26 December, 2025 02:40 PM IST | Mumbai | Kajal Rampariya
૨૭ વર્ષના પ્રીતેશ મિસ્ત્રી
શું તમે ક્યારેય કલ્પના કરી છે કે જે ટમેટાં તમારા રસોડામાં શાક બનાવવા વપરાય છે એ જ ટમેટાંમાંથી બનેલું જૅકેટ કે શૂઝ તમે પહેરી શકશો? સાંભળવામાં આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે, પણ વસઈમાં રહેતા ૨૭ વર્ષના પ્રીતેશ મિસ્ત્રીએ આ કલ્પનાને વાસ્તવિકતામાં બદલી લીધી છે. માત્ર ૨૧ વર્ષની ઉંમરે જ્યારે મિત્રો કરીઅરની ચિંતા કરતા હતા ત્યારે બાંદરાની થડોમલ શહાની એન્જિનિયરિંગ કૉલેજમાં બાયોટેક એન્જિનિયરિંગના ફાઇનલ યરનો સ્ટડી કરી ચૂકેલો પ્રીતેશ લૅબમાં નકામાં ટમેટાં સાથે પ્રયોગો કરી રહ્યો હતો. હવે આંધ્ર પ્રદેશના ખેડૂતોનાં નકામાં ટમેટાં પર રાજકોટ, સુરત અને ચેન્નઈમાં પ્રક્રિયા થઈને શુદ્ધ, ૧૦૦ ટકા બાયોડિગ્રેડેબલ લેધર તૈયાર થાય છે. કોઈ પ્રાણીની હત્યા નહીં, પ્લાસ્ટિકનો શૂન્ય વપરાશ અને પાણીની ૯૦ ટકા બચત. આ મંત્ર સાથે પ્રીતેશ હવે વૈશ્વિક બજારમાં ભારતનો ડંકો વગાડી રહ્યો છે. ૨૦૨૧માં પ્રીતેશને પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA) ઇન્ડિયા દ્વારા વીગન ફૅશન ઇનોવેશન અવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. આ અવૉર્ડ મળ્યા પછી જ તેના આ ‘ટમૅટો લેધર’ના કન્સેપ્ટને ભારત અને વિદેશમાં મોટી ઓળખ મળી અને લોકોનો વિશ્વાસ વધ્યો કે આ પ્રોડક્ટ ખરેખર ભવિષ્યની ફૅશન બદલી શકે છે. કેવી રીતે એક ખેતરનો કચરો પ્રીમિયમ ફૅશનમાં ફેરવાય છે અને આ ગુજરાતી યુવાનનું વિઝન કેવી રીતે ખેડૂતોની આવક બમણી કરી રહ્યું છે એ જાણીએ.
ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ બની ટર્નિંગ પૉઇન્ટ
પર્યાવરણ-ફ્રેન્ડ્લી લેધર બનાવવાનો આઇડિયા કઈ રીતે આવ્યો એ વિશે પ્રીતેશ ‘મિડ-ડે’ને કહે છે, ‘આ મારો કૉલેજ-પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ માટે અમારી કાનપુરમાં ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ થઈ હતી. કાનપુર લેધર ટૅનિંગનું હબ છે. આખા દેશના લેધર પ્રોસેસિંગનું કામ કાનપુરમાં થાય છે. એ સમયે મેં જોયું કે લેધરનું ટૅનિંગ કરવામાં કેટલું પૉલ્યુશન થાય છે. પાણીનો વ્યય, પ્રાણીની હત્યા અને પર્યાવરણને નુકસાન આ બધું જ જાણીને અને એની પ્રોસેસ જોઈને મને અંદરથી બહુ દુઃખ થયું કે આવું કેમ? એના વગર આપણે શું ફૅબ્રિક ન બનાવી શકીએ? આ બધી ચીજોએ મારા મગજમાં ઊંડી છાપ છોડી. એ જ દરમિયાન થોડા સમયમાં અમે નાશિકમાં આવેલા એક ફાર્મની વિઝિટ પર ગયા. ત્યારે મને પોસ્ટ-હાર્વેસ્ટ લૉસ વિશે ખબર પડી. એમાં હોય એવું કે જ્યારે ખેડૂત કોઈ પાક ઉગાડે છે, ખાસ કરીને ફ્રૂટ કે વેજિટેબલ જેવી નાશવંત આઇટમ્સ એટલે જેની શેલ્ફ-લાઇફ બહુ ઓછી હોય, એને ચોક્કસ તાપમાનમાં જો યોગ્ય રીતે સાચવવામાં ન આવે તો એ સડી જાય છે. આવી ચીજો ખેડૂતો ઉગાડે તો ૧૦૦ ટકા સારો પાક મળતો નથી. ૧૦૦માંથી ૩૦ ટકા જેટલો પાક વેચવાલાયક હોતો નથી. એને નૉન-સેલેબલ કૉમોડિટીની કૅટેગરીમાં રાખવામાં આવે. ઘણા લોકો એનું ખાતર બનાવી નાખે. આ બે પરિસ્થિતિ મેં બૅક-ટુ-બૅક જોઈ ત્યારે મને થયું કે પૉલ્યુશન અને ફૂડ-વેસ્ટેજના પ્રૉબ્લેમનું સૉલ્યુશન લાવવું બહુ જરૂરી છે. બહુ જ રિસર્ચ કરીને હું બાયોલેધરના કન્સેપ્ટ પર આવીને અટક્યો.’
ટમેટાંની પસંદગી જ કેમ?
આટલી શાકભાજી અને ફળોમાંથી ટમેટાંની પસંદગી જ કેમ કરી એના વિશે એકલા હાથે ‘બાયોલેધર’ બ્રૅન્ડના સંસ્થાપક રહેલા પ્રીતેશ કહે છે, ‘હું એન્જિનિયરિંગના ફાઇનલ યરમાં હતો અને એ સમયે ઉંમર હતી ૨૧ વર્ષ. ત્યારે મને વિચાર આવ્યો કે શાકભાજીમાંથી લેધર બનાવીએ તો? તો એમાં ટમેટાંમાંથી લેધર બનાવવાનો નિર્ણય લીધો. આ ડિસિઝન સ્ટ્રૅટેજિક હતો. એ એટલા માટે કારણ કે શાકભાજીમાં ટમેટાં જ એવાં છે જેને ખેડૂતો બારે માસ ઉગાડે છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે ટમેટાંનું સૌથી વધુ ઉત્પાદન કરનારા દેશમાં ભારત બીજા સ્થાને છે. એટલે ટમેટાં આપણને બાકી શાકભાજીની સરખામણીમાં સસ્તાં મળે. જેટલાં જોઈએ, જ્યાં જોઈએ ત્યાં મળી રહે. એ પૅરિશેબલ ફૂડ હોવાથી એનો વેસ્ટેજ પણ સૌથી વધુ થાય છે. માર્કેટમાં લાવ્યા બાદ ચારથી પાંચ દિવસમાં એ સડવા લાગે છે. તમે ઘરે ટમેટાં ખરીદીને લાવો અને ફ્રિજમાં રાખો તો પણ એ પાંચથી છ દિવસ બાદ ખરાબ થવાનું ચાલુ થઈ જાય છે. એટલે મેં ટમેટાંના પાકની લણણી પછીના વેસ્ટેજમાંથી લેધર બનાવવાની શરૂઆત કૉલેજ-પ્રોજેક્ટ તરીકે કરી હતી. પછી અમે થોડું રિસર્ચ કરીને આ પ્રૅક્ટિકલી કેટલું પૉસિબલ છે તથા એની શેલ્ફ-લાઇફ અને પ્રોસેસિંગ વિશે અઢળક પ્રયોગો કર્યા. ટમેટાંની છાલ અને બીજમાં રહેલાં પેક્ટિન અને કુદરતી ફાઇબર્સનો ઉપયોગ કરીને મજબૂત મટીરિયલ બનાવી શકાય એ ખબર પડતાં હું આગળ વધ્યો. લેધરને બનતાં બે વર્ષ લાગ્યાં. જ્યારે લેધર બનીને તૈયાર થયું ત્યારે એક્સપરિમેન્ટ માટે માર્કેટમાં ચારથી પાંચ જણને દેખાડ્યું અને તેમને આ કન્સેપ્ટ ગમ્યો. મને એક્સપાન્ડ કરવાની ઇચ્છા થઈ પણ એ સમયે કોરોનાવાઇરસના પ્રકોપને લીધે અમારા બિઝનેસને બે વર્ષ માટે હોલ્ડ કરી નાખ્યો. એ દરમિયાન મેં કમર્શિયલ લેવલ પર લાવવા અને બિઝનેસને સસ્ટેન કરવા શું કરવું જોઈએ એના પર કામ કર્યું અને ૨૦૨૧ના અંતથી મેં મારા બિઝનેસની નવી શરૂઆત કરી.’
નૉર્મલ લેધર કરતાં કેટલું સારું?
માર્કેટમાં મળતા ઓરિજિનલ ઍનિમલ લેધર સાથે સરખામણી કરતાં બાયોલેધર કેટલું સારું છે એના વિશે વાત કરતાં પ્રીતેશ કહે છે, ‘જો આપણે માર્કેટમાં મળતા સારી ક્વૉલિટીના ઓરિજિનલ લેધર મટીરિયલ સાથે સરખામણી કરીએ તો બાયોલેધર એટલે કે ટમેટાંમાંથી બનાવેલા લેધરના અઢળક ફાયદાઓ છે.
એનો સૌથી મોટો અને મુખ્ય ફાયદો એ છે કે બાયોલેધર બનાવવા માટે કોઈ જીવહત્યા થતી નથી. અમારા લેધરને શાઇન આપવા માટે PU એટલે પૉલિયુરિથીન અને PVC પૉલિવિનાઇલ ક્લોરાઇડ આ બન્ને પ્રકારના પ્લાસ્ટિકમાંથી કોઈ જાતનું પ્લાસ્ટિક યુઝ થતું નથી.
પ્યૉર લેધર શાઇની ન હોય પણ શાઇની ફિનિશિંગ આપવા માટે ઘણી બ્રૅન્ડ્સ લેધર પર પ્લાસ્ટિકનું કોટિંગ કરે છે, જેને લીધે એ શાઇની ઇફેક્ટ આપે પણ એને બદલે વૅક્સ કોટિંગ કરીને લેધરને શાઇની ફિનિશ આપી શકાય છે. આ ઑપ્શન પણ ઇકો-ફ્રેન્ડ્લી છે.
પાણીના વપરાશમાં પણ જમીન-આસમાનનો ફરક છે. લેધર બનાવવાની પ્રોસેસમાં ટૅનિંગ કરતી વખતે જનરલી બહુ જ પાણી જોઈએ, પણ મારા લેધરમાં પાણીનો વપરાશ ૯૦ ટકા જેટલો ઓછો છે એટલે કે નહીં જેવું જ પાણી વપરાય છે. જ્યારે મેં કંપની બનાવી ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે કોઈ પ્રાણીને કે પર્યાવરણને નુકસાન ન થાય, લોકોને મદદ કરી શકાય એવી બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ વિકસાવવી છે. આજે પ્રોડક્ટ બનાવી અને પછી એ પર્યાવરણમાં જ ભળી જાય.’
લેધર બનવાની રોલર-કોસ્ટર રાઇડ
વર્ષમાં સરેરાશ ૧૫થી ૨૦ ટકાનો પ્રૉફિટ કરતા બિઝનેસમાં પ્રીતેશ સાથે ૧૫થી ૧૭ લોકો જોડાયેલા છે. લેધરને બનાવવા માટે એનું વિવિધ જગ્યાએ પ્રોસેસિંગ થાય છે. એક જ ચીજ કેવી રીતે પ્રોસેસ થઈને આગળ વધે છે એની રોલર-કોસ્ટર પ્રોસેસ વિશે જણાવતાં પ્રીતેશ કહે છે, ‘બાયોલેધરને વિકસાવવા માટે અલગ અલગ જગ્યાએ સેટઅપ કર્યા છે. લેધર બનાવવા માટે સૌથી જરૂરી ટમેટાં હું આંધ્ર પ્રદેશના ખેડૂતો પાસેથી મગાવું છું, કારણ કે આ જગ્યાએ ટમેટાંનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. પછી પ્રોસેસિંગ માટે રાજકોટ મોકલી દઉં, રાજકોટથી સુરત આવે અને પછી ફિનિશિંગનું કામ વસઈમાં થાય અને ફાઇનલ ફિનિશિંગ માટે ચેન્નઈ મોકલવામાં આવે. અમારો બિઝનેસ ફૅબ્રિક સુધી જ લિમિટેડ છે એટલે અમે સીધા ફૅબ્રિક જ સેલ કરીએ. કોઈ મોટો ઇન્ટરનૅશનલ ઑર્ડર આવે તો ચેન્નઈથી જ ડિસ્પૅચ કરી દેવામાં આવે, પણ નાના-મોટા ઑર્ડર માટે હું મારી પાસે વસઈમાં સ્ટૉક રાખું છું.’
અલગ-અલગ જગ્યાએ પ્રોસેસ થઈને પ્રોડક્ટ બને તો એને મૅનેજ કરવું કેટલું પડકારજનક છે એ પ્રશ્નનો જવાબ આપતાં પ્રીતેશ કહે છે, ‘ઍક્ચ્યુઅલી મારી પાસે ઑપ્શન જ નથી. શરૂઆતથી લઈને અંત સુધીમાં ઘણું પ્રોસેસિંગ થાય છે. દરેકની પદ્ધતિ, મશીનરી અને સેટઅપ તદ્દન જુદાં છે તો અત્યારે એ જ જગ્યાએ બધું વસાવવું પરવડે એમ નથી. ઉદાહરણ તરીકે અમે ચેન્નઈમાં જે ફાઇનલ ફિનિશિંગ કરાવીએ છીએ એમાં ફૅબ્રિકને ટેક્સ્ચર આપવું પડે. જો હું પોતે આ કામ કરું તો એક ટેક્સ્ચરની પ્લેટની કિંમત ત્રણ લાખ રૂપિયા છે. હું એક જ લઈ શકું અને એમાં વરાઇટી આપી શકું નહીં પણ હું ચેન્નઈમાં આ કામ કરાવું છું. તેમની પાસે ૨૦૦૦ કરતાં વધુ પ્લેટ્સ છે અને એને કારણે વધારે ટેક્સ્ચરમાં વધારે વરાઇટી આપી શકાય.’
પ્રાઇસ-ફૅક્ટર
લેધરની કિંમત વિશે વાત કરતાં પ્રીતેશ કહે છે, ‘મેં એ રીતે સિસ્ટમ ગોઠવી છે કે મારું લેધર નૉર્મલ લેધર જેટલી જ કિંમતનું વેચું છું. લેધરમાં ઘણી ક્વૉલિટી આવે છે. એમાં જે સૌથી સારી ક્વૉલિટીનું હાઈ-એન્ડ લેધર આવે એ પ્રાઇસમાં તમને મારું લેધર મળી જાય. એક સ્ક્વેર ફીટ લેધર હું ૬૦થી ૬૫ રૂપિયામાં વેચું છું.’
માર્કેટના રિસ્પૉન્સ વિશે વાત કરતાં પ્રીતેશ કહે છે, ‘બાયોલેધર ઇન્ડિયા માટે ઘણો નવો કન્સેપ્ટ છે. ઘણા લોકોને એ હજમ નથી થતું કે બાયોલેધર ઇન્ડિયામાં બને છે. તેમને એવું લાગે કે વિદેશથી ફૅબ્રિક મગાવીને અહીં વેચવાની કોશિશ કરે છે. તેથી મેં મારા લેધર પ્રોસેસિંગના ફોટો રાખ્યા છે. તેમને દેખાડું ત્યારે વિશ્વાસ બેસે કે આ લેધર ભારતનું છે. જે ઇન્ડિયન લોકો મારી પ્રોડક્ટને ખરીદે એ પણ યુરોપ અને USમાં રહેતા હોય છે. ટૂંકમાં અત્યારે મારો બેઝ વિદેશમાં બન્યો છે એટલે આ બન્ને દેશની સાથે મિડલ ઈસ્ટના દેશોમાં મારો બિઝનેસ એક્સપાન્ડ કરી રહ્યો છું. ધીરે-ધીરે એની ડિમાન્ડ વધી રહી છે. ભારતમાં મારે ધંધો કરવો છે, પણ એ માટે જાગરૂકતા જોઈશે. લોકોને વિશ્વાસ નથી થતો કે ટમેટાંમાંથી લેધર બને છે. હું અત્યારે એક દિવસમાં ૨૦૦૦ મીટર લેધર બનાવી શકું છું. ધીરે-ધીરે ડિમાન્ડ વધશે એમ બિઝનેસ એક્સપાન્ડ કરીશ. સરકાર જો મારા બિઝનેસને પ્રોત્સાહન આપશે અથવા લોકો સુધી મારી પ્રોડક્ટને પહોંચાડવામાં મદદ કરશે તો વાત બની શકે, કારણ કે જો મારી પ્રોડક્ટ પૉપ્યુલર થશે તો પર્યાવરણને બચાવશે, પ્રાણીઓને બચાવશે, પાણી બચાવશે, ખેડૂતો માટે નવી ઇન્કમ ઊભી થશે. અત્યારે તેમને ટમેટાંના ભાવ ૧૦ રૂપિયા પણ નથી મળતા. અત્યારે કાનપુરમાં લેધર પ્રોસેસિંગ થયા પછી પાણી ગંગા નદીમાં છોડાય છે અને એ પ્રદૂષિત થાય છે. જો એની જગ્યા બાયોલેધર લે તો ગંગામાં જતું આ પ્રદૂષણ અટકશે. બિઝનેસ અને સ્ટાર્ટઅપ્સને જેટલો સપોર્ટ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળે છે એટલો ઉત્તર પ્રદેશમાં મળતો નથી અને ગુજરાતી થઈને ગુજરાતમાં ઇન્વેસ્ટ નહીં કરીએ તો ક્યાં કરીએ? ગુજરાતને સિલેક્ટ કરવાનું બીજું રીઝન એ પણ હતું કે હું મુંબઈ રહું છું તો મને ગુજરાત અપડાઉન કરવું સારું પડે.’
લેધરની કોઈ સ્પેસિફિક કૅર કરવી પડે? એવો સવાલ પૂછતાં પ્રીતેશ જણાવે છે, ‘તમે બાયોલેધરને નૉર્મલ લેધરની જેમ ટ્રીટ કરી શકો છો. એની કોઈ એક્સ્ટ્રા કૅર કરવાની જરૂર નથી. મશીન વૉશ, ડિટર્જન્ટમાં વૉશ કરી શકાય.’
બાકી ચીજોમાંથી પણ લેધર બને?
ટમૅટો ઉપરાંત અમે મૅન્ગોમાંથી લેધર બનાવ્યું છે એમ જણાવતાં પ્રીતેશ કહે છે, ‘કેરી સારી દેખાશે તો જ વેચાશે. તેથી એની પોસ્ટ-હાર્વેસ્ટ કૉસ્ટ ૪૦થી ૪૫ ટકા જેટલી હોય છે. કોઈ પક્ષી આવીને સારા પાકેલા આંબા પર ચાંચ મારી ગયું કે કોઈ કીડાએ એક બાઇટ લઈ લીધી તો એવી કેરી વેસ્ટ જ જવાની છે. આવી કેરીમાંથી લેધર બનાવવામાં અમને સક્સેસ મળી હોવાથી હવે ઍપલમાંથી બનાવી રહ્યા છીએ. ઍક્ચ્યુઅલી એવું નથી કે ટમેટાં કે આંબામાંથી જ ફૅબ્રિક બને. કોઈ પણ શાકભાજી કે ફ્રૂટમાંથી લેધર બની શકે, પણ એના માટે સ્પેસિફિક કૉમ્પોનન્ટ્સ અને સૉલ્યુશનવાળો પાઉડર આવે. એ હોય તો તમે ઇકો-ફ્રેન્ડ્લી લેધર બનાવી શકો. પાઇનૅપલ, ઑરેન્જ પીલ, ગ્રેપ્સ જેવી શાકભાજી લૅબમાં ઇન્વેસ્ટિગેટ થઈ રહી છે કે એમાંથી લેધર બની શકશે કે નહીં. એને પ્રિઝર્વ કરવામાં કેટલો ખર્ચ આવે અને કેટલા સમય સુધી એ સારી રહી શકે એના પર રિસર્ચ થઈ રહ્યું છે.’
એન્જિનિયર કેમ બન્યો?
બિઝનેસ-ફૅમિલીનું બૅકગ્રાઉન્ડ ધરાવતા પ્રીતેશના પપ્પા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. તેમની ફર્મ છે. અત્યારે તેનો નાનો ભાઈ ભણે છે અને ભવિષ્યમાં તેને પપ્પાના કામમાં જોડાવાની ઇચ્છા છે અને મમ્મી હોમમેકર છે. ફૅમિલી-બિઝનેસ હોવા છતાં એન્જિનિયરિંગ ફીલ્ડ શા માટે સિલેક્ટ કર્યું એ સવાલનો જવાબ આપતાં પ્રીતેશ કહે છે, ‘મને CAનું કામ આવડતું નહોતું અને મને રસ પણ નહોતો. હું નાનો હતો ત્યારથી જ મને સાયન્સમાં વધુ રસ હતો. ઘરમાં મેં નાનકડી લૅબ વિકસાવી હતી. નાના-મોટા એક્સપરિમેન્ટ કરતો. એન્જિનિયરિંગ લીધા પછી હું બહાર એક્સપરિમેન્ટ કરાવું છું. નાનપણથી જ મારે બિઝનેસ કરવો હતો, પણ એવો બિઝનેસ જેમાં પર્યાવરણને નુકસાન ન થાય અને આમાં જોડાતા લોકોને ફાયદો થાય. આગળ જતાં બાયોલેધર ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ બનાવવી છે. ઇનોવેટર્સ ફેલ્યરથી જ બનતા હોય છે તેથી સક્સેસફુલ સ્ટાર્ટઅપ કે ઇનોવેશન કરતા લોકોનું હારથી હારી જવાને બદલે આવું શા માટે થયું, કેવી રીતે થયું, સૉલ્વ કેવી રીતે કરી શકાય આ બધી ચીજો પર ફોકસ હોય છે. તો એનું સૉલ્યુશન મળી જાય તો નાની-નાની જીત તમને સક્સેસ સુધી જરૂર લઈ જાય છે.’