16 August, 2026 07:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજેન્દ્ર ભાટિયા
મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ કરતા લોકો માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. હવે બજાર થોડું ઘટે એટલે ગભરાઈને પૈસા પાછા ખેંચી લેવાની જગ્યાએ લોકો પોતાનું રોકાણ ચાલુ રાખવા લાગ્યા છે. સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા નિયમિત રોકાણ કરવાની ટેવ વધી છે અને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરી શકાય છે એવી સમજ પણ વધી રહી છે. અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના નાણાકીય વર્ષ ૨૦૨૬ના વાર્ષિક અહેવાલનું આ તારણ છે.
માર્ચ ૨૦૨૬ સુધીમાં ભારતના મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની કુલ ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ (AUM) એટલે કે રોકાણ હેઠળની સંપત્તિ એક વર્ષમાં ૧૨ ટકા વધીને ૭૩.૭૩ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
બજારમાં ઉતાર-ચડાવ હોવા છતાં રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહ્યો એ વધુ મહત્ત્વની વાત છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમ્યાન મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં ૭.૩૬ લાખ કરોડ રૂપિયાનો નેટ ઇન્ફ્લો રહ્યો. વિદેશી રોકાણકારોએ ભારતીય શૅરબજારમાંથી ૧.૮૧ લાખ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા, પરંતુ એની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૮.૦૯ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. એમાં મ્યુચ્યુઅલ ફન્ડનો મોટો ફાળો હતો.
આ પરિવર્તન ખાસ કરીને SIPમાં જોવા મળે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમ્યાન SIP મારફત કરાતું રોકાણ વાર્ષિક ધોરણે ૩.૪૦ લાખ કરોડ રૂપિયાના નવા વિક્રમી સ્તરે પહોંચ્યું હતું. માર્ચ ૨૦૨૬માં SIP મારફત કુલ માસિક રોકાણ પ્રથમ વખત ૩૨,૦૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયું. સક્રિય SIP અકાઉન્ટ્સ પણ ૮.૧૧ કરોડથી વધીને ૯.૭૨ કરોડ થઈ ગયાં. એટલે કે વધુ ને વધુ લોકો દર મહિને નાની કે મોટી રકમ નિયમિત રીતે રોકાણ કરી રહ્યા છે.
રોકાણકારોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. મ્યુચ્યુઅલ ફન્ડ ફોલિયોની સંખ્યા વધીને ૨૭.૩૯ કરોડ થઈ છે. સાથે-સાથે ઇન્ડેક્સ ફન્ડ્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ જેવા ઓછા ખર્ચવાળા પૅસિવ રોકાણના વિકલ્પો પણ લોકપ્રિય બન્યા છે. અનિશ્ચિત વૈશ્વિક વાતાવરણ અને સોનાના વધતા ભાવને કારણે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF)માં પણ ૬૮,૮૬૮ કરોડ રૂપિયાનો વિક્રમી પ્રવાહ જોવા મળ્યો.
સૌથી સારો ફેરફાર તો રોકાણકારોના અભિગમમાં આવ્યો છે. હવે ઘણા રોકાણકારો SIPને પાંચ વર્ષથી વધુ સમય સુધી રહેવા દેવા લાગ્યા છે અને રોકાણ જલદીથી પાછું ખેંચી લેવાનું પ્રમાણ ઘટ્યું છે. નાણાકીય સલાહકારની મદદથી રોકાણ કરનારા લોકોમાં આ વલણ વધુ જોવા મળ્યું છે.
હાઇબ્રિડ અને મલ્ટી ઍસેટ ફન્ડ્સમાં વધતો રસ પણ દર્શાવે છે કે લોકો હવે વૈવિધ્યસભર રોકાણ કરવાનું પસંદ કરે છે. ડેટ ફન્ડ્સની AUM પણ વધીને ૧૬.૫૨ લાખ કરોડ થઈ ગઈ છે.
આ ઉદ્યોગની AUMમાં ૬૨ ટકાથી વધુ હિસ્સો રીટેલ રોકાણકારોનો છે. આમ રોકાણ હવે માત્ર મોટા રોકાણકારો પૂરતું મર્યાદિત રહ્યું નથી. સામાન્ય ભારતીય પણ ધીમે-ધીમે અને નિયમિત રીતે પોતાના ભવિષ્ય માટે સંપત્તિ ઊભી કરી રહ્યો છે.