લાલચ (મૉરલ સ્ટોરી)

21 January, 2022 08:17 AM IST  |  Mumbai | Rashmin Shah

‘અધરવાઇઝ, આ બહુ ખરાબ કહેવાય...’ પપ્પા વિચારી-વિચારીને બોલતા હતા, ‘આને ગ્રીડીનેસ કહેવાય - લાલચ... અને લાલચ બહુ ખરાબ કહેવાય. લાલચ ક્યારેક આપણને હેરાન કરી દે અને ક્યારેક આપણને પ્રૉબ્લેમમાં મૂકી દે’

લાલચ (મૉરલ સ્ટોરી)

‘કેટલી વાર તને ના પાડી છે કે આમ કોઈની પાસેથી લેવાનું નહીં...’ મમ્મીએ હાથ પકડીને ઢબ્બુને સોફા પર બેસાડ્યો, ‘અજાણ્યો માણસ આપણને આપે એટલે લઈ લેવાનું?’
‘હા...’ પૂરેપૂરી ઇનોસન્સી સાથે ઢબ્બુએ જવાબ આપ્યો, ‘મને ગમી ગઈ પેન્સિલ તો મેં લઈ લીધી.’
‘અજાણ્યા પાસેથી?’
‘હા, તેણે કીધું કે રાખ જોઈતી હોય તો...’ ઢબ્બુએ પેન્સિલ પીઠ પાછળ સંતાડી દીધી હતી, ‘તો પછી મેં લઈ લીધી.’
‘તું પણ છેને સાવ...’ વૉચમૅનની હાજરીને લીધે મમ્મી સહેજ અટકી, ‘તને પપ્પા જ સમજાવશે...’
મમ્મી વૉચમૅન તરફ ફરી.
‘આપ જાઓ ભૈયા... ઔર અચ્છા હુઆ, ધ્યાન રખા. આગે સે યે બહાર જાતા દિખે તો લગા દેના દો ચમાટ જોર સે...’
‘ક્યા મૅડમ આપ ભી...’ વૉચમૅન સહેજ હસ્યો, ‘બચ્ચા હૈ... પર યે તો અન્જાન કે સાથ દેખા તો મૈંને સોચા આપકો બતા દૂં...’
‘અચ્છા કિયા...’
બન્યું એવું હતું કે નીચે રમતો ઢબ્બુ ક્યારે અપાર્ટમેન્ટની બહાર નીકળી ગયો એના પર કોઈનું ધ્યાન નહોતું. ગેટ પર સિક્યૉરિટી ગાર્ડની ડ્યુટી ચેન્જ થવાનો ટાઇમ હતો અને બહાદુર ડ્યુટી પર જૉઇન થવા આવતો હતો ત્યારે તેનું ધ્યાન ગયું કે રોડની સામી બાજુએ ઢબ્બુ કોઈ માણસ સાથે ઊભો રહીને વાતો કરતો હતો.
‘એ બાબા... બહાર કૈસે નિકલે?’ બહાદુર રોડ ક્રૉસ કરીને સામેની સાઇડ પર ગયો, ‘પતા હૈ મેમસાબ કો?’
ઢબ્બુએ બહાદુર તરફ ધ્યાન પણ આપ્યું નહીં અને પેલા અજાણ્યા શખ્સ સાથે વાત કરતો રહ્યો.
‘પર પૈસે નહીં હૈ મેરે પાસ...’
‘કોઈ વાંધા નહીં... આપ ઐસે હી યે પેન્સિલ રખો.’ પેલા અજાણ્યા માણસે ઢબ્બુને હાથમાં પેન્સિલ આપી, ‘મેરી તરફ સે ગિફ્ટ.’
‘થૅન્ક યુ...’
પેન્સિલ લઈને ઢબ્બુ દોડતો ફરી બિલ્ડિંગમાં આવ્યો અને પાછળ બહાદુર પણ. બહાદુર જ ઢબ્બુને લઈને ઘરે આવ્યો અને તેણે જ મમ્મીને વાત કરી.
‘મૅડમ, વો તો પતા નહીં... શાયદ બાબા જાનતે હોંગે.’
તે અજાણ્યો માણસ કોણ હતો એવું જ્યારે મમ્મીએ પૂછ્યું ત્યારે બહાદુરે જવાબ આપ્યો અને ઢબ્બુ પાસે જવાબ જ નહોતો. જવાબ હોય પણ ક્યાંથી? તે એ અજાણ્યા અંકલને ઓળખતો જ નહોતો.
lll
‘તમે તેને સમજાવો. તે માનતો જ નથી...’ મમ્મીની અકળામણ ડાઇનિંગ ટેબલ પર બહાર આવી, ‘કહું છું તોય મને તે પેન્સિલ નથી આપતો. આવી રીતે કંઈ થોડું કોઈનું કંઈ લેવાતું હશે...’
‘હા, પણ હવે તો કંઈ નહીં થાયને...’ પપ્પાએ ધીરજ સાથે કહ્યું, ‘અત્યારે તેને જમી લેવા દે, પછી વાત કરીએ આપણે.’
‘હા, જમી લેવા દે મને...’ ઢબ્બુએ ભીંડાનું શાક રોટલીમાં ભરતાં કહ્યું, ‘એ પેન્સિલ તો કોઈને નહીં આપું...’
‘કેમ, એ ખાસ છે?’
‘હા, મૅજિકવાળી પેન્સિલ છે...’ ઢબ્બુએ ચોખવટ કરી, ‘પેલા અંકલ કહેતા હતા...’
‘મંત્રેલી પેન્સિલ હશે...’ મમ્મીના પેટમાં ફાળ પડી, ‘તું લઈ લેને તેની પાસેથી...’
જવાબ આપવાને બદલે પપ્પાએ મમ્મીને એક લુક આપીને શાંતિ રાખવા માટે કહ્યું.
lll
‘દેખાડું તમને પેન્સિલ?’ ડિનર પૂરું કર્યા પછી ઢબ્બુએ જોયું કે મમ્મી કિચનમાં છે એટલે તેણે ધીમેકથી પપ્પાને પૂછ્યું, ‘બહુ મસ્ત છે...’
‘હં...’ 
પપ્પાએ હા પાડી એટલે ઢબ્બુએ સોફાના તકિયાની પાછળ છુપાવી રાખેલી પેન્સિલ બહાર કાઢીને પપ્પા સામે ધરી.
‘છેને મસ્ત...’
પેન્સિલમાં એવું કંઈ નહોતું; પણ હા, એના પર જે ડિઝાઇન હતી એ સુપરમૅનની હતી અને પપ્પાને ખબર હતી કે સુપરમૅન ઢબ્બુનો ફેવરિટ હતો.
‘સુપરમૅન છે અને નીચે જુઓ...’ ઢબ્બુએ પેન્સિલ અવળી કરી, ‘સુપરમૅનનો લોગો પણ છે અહીં...’
ઢબ્બુ પર પપ્પાને ગુસ્સો નહીં પણ વહાલ ઊપજતું હતું. 
‘કોણ હતું એ અંકલ?’
‘ખબર નથી... હું તો નથી ઓળખતો.’ પછી ઢબ્બુને અચાનક યાદ આવ્યું, ‘સની છેને, આપણો. એ સનીના ડ્રાઇવર હતા પહેલાં... કદાચ. તેમને મારું નામ ખબર હતી.’
પપ્પાનો રહ્યોસહ્યો ગુસ્સો પણ ઓસરી ગયો. તેને સનીની ઘરે જે ડ્રાઇવર અંકલ હતા તે યાદ આવી ગયા. થોડા સમય પહેલાં જ તેમણે જૉબ છોડી દીધી હતી. જૉબ છોડ્યા પછી હવે તે કોઈ કામ નહોતા કરતા. જો તે જ હોય તો સમજી શકાય કે તે આ બચ્ચાંઓને ઓળખતા હોય અને પ્રેમથી તેમણે પેન્સિલ આપી હોય. જોકે આ પ્રેમ પર વાત અટકતી કે પૂરી નહોતી થતી. ચાલો, માન્યું કે આજે ઓળખીતી વ્યક્તિ કહેવાય એવી વ્યક્તિ પાસેથી ઢબ્બુ ચીજ લઈ આવ્યો; પણ ધારો કે કોઈ બીજું હોય, કોઈ ઉઠાઉગીર હોય અને ઢબ્બુ આવી ભૂલ કરી બેસે તો હેરાનગતિ થઈ જાય. એવું ન બને એ માટે પણ ઢબ્બુને સમજણ મળે એ જરૂરી હતું.
‘વાંધો નહીં, જો તે ડ્રાઇવર અંકલ જ હોય તો... અધરવાઇઝ...’
‘અધરવાઇઝ...’ ઢબ્બુએ પેન્સિલ સામેથી નજર હટાવીને પપ્પા સામે જોયું, ‘શું, અધરવાઇઝ...’
‘અધરવાઇઝ, આ બહુ ખરાબ કહેવાય...’ પપ્પા વિચારી-વિચારીને બોલતા હતા, ‘આને ગ્રીડીનેસ કહેવાય - લાલચ... અને લાલચ બહુ ખરાબ કહેવાય. લાલચ ક્યારેક આપણને હેરાન કરી દે અને ક્યારેક આપણને પ્રૉબ્લેમમાં મૂકી દે.’
‘કેવી રીતે?’ ઢબ્બુએ વાજબી પ્રશ્ન કર્યો, ‘ચીજ તો તે માણસની છે અને તે મને આપે છે તો એમાં મને શેનો પ્રૉબ્લેમ થાય?’
‘હં...’ પપ્પાએ મૂંઝવણનો રસ્તો કાઢ્યો, ‘સ્ટોરીથી સમજાવું?’
‘હા, એ બેસ્ટ છે...’ ઢબ્બુએ પેન્સિલ ફરી તકિયા પાછળ સંતાડી દીધી, ‘મને ફટાફટ સમજાઈ પણ જશે...’
‘ઓકે. તો સ્ટાર્ટ કરીએ આપણે એક નવી સ્ટોરીની...’ પપ્પાએ વાર્તા શરૂ કરી, ‘એક સરસ મજાનું નગર હતું. નગરમાં એક રાજા હતો. રાજા બધાનું ધ્યાન રાખે, બધાને હેલ્પ કરે અને નગરના બધા લોકો રાજાના રાજથી એકદમ ખુશ થઈને રહે...’
‘રાજા મોટો હતો?’
‘હા, એકદમ મોટો... દૂર-દૂર સુધી લોકો એ રાજાની વાત સાંભળે, માને અને રાજાની સાથે ફ્રેન્ડશિપ કરવાની રાહ જુએ. રાજા પણ એવો કે તે બધાનો વિશ્વાસ કરે, બધેબધાનો વિશ્વાસ કરે. તેને કોઈ પર ડાઉટ હોય જ નહીં... રાજા તો એવું જ કહે, આપણે સારા તો બધા સારા.’
‘મારી જેમ... હું પણ એમ જ કહું છુંને કે હું કોઈના પર ડાઉટ કરું નહીં.’
‘હં... પણ એ દરેક વખતે સારું ન કહેવાય...’ પપ્પાએ વાર્તા આગળ વધારી, ‘રાજાની સાથે ફ્રેન્ડશિપ કરવા માટે બીજા નગરના રાજાની બહુ ઇચ્છા હતી.’
lll
‘મહારાજની જય હો...’
દરબારમાં રાજા પોતાના રાજવી સાથે બેઠા હતા ત્યાં એક માણસ અંદર દાખલ થયો. એકદમ કીમતી કપડાં પહેર્યાં હતાં અને પૂરી અદબ સાથે તે આવ્યો હતો.
‘મહારાજા, હું આપને ખાસ મળવા આવ્યો છું.’
‘આપની ઓળખાણ...’
‘હું ઉજ્જૈનથી આવું છું. મને મહારાજા મહાપ્રતાપસિંહે મોકલ્યો છે...’ આવેલી વ્યક્તિએ સહેજ ઝૂકીને રાજાને સલામી આપી, ‘અમારા મહારાજા ઇચ્છે છે કે આપના રાજ્ય સાથે અમે બિઝનેસ કરીએ અને આપણાં બન્ને રાજ્યો એકબીજા સાથે દોસ્તી કરે.’
‘હં...’
‘અમારા મહારાજાએ દોસ્તીનો હાથ લંબાવવાની સાથોસાથ આપના માટે એક નાનકડી ભેટ પણ મોકલી છે.’ આવેલી વ્યક્તિએ દરબારમાં બેઠેલા સૌકોઈની સામે જોયું અને કહ્યું, ‘સોનાની નાવ... આપશ્રીને અમારા મહારાજાએ સોનાની નાવ ભેટ 
મોકલી છે.’
‘સોનાની નાવ!’ 
રાજાની આંખો પહોળી થઈ ગઈ. તેમણે આજ સુધી લાકડાની નાવ જ જોઈ હતી. એમાં વળી સોનાની નાવની વાત આવી એટલે નૅચરલી તેમને આશ્ચર્ય થયું.
lll
‘ગોલ્ડ પાણી પર તરે?’ 
ઢબ્બુએ વાજબી સવાલ કર્યો, પણ પપ્પાએ જવાબ તર્કબદ્ધ આપ્યો...
‘એ તો સ્ટોરી આગળ સાંભળીશ તો ખબર પડી જશે તને...’
‘ઓકે... તો આગળ કરો સ્ટોરી...’ ઢબ્બુએ પપ્પાના ખોળામાં પગ લંબાવી દીધા, ‘સ્ટાર્ટ...’
lll
‘સોનાની નાવ?!’ રાજાને બહુ નવાઈ લાગી હતી, ‘એ કેવી હોય?’
‘અરે, લાકડાની નાવ જેવી જ નાવ છે. પાણી પર તરે પણ છે અને મહારાજ, સહેલ કરવા માટે તમારે એમાં બેસવું પણ જોઈએ?’
‘ઍક્ચ્યુઅલી, મારું મન તો છે જ એમાં સફર કરવાનું પણ...’ મહારાજાએ દરબારમાં નજર કરી, ‘અમારા વડા પ્રધાન આવ્યા નથી અને હું ક્યાંય પણ જઉં તો મારા વડા પ્રધાન સાથે જ 
જઉં છું.’
‘એમાં શું, હું બોલાવી લઉં વડા પ્રધાનને...’ સેનાપતિ ઊભા થઈ ગયા, ‘અત્યારે જ આપ આપની ઇચ્છા પૂરી કરો અને અમને બધાને પણ સોનાની નાવ દેખાડો.’
સેનાપતિએ વડા પ્રધાનને બોલાવવાનો આદેશ આપ્યો એટલે બે સૈનિકો મહેલમાંથી સીધા ભાગ્યા વડા પ્રધાનના ઘર તરફ. એ સમયે વડા પ્રધાન આરામથી પોતાના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતા હતા.
lll
‘રાજાજીએ આપને બોલાવ્યા છે, આવો તાત્કાલિક મહેલ પર...’
સૈનિકે આવીને વડા પ્રધાનને કહ્યું. વડા પ્રધાનને નવાઈ લાગી. તેમણે તરત જ ચોખવટ કરતાં સૈનિકોને કહ્યું, ‘હું અત્યારે તો સ્નાન કરું છું. નહીં આવું શકું તમારી સાથે.’
‘અમે શું કહીએ રાજાને?’ 
બીજા સૈનિકે પૂછ્યું, ‘એમ કેમ 
કહેવું અમારે કે તમે આવવાની ના પાડો છો?’
‘ચિંતા ન કરો. તમે લોકો રાજાને લઈને નદી કિનારે પહોંચો. હું સીધો ત્યાં જ આવું છું....’
સૈનિકોને જવાબ આપીને વડા પ્રધાને સ્વિમિંગ પૂલમાં ડૂબકી મારી દીધી.
સૈનિકો વિચારમાં પડી ગયા કે વડા પ્રધાનને ક્યાંથી ખબર પડી કે રાજાજી હવે નદી કિનારે સોનાની નાવમાં બેસવા જવાના છે.
‘આપણે શું જાણીએ, ચાલ...’ પહેલા સૈનિકે પૂછ્યું એટલે બીજાએ કહ્યું, ‘આપણને મોડું થશે તો રાજાજી આપણા પર ગુસ્સે થશે.’
બન્ને સૈનિકો ભાગતા-ભાગતા રાજમહેલ પહોંચ્યા. રાજમહેલ પર ઑલરેડી આખો કાફલો બહાર જ ઊભો હતો. બધા વડા પ્રધાનની રાહ જોતા હતા. તેમની સાથે ઉજ્જૈનથી આવેલો મહેમાન પણ હતો તો સેનાપતિ અને અન્ય પ્રધાનો પણ હતા.
lll
‘જહાંપનાહ, વડા પ્રધાન સ્નાન કરે છે. તેમણે કહ્યું છે કે તે સીધા નદી કિનારે તમને મળશે.’
‘ઠીક છે, ચાલો આપણે નીકળીએ...’ 
રાજા આગળ અને બાકી સૌ તેમની પાછળ. 
આખો કાફલો પહોંચ્યો નદી કિનારે. રાજાની નજર નદીમાં પડી કે તેમની આંખો અંજાઈ ગઈ. નદીમાં ઝગારા મારતી સોનાની નાવ લંગારાયેલી હતી. મોટી અને પહોળી એવી એ સોનાની નાવ વિશ્વની આઠમી અજાયબી જેવી હતી. નાવ સોનાની હતી તો એમાં બેસવાની જે જગ્યા હતી એ ચાંદીની બનાવવામાં આવી હતી. આ ઉપરાંત નાવ પર ડાયમન્ડ પણ લગાવવામાં આવ્યા હતા. સૂર્યના પ્રકાશમાં નાવ એવી તે ઝગારા મારતી હતી કે કોઈ એની સામે પણ જોઈ શકે.
અદ્ભુત લાગતી હતી એ નાવ. જોકે અદ્ભુત લાગતી એ નાવ હકીકતમાં લાલચનું પ્રતીક હતી.
lll
‘પછી શું થયું?’
‘પછી જે થયું એની વાત તું શાવર લઈ આવે પછી...’ પપ્પાએ ઢબ્બુને તેડી લીધો, ‘હવે પહેલાં શાવર અને પછી સ્ટોરી...’

વધુ આવતા શુક્રવારે

Rashmin Shah columnists