નિર્દોષ દેખાય કે નીચે ગટરરૂપી મોક્ષનું દ્વાર છુપાયેલું છે એની કલ્પના પણ નથી આવતી. દર વર્ષે ગટરની ઉપરનાં તૂટેલાં અને ખુલ્લાં ઢાંકણાં અનેક લોકોને પરલોક પહોંચાડી દે છે. એમ છતાં દર વર્ષે વરસાદમાં આવાં અનેક દૃશ્યો જોવા મળે છે. હાલમાં તો મુંબઈનાં મેયર સામે જ એક કર્મચારી ખુલી ગટરમાં ભપ થઈ ગયો હતો. નસીબજોગે મેયર સાહિબા નજીક હતાં એટલે તે બચી ગયો, પણ હવે બધે તો મેયર સાહિબા પહોંચી ન શકેને? એટલે આપણે ગટરમાં ભપ ન થઈએ એનું ધ્યાન આપણે રાખવાનું. ખરેખર તો ભરાયેલા પાણીમાં ચાલતી વખતે લાકડીથી આગળની જમીન તપાસવી જોઈએ, નહીંતર સીધા અન્ડરગ્રાઉન્ડ સફારી શરૂ થઈ જાય.

હવે આમાં અમુક લોકો ખોટેખોટા હવામાન વિભાગવાળા પર છાણાં થાપે છે, પણ તેમની ભૂલ નથી. તેઓ આગાહી કરે ત્યારે વરસાદ આવતો નથી અને આવે ત્યારે વગર કહે અતિથિની જેમ તિથિ-તારીખ કહ્યા વગર જ ટપકી પડે છે. તેઓ બિચારા ઑરેન્જ અલર્ટ અને રેડ એલર્ટના કલર બદલતા રહે અને વરુણદેવ પોતાના જ અલગ કલરમાં મૂડ પ્રમાણે વરસતા રહે છે. જોકે સોશ્યલ મીડિયાએ પ્રશાસનની મહેનત ઘણી ઘટાડી દીધી છે. કન્ટ્રોલ-રૂમમાં બેઠાં-બેઠાં જ તેમને ફેસબુક, ટ્વિટર (X) કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને ખબર પડી જાય કે વરસાદ પછી શહેરમાં શું સ્થિતિ છે? ડિજિટલ ઇન્ડિયાનો આનાથી મોટો ફાયદો બીજો કયો હોઈ શકે?

ખરેખર જોવા જઈએ તો મુશળધાર પડેલો વરસાદ કુદરતનો આશીર્વાદ છે. વરસાદને આપત્તિ બનાવે છે આપણું સરકારી તંત્ર અને આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ. સરકારી તંત્ર પાસેથી કામ કઢાવવાને બદલે આપણા નેતાઓ શું કઢાવે છે એ તો જગજાહેર છે. પરિણામે કરોડો રૂપિયા વાપર્યા બાદ પણ નાળાં-ગટરની અને એમાં કાયમી નિવાસ કરતા કચરાની જુગલજોડી અકબંધ રહે છે. ચોમાસા પહેલાંની પ્રી-મૉન્સૂન કામગીરીના નામે વપરાયેલા કરોડો રૂપિયા વરસાદના પહેલા જ ઝાપટામાં પાણીની સાથે વહી જાય છે. આપણી ભૂ-માતાના રસ્તાઓ તેમના દૂરના ભાઈ ચંદ્ર અને મંગળ ગ્રહ પરના ખાડા-ટેકરા ધરાવતા રસ્તાઓ જેવું સ્વરૂપ અપનાવી લે છે અને આપણા વૃક્ષદેવતાઓ તો યમદેવતાના જાણે સહાયક બની જાય છે.
અલબત્ત, આમાં ભૂલ તો નાગરિકોની જ છે. ભલે ભારે વરસાદની ચેતવણી મળી ન હોય પણ શું બહાર જોઈને ખબર નથી પડતી કે ભારે વરસાદ પડી રહ્યો છે અને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે? હવે તેઓ બહાર નીકળે અને ખુલ્લી ગટરમાં પડે કે રસ્તાના ખાડાઓને કારણે ક્યાંક નાનું-મોટું લાગી જાય કે ભરાયેલા પાણીમાં વીજળીનો કરન્ટ લાગે કે કોઈના પર આખેઆખું ઝાડ પડી જાય તો એમાં સરકાર શું કરે? ભૂલ તમારી છે. બહાર વરસાદમાં શું દાટ્યું છે કે ઘરમાં ટાંટિયો નથી ટકતો? તંત્ર તો બિચારું નિર્દોષ છે, એણે તો ટૅક્સના પૈસા વાપરીને રસ્તા પર ઍડ્વેન્ચર પાર્ક બનાવી આપ્યો. હવે એમાં તમને રમતાં ન આવડે તો વાંક કોનો?

અંતિમ વિચાર : આ તો મોસમનો પહેલો વરસાદ છે. હજી તો આખું ચોમાસું કાઢવાનું બાકી છે. એટલે... સાવધાન રહેજો, સતર્ક રહેજો, સુરક્ષિત રહેજો અને હા... રાજી રહેજો હોં!

monsoon news mumbai potholes columnists exclusive gujarati mid day