આ જગતનો સાર છે તું

08 May, 2022 02:57 PM IST  |  Mumbai | Hiten Anandpara

માતૃત્વ દુન્યવી હોવા છતાં અલૌકિક છે અને અલૌકિકને આવરવાનું સહેલું નથી

પ્રતીકાત્મક તસવીર

મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઊજવાય છે. આમ જુઓ તો ૧૯૦૭થી આ દિવસ ઊજવાય છે અને આમ જુઓ તો સૃષ્ટિમાં જીવનની શરૂઆત થઈ ત્યારથી. માતૃત્વ દુન્યવી હોવા છતાં અલૌકિક છે અને અલૌકિકને આવરવાનું સહેલું નથી, છતાં માતૃત્વનો જય કરવા જય સુરેશભાઈ દાવડાની પંક્તિથી પ્રારંભ કરીએ...
જીવનો આધાર છે તું માવડી
આ જગતનો સાર છે તું માવડી
તું ભવાની, તું જ અંબા, મેલડી
તેજનો આકાર છે તું માવડી
મા દેહ ધારણ કરે એટલે એને આકાર હોય. માતૃત્વને આકાર નથી હોતો છતાં એનો સ્વીકાર અને જયજયકાર ખુદ ભગવાને પણ કરવો પડ્યો છે. ઈશ્વરને કરુણા જન્માવવા માતૃત્વનું સર્જન કર્યું હશે. મમ્મી આધાર પણ હોય છે અને સંતાન માટે તો અવતાર પણ. અંકુર બૅન્કર આ સંવેદનને ક્લિક કરે છે...
જીવન કેરી બૂમો સામે હું હાકોટો નાખું છું
તેઓ સાથે ને સાથે છે, એ ભરોસો રાખું છું
ના મંદિર, ના મસ્જિદમાં શ્રદ્ધા મારી બેસે છે
મારી પાસે મમ્મીનો એક હસતો ફોટો રાખું છું  
મમ્મીનો ફોટો રાખીએ કે ન રાખીએ એ તો હૃદયસ્થ હોય. મુશ્કેલીમાં ‘ઓય મા’ બોલાઈ જ જવાય. ગમે એટલો હટ્ટોકટ્ટો પહેલવાન હોય કે ખાઈબદેલો રાજકારણી હોય, તે જ્યારે પોતાની મા પાસે બેસે ત્યારે તેની વગદાર ઓળખ ઓગળી જાય. એક પલ્લામાં માની દુઆ અને બીજા પલ્લામાં આખી દુનિયા મૂકો તો દુનિયા ઊણી જ ઊતરવાની. બારીન દીક્ષિત કલમ મૂકવાનું મુનાસિબ માને છે...
એ વિશે ક્યાંથી લખું, એના વિશે ક્યાંથી લખું?
સાવ ખાલી છું, એ ભરચકતા વિશે ક્યાંથી લખું?
એકદા થપ્પડ મને મારી રડી’તી જોરથી,
જીવથી પણ ખૂબ વ્હાલી મા વિશે ક્યાંથી લખું?
મા થપ્પડ મારે, કારણ કે તેની ફરજ છે બાળકને વારવાની. બાળકને ક્યારે પપલાવવું અને ક્યારે ધમકાવવું એની તેને બરાબર ખબર હોય છે. પોતાની હયાતી ભૂંસીને તે સંતાનની હયાતી ઊજળી કરે છે. તેને કોઈ ભારત રત્ન કે પદ્‍મભૂષણના માનવંતા ખિતાબ નથી જોઈતાં. તેના ખોળામાં બાળક નિરાંત જીવે પોઢેલું હોય એમાં થોકબંધ પારિતોષિકો ટૂંટિયું વાળીને સમાઈ જાય. મનીષા શાહ મોસમ આ અનુભૂતિને આકારે છે...
જેની આંખોમાં મળે કાયમ અમી
તેના ખોળામાં બધી પીડા સમી
હો છલોછલ સુખથી જીવન તોય શું
ક્યાં કદી પુરાય છે માની કમી
પીડાનું પગથિયું ચડ્યા પછી માતૃત્વ સુધી પહોંચાય છે. પ્રસૂતિની વેદનામાંથી પસાર થયા પછી પ્રાપ્ત થતું માતૃત્વ પ્રસન્નતા તરફ લઈ જાય છે. સંતાનોના જીવનમાં આવતા અવરોધો મમ્મી શબ્દ પાસે થોડી વાર શમીને માન જાળવતા હોય છે. મા શ્વાસ પણ આપે અને વિશ્વાસ પણ ટકાવે. તેનો ખભો હિમાલયથી નીચો નથી અને તેનો ખોળો ગંગાતટથી ટૂંકો નથી. માતૃત્વની ઊંચાઈ પાંચ ફુટ બાય બે ઇંચમાં નથી સમાતી. કમલેશ શુક્લ બારીક નજર માંડે છે...
મા કાયમની ઘરની અંદર
એથી સુંદર સઘળું અંદર
ઝાંકી એની ભીતર જોયું 
ઈશ્વર દીઠા માની અંદર
આપણાં આંસુ જન્મે એ પહેલાં મમ્મીની આંખો એને ઓળખી જાય. સાઇડમાં જોઈ તે પોતાનાં આંસુ છુપાવી શકે, મમતા નહીં. આપણી ઉંમર ૧૭ની હોય કે ૭૦ની, નીલેશ ગોહિલની વાત સાથે સંમત થવું જ પડે...  
શોધું તોયે ના મળે, કેવી ઘડી છે?
આંખ જ્યાં મીંચાય ત્યાં સામે ખડી છે
જગમાં મારી અન્યને તો શું પડી હોય?
ઓશિયાળો જોઈને એક મા રડી છે
ક્યા બાત હૈ
આંખનો ચોખ્ખો અરીસો ધૂંધળો થઈ જાય છે
માને ફોટોમાં નિહાળી, ગળગળો થઈ જાય છે

કેવી રીતે હૂંફ તેણે સીંચી એમાં શું ખબર?
માનો જૂનો સાડલો પણ ધાબળો થઈ જાય છે

મા હતી તો જોર મારા બાવડે બમણું હતું
મા વિના તો દીપ કેવો પાંગળો થઈ જાય છે

મા સ્મરણ તારું મળે એ ક્ષણને હું ઉત્સવ ગણું
તું નથી તો જો, સમય બેબાકળો થઈ જાય છે

માથી મોંઘી કોઈ મૂડી આખા આ જગમાં નથી
એ નથી તો પૈસા સઘળા કાગળ થઈ જાય છે

સત્ય તેં સમજાવ્યું જેવું એવું હું સમજ્યો સદા
મા વિના સંસાર મારો આંધળો થઈ જાય છે

ખાલીપો કેવો રહે છે આંખમાં, કોને કહું?
યાદ આવે મા, નયન આ વાદળો થઈ જાય છે

મા વગરનું ઘર, તિમિરનું સ્થૂળ ઠેકાણું થયું
‘દીપ’ પણ ત્યાં હાંફળો ને ફાંફળો થઈ જાય છે

દીપક ઝાલા અદ્વૈત (નૈરોબી)

columnists hiten anandpara