આજની મમ્મી કે મૉમ સંતાનોની મિત્ર બનતી જાય છે

11 May, 2025 01:34 PM IST  |  Mumbai | Jayesh Chitalia

સૌથી મહત્ત્વની વાત એ છે કે આજની મૉમ-મમ્મી હવે સંતાનોની મિત્ર પણ બનતી જાય છે. બાય ધ વે, દરેક માતાને વંદન.

પ્રતીકાત્મક તસવીર

બા, મા, મમ્મી, મમા, મૉમ... આ પાંચ ઉચ્ચારથી હાલના સમયમાં માતાને બોલાવવામાં આવે છે. જેવી પેઢી એવો ઉચ્ચાર પરંતુ ઉચ્ચારનો અર્થ કેવળ એક, જેનું નામ છે મમતા. બા અને માથી લઈ મમા અને મૉમ સુધી પહોંચેલા આજના માતૃત્વને જુદી દૃષ્ટિએ જોવું-સમજવું પડે.

વર્ષો પહેલાં એક માતાનાં સંતાનોની સંખ્યા કમ સે કમ ૩-૪ અથવા ૭-૮ જેટલી રહેતી તેમ છતાં એ એકલી માતા દરેક સંતાનને સંભાળી લેતી. પરિવાર સંયુક્ત રહેતા હોવાથી આ કાળજીનું કાર્ય આસાન બનતું. માતાની ભૂમિકા ત્યારે ગૃહિણીની રહેતી, તેણે નોકરીએ જવાની કે નાણાં કમાવાની ચિંતામાં કરવી પડતી નહીં. પરિણામે માતાનું ધ્યાન માત્ર સંતાનોના ઉછેર પર રહેતું. સમય બદલાતો ગયો. એ ગઈ કાલની માતાઓ સામે આજની મૉમ કે મમા ઘણા અંશે જુદાં છે. વિભિન્ન કારણસર આ મૉમને હવે એક બાળક જ પર્યાપ્ત લાગે છે. તેને વધુ જવાબદારી જોઈતી નથી. ઘણી સ્ત્રીઓ તો માતા બનવાથી પણ દૂર રહેવા માગે છે તો વળી ઘણી માતાઓ સંતાન ખાતર ઊંચી નોકરી પણ છોડી દે છે.

એ ખરું કે આજની મોટા ભાગની મૉમ નોકરી યા બિઝનેસ કે પ્રોફેશનમાં વધુ વ્યસ્ત રહેતી હોય છે. સમય-સંજોગ પણ તેમને વર્કિંગ વુમન બનવા મજબૂર કરે છે અથવા શિક્ષિત થયેલી મહિલાને ઘરમાં પુરાઈ રહેવું ગમતું નથી. જોકે આ મૉમ માતાની ભૂમિકામાં માતૃત્વ પૂર્ણપણે જાળવે છે પરંતુ ગઈ કાલની મા કે બા જેવો ઉછેર આપી શકતી નથી કારણ કે આજની મૉમને પોતાની આઝાદી અને સ્પેસ વધુ વહાલી છે. તેમની સામે પડકારો પણ વધુ છે. તેમની પોતાની મહત્ત્વાકાંક્ષાઓ ઘણી છે. તેમને પોતાનું બાળક જીવથી વહાલું ખરું પણ તેને પોતાની પૂર્ણ જિંદગી કોઈને પણ આપી દેવી નથી, પરિણામે તેનો સમર્પણભાવ સીમિત રહી શકે. આજની મૉમને એક કે બે જ સંતાનો એટલે તેમની પંપાળ કે લાડ બહુ વધુપડતાં થાય છે, જે હકીકતમાં સંતાનો માટે નુકસાનકારક પણ બને છે. આજની મૉમ પર પિઅર પ્રેશર સખત. સંતાનોના એજ્યુકેશનનું, ટકા અને ગ્રેડનું, હરીફાઈઓનું, પોતાનું સંતાન પાછળ ન રહી જાય, હંમેશાં ટૉપ પર રહે, બધે સક્સેસ મેળવે. આ બાબતે આજની મૉમ પોતાના બાળકની સતત બીજાનાં બાળકો સાથે તુલના કરતી તનાવમાં રહ્યા કરે છે અને સંતાનોને પણ તનાવ આપે છે. જોકે સમયને આધારે માતાની મમતાની તુલના થઈ શકે નહીં.

કરુણતા એ છે કે આજની મૉમ સંતાનને એન્જિનિયર, ડૉક્ટર, લૉયર, ઍક્ટર, ક્રિકેટર, વગેરે જેવાં લેબલ લગાડીને પ્રસિદ્ધ બનાવવા માગે છે પણ એમાં સંતાનને ખરા સંસ્કાર આપવાનું, સારો માનવી-નાગરિક બનાવવાનું ચૂકી જવાય છે. અલબત્ત, આમ બધી જ માતાઓ માટે કહી શકાય નહીં. સૌથી મહત્ત્વની વાત એ છે કે આજની મૉમ-મમ્મી હવે સંતાનોની મિત્ર પણ બનતી જાય છે. બાય ધ વે, દરેક માતાને વંદન.

columnists mothers day gujarati mid-day