પુસ્તક પઢાવી દેનાર ગુરુ નથી અને પાઠને કડકડાટ ગોખીને પહેલો નંબર મેળવી લેનાર શિષ્ય પણ નથી

01 October, 2022 03:58 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે બીજું ઘણું કરવાનું છે. આ બીજું ઘણું કોઈ શિક્ષણ સંસ્થા કઈ રીતે કરે છે એના વિશે રાજીના રેડ થઈ જવાય એવી એક પ્રવૃત્તિની આજે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર

લાખ કે બે લાખ રૂપિયા જેવી તોતિંગ વાર્ષિક ફી વિદ્યાર્થીના વાલીઓ પાસેથી મેળવતી શિક્ષણ સંસ્થાઓ એના વિદ્યાર્થીઓને શું ભણાવે છે. રૂપે રંગે રમકડાં કે સાધનો તો ઢગલો ભરીને હોય છે. પછી ભલે એ વિદ્યાર્થી પૂર્વ પ્રાથમિક કક્ષાનો હોય (એટલે કે ત્રણ-ચાર વર્ષનો હોય) અથવા સ્નાતક કે સ્નાતકેતર કક્ષાનો હોય. તેમને લાખ રૂપિયાનો માસિક પગાર લેતો શિક્ષક પાઠ્યક્રમ અનુસાર ભણાવી દે છે. આમાં પાઠ્યક્રમમાં સરકારના શિક્ષણ ખાતાએ જે નિશ્ચિત કર્યું હોય એ ઇતિહાસ, ભૂગોળ કે વિજ્ઞાન અને એવા બધા વિષયો તેમની સામે ધરી દેવામાં આવે છે. અઢળક નાણાં મેળવતી શિક્ષણ સંસ્થાઓ અને એવા જ નાણાં મેળવતા શિક્ષકો આ પાઠ્યક્રમ અનુસાર જેકંઈ સરકારી ધોરણે ભણાવાયું એને શિક્ષણ કહે છે.
શિક્ષણ અને કેળવણી બન્ને સમાનાર્થી શબ્દો નથી. ગુરુ-શિષ્ય સંબંધો વિશે જો વિચારણા કરીએ તો પાઠ્યપુસ્તક પઢાવી દેનાર ગુરુ નથી અને પઢેલા પાઠને કડકડાટ ગોખવાથી ઉપલો નંબર મેળવી લેનાર શિષ્ય પણ નથી. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે બીજું ઘણું કરવાનું છે. આ બીજું ઘણું કોઈ શિક્ષણ સંસ્થા કઈ રીતે કરે છે એના વિશે રાજીના રેડ થઈ જવાય એવી એક પ્રવૃત્તિ તાજેતરમાં નજરે પડી.

વાર્તા ખરી, પણ વાર્તાથીયે વિશેષ 

છેલ્લાં ૮૦ વર્ષથી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી નામની એક સંસ્થા શિક્ષણ ક્ષેત્રે મુંબઈમાં કાર્યરત છે. હવે ગુજરાતી માધ્યમ ધીરે-ધીરે એક સપનું બનતું જાય છે. ગુજરાતી માધ્યમની આ શાળાએ વર્ષોથી ગુજરાતી માધ્યમને ટકાવી રાખવા માટે બનતી બધી કામગીરી કરી છે અને તોય અંગ્રેજી માધ્યમમાં ગયા વિના હવે ચાલે એમ નથી એ આ સોસાયટીને સમજાઈ ગયું. સોસાયટીએ એની અંગ્રેજી માધ્યમની વર્તમાન પ્રથા ઉપરાંત અંગ્રેજી માધ્યમની એક નવી જ શાળાનું ઉદ્ઘાટન કર્યું. નામકરણમાં કોણ જાણે કેમ ઇન્ટરનૅશનલ શબ્દ વાપરવાની શિક્ષણ સંસ્થાઓને મોજ પડી જાય છે. આ નવી બનેલી શાળા પોતાને ઇન્ટરનૅશનલ કહેવડાવે છે. આ નવી શાળાએ વિદ્યાર્થીઓને તમામ સુવિધા પ્રદાન તો કરી છે, પણ સૌથી મોટી વાત આ ઉદ્ઘાટન સાથે આ શાળાએ વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર અને સંદેશવાહક એવાં બે પુસ્તકો પણ પ્રગટ કર્યાં છે. સરસ છાપકામ, આકર્ષક ચિત્રાંકન અને હાથમાં લેતાંવેંત બાળકોને પાનાં ઉથલાવવાનું મન થાય એવાં આ પુસ્તકો છે. મૂળ ગુજરાતી વાર્તાઓના શ્રી હેમંત કારિયા લિખિત પુસ્તકને શાળાના પ્રિન્સિપાલ ડૉ. સંગીતાબહેન શ્રીવાસ્તવે અંગ્રેજી અને હિન્દી ભાષામાં અનુવાદિત કર્યું છે. શ્રી હેમંત કારિયાના આ પુસ્તકનું નામ ‘પપ્પા એક વાર્તા કહોને’ છે. આ અનુવાદ તો બાળકોની ભાષામાં બાળસહજ રજૂઆત થાય એ રીતે થયો જ છે, પણ પ્રત્યેક વાર્તાના અંતે જે સંદેશ મુકાયો છે અને એ પછી બાળવાચકોને રસ પડી જાય એ રીતે જે સ્વાધ્યાય ગોઠવાયો છે એ ખરેખર દાદ માગી લે એવો છે.

કરવા જેવું એક કામ

શાળા એના વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યક્રમ પૂરો કરાવે કે થોડી રમતો રમાડે એ જ પૂરતું નથી. આવાં પુસ્તકો અને એના સ્વાધ્યાયથી બાળકો કંઈક બહેતર મેળવે એ વધુ ઇચ્છનીય છે. ગુજરાતી ભાષાનું શ્રી હેમંત કારિયા લિખિત આ પુસ્તક ગુજરાતી માધ્યમની શાળાઓમાં પહોંચ્યું હશે કે નહીં એ આપણે જાણતા નથી, પણ જો ન પહોંચ્યું હોય તો એનો ઉમેરો શાળાના પુસ્તકાલયની સમૃદ્ધિમાં વધારો કરશે એમાં કોઈ શક નથી. શિક્ષણ સંસ્થાઓએ પણ આવાં પુસ્તકો પોતાની પ્રવૃત્તિઓ સાથે સાંકળીને પ્રકાશિત કરવાં જોઈએ.

કાંદિવલી એજ્યુકેશન સોસાયટીએ આ અગાઉ પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓને હાથવગાં થાય એવાં આપણી સંસ્કૃતિને ઉજાગર કરતાં બે પુસ્તકો પ્રગટ કર્યાં છે. અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ આવાં પુસ્તકો તૈયાર કરાવીને પોતાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓને આપે એ કરવા જેવું કામ છે.

આનું મુખ્ય કારણ એ છે કે આ પ્રકારનાં જોતાંવેંત ગમી જાય એવાં ભરપૂર સંદેશવાહક પુસ્તકો પ્રકાશિત કરવાં એ ધંધાદારી પ્રકાશકો માટે મોંઘવારીને કારણે અઘરું બનતું જાય છે. એની છૂટક કિંમત સામાન્ય પરિવારના વિદ્યાર્થીને પરવડે એથી ઘણી વધારે હોય છે. જો સંસ્થા પોતે જ આવો ખર્ચ શૈક્ષણિક ખર્ચમાં ઉમેરી દે તો આ કરવા જેવું કામ સહજ ભાવે કદાચ થઈ શકે ખરું.
શાળાએ અને શિક્ષકે એના વિદ્યાર્થીઓને માત્ર ઇતિહાસ, ભૂગોળ કે ગણિત વિજ્ઞાનના પાઠ્યક્રમ જ શીખવવા એ પર્યાપ્ત નથી. સમાજને એક કેળવાયેલો અને સારી પેઠે વિચાર કરી શકતો નાગરિક મળે એ વધુ આવશ્યક છે.

columnists dinkar joshi