19 November, 2025 06:43 AM IST | Mumbai | Heena Patel
ચેસ ટુર્નામેન્ટમાં નેક્સ્ટ મૂવ વિશે વિચારી રહેલો અવીર
ખેલાડીઓમાં સ્પોર્ટ્સમૅનશિપ, ટૅલન્ટ અને કમ્યુનિટી સ્પિરિટને પ્રોત્સાહિત કરતો ખાસદાર ક્રીડા મહોત્સવ 2025 ઉત્તર મુંબઈમાં ચાલી રહ્યો છે જેમાં હજારો ખેલાડીઓને તેમની પ્રતિભા દેખાડવાનો મોકો મળી રહ્યો છે અને આગળ જઈને નૅશનલ-ઇન્ટરનૅશનલ લેવલ રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એવામાં કાંદિવલીમાં રહેતા અને ચિલ્ડ્રન્સ ઍકૅડેમી સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણતા અવીર શાહે ચેસ ટુર્નામેન્ટમાં અન્ડર-7ની કૅટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અવીરની આ ઉપલબ્ધિ બદલ પ્રમોદ મહાજન સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન અને નૉર્થ મુંબઈના સંસદસભ્ય પીયૂષ ગોયલે તેનું સન્માન કર્યું હતું. આ ટુર્નામેન્ટ ૧૬ નવેમ્બરે રવિવારે જ થઈ હતી.
અવીરનું કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે સન્માન કર્યું હતું
આ રીતે થયેલી શરૂઆત
અવીરે ચેસ રમવાની શરૂઆત કઈ રીતે એ વિશે વાત કરતાં તેનાં મમ્મી દેવાંશી શાહ કહે છે, ‘૨૦૨૩ની શરૂઆતની વાત છે. મારા હસબન્ડ નિરલ ઑનલાઇન ચેસ રમતા હતા. એ જે રીતે ચેસ રમી રહ્યા હતા એને અવીર ખૂબ રસ લઈને જોઈ રહ્યો હતો. તે તેમને કુતૂહલથી એક પછી એક પ્રશ્ન પછી રહ્યો હતો કે આ કેમ વન સ્ટેપ ફૉર્વર્ડ જ ચાલે? આ કેમ એલ શેપમાં જ ચાલે? આ કેમ ત્રાંસું જ ચાલે? એમ કરતાં-કરતાં તેણે ચેસની બધી જ બેઝિક માહિતી તેમની પાસેથી મેળવી લીધી. એ જોઈને અમને પણ લાગ્યું કે અવીરને ચેસમાં આગળ વધારવો જોઈએ. અમે હજી વિચારતાં જ હતાં ત્યાં અમારા બિલ્ડિંગમાં જ અવીરની ઉંમરની એક છોકરી હતી. તેનાં મમ્મી પણ તેની દીકરીને એક સર પાસેથી ચેસ શિખવાડવાનું વિચારી રહ્યાં હતાં. એટલે પછી અવીરે પણ એ સર પાસેથી ચેસ શીખવાનું શરૂ કર્યું. એક મહિનો જેવું થયા બાદ એ સરે જ કહ્યું કે અવીરમાં આગળ વધવાનો ઘણો સ્કોપ છે. તે ખૂબ નાની ઉંમરથી જ આ ગેમને સારી રીતે સમજી શકે છે. એટલે પછી વધુ પ્રોફેશનલ ટ્રેઇનિંગ માટે અમે અવીરને ચેકમેટ ઍકૅડેમીમાં મોકલ્યો. એમાં તેણે જય પ્રધાન સર પાસે દોઢ વર્ષ ટ્રેઇનિંગ લીધી. ગેમમાં આગળ વધવું હોય તો એક કોચથી બીજા કોચની અન્ડર ટ્રેઇનિંગ લેવા માટે જમ્પ કરવું જ પડે. એટલે છેલ્લા છ મહિનાથી તે બ્રિલિયન્સ ચેસ ઍકૅડેમી થ્રૂ ઑનલાઇન પર ઋષભ ચોપડા સર પાસેથી વન-ઑન-વન કોચિંગ લઈ રહ્યો છે.’
ધગશથી વધી રહ્યો છે આગળ
અવીર મમ્મી દેવાંશી અને પપ્પા નિરલ સાથે
ચેસને લઈને અવીરમાં ખૂબ જ ડેડિકેશન છે. એ વિશે વાત કરતાં તેનાં મમ્મી કહે છે, ‘અવીરનું અત્યારથી જ પાક્કું છે કે તેને ચેસમાં આગળ વધવું છે. તે ઘણી ધગશ પણ દેખાડી રહ્યો છે. તેને કંટોળો જરાય ન આવે. તેનું એવું નથી કે આજે ગમે અને કાલે ન ગમે. સર જે પણ ચેસ પઝલ્સ અને મિની ગેમ્સ કરવાનું કહે એની તે પ્રૅક્ટિસ કરે. મહિનામાં ચાર રવિવારમાંથી બેથી ત્રણ રવિવારે તો અમે તેને કોઈ ને કોઈ ચેસ ટુર્નામન્ટમાં લઈ જઈએ. એ માટે સવારે જલદી ઊઠવું, બ્રેકફાસ્ટનો ટાઇમ રહ્યો ન હોય તો બ્રેડ-બટર ખાઈને પણ ચલાવી લેવું, ટ્રાવેલ કરવું બધી જ વસ્તુ તે કરી લે. ટુર્નામન્ટમાં હાર-જીત થતી હોય, પણ તે બેસીને રડે નહીં. અગાઉ તે ટુર્નામેન્ટમાં હારીને આવતો ત્યારે તેને એ ખબર નહોતી પડતી કે તે શા માટે હારી ગયો? પણ છેલ્લા થોડા સમયથી તેની એ સમજ ડેવલપ થઈ છે કે એ મૅચમાં તેણે કયું ખોટું મૂવ લીધું અને એ કારણે તે હારી ગયો. હવે તેને પોતાની મિસ્ટેક પણ ખબર પડે છે અને એ પણ ખબર પડે છે કે એને ટૅકલ કરવા માટે નેક્સ્ટ ટાઇમ શું કરવાનું છે. તેનો ફેવરિટ વર્લ્ડ ચેસ પ્લેયર મેગ્નલ કાર્લસન છે અને ઇન્ડિયન ચેસ પ્લેયરમાં તેને અર્જુન એરિગેસી ગમે છે.’
ચેસથી સ્વભાવમાં આવ્યો બદલાવ
અવીરના ડેઇલી રૂટીન અને સ્વભાવ વિશે વાત કરતાં તેનાં મમ્મી કહે છે, ‘અવીરને મેં બહુ જ ઇન્ડિપેન્ડન્ટ બનાવ્યો છે. સવારે ઊઠીને તે જાતે જ રેડી થઈ જાય. બ્રેકફાસ્ટ કરીને સૌથી પહેલાં તેનું હોમવર્ક પૂરું કરે. અવીર ભણવામાં પણ સારો છે. ગણિત તેનો મનપસંદ વિષય છે. હોમવર્ક બાદ સમય બચે એમાં ઑનલાઇન ચેસની ગેમ્સ રમે. ત્યાં સુધીમાં તેનો સ્કૂલ જવાનો સમય થઈ જાય એટલે જમીને નીકળી જાય. સાંજે ઘરે આવીને થોડો સમય માટે તે સાઇક્લિંગ કરવા જાય. ઘરે આવીને ડિનર કરે અને પછી ચેસના ક્લાસ અટેન્ડ કરે. જે દિવસ ક્લાસ ન હોય એ દિવસે મારા હસબન્ડ સાથે બેસીને તે ઑનલાઇન ચેસ ટુર્નામેન્ટ જુએ અને ગેમ્સની સ્ટ્રૅટેજિસ શીખે. ચેસને કારણે તેનામાં ઘણા સારા બદલાવ પણ આવ્યા છે. અવીર બહુ જ ઍક્ટિવ ચાઇલ્ડ છે. પાંચ મિનિટ પણ તે શાંતિથી ન બેસે. કૂદકા જ મારતો રહેતો હોય. ચેસ રમવાનું શીખ્યું છે ત્યારથી તે શાંતિથી બેસે છે. તેનું ફોકસ પણ સુધર્યું છે. તેની વિચારક્ષમતા પણ વધી છે. તેણે આસપાસની વસ્તુઓ નોટિસ કરવાનું શરૂ કર્યું છે. ઘરમાં કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી હોય તો એ શા માટે ત્યાં મૂકી એ પાછળનું એ કારણ સમજે છે. તેની ઉંમરનાં બીજાં બાળકોની સરખામણીમાં તેની સમજ પણ વધારે વિકસેલી છે.’
આગળ શું કરવું છે?
અવીરના પપ્પા નિરલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર છે, જ્યારે દેવાંશી પણ એક કૉર્પોરેટ જૉબ કરતાં હતાં પણ અવીરની ચેસ કરીઅર માટે તેમણે છેલ્લા દોઢ વર્ષથી બ્રેક લીધો છે. અવીરના ફ્યુચર ગોલ વિશે વાત કરતાં તેનાં મમ્મી કહે છે, ‘અવીર ઇન્ટરસ્કૂલ લેવલ પર અને ચેસ ઍકૅડેમી દ્વારા આયોજિત થતી કે મુંબઈ લેવલની અંદાજે ૨૫થી વધુ ટુર્માનેમ્ટમાં ભાગ લઈ ચૂક્યો છે અને એમાંથી ઘણી ટુર્નામેન્ટમાં તે જીત્યો પણ છે. આ વર્ષે મેં મહિનામાં ચેસની ડિસ્ટ્રિક્ટ લેવલની ટુર્નામેન્ટમાં તેણે ફર્સ્ટ ટાઇમ પાર્ટિસિપેટ કર્યું હતું, પણ તે ત્રીજા નંબરે આવ્યો હતો. ૨૦૨૬ના એન્ડ સુધીમાં અમે તેના માટે એક ગોલ સેટ કર્યો છે કે તે આવતા વર્ષે ડિસ્ટ્રિક્ટથી સ્ટેટ અને સ્ટેટથી નૅશનલ સુધી પહોંચે એટલી અમારે મહેનત કરવી છે. પૅરૅલલી તેની સાથે FIDEનું રેટિંગ પણ અચીવ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ. એ માટે અવીર ખૂબ જ મહેનત કરી રહ્યો છે. અમે તેને ઓપન ટુર્નામેન્ટમાં પણ મોકલીએ છીએ જેમાં તે તેનાથી મોટી ઉંમરના એટલે કે ૧૫-૨૦ વર્ષના ખેલાડીઓ સાથે ચેસ રમે. ઘણી વાર તે ડરી પણ જાય છે કે આ તો મારાથી બહુ મોટા છે, હું તેમની સામે કઈ રીતે રમીશ? તો ત્યારે અમે તેને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ચેસ શારીરિક નહીં, માનસિક ક્ષમતાની રમત છે. આ રમતને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. ખાસદાર ક્રીડા મહોત્સવ જેવી મહત્ત્વની સ્પોર્ટ ઇવેન્ટમાં જીત મેળવવી એ અવીર માટે એક મોટી સિદ્ધિ છે અને એ તેને ચેસમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે.’