મારી જ કૅસેટ, મારા જ રાઇટ્સ અને એમ છતાં નાટક બનાવ્યું કોઈક બીજાએ જ

25 October, 2021 01:16 PM IST  |  Mumbai | Sanjay Goradia

આ નાટકના ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ એમ ત્રણેત્રણ લૅન્ગ્વેજના રાઇટ્સ અમારી પાસે હતા અને એમ છતાં પરેશે રાઇટરને ડાયરેક્ટ કૉન્ટૅક્ટ કરી રાઇટ્સ લઈ લીધા અને અશોક પટોલેએ પણ પૈસાની લાલચમાં રાઇટ્સ આપી દીધા.

‘લાલી લીલા’થી હું પહેલી વાર પબ્લિસિસ્ટ બન્યો અને એની પબ્લિસિટીનું બધું કામ મેં સંભાળ્યું.

મને બહારથી ખબર પડી કે પરેશ રાવલ ‘પતિ નામે પતંગિયું’ નાટક ‘નૉટી ઍટ ફોર્ટી’ના નામે હિન્દીમાં કરે છે. આ નાટકના ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ એમ ત્રણેત્રણ લૅન્ગ્વેજના રાઇટ્સ અમારી પાસે હતા અને એમ છતાં પરેશે રાઇટરને ડાયરેક્ટ કૉન્ટૅક્ટ કરી રાઇટ્સ લઈ લીધા અને અશોક પટોલેએ પણ પૈસાની લાલચમાં રાઇટ્સ આપી દીધા.

હા, આવું મારી સાથે બની ગયું અને એ દુખદ ઘટના જીવનભર મને યાદ રહેવાની છે, કારણ કે એ કામ એવી વ્યક્તિએ કર્યું જેના પર મેં પૂરો વિશ્વાસ રાખ્યો હતો
અમારા નાટક ‘લાલી-લીલા’માં લાલી તરીકે દિશા વાકાણી અને લીલા તરીકે મોસમ ફાઇનલ થઈ. બજેટને ધ્યાનમાં રાખીને અમે નાટકમાં સ્ટાર લેવાને બદલે ઍક્ટર શોધવાનું શરૂ કર્યું હતું. બે લીડ પછી અમે ફાઇનલ કર્યાં જગેશ મુકાતી, અંબિકા રંજનકર, ડૉક્ટરના ઉમેરાયેલા નવા કૅરૅક્ટર માટે સંદીપ મહેતા અને લાલી-લીલા બન્ને બહેનોના ભાઈ તરીકે સૌનિલ દરુ. નાટક રૂપાંતર કરવાનું કામ અમે હરિન ઠાકરને સોંપ્યું, તો ડિરેક્ટર નક્કી જ હતો, વિપુલ મહેતા. હરિનભાઈએ મરાઠી નાટકનું અદ્ભુત અડેપ્ટેશન કર્યું એ વાતની કોઈ ના ન પાડી શકે, પણ મારે એક વાત કબૂલવી પડશે. હરિનભાઈ અને વિપુલ વચ્ચે કોઈ જાતનું કમ્યુનિકેશન નહોતું, એ બધું મારે જ કરવું પડતું. હરિનભાઈ મને કંઈ કહે તો મારે એ વિપુલને પહોંચાડવાનું અને વિપુલની જે ડિમાન્ડ હોય એ મારે હરિનભાઈને પહોંચાડવાની.
મને અત્યારે એક કિસ્સો યાદ આવે છે. 
નાટકની મેકિંગ-પ્રોસેસ બહુ અદ્ભુત હોય છે. ઘણી વાર એવું બને કે તમને કોઈ ચીજ ગમે નહીં અને તમારે સ્પૉન્ટેનિયસ લેવલ પર કામ કરવું પડે. મેં તમને કહ્યું એમ મરાઠી ‘લાલી લીલા’માં નહોતું એવું અમે એક ડૉક્ટરનું કૅરૅક્ટર ગુજરાતીમાં ઍડ કર્યું હતું. એ ડૉક્ટર જર્મનીથી આવે છે. આ રોલ ઍડ કરવાનું પછીથી એટલે કે નાટકની રાઇટિંગ-પ્રોસેસ ચાલુ થઈ ગયા પછી અમે નક્કી કર્યું. જર્મનીથી આવતા ડૉક્ટરની એન્ટ્રીનો જે આખો સીન હતો એ વિપુલે ચાલુ રિહર્સલ્સમાં હંસરાજ મોરારજી સ્કૂલમાં રિહર્સલ્સ-હૉલની બહાર ટેબલ-ખુરસી મુકાવીને લખ્યો હતો અને એકદમ અસરકારક એ સીન બન્યો હતો. મોરલ ઑફ ધ સ્ટોરી, વિપુલ અને હરિનભાઈએ બન્નેએ પોતાનો જીવ નાટકમાં હોમી દીધો હતો. 
૨૦૦૪ની ૨૬ સપ્ટેમ્બર.
તેજપાલ ઑડિટોરિયમમાં નાટક ઓપન કર્યું. જોકે નાટક ઓપન થવા પાછળ એક નાનકડી પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એ દિવસોમાં અમારું નાટક ‘અમે લઈ ગયા, તમે રહી ગયા’ ચાલતું હતું. આ નાટકમાં પ્રોડક્શન-મૅનેજર પ્રણવ ત્રિપાઠી હતો. આ પ્રણવ સ્વતંત્ર પ્રોડ્યુસર બન્યો, પણ એ સમયે તે પ્રોડક્શન-મૅનેજર હતો તો આજે પ્રેઝન્ટર અને પ્રોડ્યુસર એવો કિરણ ભટ્ટ ઍક્ટર તરીકે કામ કરતો. કિરણ ભટ્ટ નાટક ‘અમે લઈ ગયા, તમે રહી ગયા’માં એક રોલ કરે. પ્રણવ અને કિરણ બન્ને ફ્રેન્ડ અને નાટકમાં સાથે હોવાથી એ બન્નેની શર્મન સાથે પણ મિત્રતા બંધાઈ ગઈ. બન્ને જણે નક્કી કર્યું કે આપણે એક બૅનર શરૂ કરીએ અને એમાં શર્મનને મુખ્ય ભૂમિકામાં લઈને એક નાટક કરીએ. 
૨૬ સપ્ટેમ્બરની તેજપાલ ઑડિટોરિયમની ડેટ સંજય ગોરડિયા પ્રોડક્શન પાસે અને નાટક થવાનું હતું ‘અમે લઈ ગયા, તમે રહી ગયા’, પણ ૧૫ દિવસ પહેલાં એટલે કે દસમી તારીખની આસપાસ મને શર્મનનો ફોન આવ્યો કે હું કિરણ-પ્રણવનું નાટક કરું છું તો ઑક્ટોબર મહિનાથી તમારા નાટકના શો નહીં કરું. 
તમે આખી ક્રૉનોલૉજી સમજજો. 
દિલીપ જોષીએ તેના અંગત કારણસર આ નાટક કરવાની ના પાડી અને શર્મન એ કરવા રાજી થયો. શર્મને પછી નાટકમાં કામ કરવાની ના પાડી જેના છેલ્લા-છેલ્લા શો જ ચાલતા હતા. શર્મનની ના પછી મેં મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીને કહ્યું કે આમ પણ ‘અમે લઈ ગયા, તમે રહી ગયા’ નાટક હવે પૂરું થવામાં છે, બહુ શો હવે થવાના નથી તો પછી આપણે ૨૬ સપ્ટેમ્બરે તેજપાલ ઑડિટોરિયમની ગોલ્ડન ડેટમાં શું કામ ‘લાલી લીલા’ ઓપન ન કરીએ? 
લગ્ન હોય તેનાં જ ગીતો ગાવાનાં હોય અને મિત્રો, કૌસ્તુભ માની ગયો અને આમ અમે તેજપાલમાં ‘લાલી લીલા’ ઓપન કર્યું. જો એ સમયે તેજપાલમાં ‘લાલી લીલા’ ઓપન ન થયું હોત તો બીજા પંદરેક દિવસ રિહર્સલ્સ ચાલ્યાં હોત, પણ જેવું નક્કી થયું કે તરત અમે રિહર્સલ્સની સ્પીડ વધારી દીધી. નાટક ઓપન થયું અને શું કહું તમને. 
નાટક જોઈને તેજપાલમાં બેઠેલું ઑડિયન્સ હચમચી ગયું. નવા કલાકારોએ એવો તરખાટ મચાવ્યો કે જનતા ખુશ-ખુશ થઈ ગઈ અને સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું. અદ્ભુત નાટક બન્યું હતું. આ નાટકની પબ્લિસિટી મેં જાતે કરવાનું નક્કી કર્યું હતું. એ વખતે ગુજરાતી રંગભૂમિના અમુક પબ્લિસિસ્ટથી હું બહુ ત્રાસી ગયો હતો, જેને નજરમાં રાખીને મેં આ નિર્ણય લીધો હતો. રોજ નવાં-નવાં લેઆઉટ બનાવી લાવતો. એ લેઆઉટને કારણે એક નવી ખુશ્બૂ પ્રસરી તો નવા કલાકારોએ પોતાની ફ્રેશનેસ સાથે તેજપાલ આખું હચમચાવી નાખ્યું. 
નાટક હાઉસફુલ અને શો પૂરો થયો ત્યાં સુધીમાં નાટક સુપરહિટ પુરવાર થયું.
‘અમે લઈ ગયા, તમે રહી ગયા’ નાટક ચાલતું હતું એ જ વખતે અમે લોકોએ મરાઠી નાટકના પ્રોડ્યુસર પાસેથી ‘સહી રે સહી’ના હિન્દી નાટકના રાઇટ્સ લઈ લીધા હતા. એટલું નક્કી હતું કે જેવા ‘લાલી લીલા’માંથી પરવારીશું કે તરત આપણે ‘અમે લઈ ગયા, તમે રહી ગયા’ના હિન્દી નાટકનું કામ ચાલુ કરી દઈશું. જોકે એ પહેલાં એક ઘટના એવી ઘટી જેણે મને અંદરથી હચમચાવી નાખ્યો. મારા જીવનમાં હું બહુ ઓછી ઘટનાઓને દુખદ ઘટના માનું છું અને આ ઘટના એ દુખદ ઘટના પૈકીની એક છે.
તમને યાદ હોય તો અગાઉ મેં એક કિસ્સો કહ્યો હતો અને એવું કહ્યું હતું કે સમય આવ્યે એની વાત કહીશ. વાત છે, ઉમેશ શુક્લની. ‘જલસા કરો જયંતીલાલ’ નાટકની વાત ચાલતી હતી એ દરમ્યાન મેં તમને કહ્યું હતું કે આફ્રિકાની ટૂરમાં ‘પતિ નામે પતંગિયું’ નાટક લઈ જવાનું હતું, જેની તૈયારી માટે મેં ઉમેશ શુક્લને એ નાટકની વિડિયો-કૅસેટ આપી હતી. આફ્રિકામાં એના બે શો કરવાના હતા. ઉમેશ એ શોની તૈયારી કરાવી શકે એ માટે મારી પાસે પડેલી વિડિયો-કૅસેટ તેને આપી હતી. 
એ વાત મેં ત્યાં જ અટકાવી દીધી એ જોઈને મને વાચકોના મેસેજ પણ આવ્યા હતા કે વાત કેમ અધૂરી રાખી દીધી, પણ એ વાતનું અનુસંધાન હવે આવે છે.
‘લાલી લીલા’ ચાલતું હતું એ દરમ્યાન મને બહારથી ખબર પડી કે ઍક્ટર પરેશ રાવલ આ સેમ નાટક ‘નૉટી ઍટ ફોર્ટી’ના નામે હિન્દીમાં કરે છે. તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે આ નાટકના ગુજરાતીના જ નહીં, હિન્દી અને ઇંગ્લિશ એમ ત્રણેત્રણ લૅન્ગ્વેજના રાઇટ્સ અમારી પાસે હતા અને એમ છતાં પરેશે ડાયરેક્ટ રાઇટરને કૉન્ટૅક્ટ કરીને રાઇટ્સ લઈ લીધા અને લેખક અશોક પટોલેએ પણ પૈસાની લાલચમાં રાઇટ્સ આપી દીધા. તેના મનમાં એમ હશે કે જે થશે એ પછી ફોડી લઈશું. 
હું એવું તો નહીં કહું કે પરેશ મારો બહુ સારો મિત્ર છે, તો એ પણ એટલું જ સાચું કે પરેશ સાથે સામાન્ય સ્તરની કહેવાય એવી મિત્રતા તો ખરી જ. અઠવાડિયે એકાદ વાર મળવાનું બને કે પછી ફોન પર વાત થઈ જાય, પણ એ ત્યારની વાત છે. 
મને ખબર પડી કે પરેશે આવું કર્યું ત્યારે મને બહુ દુઃખ થયું. મેં તપાસ કરી તો વધારે પીડા થાય એવી વાત બહાર આવી. આફ્રિકા ટૂરના બે શોની તૈયારી માટે મેં જે કૅસેટ ઉમેશ શુક્લને આપી હતી એ કૅસેટ ઉમેશે પરેશને આપી હતી અને એના પરથી જ એ લોકોએ આખું હિન્દી નાટક ઊભું કર્યું હતું અને એ નાટકના દિગ્દર્શકમાં નામ પણ ઉમેશ શુક્લનું જ હતું.

પેઇનફુલ બનેલી આ ઘટનાની વધારે વાતો આપણે કરીશું આવતા સોમવારે

Sanjay Goradia columnists