નવરાત્રિમાં ૯ નારીશક્તિનું સ્મરણ કરતી હેરિટેજ વૉક : શહેરના રસ્તાઓ પર ચાલતાં-ચાલતાં ઇતિહાસનાં એ પાનાં ઊઘડ્યાં જેમાં મહિલાઓએ રૂઢિઓ સામે બાથ ભીડીને પરિવર્તનનો માર્ગ કંડાર્યો હતો
યોગેશ શાહ
કોઈ શહેરને જોવું હોય તો એની ઇમારતો, રસ્તાઓ અને સ્મારકોમાં જોઈ શકાય; પરંતુ શહેરને સાચી રીતે ઓળખવું હોય તો એની શેરીઓમાં અને ગલીઓમાં જન્મેલી અને જીવેલી વ્યક્તિઓને પણ ઓળખવી પડે. ખાસ કરીને એ નારીઓને જેમણે પોતાના સમયની રૂઢિઓ અને પરંપરાઓ સામે માથું ઊંચક્યું હોય, સ્ત્રી તરીકેના અધિકારો માગ્યા હોય, શિક્ષણ અને સમાજસેવાને જીવનનું ધ્યેય બનાવ્યું હોય, દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો હોય અને જરૂર પડે ત્યારે સરકારની સામે જ નહીં, કુટુંબની પરંપરાગત માન્યતાઓ સામે પણ બાથ ભીડી હોય.
નવરાત્રિ દરમ્યાન આપણે નવદુર્ગાની આરાધના કરીએ છીએ, પરંતુ મુંબઈના ઇતિહાસમાં પણ એવી અનેક નારીશક્તિ છે જેમણે પોતાનાં કર્મથી સમાજમાં પરિવર્તનનાં બીજ વાવ્યાં હતાં. આવી જ ૯ પ્રેરણાદાયી નારીઓને સમર્પિત હતી ‘૯ નારી, ૯ શક્તિ હેરિટેજ વૉક.’
પરિચય ટ્રસ્ટના ઉપક્રમે રવિવારે ૧૧ ઑક્ટોબરે નવરાત્રિ નિમિત્તે યોજાયેલી આ હેરિટેજ વૉકના રિસોર્સ-પર્સન હતા તમારા મિત્ર યોગેશ શાહ.
ઇમારતો જ નહીં, ઇતિહાસ પણ વાંચવો પડે
મુંબઈમાં હેરિટેજ વૉકનું મહત્ત્વ માત્ર જૂની ઇમારતોની સ્થાપત્યશૈલી જોવા પૂરતું સીમિત નથી. શહેરની કોઈ જૂની શેરીમાં પસાર થતાં આપણે શિક્ષણ, ધર્મ, સામાજિક સુધારણા અને સ્વતંત્રતાસંગ્રામના અનેક અદૃશ્ય તંતુઓને સ્પર્શી શકીએ છીએ. કોઈ સંસ્થાનું પ્રવેશદ્વાર કે રસ્તાના વળાંક પર ઊભેલી કોઈ ઇમારતના નામનું ઘસાઈ ગયેલું બોર્ડ આપણને એવા સમયની ઝાંખી કરાવે છે જે સમયે ત્યાંથી સમાજ અને દેશની દિશા બદલવાના સૂર ઊઠી રહ્યા હતા. એવું લાગે જાણે કોઈ ટાઇમ-કૅપ્સ્યુલમાં બેસીને ભૂતકાળમાં પહોંચી ગયા હોઈએ.
હેરિટેજ વૉક ઇતિહાસને પુસ્તકનાં પાનાંમાંથી બહાર લાવીને વાસ્તવિક ભૂગોળ સાથે જોડવાની આપણને તક આપે છે.
પસંદ કરેલો માર્ગ પણ ઘણું કહે છે
મારવાડી વિદ્યાલયથી શરૂ કરીને ગામદેવી મંદિરના માર્ગે ઑગસ્ટ ક્રાન્તિ મેદાન સુધી પહોંચતી આ પદયાત્રાની વિશેષતા એ હતી કે માર્ગ પરનાં સ્થળોને ૯ નારીના જીવન અને કાર્ય સાથે સાંકળવાનો પ્રયાસ થયો હતો. આ વિસ્તાર મુંબઈના બદલાતા સામાજિક જીવનનો સાક્ષી રહ્યો છે.
ગામદેવી મંદિર જેવા ધાર્મિક સ્થળનો સમાવેશ પણ આ યાત્રાને સ્થાનિક સાંસ્કૃતિક વારસા સાથે જોડતો હતો.
આ યાત્રાનું અંતિમ સ્થળ ઑગસ્ટ ક્રાન્તિ મેદાન વિશેષ પ્રતીકાત્મક મહત્ત્વ ધરાવે છે. ૧૯૪૨ની ૯ ઑગસ્ટે અહીંથી ભારત છોડો આંદોલનને નિર્ણાયક વેગ મળ્યો હતો.
૯ મહિલાઓ, ૯ સંઘર્ષગાથાઓ
આ હેરિટેજ વૉકમાં ૯ નારીશક્તિના જન્મસ્થળે/કાર્યસ્થળે રોકાઈને તેમના જીવન અને કાર્યની વિસ્તૃત ઐતિહાસિક માહિતી આપવામાં આવી હતી. દરેક મહિલાની જીવનયાત્રા અલગ હતી, પરંતુ સૌમાં પોતાના સમયની મર્યાદાઓ ઓળંગવાની હિંમત સમાન હતી.
(૧) અવંતિકાબાઈ ગોખલે : ગિરગામની ગલીઓમાં ફરીને, સ્ત્રીઓને જાગૃત કરીને ‘હિન્દ મહિલા સમાજ’ની સ્થાપના કરી.
(૨) ડૉ. રુખમાબાઈ રાઉત : બાળલગ્ન અને સ્ત્રીના વૈવાહિક અધિકારોના પ્રશ્ને રુખમાબાઈએ કાનૂની સંઘર્ષ કરીને કાયદો પાસ કરાવ્યો.
(૩) ડૉ. ઍની બેસન્ટ : થિયોસૉફિકલ ચળવળ, શિક્ષણ અને હોમ રૂલ આંદોલન સાથે ભારતીય સ્વશાસનના પ્રશ્નને વાચા આપી. બનારસમાં સેન્ટ્રલ હિન્દુ કૉલેજની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
(૪) લીલાવતી મુનશી : સાહિત્યિક અભિવ્યક્તિ, કાયદાકીય પ્રવૃત્તિઓ અને ભારતીય વિદ્યાભવનની સ્થાપનામાં મહત્ત્વનું યોગદાન.
(૫) પંડિતા રમાબાઈ સરસ્વતી : સ્ત્રીઓ, ખાસ કરીને વિધવા સ્ત્રીઓના શિક્ષણ અને સ્વાવલંબન માટે ‘શારદા સદન’ની સ્થાપના દ્વારા તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું
(૬) રમાબાઈ રાનડે : બૉમ્બે પ્રેસિડન્સીમાં મહિલાઓના મતાધિકાર માટે ચળવળ ચલાવનાર અને ‘સેવાસદન’નાં સ્થાપક.
(૭) ડૉ. કાશીબાઈ નવરંગે : સ્વતંત્ર પ્રૅક્ટિસ કરનારાં અગ્રણી મહિલા. તબીબી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી અને સ્ત્રીની આરોગ્યસેવાના મહત્ત્વને સમજાવ્યું.
(૮) અરુણા અસફઅલી : ભારત છોડો આંદોલન દરમિયાન તિરંગો ફરકાવીને બ્રિટિશ શાસન સામે નિર્ભય પ્રતિકાર કરનારી ગ્રૅન્ડ ઓલ્ડ લેડી.
(૯) મીઠુબહેન પેટીટ : સંપન્ન પૃષ્ઠભૂમિમાંથી આવવા છતાં તેમણે રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લીધો અને સ્વતંત્રતાસંગ્રામને સમર્પિત જીવન જીવ્યાં.
૯ નામ, સંદેશ એક જ
આ ૯ મહિલાઓના જીવનમાંથી એક મહત્ત્વનો સંદેશ મળે છે : પરિવર્તન માટે દરેક વ્યક્તિએ એકસરખો માર્ગ અપનાવવાની જરૂર નથી. કોઈ શિક્ષણનો દીવો પ્રગટાવે, કોઈ તબીબી સેવાનો માર્ગ પસંદ કરે, કોઈ સ્ત્રીના અધિકારો માટે કાનૂની લડત લડે તો કોઈ રાષ્ટ્રની આઝાદી માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરે. તેમનાં કાર્યોનાં ક્ષેત્રો અલગ હતાં, પરંતુ અન્યાય અને અસમાનતાને સ્વીકારવાનો તેમનો ઇનકાર એકસરખો હતો.
નવરાત્રિમાં શક્તિની આરાધના કરીએ ત્યારે આ ૯ મહિલાઓને યાદ કરવી એ પણ એક પ્રકારની આરાધના જ છે. ફરક એટલો કે અહીં દેવીની મૂર્તિ સામે દીવો પ્રગટાવવાની સાથે તેમના જીવનમાંથી પ્રેરણાનો દીવો આપણા મનમાં પ્રગટાવવાનો છે.
બાય ધ વે
તમને ખબર છે કે દક્ષિણ મુંબઈના ફોર્ટ (કોટ) વિસ્તારના ૪ દરવાજા હતા અને દક્ષિણ મુંબઈની મુખ્ય ઇમારતોના બાંધકામ માટે મોટું દાન આપનાર એક યહૂદી હતા?
આ રીડેવલપમેન્ટના જમાનામાં તમારી આસપાસના કોઈ જૂના મકાન, મંદિર કે દુકાનની આરસપહાણ કે કાળા પતરા પરના લખાણવાળી તકતી મળે તો સાચવી રાખજો. કંઈ નહીં તો એનો ફોટો લઈને મને શૅર કરજો. એ જૂની ગુજરાતીના મરોડવાળું લખાણ હવે ફરી ક્યારેય જોવા નહીં મળે. તમારી આસપાસની જૂની ઐતિહાસિક ઇમારતના ફોટો કે માહિતી મને જરૂર મોકલજો. આમ તો હું એક્સ-બૅન્કર છું, MBA in Finance છું; પણ ઇતિહાસને ઉખેળવો અને ભૂગોળને ઉકેલવી મારો શોખ છે. મુંબઈના વારસાને માણવો હોય તો ‘આવો મારી સાથે’.