04 May, 2026 02:19 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફેમિનિઝમની ૧૭૮ વર્ષની લડાઈ પછી આજે જો સ્ત્રીઓની પરિસ્થિતિ પહેલાં કરતાં ઘણી સુધરેલી લાગતી હોય તો એની પાછળ આ ભાવનો ખૂબ મોટો ફાળો છે. પણ આ લડાઈ પતશે ક્યારે?
મધર્સ ડે આવી રહ્યો છે ત્યારે આ વાત મનમાં આવી. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નો એક ખૂબ જ ઇમોશનલ સીન છે જેમાં ફરીદા જલાલ તેની દીકરી સિમરનને કહે છે, ‘હું નાની હતી ત્યારે તારા નાના મને શીખવતા હતા કે ઔરત ઔર મર્દ મેં કોઈ ફર્ક નહીં હૈ, બન્નેના હક સમાન છે. આખું બાળપણ હું એને સત્ય સમજીને જીવતી રહી, પણ જેમ-જેમ હું મોટી થતી ગઈ એમ મને સમજાતું ગયું કે આ વાત સાચી નથી. મારું ભણતર રોકી દેવામાં આવ્યું, કારણ કે મારા ભાઈઓનું ભણતર વધુ જરૂરી હતું. એ હતી મારી પહેલી કુરબાની. એ પછી જીવનના દરેક વળાંકે ક્યારેક દીકરી બનીને તો ક્યારેક પત્ની બનીને હું મારી ખુશીનો બલિ ચડાવતી ગઈ, પણ જ્યારે તું જન્મી અને પહેલી વાર મેં તને હાથમાં ઉપાડી ત્યારે મેં ખુદને એક વચન આપેલું કે જે મારી સાથે થયું એ મારી દીકરી સાથે નહીં થાય. તે દીકરી, બહેન કે પત્ની બનીને દરેક ડગલે પોતાને કુરબાન નહીં કરે. તો શું થયું કે તે એક છોકરી છે? તે જિંદગી પોતાની મરજીથી જીવશે. તેને પોતાના ભાગની દરેક ખુશી મળશે.’
એ પછી તે ખુદ પોતાની દીકરીનો સાથ આપે છે અને કહે છે કે તું ઘરેથી ભાગી જા, અહીં તારી ખુશી સમજવાવાળું કોઈ નથી.
ફેમિનિઝમની લડાઈ ૧૮૪૮માં અમેરિકામાં શરૂ થઈ અને ધીમે-ધીમે આખી દુનિયામાં ફેલાઈ. આજે ૨૦૨૬માં સ્ત્રીઓ પહેલાંના સંદર્ભમાં ઘણી રીતે સશક્ત છે. તેઓ ભણી રહી છે, આર્થિક રીતે જ નહીં પણ બધી જ રીતે આત્મનિર્ભર થઈ રહી છે, પોતાની વાત વગર કોઈ શરમે રજૂ કરતી થઈ છે, પોતાના નિર્ણયો ખુદ લેતી થઈ છે. તેને સુરક્ષા આપતા ઘણા કાનૂન પણ તેની પાસે છે. આમ કોઈ પણ વ્યક્તિ એ વિચારશે કે સ્ત્રીઓની સમાજમાં અને દેશમાં હાલત ઘણી સારી થઈ રહી છે. આજે કોઈ તકલીફ નથી એવું નથી, પણ પહેલાંની સ્ત્રીઓ કરતાં આજની સ્ત્રીઓની હાલત ૧૦૦ ટકા સારી જ છે. એના હાર્દમાં રહેલું છે આ વિધાન : મારી સાથે જે થયું એ હું તારી સાથે નહીં થવા દઉં.
આ વિધાન અને આ ભાવ એક માના તેની દીકરી માટે જ આવે છે. હું જન્મી ત્યારે મારી માથી રડી જવાયું હતું. તેને લાગ્યું કે જેટલું મેં સહન કર્યું છે જીવનમાં એવું આને પણ કરવું પડશે, પણ એ રુદને તેની અંદર શક્તિ આપી હતી કે તું કંઈક એવું કર જેથી આ છોકરીનું જીવન તારા જીવન કરતાં વધુ સારું બને. જેના અથાગ પ્રયત્નના બેસ્ટ રિઝલ્ટ સમું, એનાથી ઘણું સારું કહી શકાય એવું જીવન મને મળ્યું. એવી જ કોશિશ મારી ચાલુ છે. એક મા તરીકે મારી દીકરીને મારાથી વધુ સારું જીવન આપવાની કોશિશ, કારણ કે દરેક સ્ત્રીએ તેના જીવનમાં ફક્ત તે સ્ત્રી છે એટલે અને એ કારણથી જ થોડું કે ઘણું પણ સહન કર્યું જ છે. નાનીએ જે સહન કર્યું એ દીકરીએ નથી કર્યું અને દીકરીએ જે સહન કર્યું એ દોહિત્રીએ નથી કર્યું. આમ સ્ત્રીઓનું જીવન વધુ સારું બનાવવા પાછળ તેની માએ ખુદને આપેલું એ વચન અત્યંત મહત્ત્વનું છે કે મારી દીકરી સાથે એ નહીં થાય જે મારી સાથે થયું.
શરૂઆત નાની વસ્તુઓથી થાય છે. મારી પાસે લેટેસ્ટ ફૅશનનાં કપડાં નહોતાં પણ તારા માટે હું લાવીશ, મને મોંઘી સ્કૂલમાં ભણવા નહોતું મળ્યું પણ તને મળવું જોઈએ, મને મિત્રો સાથે બહાર જવા નહોતું મળ્યું પણ તું જા, મને તો શેરીમાં રમવા પણ નહોતા જવા દેતા પણ તું નૅશનલ્સ સુધી રમવા જા, હું તો સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ જ જતી હતી પણ તું આખી દુનિયા એક્સ્પ્લોર કર, હું હંમેશાં બધા વિશે વિચારતી પરંતુ તું લોકોનું વિચારે એ તો બરાબર જ છે પણ પહેલો વિચાર તું ખુદનો કરજે. આ નાનાં-નાનાં પગલાંઓથી લઈને મોટાં-મોટાં પગલાંઓ જેમ કે તેને જેટલું ભણવું હોય એટલું ભણવા દેવું, તેને પગભર કરવી, માત્ર લગ્નનો જ નહીં પણ તેના જીવનના બધા જ નિર્ણયો તેને ખુદ લેવા દેવાના જેવા મોટા ફેરફારો પણ ત્યારે જ શક્ય છે જ્યારે પેઢી દર પેઢી એક મા આવું ઇચ્છે.
દરેક મા પોતાની દીકરીને પોતાનાથી વધુ સારી રીતે મોટી કરે છે એમાં કોઈ શંકા નથી. સ્ત્રીની આ એક કોશિશ છે બીજી સ્ત્રીની દુનિયા વધુ સારી કરવાની. જોકે તે છોકરી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે ત્યાં તેને મળે છે એક બીજી સ્ત્રી, જે એવું માને છે કે ‘મેં તો આટલું સહન કર્યું તો મારા પછીની પેઢી જલસાથી જીવે એ કેમ ચાલે? અમે તો અમારા જમાનામાં એક હરફ સુધ્ધાં ઉચ્ચારતાં નહોતાં અને આજકાલની છોકરીઓ મનમાં જે હોય એ સીધું મોઢા પર. આજની છોકરીઓને પૈસા કમાય એટલે ખૂબ રોફ ચડી જાય છે, તેમને તો એક વાક્ય પણ કહેવાતું નથી. તમને આટલી ફ્રીડમ મળી છે એનો પાડ માનો, અમારી તો કેવી હાલત હતી.’
આ પ્રકારનાં અઢળક મહેણાંટોણા તેણે સાંભળવાં પડે છે. લગ્ન પછી દીકરીને મળતી આ સ્ત્રી પણ મા છે પણ તેની પોતાની મા નથી, તેના પતિની મા છે. મને લાગે છે કે આ બન્ને મા વચ્ચેનો ફરક જ્યારે મટશે ત્યારે ખરેખર સ્ત્રીનું જીવન સુખદ બનશે.
છેલ્લાં ૧૭૮ વર્ષથી સ્ત્રીના હકની અને સ્ત્રી-સ્વતંત્રતાની લડાઈ ચાલે છે. એ લડાઈનો અંત કદાચ ત્યારે આવશે જ્યારે દરેક સ્ત્રી તેના જીવનની બીજી સ્ત્રી માટે તેના બીજા રોલ ‘સાસુ’, ‘નણંદ’, ‘દેરાણી’, ‘જેઠાણી’, ‘ભાભી’, ‘કલીગ’, ‘બૉસ’ને બાજુ પર મૂકીને ફક્ત ‘મા’ બની જશે. જેમ એક મા પોતાના બાળકનું જીવન પ્રત્યેક પળે સરળ બનાવતી હોય છે એમ દરેક સ્ત્રીએ બીજી સ્ત્રી માટેનું જીવન અઘરું નહીં, સરળ બનાવવાનું છે. સ્ત્રીઓના શોષણ સામે, અત્યાચાર સામે, અન્યાય સામે અવાજ ઉઠાવીએ કારણ કે આપણી સાથે જે થયું એ બીજા સાથે ન થાય એ માટે અવાજ ઉઠાવવો જરૂરી છે. ચાલો, આ મધર્સ ડેએ ખરા અર્થમાં ‘મા’ બનીએ, મુજ વીતી તુજ વીતશે એ ભૂલીને મુજ વીતી પણ તારા પર નહીં વીતવા દઉં એવો માતૃત્વનો ભાવ આપણી અંદર જાગ્રત કરીએ.