નર્ગિસને ખબર નહોતી કે જે નામ જન્મોત્રીમાં હોય એ નામ ઘણી વખત કંકોતરીમાં નથી હોતું

22 February, 2026 03:43 PM IST  |  Mumbai | Rajani Mehta

આ સાંભળતાં નર્ગિસ દુખી થઈ જતી. તેમ છતાં તે રાજ કપૂરને દોષી નહોતી માનતી. પ્રેમમાં તે આટલી બાંધછોડ કરવા તૈયાર હતી. પરંતુ સમય જતાં ભાર પ્રેમનો નહીં, એની સાથે જોડાયેલી અપેક્ષાઓનો લાગે છે. 

નર્ગિસ અને રાજ કપૂર

યે મોહબ્બત ભી અજીબ ચીઝ હૈ યારોં

જો દિલ મેં તો આતી હૈ,

સમઝ મેં નહીં આતી

પ્રેમ સમજવાની નહીં, અનુભવવાની ચીજ છે.  સ્વામી સચ્ચિદાનંદ કહે છે, ‘શાણા માણસો કદી  પ્રેમમાં પડતા નથી.’ જે ખેલમાં બાજી હારીને જીતવાનો આનંદ લેવાનો હોય એ વાત શાણા માણસો કદી સ્વીકારી ન શકે. જે વ્યક્તિને પ્રેમનો નશો ચડયો હોય તેને પરિણામની પરવા નથી હોતી. 

નર્ગિસનો રાજ કપૂર માટેનો પ્રેમ પાગલપણની હદ વટાવી ગયો હતો. તેણે રાજ કપૂરની ભૂરી આંખોમાં પોતાના સપનાનો મહેલ ઊભો કરી નાખ્યો. ‘આવારા’માં નર્ગિસ ‘આ જાઓ તડપતે હૈં અરમાન’ ગાતી વખતે કેવળ હોઠ નહીં, હૃદય પણ ફફડાવતી હોય એવું પ્રતીત થાય છે. સામા પક્ષે રાજ કપૂર પણ ‘અંદાઝ’માં જ્યારે ‘યૂં ન હંસ હંસ કે દેખા કરો સબ કી તરફ, લોગ ઐસી હી અદાઓં પે ફિદા હોતે હૈં’ ગાતાં પોતાની દીવાનગીના પુરાવા આપે છે.  રશિયામાં ‘આવારા’ના પ્રીમિયર વખતે બન્ને વચ્ચેનો સૂર-તાલ મેળ એટલો સહજ હતો કે ત્યાંના લોકો આ બન્ને પતિ-પત્ની નથી એ માનવા તૈયાર નહોતા.

નર્ગિસ રાજ કપૂરને પોતાનું સર્વસ્વ માનતી પણ રાજ કપૂરે તેના માટે જુદું ઘર વસાવ્યું નહોતું. દરરોજ સવારે તે સ્ટુડિયો આવતી અને સાંજે ભાઈઓના ઘરે જતી. વચ્ચે-વચ્ચે બન્ને થોડા દિવસ માટે મહાબળેશ્વર કે બીજી કોઈ જગ્યાએ જતાં પણ સાત-આઠ દિવસ થાય એટલે રાજ કપૂર કહેતા, ‘હવે પાછાં જઈએ. મારો પરિવાર મારી રાહ જોતો હશે.’

આ સાંભળતાં નર્ગિસ દુખી થઈ જતી. તેમ છતાં તે રાજ કપૂરને દોષી નહોતી માનતી. પ્રેમમાં તે આટલી બાંધછોડ કરવા તૈયાર હતી. પરંતુ સમય જતાં ભાર પ્રેમનો નહીં, એની સાથે જોડાયેલી અપેક્ષાઓનો લાગે છે.   

વિખ્યાત લેખિકા ઇસ્મત ચુગતાઈ (જેમની વાર્તા પરથી ‘સોને કી ચિડિયા’ બની) કહે છે, ‘જે રીતે રાજ કપૂરનો ઉછેર થયો હતો એનાથી એક વાત સ્પષ્ટ હતી કે કપૂર ખાનદાનમાં અભિનેત્રીને પત્ની તરીકે સ્વીકારવામાં નહીં આવે. એ દિવસોમાં ફિલ્મોમાં કામ કરવા બદલ સ્ત્રીઓ ઉપરાંત અમુક અંશે પુરુષોને પણ સહન કરવું પડતું. કલકત્તા હતા ત્યારે તેમણે રાજ કપૂર માટે એક છોકરી પસંદ કરી હતી. બન્ને પરિવાર પૈસે ટકે સમકક્ષ હતા તેમ છતાં છોકરીનો પરિવાર પૃથ્વીરાજ કપૂર અભિનેતા છે એ કારણે સંબંધ બાંધવા રાજી નહોતા.’

‘પૃથ્વીરાજ કપૂરના મનમાં ભય હતો કે પોતાની એકની એક દીકરીને સારો પરિવાર નહીં મળે. તેમણે રાજ કપૂરને કહ્યું હતું, ‘કોઈ અભિનેત્રી સાથે પ્રેમ કરવો હોય તો કરજે પણ એક વાત સમજી લે. તારા જીવનમાં તેનું સ્થાન એક અભિનેત્રીનું જ રહેવું જોઈએ. જો એ કપૂર ખાનદાનમાં વહુ તરીકે આવશે તો આપણી આબરૂમાં તડ પડશે.’

‘એટલે જ રાજ કપૂરે પોતાના જીવનમાં બે ખાનાં પાડી દીધાં હતાં. એક ખાનું પત્નીનું અને બીજું ખાનું અભિનેત્રીનું. તે કૃષ્ણાદેવીને કહેતા, ‘તું મારું સર્વસ્વ છો. મારા જીવનમાં તારું  સ્થાન કોઈ નહીં લઈ શકે. મારી નાયિકાઓને હું પ્રેમ કરું છું એ સાચું નથી હોતું. એ પડદા પરનું નાટક હોય છે.’

ઇસ્મત ચુગતાઈ રાજ કપૂર વિશે કહે છે, ‘એ તેનું પ્રેમનું નાટક હોય તોય કોઈનેય પણ સાચું લાગે એટલું અસ્સલ હતું. પ્રેમનું ખોટું નાટક કરતાં-કરતાં એમાં સચ્ચાઈનો આભાસ ઊભો કરનાર તેના જેવો અભિનેતા આજ સુધી થયો નથી અને થશે પણ નહીં.’

રાજ કપૂરના ગળાડૂબ પ્રેમમાં પડેલી નર્ગિસ કોઈ આભાસમાં જીવવા નહોતી માગતી. તે આ  સંબંધને  નામ આપવા ઉતાવળી હતી. તેની એ દિવસોની મનોદશાની વાત કરતાં અભિનેત્રી નીલમ (જે રાજ કપૂરની સ્કૂલના સમયથી મિત્ર હતી) તે કહે છે, ‘એક દિવસ નર્ગિસ ઘરે આવીને કહે, ‘ચાલ મારી સાથે. આપણે મોરારજી દેસાઈને (એ સમયના મુંબઈના ચીફ મિનિસ્ટર) મળવા જવું છે. રાજે મને તેમને મળવાનું કહ્યું છે.’

‘શું કામ?’

‘રાજને અને મારે લગ્ન કરવાં છે. મોરારજીભાઈ હમણાં જ દ્વિપત્ની પ્રતિબંધક કાયદો લાવ્યા છે. અમારાં લગ્નમાં આ કાયદો નડે છે એટલે એક સ્પેશ્યલ કેસ તરીકે અમને છૂટ મળે એ માટે તેમની રજા લેવાનું રાજે મને કહ્યું છે.’

 ‘મને નર્ગિસની નાદાની પર દયા અને ભોળપણ પર તરસ આવી. રાજ કપૂરને હું વર્ષોથી જાણતી હતી. તેમ છતાં એક મિત્રને નાતે અમે કૉન્ગ્રેસ હાઉસ પહોંચ્યાં. મોરારજીભાઈ ગંભીર મુખમુદ્રામાં બેઠા હતા. અમને ચૂપચાપ ઊભેલાં જોઈ તે બોલ્યા, ‘બોલો, મારું શું કામ છે તમને?’

નર્ગિસ એટલી ડરેલી હતી કે મારે બોલવું પડ્યું, ‘મારી બહેનપણીને તમારી સાથે એક વાત કરવી છે.’

‘જે કાંઈ કહેવું હોય એ જલદી કહો, મારી પાસે સમય નથી.’

તેમની કરડાકીભરેલી ભાષા સાંભળી ડરતાં-ડરતાં નર્ગિસ બોલી, ‘મારે રાજ કપૂર સાથે લગ્ન કરવાં છે.’

આ સાંભળતાં મોરારજીભાઈ ધારદાર નજરે નર્ગિસ સામે જોઈને બોલ્યા, ‘એ શક્ય નથી. તમે કાયદો નથી જાણતાં?

‘કાયદો જાણું છું સર, પણ...’

નર્ગિસ આગળ કાંઈ પણ બોલે એ પહેલાં તેમણે સખ્તાઈથી કહ્યું, ‘કાયદો જાણો છો એમ છતાં પણ આવું બેઆબરૂ કરતું કામ લઈને અહીં આવીને મારો સમય બગાડો છો? બીજી વાર આવાં ફાલતુ કામ લઈને મને મળવાની હિંમત ન કરશો.’

‘અમે બન્ને નીચું મોઢું કરી ત્યાંથી બહાર નીકળી ગયાં. નર્ગિસ ભાંગી પડી. તેના માટે હકીકતનો સ્વીકાર કરવો મુશ્કેલ કામ હતું. મને તેની દયા આવતી, પણ હું લાચાર હતી.’

અભિનેત્રી નીલમના ઇન્ટરવ્યુ પરથી એટલો મર્મ નીકળે કે રાજ કપૂરની આ સંબંધને કોઈ નામ આપવાની ઇચ્છા નહોતી. ધાર્યું હોત તો બીજા રાજ્યમાં જઈને આ લગ્ન થઈ શક્યાં  હોત, પણ એમ ન કરવા માટે તેમની પાસે કારણો હતાં.

મુગ્ધાવસ્થાની કડવી વાસ્તવિકતા એ હોય છે કે જે ઉંમરે પ્રેમ કરવાનો હોય ત્યારે જ લગ્ન કરવાનો નિર્ણય લેવો પડતો હોય છે. જેની લગની લાગી હોય તેની સાથે લગ્ન કરવાનું સદ્ભાગ્ય દરેકનું નથી હોતું. જીવનની આ કરુણતા સૌએ સ્વીકારવી પડે છે. જે નામ જન્મોત્રીમાં હોય એ નામ ઘણી વખત કંકોતરીમાં નથી હોતું. અમુક સંબંધો અનામી રહેવા માટે જ સર્જાયેલા હોય છે.

રાજ કપૂરના પ્રેમમાં પરવશ નર્ગિસ તેના જીવનની The Other Woman બનીને રહેવા લાગી. તેણે પોતાનું તન, મન અને ધન સઘળું રાજ કપૂર અને આર. કે. ફિલ્મ્સને સમર્પિત કરી દીધું હતું. આર. કે. સિવાયની બહારની જે ફિલ્મો તે રાજ કપૂર સાથે કરતી એની ફી તરીકે મળતી રકમ તે સ્ટુડિયોના ખર્ચ માટે આપી દેતી. રાજ કપૂર નર્ગિસના ભાઈઓને ઘરખર્ચ માટે પાંચ હજાર રૂપિયા આપતા હતા.

રાજ કપૂર સાથેના સંબંધમાં નર્ગિસ ખુશ હતી, પણ સુખી નહોતી. તેની સાથેના પ્રેમના દસ્તાવેજમાં Conditions Applyની જે શરત હતી એ ધીરે-ધીરે તેના માટે બોજ બનતી જતી હતી. પત્નીનો દરજ્જો ભલે ન મળ્યો પરંતુ બહારની ફિલ્મોમાં કામ ન કરવા મળતાં તેની અભિનયકળા ગૂંગળાતી હતી.

સૈફ પાલનપુરીની પંક્તિ યાદ આવે છે

છે ઘણા એવા જેઓ યુગને પલટાવી ગયા

પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા

અભિનેત્રી નીલમ કહે છે, ‘રાજ સાથેના છેવટના સમયમાં નર્ગિસને લાગતું કે આ સંબંધ નિરર્થક અને પોકળ છે. મારે આમાંથી બહાર નીકળવું જોઈએ અને કોઈ સમજદાર પુરુષ સાથે લગ્ન કરી લેવાં જોઈએ.

‘રાજ કપૂરને આ વાતનો અણસાર આવી ગયો હતો પરંતુ તેને ખાતરી હતી કે આ શક્ય નથી. કોઈ પુરુષ હવે નર્ગિસનો સ્વીકાર નહીં કરે એવું માનતાં તેણે કહ્યું, ‘તું ગમે તે કર, મારા સિવાય હવે તારા માટે કોઈ રસ્તો નથી. તારે બીજા કોઈ સાથે લગ્ન કરવાં હોય તો મને કોઈ વાંધો નથી.’

‘સમયનો તકાજો હતો એટલે ચૂપ રહીને નર્ગિસ ગમનો ઘૂંટડો ગળી ગઈ. તેણે નક્કી કર્યું કે તે બહારની ફિલ્મોમાં કામ કરશે અને તેણે ‘મધર ઇન્ડિયા’ સાઇન કરી. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન બન્ને વચ્ચે એક અદૃશ્ય દીવાલ મોટી થતી જતી હતી. નર્ગિસની બાબતમાં રાજ એકદમ પઝેસિવ હતો. ઘરમાં આપણને ફુલટાઇમ એક બાઈ જોઈએ એમ તેને આર. કે. માટે એક ફુલટાઇમ અભિનેત્રી જોઈતી હતી જે ૨૪ કલાક હાજર હોય.’ 

એક આડવાત. નર્ગિસના પક્ષે ન્યાય કરવા એક વાત જાણવી જરૂરી છે. તેણે મેહબૂબ ખાનને કહ્યું હતું કે ‘મધર ઇન્ડિયા’માં તેના પતિનો રોલ રાજ કપૂરને આપે. પરંતુ તેમણે એ વાત ન માની. કદાચ રાજ કપૂર મોટી કિંમત માગે અથવા ના પાડે એવો ભય તેમના મનમાં હોવો જોઈએ. નર્ગિસે બિરજુના રોલ માટે મેહબૂબ ખાનને આગ્રહ કર્યો. તેમનો પ્રશ્ન હતો કે આ રોમૅન્ટિક જોડીને પ્રેક્ષકો મા-દીકરાની ભૂમિકામાં સ્વીકારશે? તેમણે દિલીપકુમારનું નામ  સજેસ્ટ કર્યું, જેની નર્ગિસે ના પાડી.

‘મધર સન્ડિયા’નું શૂટિંગ ચાલતું ત્યારે વૃદ્ધ સ્ત્રીના મેકઅપમાં નર્ગિસ આર. કે. સ્ટુડિયોમાં આવતી ત્યારે રાજ કપૂર ‘દેખો બુઢ્ઢી આઈ’ કહી તેની મજાક ઉડાડતા અને કહેતા, એક પ્રૌઢ સ્ત્રીનો રોલ કરીને આને મહાન અભિનેત્રી બનવું છે.’

અંતે એક દિવસ એવો આવ્યો કે નર્ગિસે પોતાનો સરસામાન લીધા વિના રાજ કપૂર અને આર. કે સ્ટુડિયોનો સાથ હંમેશ માટે છોડી દીધો.  

nargis dutt raj kapoor rajani mehta columnists life and style lifestyle news