05 August, 2026 08:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સ્કૂલના કૅમ્પસ અને એની પચાસ મીટરની ત્રિજ્યામાં હાઈ શુગર, સૉલ્ટ અને ફૅટ ધરાવતા જન્ક-ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાળકોમાં વધતી મેદસ્વિતાને જોતાં આ સરહાનીય પગલું છે. સરકારી સ્કૂલમાં વડાપાંઉ-સમોસા ખવડાવવાની મનાઈ કરવામાં આવી છે કારણ કે એ પામતેલ-કપાસિયા તેલમાં બનતાં હોય છે જે શારીરિક રીતે નુકસાનકારક છે. ખાસ કરીને બાળકોમાં નાની ઉંમરે હાર્ટ-અટૅક પણ આવતો હોય છે. બાળકો જ નહીં, આજકાલ દરેક ઉંમરના લોકોમાં જન્ક-ફૂડ ખાવાનો ક્રેઝ વધ્યો છે. લોકો સ્વાર્સ્થ્યવર્ધક આહાર તરફ વળે એ માટે સરકાર બનતા પ્રયાસો કરી જ રહી છે, પરંતુ આપણે પણ ધારીએ તો એક નાની પહેલ દ્વારા મોટું યોગદાન આપી શકીએ છીએ. અન્નદાન, મેડિકલ હેલ્પ, જીવદયા માટે ડોનેશન, મંદિરોમાં ચડાવો સિવાય મુંબઈની ભાગદોડની જિંદગીમાં એક એવું વિશેષ દાન પણ છે જેના માટે મોટા બૅન્ક-બૅલૅન્સની જરૂર નથી. આપણી આસપાસ આખો દિવસ કાળી મજૂરી કરતા સોસાયટીના વૉચમૅન, લિફ્ટમૅન, ડોમેસ્ટિક હેલ્પર, રિક્ષાવાળા, કચરો વીણતા કામદારો કે ઑફિસના પ્યુન ભૂખ લાગે ત્યારે શરીરને નુકસાન કરતાં વડાપાંઉ ખાઈને પેટ ઠારતા હોય છે. તેમને મુઠ્ઠીભર સિંગચણા આપો. સેવા અને સ્વાસ્થ્યનો આ અનોખો માર્ગ સૌએ અપનાવવા જેવો છે. આ દાન કોઈ પણ કરી શકે છે. સિંગચણા જેવું હેલ્ધી ફૂડ ખવડાવવા માટે હું એક અભિયાન ચલાવી રહ્યો છું. દરરોજ સવારે ઘરની બહાર નીકળતાં જ સૌથી પહેલાં ગરમાગરમ ૪૦ પૂડી સિંગચણાની ખરીદું. રસ્તામાં જે મળે તેને ખાવા આપું. આપણા દેશી સિંગચણા શ્રમિકોની બદામ છે. તેમને પ્રોટીન અને ઊર્જાની બહુ જરૂર હોય છે. આ નાસ્તો સસ્તો છે. એનાથી શરીરને તાકાત મળે છે અને પેટ પણ ભરાઈ જાય છે. હવે તો સોસાયટીનાં બાળકો પણ મને જોઈને કહે છે કે દાદાજી સિંગચણા આપોને. ઘણી મમ્મીઓ કહેવા લાગી કે અમારાં બાળકો વેફર્સનાં પૅકેટ્સ કરતાં સિંગચણા પસંદ કરવા લાગ્યાં છે. ઘાટકોપરની સરકારી સ્કૂલોમાં સિંગચણાનાં પૅકેટ્સ વહેંચવાની યોજના વિચારાધીન છે. મને જોઈને હવે ઘણા લોકો આવી સારી આદતો અપનાવવા પ્રેરિત થઈ રહ્યા છે એ મારા માટે મોટું અચીવમેન્ટ છે. સિંગચણા ઉપરાંત મારા થેલામાં પીપર, ટેલ્કમ પાઉડરની નાની ડબ્બી, દવા, બૉલપેન જેવી નાની વસ્તુઓ પણ રાખું છું. મુંબઈનો દરેક નાગરિક પોતાના સ્તરે આવી નાની શરૂઆત કરે તો આપણે એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકીએ.
- ગોપાલ પારેખ