10 March, 2026 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં નવી-નવી સંકલ્પનાઓ સતત આકાર લેતી હોય છે. મુંબઈ નવા-નવા પ્રયોગો કરતું રહે છે. વસંત થિયેટર ફેસ્ટિવલ, ફૂડ ફેસ્ટિવલ, સપર ક્લબ (જમણવાર), Gen Z સાથે ડાયરો 2.0 વગેરે-વગેરે. મુંબઈની નાઇટલાઇફ ફેમસ છે જ. મુંબઈની રેવ પાર્ટીઝ વધુ ફેમસ છે. રેવ શબ્દ નજર સામે આવે અને લેટનાઇટ, નિયૉન લાઇટ્સ, ડ્રિન્ક્સ અને મૉર્નિંગ હૅન્ગઓવર આંખો સામે તરે. મુંબઈ કંઈક નવું-નવું કરતું જ રહે છે. મુંબઈનો નવો કન્સેપ્ટ છે : મૉર્નિંગ રેવ્ઝ. મુંબઈના કેટલાંક ફિટનેસ-સેન્ટર્સે નવી પહેલ શરૂ કરી છે. સૂર્યોદય સાથે ગુંજતી ડિસ્ક-જૉકી (DJ)ની ધૂન આપે એક નવી જીવનશૈલીનો સંકેત.
ફિટનેસપ્રેમીઓ દોડનો ક્વોટા પૂરો કર્યા પછી અહીં ‘કૂલ’ થવા આવે છે. જિમના ઇન્ટેન્સ વર્કઆઉટ પછી મૉર્નિંગ રેવ્ઝ પાર્ટી ખરેખર નવો અને કૂલ કન્સેપ્ટ તો છે જ.
થોડા સમય પહેલાં રેવ એટલે નાઇટબર્ડ્સ અને પાર્ટીપ્રેમીઓની જ વસ્તુ ગણાતી. આંખો સામે તરત જ આવે ધૂંધળા વાતાવરણવાળી નાઇટક્લબો, લાઉડ DJ, પસીનાથી તરબતર ભીડ અને દારૂથી છલકાતી મોજમસ્તી. પરંતુ હવે એ દૃશ્ય ધીમે-ધીમે બદલાઈ રહ્યું છે. મૉર્નિંગ રેવ પાર્ટીઓ સોબર હોય છે. એટલે કે દારૂ વગરની હોય છે. સામાન્ય રીતે સવારે ૬ વાગ્યે શરૂ થતી આ પાર્ટીઓમાં દારૂને બદલે ફ્લેવર્ડ વૉટર અને એનર્જી-ડ્રિન્ક્સ હોય છે. ફ્રાઇડ મન્ચિંગની જગ્યાએ હેલ્ધી નાસ્તો હોય છે. હા, સંગીતમાં કોઈ સમાધાન નથી. લેટેસ્ટ ગૅજેટ્સ પર લેટેસ્ટ પૉપ રીમિક્સ અને અૅફ્રોબીટ્સ પર DJ પૂરી તાકાતથી સંગીત વગાડે છે. તમે ઝૂમી ન ઊઠો તો જ નવાઈ. એ માનવાની ભૂલ ન કરતા કે વહેલી સવાર છે એટલે પાર્ટી-ગોઅર્સ ભજન ગાતાં-વગાડતાં હશે. રનિંગ ઍન્ડ એક્સરસાઇઝ પછી Gen Z માટે એડ્રિનલિનનો જશ્ન ચાલુ જ હોય છે. ફ્રેશ જૂસના ગ્લાસ પકડીને પણ DJ બીટ્સ પર નાચી શકાય છે. આ નવી કલ્પના ઘણાને એટલી ગમી ગઈ છે કે સવારે મોડા ઊઠનારા કેટલાક ખાસ નાચવા માટે જ અહીં આવે છે. મોજમસ્તીમાં છલકાતી આ છબીઓ પાછી ઑફિસ કે બાળકોને સ્કૂલ મૂકવા સમયસર પહોંચી પણ જાય છે. આ છે મુંબઈનો નવો કન્સેપ્ટ મૉર્નિંગ રેવ્ઝ.
મુંબઈ, દિલ્હી, નોએડા જેવાં શહેરોમાં ફિટનેસ કમ્યુનિટીઝ વીક-એન્ડ પર આવી રેવ પાર્ટીઝનું આયોજન કરે છે. બધું જ સવારની તાજી હવામાં. ક્યાંક તો જિમની અંદર જ રેવ પાર્ટીનું આયોજન થાય છે. વર્કઆઉટ બાદ DJ મ્યુઝિક, લાઇટ્સ અને એનર્જી-ડ્રિન્ક્સ સાથે નાનકડા ફેસ્ટિવલનો માહોલ. જિમ્સ હવે શરીરની કસરત માટેનું જ સ્થળ નથી રહ્યાં, એક સામાજિક ઉજવણીના સ્થળ પણ બની રહ્યાં છે. ગયા વર્ષે બૅન્ગલોરના બ્રુકફીલ્ડમાં એક ઇવેન્ટમાં હૉટ યોગ સેશન સાથે રેવનું અનોખું આયોજન જોવા મળ્યું. સૂત્ર હતું : Where sweat meets soul. ગુજરાતીમાં કહીએ તો જ્યાં પરસેવો પરમાત્માને મળે છે. યોગ પછી સંગીત, પ્રોટીન શેક, સૉના સેશન (વરાળિયું સ્નાન) અને આઇસ-પ્લન્જ પણ ખરાં. ફિટનેસ અને ફનનો અનોખો સંગમ.
આ નવો ટ્રેન્ડ ઘણા લોકો માટે આવકારદાયક પણ છે. એ લોકો જે રાતની પાર્ટીઝમાં જઈ શકતાં નથી, પોતાના કામકાજના કલાકોને કારણે, ટાઇટ વર્ક-શેડ્યુલને કારણે કે ઘરમાંથી ન મળતી પરવાનગીને કારણે. ખાસ કરીને યુવા પ્રોફેશનલ્સ જે મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરતા હોય છે, તેમની ઑનલાઇન મીટિંગ કે વેબિનાર મોટે ભાગે મોડી સાંજે હોય છે. વળી કામની ઈ-મેઇલ્સ પણ રાત્રે જ શરૂ થાય છે. તેથી નાઇટઆઉટ્સમાં જોડાઈ શકતા નથી. આવા લોકો માટે મૉર્નિંગ રેવ્ઝ આશીર્વાદ સમાન છે કારણ કે વહેલી સવારમાં કોઈ સ્પર્ધા નથી, પર્ફોર્મન્સ-પ્રેશર નથી. છે માત્ર મ્યુઝિક, ડાન્સ અને કસરતભરી મજા.
તસવીરની બીજી બાજુ જોઈએ તો સોશ્યલ મીડિયાએ કેટલું ઘેલું લગાડ્યું છે એનો ખ્યાલ ત્યારે આવે જ્યારે સ્ટ્રેચિંગની તસવીરો રોજ અપલોડ થવા લાગે. પરસેવાથી ભીંજાયેલા ચહેરા પણ ફિલ્ટર સાથે વધુ તેજસ્વી દેખાય ત્યારે વિચારવું પડે કે આ પરસેવો કોના માટે છે? શરીર માટે કે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી માટે? આ વેલનેસની વ્યક્તિગત યાત્રા છે કે જાહેર પ્રદર્શનની આંધળી મુસાફરી? કેટલા કિલોમીટર દોડ્યા, કેટલી કૅલરી બર્ન કરી એનો દેખાડો તો ઠીક પણ કઈ બ્રૅન્ડનાં શૂઝ પહેર્યાં છે અને કઈ બ્રૅન્ડનું ટી-શર્ટ પહેર્યું છે એનો શો-ઑફ આખી પ્રવૃત્તિની ગંભીરતાને ઓછી કરી નાખે છે. આ બધું જાણે આરોગ્ય કરતાં વધુ આઇડેન્ટિટીનો માપદંડ બની રહ્યું છે. વેલનેસ હવે એક બજાર બની ગયું છે. બ્રૅન્ડેડ એથ્લીઝર કપડાં, સ્પેશ્યલાઇઝ્ડ આઉટફિટ્સ ઇન્સ્ટાગ્રામ પરની રીલ્સ માટે? ફેસબુક પરના ફોટોમાં સ્માઇલ ઍન્ડ શાઉટ્સ ચમકે ત્યારે મલકી તો જવાય જ કે આ હાસ્ય હાસ્યાસ્પદ થઈ રહ્યું છે.
તસવીરની ત્રીજી બાજુ પણ છે જે આપણા સૌની નજરથી ઓઝલ છે. સવારે લોકલ ટ્રેન પકડવા દોડતા, મથતા મધ્યમવર્ગના માણસની અને રોજ સવારે ઊઠીને તેમના માટે ટિફિન ભરતી પત્નીઓની મૉર્નિંગ પાર્ટી સાચી કે નહીં? અહીં વહેલા ઊઠવાથી કે ટ્રેન પકડવા દોડવાથી પૈસા મળે છે, જ્યારે ત્યાં એના માટે જ પૈસા આપવા પડે છે.
મુંબઈ જીવે છે; બે છેડે, બે અંતિમે, બે રીતે; પણ જીવે છે બેસુમાર.
બાય ધ વે, તમને ખબર છે મિલ્ખા સિંહ બાળપણમાં ૧૦ કિલોમીટર દોડીને સ્કૂલ જતા અને એટલું જ દોડીને ઘરે પાછા આવતા ત્યારે તેમની પાસે ચંપલ નહોતાં? પહેલી વાર કૅન્વસનાં શૂઝ પહેર્યાં ત્યારે એ તેમને બહુ લપસણાં લાગ્યાં હતાં. ૧૯૫૮માં દેશને પ્રથમ વાર ગોલ્ડ મેડલ અપાવ્યો ત્યારે, ઉઘાડા પગે દોડનારા આ ગામડિયા માણસે વર્લ્ડ ક્લાસના ઍથ્લીટ્સને હરાવ્યા ત્યારે, દુનિયા આખી ચોંકી ગઈ હતી. ‘ભાગ મિલ્ખા ભાગ’ ઉચ્ચાર પાછળની દર્દનાક વાત યાદ છેને? એમાં ફક્ત શાઉટ્સ હતા, સ્માઇલ જરાય નહીં.