06 November, 2025 12:48 PM IST | Mumbai | Darshini Vashi
ડાન્સ-ગ્રુપ
માણસમાં રહેલી પ્રતિભા તેને ગમે ત્યારે વળતર આપે જ છે. આ વળતર હંમેશાં રૂપિયામાં જ હોય એ જરૂરી નથી. સમાજમાં માન અને પ્રતિષ્ઠા, અજાણ્યાઓના આશીર્વાદ, ઢગલાબંધ પારિતોષિક એ પણ એક પ્રકારનું વળતર જ છે. આવું જ વળતર અત્યારે બોરીવલીમાં રહેતાં નેહા દેસાઈને મળી રહ્યું છે જેને મેળવીને તેઓ ખૂબ જ ખુશ છે. આજથી પાંચ વર્ષ પહેલાં તેમને ખબર પણ નહોતી કે તેમની ભરતનાટ્યમમાં બીજી ઇનિંગ્સ તેમને અને તેમના જેવી બીજી અનેક હોમમેકર્સને સમાજમાં જ નહીં પરંતુ વૈશ્વિક કક્ષાએ ખ્યાતિ અપાવશે.
ભરતનાટ્યમમાં વિશારદ
હું આઠમા ધોરણમાં હતી ત્યારે મારા પપ્પાના કહેવા પર મેં મારી સ્કૂલમાં ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું હતું એમ જણાવીને બાવન વર્ષનાં નેહા દેસાઈ કહે છે, ‘મારા પેરન્ટ્સને ખબર હતી કે મને નૃત્યનો શોખ છે એટલે તેમણે મને એમાં ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. ભણતરની સાથે હું ભરતનાટ્યમ પણ કરતી. આમ હું ૭ વર્ષ સુધી શીખી અને ૧૯૯૬માં એમાં વિશારદ થઈ. જોકે એ સમયે ખાસ કરીને ગુજરાતી ઘરની છોકરીઓ ક્લાસિકલ ડાન્સના ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું વિચારતી નહોતી. મેં પણ એવું જ કર્યું. મને ભણવાનો શોખ હતો એટલે મેં કેમિસ્ટ્રીમાં MSc કર્યું. મારાં મમ્મી-પપ્પા બન્ને સ્કૂલમાં ટીચર હતાં. પછી હું પણ સ્કૂલમાં કેમિસ્ટ્રી ટીચર તરીકે જોડાઈ ગઈ અને ૨૦ વર્ષ સુધી થોડાં વર્ષ ગુજરાત અને મુંબઈમાં નોકરી કરી. અહીં મેં ૨૦૦૫થી ૨૦૧૬ સુધી ગોરેગામની કૉલેજમાં ટીચર તરીકે સેવા આપી. આ જ અરસામાં મારાં સાસુ બહુ બીમાર પડી ગયાં એટલે તેમની દેખભાળ કરવા માટે નોકરી મૂકી દેવી પડી.’
નવી દિશા બતાવી
પહેલાં નોકરી અને ઘરની જવાબદારીઓને લીધે હું સમાજના કોઈ કાર્યક્રમમાં જઈ શકતી નહોતી, પરંતુ ૨૦૧૬ બાદ સમાજના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતી થઈ એમ જણાવતાં નેહા દેસાઈ કહે છે, ‘૨૦૧૯ની વાત છે. ત્યારે હું ૪૭ વર્ષની હતી. ત્યારે અમારા અનાવિલ સમાજનો નવરાત્રિનો કાર્યક્રમ હતો. એમાં મને કહેવામાં આવ્યું કે મારે સમાજની મહિલાઓને સાથે લઈને નૃત્યનો એક કાર્યક્રમ રજૂ કરવાનો છે. મેં ડાન્સમાં રસ ધરાવતી કેટલીક મહિલાઓને ભેગી કરી જેઓ નૃત્ય શીખી નહોતી છતાં તેમને એમાં રસ હતો. મેં તેમને પહેલાં ડાન્સનાં સ્ટેપ્સથી લઈને હાવભાવ વગેરે શીખવ્યું. આ મહિલાઓ ૪૦ વર્ષની ઉપરની હતી એટલે તેમને કૅચઅપ કરવામાં સમય ગયો, છતાં ખૂબ સરસ રીતે તેઓ શીખી ગઈ અને અમે સુંદર કાર્યક્રમ રજૂ કર્યો જે બધાને બહુ ગમ્યો. અમારો આ પર્ફોર્મન્સ ખૂબ જ હિટ ગયો. નવરાત્રિ પૂરી થઈ પછી આ બહેનો આવીને મને કહેવા લાગી કે હવે અમે શું કરીએ, આવતી નવરાત્રિ સુધી અમારે અમારી પ્રતિભા બતાવવા માટે રાહ જોવી પડશે, એના કરતાં તમે અમને કંઈક ને કંઈક શીખવતાં રહો. એટલે પછી અમે બધી બહેનો ગાર્ડનમાં કે પછી જ્યાં જગ્યા મળે ત્યાં ડાન્સની પ્રૅક્ટિસ કરવા લાગી.’
કલા 88 ગ્રુપનું નિર્માણ
ડાન્સ ક્ષેત્રે બીજી ઇનિંગ્સ શરૂ થઈ ત્યાં કોરોના આવ્યો અને ફરી બ્રેક લાગી ગઈ, પરંતુ બે વર્ષ બાદ એટલે કે ૨૦૨૨ની આસપાસ નેહાબહેન ભરતનાટ્યમનાં જે વિશારદને ફૉલો કરતાં હતાં તેમણે એક પોસ્ટ કરી કે ઑલ ઇન્ડિયા લેવલ પર અમે એક ડાન્સ કૉમ્પિટિશન યોજી રહ્યા છીએ. નેહા દેસાઈ કહે છે, ‘મને થોડું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એટલે મેં બહેનોને વાત કરી. તેમણે પણ રસ બતાવ્યો. છતાં હજી મને અમુક બહેનો ઘટતી હતી એટલે હું જે NGOમાં બાળકોને ભણાવવા જતી ત્યાંના કેટલાક ટીચર્સને મેં સમજાવ્યા અને મારા ગ્રુપમાં લીધા. આમ મેં ૯ જણની ટીમ તૈયાર કરી અને અમે કૉમ્પિટિશનમાં ભાગ લીધો. ભરતનાટ્યમ શીખતાં વર્ષો લાગે છે, પણ મેં તે બહેનોને ભરતનાટ્યમનાં બેઝિક સ્ટેપ્સ શીખવ્યાં જેનું તેમને કોઈ નૉલેજ નહોતું. ખૂબ જ ઓછા સમયની અંદર મેં તેમને મુદ્રાથી લઈને હાવભાવ બધું શીખવ્યું. આ કૉમ્પિટિશનમાં અમે ટૉપ આવ્યા. ત્યાર બાદ અમારામાં કૉન્ફિડન્સ ખૂબ વધ્યો. પછી તો અમને ઇન્ટરનેટ પર જ્યાં કોઈ કૉમ્પિટિશન દેખાતી એમાં અમે ભાગ લેવા માંડ્યા. હવે અમે બધા કૉમ્પિટિશનમાં તો જઈએ, પણ અમારા ગ્રુપને શું કહીને સંબોધીએ એ બધાને પ્રશ્ન થતો હતો. બહેનોએ મને કહ્યું તમે જ કોઈ નામ સજેસ્ટ કરો. પછી અમારા ગ્રુપનું નામ કલા 88 નક્કી કર્યું. કલા એટલે આર્ટ અને 88 એ મારી બર્થ-ડેની તારીખ સાથે મેળ ખાતો આંકડો છે. મારી જન્મતારીખ છે ૮ ઑગસ્ટ એટલે કે તારીખ પણ ૮ અને મહિનો પણ ૮.’
સ્વખર્ચે જ બધું કરીએ
અમે આજ સુધી કૉમ્પિટિશનમાં ભાગ લેવા માટે કોઈ સંસ્થા કે ગ્રુપ સમક્ષ સ્પૉન્સરશિપ માટે દરખાસ્ત લઈને ગયા નથી એમ જણાવીને નેહા દેસાઈ કહે છે, ‘અમે આજ સુધીમાં જેટલી કૉમ્પિટિશનમાં ભાગ લીધો એનો તમામ ખર્ચ ગ્રુપના સદસ્યો પોતે જ કરે છે. ઘણી વખત ખર્ચો એટલો વધી જાય છે કે અમારા કેટલાક સભ્યો કૉમ્પિટિશનમાં ભાગ પણ લઈ શકતા નથી. એનો દાખલો આપું તો એક વખત અખિલ નટરાજ સાંસ્કૃતિક સંઘે નૅશનલ અને ઇન્ટરનૅશનલ ડાન્સ કૉમ્પિટિશન રાખી હતી. એના પહેલા રાઉન્ડમાં અમે ૯ જણે મળીને ગરબો કર્યો હતો. એમાં અમે આગળના રાઉન્ડમાં પહોંચ્યા જે ઇન્ટરનૅશનલ રાઉન્ડ હતો. એના માટે અમારે ગોવા જવાનું હતું. અમને સ્પૉન્સર કરનારું કોઈ નહોતું એટલે અમારે ગાંઠના પૈસા કાઢીને ગોવા જવાનો ખર્ચ કાઢવાનો હતો એટલે ઘણા તૈયાર ન થયા. ત્યાં ત્રણ-ચાર દિવસ રહેવાનું આવે એટલે સ્વાભાવિક રીતે ગોવામાં રહેવાનો, જમવાનો વગેરે ખર્ચ દરેક હાઉસવાઇફ ઉપાડી શકતી નથી. હવે અમારી ટીમમાં માત્ર પાંચ જણ જ બચ્યા હતા જેમાં ૩ એકદમ નવા જ હતા એટલે તેમની સાથે ટીમ બનાવીને અમારે પર્ફોર્મન્સ આપવાનો હતો. છતાં અમે જેટલા હતા એટલા ગોવા જવા રેડી થયા. ત્યાં અમે ભરતનાટ્યમ બેઝ પર સેમી-ક્લાસિકલ ડાન્સનો પર્ફોર્મન્સ આપ્યો હતો. આટલા ઓછા હોવા છતાં આ કૉમ્પિટિશનમાં અમે રનર-અપ આવ્યા જે અમારા માટે વર્લ્ડ ચૅમ્પિયન બનવા કરતાં ઓછું નહોતું. આ કૉમ્પિટિશન બાદ અમને સારીએવી લોકપ્રિયતા મળી. ધીરે-ધીરે લોકો અમને જાણતા થયા. એવી જ રીતે ધીરે-ધીરે આ ગ્રુપમાં વધુ ને વધુ મહિલાઓ પણ જોડાતી ગઈ. પહેલાં ગ્રુપમાં માત્ર ૯ મહિલાઓ હતી જે હવે ૩૫ થઈ ગઈ છે. મારા ગ્રુપમાં જેટલી પણ મહિલાઓ છે તે લગભગ ૪૦ વર્ષ ઉપરની છે અને મહત્તમ મહિલા ગ્રુપ-સભ્યની ઉંમર ૬૦ વર્ષ છે. આ તમામ મહિલાઓ હાઉસવાઇફ છે જેમને આ ડાન્સ-ગ્રુપ દ્વારા ઊડવાની પાંખો મળી છે. અત્યાર સુધીમાં અમારા ગ્રુપને ઑલ ઇન્ડિયા ડાન્સ કૉમ્પિટિશન, આંતરરાષ્ટ્રીય ડાન્સ કૉમ્પિટિશન, કલા ગુર્જરી સહિત બીજી અનેક કૉમ્પિટિશનમાં ભાગ લઈને છેલ્લાં બે વર્ષમાં ૧૫થી વધુ અવૉર્ડ મળ્યા છે.’