05 June, 2026 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૦૨૫માં નાગપુર જિલ્લા પરિષદ દ્વારા IAS વિનાયક મહામુનિના માર્ગદર્શનમાં શરૂ થયેલા પ્રોજેક્ટ DREAM અંતર્ગત ૧૦૩ ગામોમાં લાઇબ્રેરીઓ શરૂ થઈ છે
છેલ્લાં બે અઠવાડિયાંથી આપણે શિક્ષણક્ષેત્રે પ્રવર્તતી અરાજકતા અને એનો ભોગ બનતા વિદ્યાર્થીઓ બાબત વાત કરી અથવા કહોને હૈયાવરાળ કાઢી. હજી પણ એ મામલા મૂંઝવતા કોયડાઓ જેવા વણઉકેલ રહ્યા છે. અવારનવાર અખબારોમાં ગફલત અને ગેરરીતિઓ માટે ઝડપાયેલા પ્રોફેશનલોના સમાચાર ઝળક્યા કરે છે. જોકે આજે આ જ ક્ષેત્રની એક તદ્દન જુદા જ પ્રકારની ઘટના પ્રત્યે ધ્યાન ખેંચવાનું મન થયું છે.
થોડા દિવસ અગાઉ નાગપુરની જિલ્લાપરિષદની વિદ્યાર્થીઓ માટેની એક અનોખી પહેલ વિશે વાંચ્યું. નાગપુરના ગ્રામીણ વિસ્તારોમાં હજી થોડા સમય પહેલાં ખાલી પડેલા અનેક સભાખંડો અને ખખડધજ સ્કૂલોના ક્લાસરૂમ્સ તથા બીજાં અનેક ઉપેક્ષિત સ્થળોની કાયાપલટ થઈ ગઈ છે. આવી ૧૦૦ જેટલી જગ્યાઓમાં ડિજિટલ લાઇબ્રેરીઓ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને વાંચતાં કરવાનો આ ખ્યાલ કોઈ શિક્ષણસંસ્થાને નહીં પણ નાગપુર જિલ્લાપરિષદને આવ્યો છે. છેને આશ્ચર્ય?
હકીકતમાં નાગપુર જિલ્લાપરિષદે ગામવાસીઓના જીવનમાં બદલાવ લાવવાના આશયથી ડેડિકેટેડ રૂમ્સ ફૉર એમ્પાવરમેન્ટ, અવેરનેસ ઍન્ડ મોટિવેશન (DREAM) નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ જ છે તેમનો પ્રોજેક્ટ ડ્રીમ. આ પ્રોજેક્ટનો વિચાર નાગપુર જિલ્લાપરિષદના CEO IAS વિનાયક મહામુનિને ગામડાંઓની મુલાકાત દરમ્યાન આવ્યો હતો. એ મુલાકાતો દરમ્યાન તેમણે જોયું કે લગભગ અનેક ગામોમાં સરકારની માલિકીની જગ્યાઓ વણવપરાયેલી પડી છે - પછી એ આંગણવાડીઓ માટે ફાળવેલી જગ્યાઓ હોય કે બંધ પડેલી સરકારી સ્કૂલો કે ગ્રામપંચાયતની કચેરીઓ હોય. તેમને વિચાર આવ્યો કે આ જગ્યાઓનો ઉપયોગ ગ્રામીણ વિદ્યાર્થીઓ અને યુવાઓ માટે ઉપયોગી થાય એવી સકારાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિ કરવા માટે થાય તો? અને તેમને યાદ આવ્યા એ સૌ ગ્રામીણ વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ કરવા ઉત્સુક છે પણ તેમની પાસે એકાગ્રતાથી અભ્યાસ કરી શકાય એવું કોઈ શાંત સ્થળ નથી હોતું અને તેમને આ ફાજલ પડેલી જગ્યાઓને ઉપયોગી પ્રવૃત્તિ કેન્દ્રોમાં ફેરવી નાખવાનો વિચાર આવ્યો.
જોકે નાગપુર જિલ્લા પરિષદે આ ડિજિટલ લાઇબ્રેરીઓ બનાવવા માટે કોઈ મીટિંગો કે મોટી-મોટી યોજના અને ટેન્ડર્સ બહાર નહોતાં પાડ્યાં, કેમ કે વિનાયક મહામુનિ કહે છે એમ આ પ્રોજેક્ટ ગામવાસીઓ પર બહારથી થોપવાને બદલે તેમની કલ્પના મુજબ સાકાર કરવો હતો. અને ખરેખર, આ પ્રોજેક્ટમાં જે રીતે ગામલોકોનું ઇન્વૉલ્વમેન્ટ સાધવામાં આવ્યું છે એ એની સફળતાની સુપરચાવી છે.
આ પ્રોજેક્ટની શરૂઆત જિલ્લાપરિષદે ગામવાસીઓને એક અનોખું આમંત્રણ મોકલીને કરી હતી. એ આમંત્રણમાં ગામવાસીઓને કહેવાયું હતું કે તમને કેવી લાઇબ્રેરી ગમે કે કેવી લાઇબ્રેરી જોઈએ છે એ ટૂંકમાં પોસ્ટકાર્ડ પર લખીને કે એનું ચિત્ર બનાવીને મોકલો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, યુવાઓ અને સરપંચો સહિત બધાંને પોતાની કલ્પનાની લાઇબ્રેરી વિશે વિચારવા અને એની કલ્પના કરવા પાનો ચડાવવામાં આવ્યો, શબ્દો દ્વારા કે ચિત્રો દ્વારા એનું આલેખન કરવા ઉત્સાહિત કરવામાં આવ્યા.
અને માનશો, થોડા જ દિવસમાં જિલ્લાપરિષદની ઑફિસે પોસ્ટલ વિભાગનાં પીળાં પોસ્ટકાર્ડ્સના ખડકલા થઈ ગયા. એમાંથી જ જન્મી આ દરેક ગામની ઈ-લાઇબ્રેરી. ગામલોકોની કલ્પના મુજબની અને તેમને જોઈતી હતી એવી ડિજિટલ લાઇબ્રેરીઓ તૈયાર કરવામાં આવી. દરેક ગામે પોતપોતાની ન વપરાતી જગાઓ શોધી કાઢી. એમાં તૈયાર થનારી લાઇબ્રેરીનો દેખાવ, એની દીવાલો કેવા રંગની હશે કે એનું ફર્નિચર અને માહોલ કેવો હશે એ બધા વિશે પોતાની પસંદગી રજૂ કરી અને જિલ્લાપરિષદે ગામવાસીઓની મરજી મુજબની લાઇબ્રેરી તૈયાર કરવાનું વચન પાળ્યું. આમ ગામવાસીઓને સામેલ કરવાને પરિણામે આ પ્રોજેક્ટ ગામવાસીઓને પોતાના માટેનો પોતાની પસંદગી અનુસારનો પ્રોજેક્ટ લાગ્યો. પછી એની સફળતા અંગે કોઈ શંકા ક્યાંથી રહે? આજે એક જ વર્ષમાં ૧૦૦ જેટલી લાઇબ્રેરીઓ શરૂ થઈ ગઈ છે. દરેક લાઇબ્રેરીમાં સાતસોથી વધુ પુસ્તકો, બે કમ્પ્યુટર, સ્માર્ટ TV, CCTV કૅમેરા, ઇન્ટરનેટ તેમ જ ડિજિટલ લર્નિંગ માટેની સગવડો ઉપલબ્ધ છે. આવી દરેક નવનિર્મિત ડિજિટલ લાઇબ્રેરીઓ પાછળ આઠથી ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ હવે એની જાળવણી જે-તે ગામની જવાબદારી રહે છે. આ વ્યવસ્થા સરસ રીતે ચાલતી રહે એ માટે દરેક લાઇબ્રેરીની જવાબદારી એક-એક અધિકારીને સોંપાઈ છે. એ અધિકારી દ્વારા ગામજનો અને સ્થાનિક યુવાઓને લઈને વિલેજ લાઇબ્રેરી કમિટીઓ બનાવવામાં આવી છે. નક્કી કરેલા ફન્ડમાંથી લાઇબ્રેરીનું મેઇન્ટેનન્સ અને દેખરેખ ગામવાસીઓની સહભાગિતાથી યોગ્ય રીતે થાય એનું આ કમિટીઓ ધ્યાન રાખે છે.
આજે ગ્રામીણ યુવાઓ આધુનિક ટેક્નૉલૉજી અને તકોનો ઉપયોગ પોતાના ગામમાં પણ મેળવી શક્યા છે એનો પ્રભાવ તેમના અભ્યાસમાં દેખાય છે. શિક્ષણ દ્વારા કારકિર્દી ઘડીને જીવનમાં આગળ વધવા ઉત્સુક વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને આ લાઇબ્રેરીઓ એક આશીર્વાદ સમી લાગે છે.
સરકારી અધિકારીઓ જનહિતને ધ્યાનમાં રાખીને કલ્પનાશીલતાથી અને નવા-નોખા ધોરણે વિચારે અને જનતા માટેના કાર્યમાં જનતાને સહભાગી બનાવે તો કેટલું સુંદર પરિણામ આવે એનું ઉત્તમ ઉદાહરણ નાગપુર જિલ્લાપરિષદે પૂરું પાડ્યું છે.
શિક્ષણના ક્ષેત્રનું આ તો એક બહુ જ નાનું ઉદાહરણ છે, બહુ નાનું પગલું છે; પરંતુ મહામુનિ જેવા અધિકારીએ જે ધ્યેયથી, જે પદ્ધતિથી અને જે ઇનોવેટિવ અભિગમથી આ પરિવર્તનને સૌના સહકારથી સાકાર કર્યું એ કોઈ પણ મોટી સંસ્થા માટે ચોક્કસ અનુકરણીય બની શકે. લાખો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી હૅન્ડલ કરતી CBSE કે NEET જેવી પરીક્ષાઓનું સંચાલન કરતી નૅશનલ ટેસ્ટિંગ એજન્સી કે અન્ય કોઈ પણ એમના જેવી સંસ્થાઓ પાસે તો કેટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૅનપાવર ઉપલબ્ધ હોય. કાશ, તેમની પાસે વિદ્યાર્થીઓના હિતની આવી કાળજી અને ધ્યેયપ્રતિબદ્ધતા હોત.